ધીરજનાં ફળ મીઠાં ખરાં, પરંતુ ધીરજ છે કોની પાસે?

પુરુષ

મેલ મેટર્સ-અંકિત દેસાઈ

પુરુષને માટે અમુક ઉંમરે અમુક વસ્તુઓ મેળવી લેવી મહત્ત્વનું બની જાય છે. નહીંતર આ સમાજ પુરુષને લૂઝર કે નપાણિયો કહી દે છે. સમાજનું તો સમજ્યા હવે. આજકાલ સમાજની ચિંતા કરે છે પણ કોણ? પરંતુ પુરુષને પોતાને પણ બ્રેડ વિનર તરીકે એક અભરખો હોય કે એ તેની ઉંમરના અમુક પડાવો પર અમુક ભૌતિકતા મેળવી લે. એ ભૌતિકતાની જો યાદી કરીએ તો એક સારી કારથી લઈ પોતાનો મજાનો વેલ ફર્નિશ્ડ ફ્લેટ કે વર્ષમાં એક વાર ઈન્ટરનેશનલ ટૂર કરી શકાય અને દર વીકએન્ડ્સ પર સારી રેસ્ટોરાંમાં લંચ-ડિનર લઈ એવી ફાઇનાન્સિયલ સ્ટેબિલિટીથી લઈ સંતાનોને બેસ્ટ સ્કૂલ્સમાં ભણાવવા સુધીની બાબતો આવી જાય.
ઈનશોર્ટ, બધીય બાબતોના મૂળમાં એક સારી ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી જ છે. જે મેળવી લેવું અને જેના માધ્યમથી બીજું બધું મેળવી લેવું એ લગભગ દરેક પુરુષનું સ્વપ્ન હોય છે અને સ્વપ્ન શું, મોટા ભાગના પુરુષો માટે આ બાબત તેના જીવનનું મુખ્ય ધ્યેય બની જતી હોય છે. જેને માટે થઈને પુરુષ સવારથી ઊઠે ત્યારથી રાત સુધી અને ક્યારેક તો રાત્રે સપનામાં પણ એ જ આયોજન કરતો રહેતો હોય છે કે તે આમ કરશે તો તેને વધુ પૈસા મળશે અથવા તે પેલું અજમાવશે તો આસાનીથી ‘મોટો માણસ’ બની શકશે.
પરંતુ અનેક પુરુષો માટે ટ્રેપ જ અહીં હોય છે કે બધી ભૌતિક સંપદા મેળવી લેવાનું ઝનૂન તેના માથે એ રીતે સવાર થયેલું હોય છે કે તે ભૂલી જતો હોય છે કે જીવનમાં બધી બાબતો કે સફળતા તબક્કાવાર મેળવવાની હોય છે, પરંતુ મોટા ભાગના પુરુષોમાં એ ધીરજ કે ધીરજની સમજણનો અભાવ રહી જતો હોય છે. એટલે તેની અંદર તેની જાણ બહાર એક ઉતાવળ જન્મ લેતી હોય છે, જે ઉતાવળ જ તેની અંદર એક ઉચાટ અથવા અજંપો પેદા કરતી હોય છે.
અલબત્ત, પુરુષે એમ્બિશિયસ તો રહેવાનું જ છે, પરંતુ પુરુષને એમ્બિશિયસ હોવા અને ઓવર હોવા વચ્ચેના અંતર વિશે પણ ખબર હોવી જોઈએ, પરંતુ થાય છે એવું કે હજુ તો પુરુષ તેની ત્રીસીમાં પ્રવેશ્યો જ હોય ત્યાં તેણે ઉતાવળે ‘મોટા માણસ’ બની જવું હોય છે. જેને કારણે થાય એવું કે તે એવી બધીય જગ્યાઓએ વલખાં મારી જુએ, જ્યાંથી તેણે પૈસા નથી કમાવાના. વળી, અમુક જગ્યાઓ કે ક્ષેત્રો તો પાછાં એવાં લોભામણાં અને ગ્લેમરસ પણ હોય છે કે એવી જગ્યાઓએ ઘાત કેવી કેવી હોય એની પણ તેને ખબર નથી પડતી અને અંતત: થાય એવું કે પુરુષ થોડા જ સમયમાં તેણે નક્કી કરેલી ભૌતિકતા તો મેળવતો જાય, પરંતુ સાથોસાથ તે પોતાને માટે જ એક એવો ખાડો ખોદતો જાય જેે ખાડામાંથી બહાર નીકળવું તેને માટે મુશ્કેલ તો થઈ જ જાય, પરંતુ એ ખાડો તેનું જીવન હરામ કરી દે. પોતે ખોદેલો એ ખાડો પછી કોઈક ક્રાઈમ કે ધોખાફરેબીનો પણ હોય અથવા તો પછી કોઈ મોટું દેવું પણ હોય.
પરંતુ એક વાત નક્કી છે કે પોતાની કરિયરની શરૂઆતનાં વર્ષોમાં કે પોતાની ત્રીસીમાં જે પુરુષ રાતોરાત અમીર બનવાના સપનામાં રમમાણ રહે છે અને એ કોઈ ચોક્કસ પ્લાનિંગ કે ફાઉન્ડેશન વિનાની બાબતમાં નોટ છાપવાના ખેલ શરૂ કરી દે છે તો વહેલા કે મોડા એને ભાગે સંતાપ તો આવે જ છે, પરંતુ એની સાથોસાથ એ પોતાના પરિવાર માટે પણ એક અત્યંત મોટી મુસિબત ઊભી કરી દેતો હોય છે.
એટલા માટે જ આપણા વડવાઓ કહી ગયા છે કે ધીરજનાં ફળ મીઠાં. ભૌતિકતા કે અમુક સગવડો કે કહેવાતી અમીરી મેળવવી હોય તો મેળવી જ શકાય, એમાં કશું ખોટું નથી, પરંતુ એમાં સિદ્ધાંત એક જ કે પુરુષે રાતોરાત બધું મેળવી લેવાના ધખારા છોડી દેવા. તેને માટે ધીમે ધીમે, તબક્કાવાર આગળ વધવું એ અત્યંત આવશ્યક છે. જે આવશ્યકતાના માધ્યમથી જ પુરુષ ઘડાતો જાય અને એ ચોક્કસ મેચ્યોરિટીથી તેની લાઈફમાં સ્ટેબલ થઈ શકે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.