મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
‘સંયુક્ત કુટુંબ’ કેટલો સુંદર અને પાવન શબ્દ છે! સાંભળીને જ એક અલૌકિક અનુભૂતિ થાય.એક ગર્વ મહેસૂસ થાય. જાણે કે પૂર્વજન્મના કોઈ ઋણાનુબંધનો ભેગા થયા હોય, એમ યુગે યુગે જન્મ લેતાં એક હૃદયનું બીજા હૃદય સાથેનું જોડાણ દેખાય.
ભારતમાં સંયુક્ત કુટુંબની વ્યવસ્થા પ્રાચીનકાળથી ચાલી આવી રહી છે. સંયુક્ત પરિવારો તે છે,જ્યાં એક છત હેઠળ એક કરતાં વધુ પેઢીના સભ્યો સાથે રહે છે.આમાં દાદા-દાદી,માતા-પિતા,કાકા-કાકી, ભાઈ-ભાભી અને તેમના બાળકો સામેલ હોય છે.ભારતમાં સંયુક્ત કુટુંબનો ટ્રેન્ડ વરસો જૂનો છે.પરંતુ હવે દિવસે દિવસે સંયુક્ત કુટુંબની સંખ્યા ઘટી રહી છે.સંયુક્ત કુટુંબના અનેક ફાયદાઓ હોવા છતાં સ્વતંત્રતા ઝંખતી નવી પેઢી સ્વચ્છંદતાને પોષવા માટે કે પછી મનમાની કરવા માટે પરિવારમાંથી વિખૂટા પડી રહ્યા છે.અરે,અમુક તો એવા કિસ્સા નજર સામે આવે છે કે,મા બાપને એકમાત્ર દીકરો હોય તો પણ તે દીકરો મા-બાપથી અલગ રહેતો જોવા મળે છે.ભલે નવી પેઢી સ્વતંત્ર રહેવાનું પસંદ કરતી હોય,પરંતુ સંયુક્ત કુટુંબના ફાયદાને અવગણી શકાય તેમ નથી.આ રહ્યા સંયુક્ત કુટુંબના કેટલાક ફાયદાઓ.
સંયુક્ત કુટુંબમાં રહેવાનો એક ફાયદો તો એ છે કે કઝીન કાકા-કાકી અને દાદા-દાદી સાથે ઉછરતા બાળકોને એક બીજાથી નજીક રહેવા અને જોડાઈ રહેવાની તક આપે છે.બાળકો તેમના વડીલોનો પ્રેમ મેળવે છે અને તેમનો આદર કરતા કરવાનું શીખતા શીખતા મોટા થાય છે.આમ થવાથી બાળકો મોટાં થાય ત્યાં સુધીમાં વડીલો પ્રત્યેનો આદરભાવ અને આજ્ઞાંકિતપણું કેળવાઈ જતું હોય છે.આવી સ્થિતિમાં સંયુક્ત કુટુંબમાં રહેવાના ઘણા ફાયદા છે.એક સાથે મોટા થતા બાળકો એકબીજાની સંભાળ રાખવાનું અને એકબીજાને માન આપવાનું શીખે છે.પોતાની આસપાસના લોકો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વલણ રાખવાનું પણ શીખે છે. નોકરિયાત માતા-પિતા માટે તો સંયુક્ત કુટુંબ આશીર્વાદરૂપ બની રહે છે.આવા પરિવારમાં કાકા કાકી અથવા દાદા દાદી કે કુટુંબના વડીલ સભ્યો બાળકોની સંભાળ રાખે છે, ત્યારે નોકરી પર જતા માતા-પિતાને પોતાના બાળકોની ચિંતા રહેતી નથી.
