Homeઈન્ટરવલકચ્છની સંસ્કૃતિનું ગુરુત્વાકર્ષણ અને ભૂખરા રંગવૈભવથી શોભતી રળિયામણી છત્રીઓ

કચ્છની સંસ્કૃતિનું ગુરુત્વાકર્ષણ અને ભૂખરા રંગવૈભવથી શોભતી રળિયામણી છત્રીઓ

તસવીરની આરપાર-ભાટી એન.

ગુજરાતની રળિયામણી વસુધરા કઈ…? આમ’તો સર્વ ગુજરાત નયનરમ્ય જ છે, તેમ છતાં કચ્છડો બારે માસ.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
વર્ષામાં વાગડ ભલો, કચ્છડો બારેમાસ.
કચ્છના રંગવૈભવને તેને અતુલ્ય સંસ્કૃતિ પ્રત્યે હંમેશાં ગુરુત્વાકર્ષણ રહે છે. અખંડ અસ્મિતા, ઉન્નત કલાકૃતિ, ઘેઘૂર વડલા જેવી પરંપરા વૈવિધ્યપૂર્ણ ને રૂડી લાગે છે. સંઘર્ષ તો તંતોતંત, જિજ્ઞાસા હાડોહાડ આવા અડતલ કચ્છી માડું છે. ભીતર-બહાર ઓજસ્વીતા પાથરતી દૈદિત્યમાન કચ્છનું પાટનગર ભૂજની બારિક નકશીકામ અદ્ભુત શિલ્પકલા અને ભૂરા-ચોકલેટી-સફેદ પથ્થરોથી શોભતી કલાત્મક છત્રીઓની બેમિસાલ કલાકૃતિને ઇતિહાસ પર દૃષ્ટિપાત કરીએ.
ભૂજ (કચ્છ)ના હમિરસર તળાવ નજીક કચ્છના મહારાજાઓના સ્મારક સમાન કલાનયન છત્રીઓનો પ્રદેશ નિહાળવા જેવો છે. રાજા મહારાજાઓ પોતાના શહેરની આગવી ઓળખ માટે કલાત્મક, બારીક નકશીકામ કરી પોતાના વિસ્તારમાં તેના સમય દરમિયાન કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતા રાજા રજવાડાના સમય દરમિયાન જેટલા સ્થાપત્યો બન્યા તેટલા અત્યારે બનતા નથી…!? રજવાડાના સમય દરમિયાન જે સ્થાપત્યો બનતા તેમાં ઠાંસી ઠાંસીને બારીક નકશીકામ આબેહૂબ જોવા મળતું તે સમય દરમિયાન આટલા અત્યાધુનિક માપ સાઈઝ કરવાના સાધનો હતા નહીં તેમ છતાં ‘ઇ’ સમયના કલાકારોમાં ખૂબ જ ધીરજ-ખંતના દર્શન થાય છે. અત્યારે આધુનિક સાધનો છે. માપ સાઈઝ કરવાની વિવિધ તરકીબો છે. તો ધીરજ-ખંતવાળા કલાકારો કિયાં…? અત્યારે ફક્ત આર.સી.સી.નું બાંધકામ મુખ્યત્વે થવા લાગ્યું છે…! હવે તો ઝડપનું નામ જાદુ છે ને માણસોકને સમય નથી. રજવાડાના સમયમાં પેઢી દર પેઢી કળાકારી ઉત્તમોતમ કરાવતા ને પોતાના વારસદાર અમર બનાવવા માટે તેના વંશજો કલાત્મક ભીન્ન… ભીન્ન… કૃતિવાળી છત્રીઓ બનાવતા. આવી અદ્ભુત છત્રીઓઓ ભૂજ ખાતેના રાજવંશજોની પાછળ તેની યાદમાં અદ્ભુત છત્રીઓ જોવા મળે છે. ભૂજના હમિરસર તળાવને અડીને પશ્ર્ચિમે આવેલ કચ્છના મહારાવશ્રીઓ પૈકી શ્રી રાવ લખપતજીની છત્રી ૧૮મી સદી સર્વોત્તમ હતી તે ભયાવહક ભૂકંપમાં તહસનહસ થઈ ગઈ ને પડીને પાધર થઈ ગઈ તેમ છતાં મેં તેને તસવીરકળામાં ચિરંજીવ કરી છે. તેની અંદરની ખાંભીની તસવીરો ધરતીકંપ અગાવ લીધેલ માટે તેનો ઇતિહાસ વિના કે તસવીરો ફાઇલ વિના અધૂરો ઊણો લાગશે એટલે ફરી શ્રીરાવ લખપતજીની છત્રીનો ઈતિહાસ જાણવા યોગ્ય છે. બે