નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા
મુંબઈમાં અંગ્રેજોના જુલમ સામે હિંમતથી લડી લેવા અદાલતમાં જવાની પહેલ કરનાર એક મહારાષ્ટ્રીય દરજી-શીમ્પી હતા. ૧૮૮૫ની વાત છે. ત્યારે એક અંગ્રેજનો આદેશ એટલે ભગવાનનો આદેશ એવી હવા ચાલતી હતી. દેશીઓના અપમાન જાહેરમાં કરવામાં અંગ્રેજો ત્યારે ગૌરવ સમજતા હતા. પણ આ એક સામાન્ય દરજીએ દેશીઓના અપમાન સામે તે સમયે વિદ્રોહનો ઝંડો ફરકાવવાની હિંમત કરી હતી. આજકાલ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરસેવકોને ભાજીવાળા, અખબાર વેચવાવાળાંના નામો ચોક અને રસ્તાઓને આપવામાં અત્યંત રસ છે, પણ આ સામાન્ય દરજીનું નામ કોઈને યાદ આવતું નથી. ભલું થજો આપણા ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈનું કે એમણે આ મુુંબઈના દરજીનો ગરબો લખ્યો હતો અને ‘દલપત કાવ્ય’માં એ ગરબો આજે પણ મળી આવે છે.
મિશન સાહેબ નામે ઓળખાતા એક અંગ્રેજે વિઠુબા મલ્લારને કપડાં સીવવા રોક્યો હતો. વિઠુબા દરરોજ ભાતિયું બાંધીને મિશન સાહેબના બંગલે સીવવા જાય; પણ સાહેબ મહિનો થયો તોયે પગાર આપે નહીં. એક દિવસ દરજણે દરજીને ટોક્યો એટલે દરજીએ ગોરા સાહેબને સંભળાવી દીધું કે, ‘સાહેબ, પહેલાં મને મારા કામના પૈસા આપો, નહીં તો હું આવતીકાલથી કામ ઉપર આવીશ નહીં.’
ગોરા સાહેબને થયું કે આ કાળો માણસ અને બે દમડીનો દરજી મારી સામે બોલે? તેમણે ગરીબ દરજીને દબડાવતાં કહ્યું, ‘સાંભળ, જો કામ ઉપર આવીશ નહીં તો તને જેલમાં પુરાવી દઈશ.’
સાહેબની ધમકીથી દરજી ડર્યો નહીં અને કામ કર્યા વિના ઘરે ઊપડી ગયો. પેલા સાહેબે તે વખતના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ મિ. બેન્સન ઉપર ચીઠ્ઠી લખી મોકલાવી કે વિઠુબા મલ્લાર નામના દરજીને સજા કરો.
બસ, પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટે દરજીની ધરપકડ કરી એક દિવસ માટે જેલમાં પૂરી દીધો. મિશન સાહેબને આ ઓછું પડ્યું; એટલે મેજિસ્ટે્રટ કારફીલ્ડને બીજી ચીઠ્ઠી લખી મોકલાવી દરજીને વધુ સજા કરવા જણાવ્યું. મેજિસ્ટ્રેટે દરજીને ૨૧ દિવસની સજા ફટકારી. વગર વાંકે નિર્દોષ અને ગરીબ દરજી જેલમાં પુરાઈ ગયો. એને છોડાવવાની હિંમત કોઈ મહારાષ્ટ્રીયન કે ગુજરાતી શેઠિયાઓએ કરી નહીં.
દરજી જેલમાંથી છૂટયો. લોકોને એણે વાત કરી; પરંતુ કોઈ આગળ આવ્યું નહીં. આથી દરજણને ચડ્યો ગુસ્સો અને દરજીને લઈને ડૉ. ભાઉસાહેબ દાજી પાસે પહોંચી ગઈ અને વિતકકથા સંભળાવી.
ડૉ. ભાઉ તો દરજી માટે રામનો અવતાર નીવડ્યા. દરજીની પાસે એમણે મિશન સાહેબ સામે સુપ્રીમ કોર્ટ (વર્તમાન હાઈ કોર્ટ)માં મુકદમો નોંધાવ્યો. પોતે દરજીની પડખે ઊભા રહ્યા. આ મુકદમાના સમાચાર અખબારોમાં પ્રગટ થતાં જ આખા મુંબઈમાં જબરો ઊહાપોહ મચી ગયો. ડૉ. ભાઉદાજીનું આખું નામ ડૉ. રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ હતું, પણ ભાઉદાજી તરીકે લોકપ્રિય તેઓ હતા.
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સર વિલિયમ યાર્ડલી અને સર ચાર્લ્સ જેક્સનની બેન્ચ સમક્ષ આ કેસ નીકળ્યો. મિશન સાહેબે બાહોશ અંગ્રેજ બેરિસ્ટરો રોક્યા તો ડૉ. ભાઉસાહેબ દાજીએ પણ તે વખતના વિખ્યાત અંગ્રેજ બેરિસ્ટરો બેસ્ટ્રફ અને રીડને દરજી માટે રોક્યા. આ બેરિસ્ટરો અને ન્યાયમૂર્તિઓેએ આ મામલો એક ગોરા સામે એક કાળા માણસનો છે એમ મૂલવ્યો નહીં. પૂરી સત્યનિષ્ઠાથી મામલો ચલાવ્યો અને મિશન સાહેબને ભરઅદાલતમાં ઠપકો સંભળાવ્યો અને ઉપરથી રૂપિયા પાંચસોનો દંડ કર્યો. ડૉ. ભાઉએ આ મુકદમાનો બધો ખર્ચ ઉપાડ્યો હતો અને ૨૧ દિવસની સજા કરનાર મેજિસ્ટ્રેટને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.