આજે વિદેશમાં પતિ પત્ની જોબ અથવા બિઝનેસ કરતા હોય છે.તેથી વિક એન્ડ સિવાયના દિવસો દરમિયાન સાથે રહેવા માટે ભાગ્યે જ મળતું હોય છે, કારણ કે તેમના કામની જગ્યા અને રહેઠાણ દૂર હોય છે અથવા તો મુખ્યત્વે કામના સમયની વચ્ચે ઘણા કલાકનો તફાવત હોય છે. એટલે કે એક ઘરમાં પ્રવેશે છે, ત્યારે બીજો કામે જવા નીકળે છે. ત્યાં સંયુક્ત કુટુંબ પ્રથા ઓછી જોવા મળતી હોય છે. એટલે ત્યાંના સંતાનો કેવી રીતે અને કોની સાથે રહેતા હશે, એવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ત્યાં બેબી સીટિંગની સુંદર વ્યવસ્થા હોય છે. તેની સરકાર સીધી કે આડકતરી રીતે મદદ પણ કરતી હોય છે, એટલે વાંધો આવતો નથી. આજે આપણા મનમાં પણ સવાલ થાય છે. આપણા ભારત જેવા દેશમાં પણ જ્યાં પતિ પત્ની બન્ને કામ પર જતા હોય છે, ત્યાં હંમેશાં સંતાનને આખો દિવસ ક્યાં સાચવવું ? ઘરમાં કોઈ દેખરેખ રાખનાર હોય તો પ્રશ્ર્ન ઉપસ્થિત થતો નથી,પણ જ્યારે કોઈ ઘરમાં સાચવવાવાળું ન હોય,ત્યારે મુશ્કેલી પડે છે. ઘણીવાર વિભક્ત કુટુંબમાં બાળકનો ઉછેર કરતા દંપતીને આંખે પાણી આવી જાય છે. જ્યારે સંયુક્ત કુટુંબમાં બાળક ક્યારે મોટું થઈ જાય તેની ખબર પણ પડતી નથી. જ્યારે દંપતીઓ કામમાં વ્યસ્ત હોય છે, ત્યારે આપણા સંકુચિત સમાજમાં ચર્ચાઓ થતી પણ સાંભળતા હોઈએ છીએ, કે બાળકને રેઢાં મૂકી જાય છે. બાળકને સંસ્કાર ક્યાંથી મળે? બાળકનો વિકાસ કેવી રીતે થાય? આવા અનેક પ્રશ્ર્નો અને ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે. ત્યારે આપણને એવો પ્રશ્ર્ન થાય કે શું પરદેશમાં આવો પ્રશ્ર્ન નહીં થતો હોય? આવા જ કંઇક સામાજિક વિચારોને કારણે આપણે ત્યાં જ સંયુક્ત કુટુંબ જોવા મળે છે.આજના ખર્ચા અને મોંઘવારીના યુગમાં પતિ પત્ની બંનેને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે નોકરી કે ધંધો કરવો અનિવાર્ય થઈ ગયો છે. ઘણી વખત સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે કે સમયનો ઉપયોગ કરવા માટે સ્ત્રીને બહાર જવું પડતું હોય છે. આવા સમયે બાળકોને સાચવવાની જવાબદારી સ્વાભાવિક રીતે જ ઘરમાં રહેનાર અને નિવૃત્ત થઈ ગયેલા વડીલોની બનતી હોય છે. બાળકોની સંભાળ સાથે ઘરનું નાનું મોટું કામ પણ કરવું પડતું હોય છે.
સંયુક્ત કુટુંબના આ અને આવા બીજા ઘણા ફાયદા છે. મોટો પરિવાર એક મોટી ટીમ તરીકે કામ કરે છે. સફાઈ જેવા ઘરના કામની વાત આવે છે, ત્યારે કાર્યો એકબીજા વચ્ચે વહેંચાઈ જાય છે. આવી સ્થિતિમાં કામનો ભાર કોઈ એક ઉપર પડતો નથી. પરિણામે પરિવારનો કોઈ પણ સભ્ય ક્યારેય કામ અંગે તણાવ કે ટેન્શનનો અનુભવ કરતો નથી. કુટુંબના તમામ કમાતા સભ્યો ઘરનો ખર્ચ ઉઠાવી લેતા હોય છે. જ્યારે કોઈ સભ્યોને આર્થિક નુકસાન અથવા નોકરી છૂટી જાય છે, ત્યારે તેના પરિવારના અન્ય સભ્યો દ્વારા તેની દૈનિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે, એનું ધ્યાન રાખવામાં આવે છે. એવું પણ બની શકે કે કુટુંબમાં કોઈ વ્યક્તિ નબળી હોય છે, તો કોઈક વ્યક્તિ સબળ ! તેમ છતાં બધા તન,મન અને ધનથી એકબીજાને મદદરૂપ થતા હોય છે. કુટુંબના દરેક સભ્યનો એક અવાજ અને સહયોગ ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને કુટુંબના વડા કે જેણે રાત દિવસ મહેનત કરીને કુટુંબને સુખ અને સંપના તાંતણે બાંધી રાખ્યા હોય તેનું માન અને મોભો જાળવવો જોઈએ, એ મહત્ત્વનું હોય છે. આવા વડીલને દુ:ખ ન લાગે, તેઓની લાગણી ન દુભાય એની સૌએ કાળજી લેવી જરૂરી હોય છે.