પ્રવેશદ્વારવાળી બહુકોણીય સ્મારક ભમતીયુક્ત હતું. એનું ઉતક્ષીયન વિતાનવૃત સ્થંભો ઉપર રચાયેલી હતી. કેન્દ્રસ્થ વિસ્તારવાળા ભાગમાં જવા માટે પૂર્વાભિમુખ દ્વાર હતું. આ ખંડમાં શ્રીરાવ લખપતજી (૧૭૧૦-૧૭૬૧)નું અશ્ર્વારોહી શિલ્પ હતું અને તેની બન્ને બાજુ પંદર રાણીઓની મુખ્ય છત્રી મોટી એટલે ભૂજના મહારાવ લખપતજીની છત્રી ખૂબ જ કલાત્મક હતી. ૯૮ સ્થંભવાળી છત્રીને મેઇન ચારેબાજુ ખલ્લું હતું. વિશાળ ઓટા ઉપર બનેલ છત્રી લાલ પથ્થરમાંથી બનેલ હતી. કરકરા ગોળાકાર કમાનો અને અણીદાર ખાચાથી છત્રીની બનેલ હતી. કરકરા ગોળાકાર કમાનો અને અણીદાર ખાચાથી છત્રીની અલગ ભારત ઊભી થતી હતી. ઉપરના ભાગે વિશાળ ગોળાકાર ગુંબજો આગળના ભાગે છજાઓ છત્રીઓ પર જવા માટે ૧૫ પગથિયા ચડીને ૯૮ સ્થંભોમાં ઠાંસીઠાંસીને કલાકોતરણી કરવામાં આવી હતી, જેમાં પીલરના ઉપરના ભાગે નૃત્યાંગના જડેલી હતી. જેના હાથમાં વાજિંત્રો હતા. આવું બારીક નકશીકામ અતિ રમણીય લાગતું હતું તે આજે ભૂતકાળને ઈતિહાસ બની તસવીરકળામાં જ નિહાળવા મળે છે.
આવી જ બીજી છત્રી એટલે રાવ શ્રી પ્રાગમલજીની છત્રી થોડી આધુનિક તક્ષણ કલાનો ઉત્તમ નમૂનો છે. આમ તો ઘણી છત્રીઓથી અલગ પડતી આ છત્રીના બારીક નકશીકામના જેટલા વખાણ થાય તેટલા ઓછા છે. આ છત્રીમાં પથ્થર બે ટાઈપના વાપરવામાં આવેલ છે. એક આછા ભૂરા અને બીજા પથ્થરો ભૂખરા ચોકલેટ રંગના છે. નક્કર પથ્થરોમાં સુંદર મજાની કુંડામાં ફુલવેલ નાની ગોળાકાર કમાનો, છત્રીને ફરતી ગોળાકાર વેલ જેમાં વિવિધ ડિઝાઈન છત્રી ઉપર ચડવા માટે પગથિયા ઉપરના ભાગે ચોરસ આરસની છત્રી નીચેના ભાગે બન્ને બાજુ ગોળાકાર વળાંક છે. પ્રથમ ચોરસ અને પાછળના ભાગે ચોરસ આકારમાં છત્રી ખૂબ જ સુંદર આબેહૂબ લાગે છે. હાથી ઉપર અંબાડી તેના પર અશ્ર્વાર જે બધુ કલાકારે તેની કલા ચીવટથી વાપરી બારીકમાં બારીક કામ સ્પષ્ટ દેખાય છે. તસવીરકારોએ ખાસ અહીંના સૂક્ષ્માતિસૂક્ષ્મ બારીક નકશીકામના ફોટા પાડવા જેવા છે. તેમ જ કલાપ્રેમી લોકોએ આ કલાને નિહાળવા જેવી છે.
આ છત્રીને અડીને આવેલ રાવ શ્રી રાયધણજીની સમાધિ છે. રાવ શ્રી રાયધણજી તેમ જ દેશલજીની ચોરસ છત્રીઓ પણ મનોહર છે. આમ તો નાની મોટી ઘણી બધી છત્રીઓ આવેલ છે. અમુક છત્રીઓ પડીને પાધર થઈ ગઈ છે. અમુક છત્રીનું નકશીકામ ખવાતું જાય છે, તૂંટતું જાય છે. આ માટે પુરાતન ખાતાની પ્રાથમિક જવાબદારી છે. ફક્ત રક્ષિતના બોર્ડ મારવાથી કંઈ કામ થઈ નથી જતું. આ બધી છત્રીઓની સમયાંતરે મરામત-રિપેરિંગ થવી જોઈએ તેમ છતાં પ્રાચીનતમ ભૂજની અલભ્ય અલૌકિક છત્રીઓ (છતરડી) જોવા ભૂજ ચોક્કસ જજો હો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular