કેન્વાસ -અભિમન્યુ મોદી
આયુષ્ય, અમરત્વ અને ચિરયૌવન. માનવીને ખોરાક-પાણી કરતા પણ વધુ વ્હાલા છે. દુનિયા સદાબહાર અભિનેતા ‘દેવાનંદ’ને સદા તેમના યુવાન દેખાવ ધારણ કરવાના નિષ્ફ્ળ પ્રયોગોને કારણે યાદ કરે છે. એકલા દેવ સાહેબને જ યુવાન બનવું હતું. નહીં? આદિકાળથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગ સુધી પૃથ્વી પર અવતરનાર દરેક નર-નારીને ચિરયૌવન પામવાની ઈચ્છા-પરમેચ્છા રહી છે.
યયાતિએ તો ઈચ્છાના ત્રીજા ચરણને પામી લીધું હતું. પોતાની પરમેચ્છા પૂર્ણ કરવા ‘જરામ દેહી ઈજમ ભવ:’નો મંત્ર પામી પોતાના જ પુત્રનું યૌવન છીનવી લીધું.
આ પ્રાચીન કથા સદાકાળ યુવાન રહેવાની માનવીની ઘેલછાને વ્યક્ત કરતી હતી. આ પ્રકારની દંતકથા વિશ્ર્વના દરેક ધર્મમાં જોવા મળે છે. માનવીને એવી જડીબુટ્ટી જોઈએ છે જેના સેવનથી તેનું
શરીર સદાકાળ સ્વસ્થ્ય રહી શકે. આજના
વેબ યુગમાં પણ અમરત્વ પામવાના હવાતિયાં યથાવત છે.
એમેઝોનના જેફ બેજોસ, ગૂગલના લેરી પેજ અને ફેસબુકના માર્ક ઝકરબર્ગ પણ તેનાથી દૂર નથી. દુનિયાના ૧૪ જેટલા ધનાઢ્ય પુરુષો આધેડ વયે પહોંચ્યા બાદ યુવાન બનવા બેબાકળા થયા છે અને તેમણે આ સ્વપ્નની પૂર્તિ અર્થે જાત-જાતના પ્રયોગ કરીને કરોડો રૂપિયા સ્વાહા કરી નાખ્યા છે. આવો જ એક એક્સપેરિમેન્ટ કરી રહેલા અમેરિકી આંત્રપ્રિન્યોર બ્રાયન જોનસનને મીડિયાને પોતાના ઘરે આમંત્રિત કરીને એવો દાવો કર્યો કે તેને સદાકાળ યુવાન રહેવા માટેના પ્રયોગમાં પ્રારંભિક સફળતા મળી ગઈ છે.
૪૫ વર્ષીય બ્રાયને માત્ર ૭ મહિનામાં પોતાની બાયોલોજિકલ વય ઘટાડી છે. તેનાથી બ્રાયનનું હૃદય ૩૭ વર્ષ, ત્વચા ૨૮ વર્ષ અને ફેફસાં ૧૮ વર્ષના તરંગી યુવાન જેવા થઈ ગયા છે. હાલ બ્રાયન પ્રોજેક્ટ ‘બ્લુપ્રિન્ટ’ હેઠળ માનવીના શરીરને સંરચનાને સમજી રહ્યા છે જેમાં અમેરિકાના નામાંકિત ૩૦ ડૉક્ટર્સની ટીમ તેની દેખરેખ રાખે છે. દર વર્ષે ૧૬ કરોડ રૂપિયા ખર્ચે છે. તો શું બ્રાયનને અમરત્વ જોઈએ છે? નહીં.
આધુનિક યુગમાં દરેક કળાના કાવડિયામાં તોલાય છે. એક સમયે માનવી પગરખાં પહેર્યા વિના, વાળ કપાવ્યા વિના તેનું જીવન વ્યતીત કરતો હતો. આજે નખથી લઈને આંખની પાંપણ સુધીનાં દરેક અંગો પર લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. તો શરીર શાસ્ત્ર પર સંશોધન કરીને લોકોને તેની યુવાની પરત કરવાનો વ્યવસાય ન કરી શકાય? આ ક્રિએટિવ વિચાર સાથે મહાસત્તાઓમાં વસતા ઉદ્યોગપતિઓએ ‘રિવર્સ એજિંગ’ ઈન્ડસ્ટ્રીની શરૂઆત કરી છે. છેલ્લા બે દાયકાથી વિશ્ર્વના ટોચના ઉદ્યોગપતિઓ ‘રિવર્સ એજિંગ’માં કરોડોનું રોકાણ કરે છે અને જે વ્યક્તિ તેમાં સફળ થશે તેની સાત પેઢીને સુવર્ણ આમ્રકુંજ મળશે.
