(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહાણૂ તાલુકાને પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. તેથી તે બાબતે શું કરી શકાય તેના પર વિચાર કરવા માટે મહારાષ્ટ્ર સરકાર ટુંક સમયમાં એક બેઠક કરવાની હોવાનું સરકારે જણાવ્યું હતું.
રાજ્ય સરકારે બે ડિસેમ્બર, ૨૦૨૦માં કાઢેલા જીઆર મુજબ પાલિકા અને તેમાં રહેલા અન્ય પ્લાનિંગ ઑથોરિટી, સ્પેશિયલ પ્લાનિંગ ઑથોરિટી, પર્યાવરણ અને વન વિભાગે જાહેર કરેલા પર્યાવરણ દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર, હિલ સ્ટેશન વિસ્તારના નગરપરિષદ અને અન્ય સ્પેશિયલ પ્લાનિંગ ઑથોરિટીને બાદ કરતા રાજ્યના તમામ પ્લાનિંગ ઑથોરિટીના વિસ્તાર માટે તેમ જ રિજનલ પ્લાનિંગ માટે યુનિફાઈડ ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રૅગ્યુલેશન નિયમાવલી લાગુ કરી છે.
કેન્દ્ર સરકારના પર્યાવરણ અને વન વિભાગે ૨૦ જૂન ૧૯૯૧ના રોજ કાઢેલા જીઆરમાં દહાણૂને સંવેદનશીલ ક્ષેત્ર જાહેર કર્યું હોવાથી યુનિફાઈડ ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રૅગ્યુલેશન દહાણૂ નગર પરિષદના ડેવલપમેન્ટ પ્લાનિંગ ઍરિયા અને પ્રાદેશિક યોજના માટે લાગુ પાડી શકાતું નથી. તેથી યુનિફાઈડ ડેવલપમેન્ટ કંટ્રોલ ઍન્ડ પ્રમોશન રૅગ્યુલેશનમાં સર્વસમાવેશ રિઝર્વેશનના માધ્યમથી રિર્ઝવેશન વિકસિત કરવા બાબતની જોગવાઈ તેમ જ હસ્તાંતરણીય વિકાસ હક આ બાબતની જોગવાઈ પણ હાલ લાગુ પડતી નથી. તેથી બહુ જલદી આ બાબતે બેઠક લઈને કાયદેસરની તપાસણી કરવામાં આવવાની હોવાનું ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે જણાવ્યું હતું.