ગુજરાતમાં કુલ ૧.૨૨ કરોડ પરિવાર આવેલા છે. જેમાં શહેરમાં વસતા ૫૪ લાખ પરિવારોમાંથી ૧૩ લાખ પરિવાર સંયુક્ત પરિવાર છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વસતા ૬૮ લાખ પરિવારમાંથી ૧૯ લાખ પરિવાર સંયુક્ત પરિવાર છે. ૨૨ લાખ પરિવાર એવા છે, જ્યાં બેથી વધારે કપલ એક ઘરમાં રહે છે. ત્રણથી વધારે કપલ ધરાવતા પાંચ લાખ પરિવાર છે. ચારથી વધારે કપલ ધરાવતા ૭૦ હજાર પરિવાર છે. ૧૦થી વધુ લોકો ધરાવતા ૨૫ હજારથી વધારે પરિવાર છે. ૧૯૯૮નું પૂર, ૨૦૦૧નો ભૂકંપ, ૨૦૦૨ના રમખાણો, ૨૦૨૦-૨૧નો કોરોના વગેરેમાં જુસ્સો અને હિંમત આપવાની મહત્ત્વની ભૂમિકા સંયુક્ત પરિવારે ભજવી છે. ‘હું છું ને!’ ‘તું ચિંતા કેમ કરે છે ?’ ‘સૌ સારા વાનાં થઈ રહેશે.’ ‘ઈશ્ર્વર સૌનો છે.’ ‘ખાઓ, પીઓ ને જલસા કરો.’ ‘ટેન્શન નહીં લેવાનું, છેલ્લે સુધી લડી લઈશું.’ આ અને આવા આશ્ર્વાસનવાળા શબ્દોથી સંયુક્ત પરિવારમાં આવનારી આફત કે દુ:ખ હળવાં થઈ જાય છે. પરિવારને દર્દની દવા મળી જાય છે.
સંયુક્ત કુટુંબના ફાયદાઓની સાથે સાથે કેટલીક મર્યાદાઓ પણ છે.ઘણી વખત ભાઈ ભાઈને,દેરાણી જેઠાણીને,સાસુ વહુને,નણંદ ભોજાઈને,મા દીકરાને,બાપ દીકરાને કે કાકા – બાપાના છોકરાઓને અંદરો અંદર બનતું હોતું નથી.કોઈ કારણસર ઘરમાં કાયમી ધોરણે ઝઘડા પણ થતા હોય છે.એકબીજાથી છુપા છુપ રમત રમવા લાગે છે.નાની નાની વાતોમાં ઝઘડાઓ થતા જોવા મળે છે.કોઈ વાર ઘરમાં બાળકોના ભણતર,રમત કે કોઈ વસ્તુ માટે પણ ઝઘડા થતા હોય છે.કોઈને અમુક વસ્તુ ફાવે કોઈને બીજી વસ્તુ ફાવે.આમ નાની – મોટી વાતોમાં કંકાસ થવાના પ્રશ્નો ઊભા થતા હોય છે.ખાસ કરીને ઘણીવાર કોઈ કુપાત્ર અથવા તો અસંતોષી પુત્રવધૂ જો ઘરમાં આવી જાય,ત્યારે પણ ગમા કે અણગમાના કારણો સામે આવી જતા હોય છે.આમ જોઈએ તો ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ ! ‘ઘેર ઘેર માટીના ચૂલા !’
આજે ભલે કુટુંબ પ્રથાને ધીરે ધીરે દૂર ધકેલી દેવામાં આવે,
તેમ છતાં આજે દેશમાં એવા ઘણા સંયુક્ત કુટુંબો છે કે જેની નોંધ લેવી ઘટે.