એટલે જ બ્રાયન ખુદ પર પ્રયોગ કરે છે. જો સફળ થયા તો વિશ્ર્વને પોતાની બ્રાન્ડ વેચવા માટે અન્ય કોઈનું નહીં ’સ્વ-શરીર’નું જ ઉદાહરણ આપી શકે.
આજના સમયે ‘રિવર્સ એજિંગ’નું માર્કેટ ૧૯૧ બિલિયન ડૉલર એટલે કે લગભગ ૧૫ લાખ કરોડ રૂપિયાનું છે. તે ૨૦૩૦ સુધી વધીને ૪૨૧ બિલિયન ડૉલર એટલે કે લગભગ ૩૫ લાખ કરોડનું થઈ જશે. ‘રિવર્સ એજિંગ’ ઈન્ડસ્ટ્રીમાં દાવ લગાવનારા જોનસન એકલા નથી. ‘રિવર્સ એજિંગ ઈન્ડસ્ટ્રી’ની સ્થાપના ૧૯૯૭માં થઈ હતી. એ વખતે પ્રોગ્રામિંગ લેન્ગવેજ ઓરેકલના સ્થાપક લેરી એલિસને મોતને મ્હાત આપવા માટે એલિસન મેડિકલ ફાઉન્ડેશન બનાવ્યું, જે વય સંબંધિત બીમારીઓના કાયમી નિદાન પર કામ કરતી હતી. ૨૦૧૩માં ફાઉન્ડેશને નવા ‘એન્ટી એજિંગ’ રિસર્ચ પર પૈસા લગાવવાનું બંધ કરી દીધું. કારણ કે ત્યાં સુધીમાં કંપનીએ ૪૩૦ મિલિયન ડૉલર્સ ખર્ચી નાખ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૦માં એલિસને એન્ટી એજિંગ પર કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરીને કોવિડ પર ફોકસ કરવા લાગ્યા હતા.
ગૂગલના ફાઉન્ડર લેરી પેજએ ૨૦૧૩માં ‘કેલિફોર્નિયા લાઈફ’ નામથી એક કંપની લોન્ચ કરી. જેને કેલિકો લેબ્સ પણ કહે છે.તેનું કામ ઉંમર સાથે જોડાયેલી બીમારીઓનો સામનો કરવા માટે દવાઓ ડેવલપ કરવી અને વધતી ઉંમર પર રિસર્ચ કરવાનું છે.
લગભગ ૧૨ હજાર કરોડ ખર્ચ કરવા છતાં રિવર્સ એજિંગમાં કેલિકો લેબ્સે કોઈ ખાસ સફળતા હાંસલ કરી નથી. તેનાથી પ્રેરાયને ગૂગલના કો-ફાઉન્ડર સર્ગી બ્રિને ‘પાર્યોક’ નામક કંપની બનાવી. પાર્કિન્સનમાં બ્રેઈન સેલ્સ ડેમેજ થવા લાગે છે. ત્યારે સર્ગીની કંપની ઘટતા કોષને પુન: જાગૃત કરતી હતી. પરંતુ તેમના પ્રયોગ રૂઢિપ્રયોગ બનીને રહી ગયા. પોતાની આગળ કોઈ ટેક કંપની વધી જાય એ એમેઝોનના જેફ બેજોસને કઈ રીતે ગમે તેમણે પણ ‘અલ્ટોસ લેબ્સ’માં રોકાણ કર્યુ છે, જે સેલ્યુલર પ્રોગ્રામિંગ દ્વારા કોષનું વિઘટન કરીને ભવિષ્ય થનાર રોગ, ઈજા અને જીવનભર થનારી અક્ષમતાઓને દૂર કરવા માટેની વેક્સિનની શોધ કરે છે.
૨૦૨૨માં લોન્ચ થયેલી આ કંપની હાલ યુએસ અને યુકેમાં કામ કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ભવિષ્યમાં કેમ્બ્રિજ યુકે અને જાપાનમાં પણ આ કંપનીને લોન્ચ કરવામાં આવી છે.અલબત્ત, ઉદ્યોગપતિ પાસે ધનનો ઢગલો હોવાથી તેમને ખર્ચ કરવો પોસાય, પરંતુ વિશ્ર્વનો ઇતિહાસમાં ક્યારેય ‘રિવર્સ એજિંગ’ પ્રયોગ સફળ નથી થયા.
