રિલેશનશિપ એક્સપ્રેસનાં ચાર મેજર સ્ટેશન્સ

પુરુષ

સંબંધોનાં સમીકરણ – મૌસમી પટેલ

લગ્નજીવનના મૂળમાં હોય છે પ્રેમ, સમય અને તમારા એફર્ટ્સ… પ્રેમની ડગર આપણે જેટલી વિચારીએ છીએ એટલી સરળ નથી હોતી, તેને સરળ અને ખુશહાલ બનાવવા માટે તમારે પ્રયાસો કરવા પડે છે. આ પ્રયાસમાં તમારી નાની નાની આદતો જ તમને મદદમાં આવશે. જો તમારી આદતો સારી હશે તો તમારો પાર્ટનર ચોક્કસ તમારી નજીક આવશે જ, પરંતુ એક કપલ તરીકે પણ તમારા બૉન્ડ એકદમ સ્ટ્રોન્ગ બનશે અને આ સ્ટ્રોન્ગ બોન્ડ જ તમારી જિંદગીને વધારે ખુશહાલ બનાવશે. આજે આપણે અહીં વાત કરીશું એવી જ ચાર આદતો વિશે જે તમારા રિલેશનને વધારે સ્ટ્રોન્ગ બનાવશે.
કોમ્યુનિકેશન ઈઝ એવરીથિંગ
કોઈ પણ સંબંધ હોય એના માટે કોમ્યુનિકેશન મહત્ત્વનુું છે અને વાત જ્યારે રિલેશનશિપની હોય કે પછી લગ્નજીવનની ત્યારે તો ખાસ… તમારે બંને જણે પોતાની દરેક મહત્ત્વની વાતો એકબીજા સાથે શેર કરવી જોઈએ, પછી આખો દિવસ ઓફિસમાં શું થયું, દિવસ કેવો રહ્યોથી લઈને એના જેવી જ બીજી વાતો શેર કરવાથી તમારી વચ્ચેનો કોમ્યુનિકેશનનો બ્રિજ વધારે મજબૂત થાય છે.
આ સિવાય તમે તમારા પરિવાર, મિત્રો વિશે પણ વાત કરી શકો છો, જેને કારણે તમારો પાર્ટનર તમારી નજીકના સર્કલથી પરિચિત થશે. તમારા જીવનના સારા અને ખરાબ સંઘર્ષ, સફળતાની વાતો પણ કરી
શકો છે. અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જ્યારે બંને પાર્ટનર્સ એકબીજા સાથે સારી રીતે કોમ્યુનિકેટ કરે છે ત્યારે તેમની વચ્ચે તાણ ઓછી થાય છે અને એકબીજા પરનો ભરોસો પણ વધે છે.
વી ટાઈમ ઈઝ ઈમ્પોર્ટન્ટ
વી ટાઈમનો અર્થ એટલો જ નથી કે તમે તમારા પાર્ટનર સાથે ફિઝિકલી સ્ટ્રોન્ગલી કનેક્ટેડ હોવ… અહીં વાત થઈ રહી છે ફિઝિકલી અને મેન્ટલી બંનેની. તમારા પાર્ટનરને તમારા પર એટલો બધો ભરોસો હોવો જોઈએ કે તે તમારી સાથે સૌથી વધુ સુરક્ષિત છે અને આટલું પ્રોટેક્ટિવ તે દુનિયામાં ક્યાંય પણ ફીલ નહીં કરી શકે. એકબીજાની શારીરિક જરૂરિયાતોને સમજવાની સાથે સાથે જ એકબીજાનાં ઈમોશન્સને સમજવાનું પણ એટલું જ આવશ્યક છે.
સારા શ્રોતા બનો
સારા વક્તા બનવાની સૌથી પહેલી અને મહત્ત્વની ક્વૉલિટી એ છે કે એક સારો વક્તા હંમેશાં એક સારો શ્રોતા હોવો જોઈએ. તમે તો તમારા આખા દિવસનો રિપોર્ટ કે તમારા મનની વાત તમારા પાર્ટનરને સરળતાથી કહી દો છો, પણ તેના મનની વાત પણ એટલી જ શાંતિથી સાંભળવાનું રાખો. જો આવું નહીં થાય તો એક સમય એવો પણ આવશે કે તમારો સંબંધ વન-વે જેવો થઈ જશે. પાર્ટનરની વાત સાંભળીને જ તમે તેની જરૂરિયાતો અને તેની વિચારસરણીને સારી રીતે સમજી શકશો.
રિલેશનશિપમાં એપ્રિસિયેશન હૈ ઝરૂરી
કોઈ પણ સંબંધમાં સન્માન અને પ્રશંસાની ગેરહાજરી એ સંબંધને રૂક્ષ બનાવે છે અને વૈવાહિક સંબંધોમાં પણ આવું જ થાય છે. પાર્ટનરની નાનામાં નાની વાત માટે પણ તેની પ્રશંસા કરવાનું રાખો. આ એપ્રિસિયેશન તેના માટે ટ્રોફીનું કામ કરશે.
જો કોઈ દિવસ સારી રસોઈ બની હોય તો તેનાં વખાણ કરો. તેની ભલમનસાઇને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવાની ભૂલ ન કરશો, કારણ કે તમારી આ નાનકડી ભૂલને લીધે તમારા સંબંધમાંથી પ્રેમ અને મીઠાશની બાદબાકી થઈ જશે. એક વસ્તુ યાદ રાખો કે એ તમારો પાર્ટનર હોવા પહેલાં એક માણસ છે અને દરેક માણસને નાના-મોટા માણસનાં વખાણની અપેક્ષા તો હોય જ છે. તમારાં વખાણ તેના મનમાં તમારા માટેનું માન વધારવાનું કામ કરશે અને તમારો સંબંધ મજબૂત બનાવવાનું કામ પણ કરશે જ. આ સેમ વાત તમારા પાર્ટનર માટે પણ લાગુ પડે છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.