કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ઘણીવાર આપણે પણ કોઈના મહેમાન બનતા હોઈએ છીએ અને આપણે ત્યાં પણ મહેમાન આવતાં હોય છે. પણ, મહેમાન કોને કહેવાય? એ દર્શાવતી ચોવક છે: “હિકડા વિગર નોંતરયા નેં બ્યા કિરીયાતા બોરા જોકે આ ચોવક વણનોતર્યા મહેમાન માટે છે. એક તો વણનોતર્યા હોય અને વળી મહેમાનગતિની અપેક્ષા વધારે પડતી રાખતા હોય! ‘વિગર નોંતરયા’ એટલે વણનોતર્યા અને ‘કિરીયાતા’નો અર્થ થાય છે: અપેક્ષાવાળા. એની સાથે ‘બોરા’ ઉમેરો એટલે વધારે અપેક્ષાવાળા.
પણ, મિત્રો જેમ શોભતું હોય તેમ જ શોભે. આ રહી મહેમાન કેવાં હોવાં જોઈએ તે સમજાવતી ચોવક: “હિકડો ડીં મેંમાણ, બે ડીં મઈ, ત્ર્યો ડીં ખમોં ત અટો વિંજે વઈ એક દિવસ કોઈને ત્યાં રોકાઈએં તો સાચા મહેમાન ગણાઈએં. બે દિવસ રોકાઈએં તો યજમાનની મહેમાનગતિમાં ઊણપ આવે, અને જો ત્રણ દિવસ રોકાઈ જઈએ તો ભોજનમાં પણ ઊણપ વર્તાય! ‘મેંમાણ’ એટલે મહેમાન. ‘મઈ’નો ભાવાર્થ છે, મહેમાનની ઉતરતી કક્ષા, ‘ખમોં’નો ગુજરાતીમાં અર્થ થાય છે ‘રોકાવું’ ‘ખમવું’. ‘અટો’ એટલે લોટ, ‘વિંજે’ એટલે ‘જાય’ અને ‘વઈ’નો અર્થ થાય છે, ઓછો થતો જાય! ટૂંકમાં ઉપરોક્ત બન્ને ચોવકો એમ કહેવા માગે છે કે, દરેક બાબત તેની મર્યાદામાં જ શોભા દે!
ઘણી વખત લોકો બહુ વધારે પડતી આશામાં જીવતા હોય છે. ત્યારે કહેવાય છે કે: “અણકમાઉ નેં ઉનાંપાણી કમાણી કાણી કોડીની ન હોય પણ અપેક્ષાઓ આકાશને આંબતી હોય છે. ‘અણકમાઉ’ એટલે કંઈ ન કમાતા, ‘ઉનાંપાણી’નો અર્થ થાય છે ‘ઊંડા પાણી’!
આપણને ઘણી વખત અનુભવ થતો હોય છે કે ઘણાને વાંકું બોલવાની જ આદત હોય છે. ગુજરાતીમાં એક કહેવતનો પ્રયોગ થતો જોવા મળે છે કે, “દૂધમાંથી ફોરાં (પોરાં) કાઢવાં! વાંકું બોલનારાના શબ્દોમાં વ્યંગ તો જાણે તેમના વ્યંજનમાં જ વણાઈ ગયો હોય છે! તેવા લોકો માટે કચ્છીમાં એક સરસ ચોવક છે: “કંધ મિંજા કુછણું બહુ મર્મસ્પર્શી ચોવક છે. ‘કંધ’ એટલે કાંધ, ‘મિંજા’ એટલે માંથી અને કુછણુનો અર્થ થાય છે બોલવું. તમે વિચારો કોઈ કાંધમાંથી બોલી શકે ખરું? પણ એ વાંકું બોલનારાઓ માટે વપરાય છે.
વ્યક્તિ કે વસ્તુની ગુણવત્તા કે તેના ગુણ દર્શાવવા માટે એક સુંદર ચોવક છે: “ઓરત રાંકડી ને સોપારી વાંકડી ચોવકના દર્શાવ્યા મુજબ ‘રાંક’ સ્ત્રી હોવી એ તેનો ગુણ છે અને સોપારી ખાનારા ‘વાંકડી સોપારી જ પસંદ કરે છે. હવે આ બે બાબતોની ખોટ સ્ત્રી અને સોપારીમાં જોવા મળે ત્યારે સમાજ એમ કહે કે, “કાં વટ ડીયે મેં નાંય, કાં તેલ તરે મેં નાંય મતલબ કે કાં તો દીવામાં વાટ નથી ને કાં તો દીવાના તળિયામાં તેલ નથી! નહીં તો દીવો જરૂર પ્રગટે! ગુણહીન સ્ત્રી અને પૌરુષ્યહીન પુરુષ માટે આ ચોવક પ્રચલિત હોય તેવું જણાય છે.
દુનિયામાં, આપણા સમાજમાં દરેક વ્યક્તિ સમજદાર જ હોય છે, અપવાદ પણ હોઈ શકે પરંતુ બધા બુધ્ધુ તો નથી જ હોતા. એ કહેવા માટે એક લાજવાબ ચોવક છે: “ધુનીયાં મેં મિડે અન્ન ખેંતા, ઘા કો નતો ખાય ચોવકનો શબ્દાર્થ છે: દુનિયામાં બધા જ અનાજ ખાય છે, કોઈ ઘાસ નથી ખાતું. ‘ઘા’ એટલે ઘાસ. ‘કો’ એટલે કોઈ, ભાવાર્થ એવો હોઈ શકે કે, સમજદારીનું પ્રમાણ વિષયવાર ઓછું કે વધુ હોઈ શકે અને સમજદારીની પણ મર્યાદા હોઈ શકે!