લગભગ બે હજાર વર્ષ પૂર્વે ચાઈનીઝ શાસક કિન શિ હુઆંગ એક ચોક્કસ પ્રકારનું પીણું પીધા કરતા હતા, જેમાં પારો ભેળવેલો રહેતો હતો. હુઆંગને વિશ્ર્વાસ હતો કે આ પ્રવાહી પીવાથી તેઓ હંમેશાં યુવાન રહેશે, પરંતુ ૪૯ વર્ષની વયે તેમનું મોત થઈ ગયું.
વૈદ્યએ શરીરનું પરીક્ષણ કરતા જાહેર કર્યું હતું કે પારો પીવાની કારણે હૃદયમાં છિદ્ર થઈ ગયું હતું. જેણે આયુષ્ય વધારવાને સ્થાને આવરદા ઘટાડી દીધી. ૧૬૦૦ વર્ષ પૂર્વે પૂર્વીય જિન રાજવંશના સમ્રાટ સિમાએ અમરત્વ પામવા માટે કેમિકલ ફોર્મ્યુલાથી તૈયા૨ દવાઓની સેવન શરૂ કર્યું, પરંતુ અમર થવાના સ્થાને તેમને પક્ષઘાતનો હુમલો આવ્યો અને ઘડીના છઠ્ઠા ભાગે સમ્રાટની જીવનલીલા સંકેલાઇ ગઈ.
૧૭મી સદીમાં હંગેરીના મહારાણી એલિઝાબેથ બાથરીનને તેના કુલગુરુ મેકારસે એવો ઉપાય સુચવ્યો હતો કે કુંવારી યુવતીઓના રક્તથી સ્નાન કરવાથી એલિઝાબેથ ક્યારેય વૃદ્ધ નહીં થાય. પ્રજાથી આ વાત અજાણ રાખવા માટે એલિઝાબેથના સૈનિકો કાવતરાં પૂર્વક કુંવારી યુવતીઓની નિર્મમ હત્યા કરતા રહ્યા. આ બીભત્સ રમતમાં મેકારસની પુત્રી પણ અડફેટે ચડી ગઈ.
તેમણે વિદ્રોહ કરીને પ્રજાને સઘળી હકીકત જણાવી દીધી. ત્યાં સુધીમાં ૬૦૦ ક્ધયાઓને કાળ ભેટી ગયો હતો. આગળ જતા એવો પણ ખુલાસો થયો કે સૈનિકો યુવતીઓના દેહ અભડાવ્યાં બાદ તેનું રક્ત મેળવતા હતા. પ્રજા એ બળવો પોકારીને એલિઝાબેથને હંગેરીના ચોક પર ફાંસીના માંચડે ચડાવી દીધાં હતાં.
૧૯મી સદીમાં મોરિશિયસના પ્રખ્યાત ફિઝિયોલોજિસ્ટ અને ન્યૂરોલોજિસ્ટ ચાર્લ્સ-એડોર્ડ બ્રાઉન-સેક્વાર્ડે વધતી આયુને અટકાવવા માટે એક વિચિત્ર પ્રયોગ કર્યો હતો. તેમણે વાનરોનાં ટેસ્ટિકલ્સને વૃદ્ધોના ગુપ્ત અંગો પર લગાવવાનું શરૂ કર્યુ. તેમની થિયરી અનુસાર તેનાથી કોઈપણ માણસની વય ૩૦ વર્ષ સુધી ઘટાડી શકાય છે પરંતુ આ પ્રયોગ સફળ ન થયો. આ પ્રસંગનું વર્ણન તેમણે પોતાની આત્મકથા ’ધ પ્રૂફ એન્ડ મેઝરમેન્ટ ઓફ એસોસિએશન બિટવીન ટુ થિનિંગ્સ’માં
કર્યો છે.
ભૂતકાળમાં ‘રિવર્સ એજિંગ’ના આટ-આટલા પ્રયોગો નિષ્ફ્ળ થયા બાદ પણ કેમ ઉદ્યોગપતિઓને કરોડોના આંધણ કરવા તૈયાર થઈ ગયા? આ ટેક કંપનીઓના માંધાતાઓ ઉધરસ ખાવાના પણ પૈસા ચાર્જ કરે છે. તો જે પ્રયોગમાં ૯૯% નિષ્ફ્ળતા જ સાંપડે છે તેમાં આઠ આંકડાનો નંબર લગાવવા માટે તેમણે ઊંડું સંશોધન કર્યું છે. જે સમજવા જેવું છે.