અમદાવાદમાં એક મુનશી પરિવારની વાત કંઈક એવી અનોખી છે. ત્યાં ઘણા વર્ષોથી એક જ રસોડે રસોઈ બને છે. બધા જ સભ્યો ડૉક્ટર છે. તબીબી વ્યવસાય સાથે જોડાયેલા છે. મુનશી પરિવાર ઘણા પરિવારો માટે પ્રેરણારૂપ બની રહે તેવું છે. ત્રણ પેઢીથી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા આ મુનશી પરિવારને જાણે કે દરેક સભ્યોને ડૉક્ટર બનવાની ટેવ પડી છે! કુટુંબના તમામ સભ્યો એકબીજા સાથે અડીખમ બનીને ઊભા રહે છે. હા,મુનશી પરિવાર એવું માને છે કે અમારે ત્યાં કોઈ હેડ છે, એવું નથી બધા સરખા છે. ઘરની ત્રણ મોટી વહુ વચ્ચે ચાર ચાર મહિના માટેની જવાબદારીઓ વહેંચાઈ જાય છે. ઘરના સંચાલન માટે એક કોમન ફંડ છે. જેમાં ત્રણ પરિવાર એકસાથે રહેતાં હોવા છતાં બધા સ્વતંત્ર હોય એ રીતે વર્તે છે. રોજ ચા વખતે વિશાળ ડાઇનિંગ ટેબલ પર બધા ભેગા થાય છે. કોઈ હાજર ન હોય તો ત્યાં એક બોર્ડ રાખેલું છે, જેમાં જે તે સભ્ય માટેનો મેસેજ લખી દેવામાં આવે છે. પરિવારના એક સભ્ય એવું કહે છે કે અમને બીજો કોઈ વ્યવસાય આવડે તેમ ન હોય અમે ડૉક્ટર જ બની જઈએ છીએ. કુટુંબના બીજા એક ભાઈ કે જે સર્જન છે, તે એવું કહે છે કે અમે બધા આ વ્યવસાયમાં ઈચ્છાથી જોડાઈએ છીએ. કોઈને ફોર્સ નથી કરવામાં આવતો. જેને જે ફેકલ્ટી ફાવે એ ફેકલ્ટીમાં ડૉક્ટર બનતા હોય છે. પરિવારમાં ૧૪થી વધુ ડૉક્ટર છે. તેમની સફળતાનું રહસ્ય આપતા તેઓ એમ કહે છે કે, નીતિથી ચાલવાથી ક્યારે તકલીફ પડતી નથી. એવું કોઈ કામ ન કરવું જોઈએ, જેથી રાતે શાંતિથી ઊંઘ ન આવે. એમના પિતાની શિખામણને આ પરિવારે જીવન મંત્ર બનાવી દીધો છે. આ પરિવારના ત્રણ ભાઈઓ વીએસ હૉસ્પિટલ સાથે જોડાયેલા છે. પ્રાઇવેટ પ્રેક્ટિસમાં ઘણો પૈસો હોવા છતાં પણ સેવાની ભાવનાથી તેઓ સરકારી હૉસ્પિટલમાં સેવા કરે છે.
આવો જ એક કર્ણાટકનો પરિવાર છે. છેલ્લા ૧૦૦ વર્ષથી મહારાષ્ટ્રમાં સ્થાયી થયા છે. ચાર પેઢીના સભ્યો એક ઘરમાં રહે છે. જ્યાં એક જ ઘરમાં ૭૨ સભ્યો રહે છે. બધા આનંદથી હળી મળીને રહે છે. સંયુક્ત કુટુંબ વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઘરમાં પરણીને આવનારી વહુઓનું કહેવું છે કે, પહેલા તો અમે ઘરના સભ્યોની સંખ્યા જોઈને ડરી જઈએ, પણ અમારા પરિવારના સભ્યો એટલા બધા મળતાવડા છે કે, ઘરમાં આપણે ક્યારે ભળી જઈએ તેની આપણને પોતાને જાણ નથી રહેતી. ૭૨ સભ્યના આ પરિવારમાં દરરોજનું ૧૦ લીટર દૂધ વપરાય જાય છે. માત્ર એક સમયના શાક માટે હજારથી પંદરસો રૂપિયાનો ખર્ચો આવે છે. આ પરિવારનું મહિનાનું ઇલેક્ટ્રિકસીટીનું બિલ ૫૦ હજારથી વધુ આવે છે. જોકે આટલા ખર્ચા બાદ પણ પરિવારના દરેક સભ્યો આનંદથી જીવે છે. પરિવારનો આર્થિક વ્યવહાર પણ સરળતાથી ચાલે છે. પરિવારના લોકો અનેક વ્યવસાયમાં જોડાયેલા છે. આજના વિભક્ત કુટુંબના વ્યાપ વચ્ચે આવો સંયુક્ત પરિવાર જોવા મળવો એ ખરેખર દુર્લભ છે.