કેન્દ્ર સરકાર દ્વારા નવેમ્બર 2016માં કરવામાં આવેલી નોટબંધી બાદ હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે રૂ. 2,000ની નવી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ 2016ની નોટબંધ પહેલાં જ ઓક્ટોબર 2014માં પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તત્કાલિન ગવર્નર ડૉ. રઘુરામ રાજને તત્કાલીન કેન્દ્ર સરકારને ભલામણ કરી હતી કે 5,000 અને 10,000 રૂપિયાની નોટો બજારમાં લાવવામાં આવે અને આ માહિતી રિઝર્વ બેંક દ્વારા એ સમયે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને પણ આપવામાં આવી હતી.
રિઝર્વ બેંક દ્વારા 2014માં કેન્દ્ર સરકાર સમક્ષ બે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા અને એમાં જણાવવામાં આવ્યું હતું કે રૂપિયા 5000 અને 10000ની નોટો બજારમાં લાવવામાં આવે. એ સમયે ચલણમાં રહેલી એક હજાર રૂપિયાની નોટોની સતત મોંઘવારીને કારણે બજારમાં તેની ખાસ કોઈ મૂલ્ય રહ્યું નહોતું.
આરબીઆઈ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ કારણસર રૂ.5,000 અને રૂ.10,000ની નોટો લાવવામાં આવે અને રૂપિયા 10 હજારની નોટ તો 1938 સુધી ચલણમાં પણ હતી. ત્યાર બાદ 1946માં તેને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી અને આ નોટ 1954માં ફરી રજૂ કરવામાં આવી હતી અને પાછી 1978માં આ નોટને ચલણમાંથી કાયમ માટે પાછી ખેંચી લેવામાં આવી હતી.
મે 2016માં કેન્દ્ર સરકાર દ્વારા રિઝર્વ બેંકને રૂ. 2,000ની નોટ બજારમાં લાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ટંકશાળને જૂન 2016માં આ નોટો છાપવાનું કહેવામાં આવ્યું હતું. તત્કાલીન કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકારે હાલની રૂ. 1000 અને રૂ. 500ની નોટોને તાત્કાલિક બદલવાનો નિર્ણય લીધો છે. જેથી 5000 અને 10000ની નોટો છાપવાનો સમય નથી અને આ જ કારણસર આ બંને દરખાસ્તો ફગાવી દેવામાં આવી હતી.