માનવીનું શરીર વૃદ્ધ કઈ રીતે થાય? જીવનની શરૂઆત કોષમાંથી થાય છે. એક કોષનું વિભાજન થાય છે અને તેમનાથી બે કોષ બને છે. આ જ પ્રકારે બેથી ચાર અને ચારમાંથી ૮ કોષ બનતા રહે છે. જેને સેલ સાઇકલ કહેવાય છે. ઘણા કોષ મળીને ટિશ્યૂ બનાવે છે અને આ ટિશ્યૂ મળીને શરીરનું એક અંગ બનાવે છે. અંગો મળીને શરીરને જીવંત રાખે છે. એક ફિટ બોડીમાં ૩૭.૨ ટ્રિલિયન કોષ હોય છે. માનવીના કોષ માત્ર ૫૦ વખત જ વિભાજિત થઈ શકે છે,જેથી એક ઉંમર બાદ સાઇકલ સેલ્સમાં ખલેલ પહોંચે છે. ઉંમર વિશે થયેલી અત્યાર સુધીના રિસર્ચ અનુસાર સેલ સાઇકલમાં ડિસ્ટર્બન્સ વૃદ્ધાવસ્થાનાં મુખ્ય કારણોમાંથી એક છે. હવે જો આ કોષના વિઘટનની પ્રક્રિયાને અટકાવી શકાય તો માનવીને ચિરયૌવન બનાવવાની જડીબુટ્ટી મળી જાય.
આ જ થિયરી પર ઑસ્ટ્રેલિયન જીવવિજ્ઞાની ડૉ. ડેવિડ સિંકલેરે એક રિસર્ચ પેપર જાહેર કર્યું છે. જેમાં તેમણે ખાતરી આપી છે કે તેઓ કોષના વિઘટનની પ્રક્રિયાને અટકાવવામાં સફળ થયા છે. રિસર્ચ પેપરમાં જાહેર કરેલ પ્રયોગ અનુસાર તેમણે એક વૃદ્ધ અને નેત્રહીન ઉંદર પર પ્રયોગ કરીને તેની દ્રષ્ટિ અને યુવાની બન્ને પરત કરી દીધી છે. તેનું મગજ એક યુવાન ઉંદર જેટલું સ્માર્ટ થઈ ગયું.
આ પ્રયોગ ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ હાર્વર્ડ મેડિકલ સ્કૂલના રિસર્ચ જર્નલમાં પ્રકાશિત થયો છે. સિંકલેરના મતે માનવીના શરીરમાં જુવાનીના સમયનો કોષ મગજ પાસે સંગ્રહિત થયેલો હોય છે તેને શોધીને જો કોષને એક્ટિવ કરવામાં આવે તો માનવશરીર પુન:યૌવન મેળવી શકે છે.
આ પ્રયોગ જો ખરેખર સાચો હોય તો અત્યારે જ તેનો અમલ શરૂ કરી દેવો જોઈએ, પરંતુ સિંકલેરના મતે તેમણે સમાનવ પ્રયોગ કર્યો નથી. જયારે થશે ત્યારે તેઓ પોતાની કોષવિઘટનની થિયરી જગત સમક્ષ ખુલ્લી મુકશે. ‘રિવર્સ એજિંગ ઈન્ડસ્ટ્રી’ને પણ આ બાબતે જ નિષ્ફ્ળતા સાંપડે છે. ઉદ્યોગપતિઓ પણ કોષના વિઘટન પર જ કામ કરે છે. જો સફળ થશે તો કદાચ બજારમાં કરોડોની કિંમતે આવરદા પણ વેચવાનું શરૂ કરી દેશે, પરંતુ શું પ્રત્યેક માનવી અમરત્વને જીરવી શકશે?
ભારતીય પુરાણો અનુસાર માનવી માટે અમરત્વ એક અભિશાપ છે. આજે જે તુર્કી વિનાશના દાવાનળ નીચે દટાયેલું છે. તેની જ દંતકથા પણ અમરત્વને અભિશાપ તરીકે વર્ણવે છે. તુર્કીના સગર્ભા સામ્રાજ્ઞીને ૧૪ મહિના વીતી ગયા બાદ પણ બાળક માતાના ગર્ભમાંથી બહાર આવવા તૈયાર નથી. આખરે તેને ફોસલાવવા માટે ચિરયૌવનનું વરદાન આપવાની વાત કરે છે તેની સાથે જ
સામ્રાજ્ઞીને પ્રસૂતિની પીડા ઊપડે છે અને પુત્રરત્નની પ્રાપ્તિ થાય છે. તરુણાવસ્થામાં પહોંચ્યા બાદ રાજકુમાર ચિરયૌવન માગે છે. સમ્રાટ પાંગળા બનીને તેને સત્ય જણાવે છે કે તેમની પાસે આવી કોઈ શક્તિ નથી. આ વાતથી ગિન્નાઈને રાજકુમાર ચિરયૌવન શોધવા નીકળે છે. આમને આમ તેની ઉંમર વધતી જાય છે. આધેડ વયે રાજકુમારને એક માયાવી જંગલ મળે છે જેમાં પ્રવશે કરતા જ અમરત્વ અને અપ્સરા બન્ને પ્રાપ્ત થાય છે. રાજકુમાર ફરી યુવાન થઈ જાય છે, યુગો યુગો સુધી ભોગવિલાસી અને ભૌતિક જીવન જીવે છે. એક દિવસ પરિવારની યાદ સતાવે છે ત્યારે જંગલ તેને અટકાવીને કહે છે જો તે આ ભૂમિનો બહાર નીકળશે તો મોત તેને ભરખી જશે. રાજકુમાર તો માતાના પેટમાંથી જીદ લઈને જન્મ્યા હતા એટલે હઠ કરીને બહાર નીકળી જાય છે. વાસ્તિક જીવનમાં આવતા રાજકુમાર ઘરડો થઈ જાય છે. તેની દાઢી ઘૂંટણ સુધી લાંબી થઈ જાય છે. એ એના રાજ્યમાં પહોંચે છે. ખંડેર મહેલમાં કોઈ નથી. રાજકુમાર મહેલના ઉજ્જડ ભોંયતળિયામાં જાય છે. ત્યાં જૂનીપુરાણી પેટી ઉઘાડતાં તળિયામાંથી રાજકુમારનું મૃત્યુ ઊભું થઈ એના ખભે હાથ મૂકે છે. તે સાથે જ રાજકુમાર ચૂરેચૂરા થઈ ધૂળમાં ભળી જાય છે.
આવી કથાઓ માનવમાં રહેલી અમરત્વની યુગોજૂની ઝંખના દર્શાવે છે, પરંતુ મૃત્યુ અવશ્યભાવિ છે. આ કથાઘટક જીવનની ક્ષણભંગૂરતાને રજૂ કરે છે. માર્કંડેય ઋષિ માત્ર સોળ વર્ષનું આયુષ્ય લઈને જન્મ્યા હતા. એ વાતની એમને ખબર પડે છે ત્યારે એ જંગલમાં શિવલિંગની સ્થાપના કરી ઘોર તપ કરે છે. કાળ એને લેવા આવે છે ત્યારે માર્કંડેય શિવલિંગને બાથ ભરીને બેસી જાય છે. શિવજી પ્રગટ થાય છે અને કાળને ભગાડી માર્કંડેયને ચૌદ કલ્પોના આયુષ્યનું વરદાન આપે છે. અંતે તેમને પણ યમરાજનું તેડું આવે છે. અમરત્વ પામ્યા બાદ પણ શું મળે છે? નરી એકલતા!
આજના ડિજિટલ યુગમાં તો વસ્તી આઠ અબજને પહોંચી છે છતાં પણ માનવી પોતાની જાતને એકલો અનુભવે છે. ‘કેવમેન ક્ધસેપ્ટ’ એટલે કે ગુફાજીવી માણસની જેમ એકલા ચૂપચાપ રહેવાની આદત પડી ગઇ છે. લોકો ફોન કરવાની વાત તો દૂર પણ સગાં મા-બાપને લાંબા મેસેજ કે વીડિયો મોકલવાને બદલે ૩-૪ અક્ષરોમાં ટૂંકા મેસેજો મોકલીને કામ ચલાવી લે છે. ભાષા સંકોચાઇ ગઇ છે. લાગણી નિચોવાઇ ગઇ છે. જીભ પર બબ્બે વરસનાં મૌનનાં તાળાં બાઝ્યાં છે. આંખોમાં કોઇનીયે પ્રતીક્ષા બચી નથી એટલે કીકીઓનો ખાલીપો ખાલી કૂવાની જેમ ખખડે છે. આવી હાલત દુનિયામાં બધે પ્રસરી છે. આંખો વડે થતી વાતોની આપ લે, ઉષ્માભર્યાં સ્મિતનું સન્માન કે કારણ વિના હાથ મિલાવવાની મજા કે મળતાવેંત ગળે ભેટીને આત્મીયતાની આપ-લે હવે લોકો ભૂલવા માંડ્યાં છે. તો જયારે આખી દુનિયા ટેક કંપનીઓની અમરત્વ પામવાની પ્રોડક્ટ ખરીદી લેશે અને સદાકાળ માટે યુવાન રહેશે ત્યારે સ્થિતિ કેવી ભયાનક હશે?