મુંબઈમાં દરજીઓનું આગમન ૧૬૬૫ પછી ૧૬૮૦-૯૦ના દાયકામાં અને સત્તરમી સદીના પ્રથમ દાયકામાં થવા પામ્યા છે. મુંબઈમાં પ્રથમ આવનારા દરજીઓ સુરત પરિસરના છે. તેઓ પહેલેથી જ અંગ્રેજોના પહેરવેશ સીવવામાં પરિચિત હતા. કવિ નર્મદાશંકરે ‘ગુજરાત સર્વસંગ્રહ’માં જણાવ્યું છે કે સુરતનો એક દરજી યુરોપિયન સ્ત્રી-પુરુષોના કપડાં સીવવા માટે જાણીતો હતો અને આ દરજીએ એક યુરોપિયન દરજી પાસે સીવવાની તાલીમ લીધી હતી.
સુરતી-દમણિયા દરજીઓ પછી સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના સઈ દરજી આવ્યા. સૌરાષ્ટ્રના દરજીઓ મુખ્યત્વે ભાવનગર તરફના હતા. ત્યાર પછી પૂના-કોંકણ પરિસરના દરજીઓ મુંબઈ આવ્યા.
સુરતી દરજીઓ જબરા સાહસિક નીવડ્યા. એમણે દરજીની દુકાન ઉપરાંત સાડી-કાપડની પણ દુકાનો શરૂ કરી. ન્યુ ચર્નીરોડ, ધોબીતળાવ, ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં એમણે મથકો સ્થાપી દીધાં. યુરોપિયનોના પોશાક સીવતા આ દરજીઓ પાસે પારસીઓ અને ક્રિશ્ર્ચિયનો પણ કપડાં સીવડાવવા લાગ્યા. આ કારણે એમણે કોટ વિસ્તારમાં પણ પોતાની દુકાનો સ્થાપી દીધી.
વલસાડના કલ્યાણ મોતીનું નામ તો મુંબઈભરમાં જાણીતું છે. એમના ધંધાનું મથક ક્રાફર્ડ માર્કેટ વિસ્તારમાં હતું. ગિરગાંવ વિસ્તારમાં કલ્યાણ મોતીની ચાલ એક સમયે ગુજરાતીઓમાં અત્યંત લોકપ્રિય હતી. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવત, શ્રી કનૈયાલાલ મુનશી, સ્વામી આનંદ જેવા માણસો પણ અહીં રહી ગયા હતા. મુંબઈમાં કલ્યાણ મોતીની ગંજાવર મિલકતો હતી.
દરજીને લગતી કહેવતો:
દરજી કાંચળીમાંથી પણ કાપી કાઢે.
દરજી દરજીનો દુશ્મન
દરજી મળ્યો વાટમાં, ગજ ને કાતર હાથમાં.
દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સીવે.
દરજીનું વેતરવું, પણ મોચીનું વેતરવું નહીં.
સઈ, સુથાર ને મોર, એનું ચોમાસે જોર.
એક મુંબઈ, રૂપ અનેક:
આંતરરાષ્ટ્રીય લેખકો રૂફયાર્ડ ક્રીપલીંગ અને સમરસેટ મોમ જેવાએ પણ મુંબઈ વિશે લખી એને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી છે. આ મુંબઈમાં સમ્રાટ અશોકથી માંડીને અંગ્રેજો આવી ગયા પણ કોઈ એને ભૂલ્યું નથી. મુંબઈ જેવું બિનસાંપ્રદાયિક શહેર ભારતમાં ક્યાંયે જોવા નહીં મળે. અહીં કોમી રમખાણ પણ એક નાટક સમાન છે. નાટક પૂરું થાય અને બંને પક્ષો એક કપની ચામાંથી ભાગીદારી કરવા એક સાથે બેસી જાય છે. ચર્ચગેટ નામ પડ્યું છે એ સેન્ટ થોમસ કેથેડ્રલના ચોગાનમાં રમ્ય ફુંવારો સર કાવસજી જહાંગીરે બંધાવી આપ્યો હતો.
આ દેવળથી થોડે દૂર ટાઉનહોલની પડોશમાં ટંકશાળ આવી છે. ટંકશાળ માટેની જમીન દરિયો પૂરીને મેળવવામાં આવી છે. અને એનું મૂળ મકાન ગ્રીક વાસ્તુકળાનો સુંદર નમૂનો છે. આ મકાન ૧૮૨૯માં બાંધવામાં આવ્યું હતું. તે પહેલાં આ ટંકશાળ ત્રણ સ્ટીમ એન્જિનોથી કામ કરતી હતી અને એરણ અને હથોડાથી રૂપિયા ઘડવામાં આવતા હતા. મુંબઈમાં પહેલો રૂપિયો ૧૬૭૨માં પાડવામાં આવ્યો હતો અને તે ઈસ્ટ ઈંડિયા કંપનીના નામથી પાડવામાં આવ્યો હતો.
ટાઉનહોલનું બાંધકામ ૧૮૩૩માં પૂરું થયું હતું. આ ઈમારત ૨૬૦ ફૂટ લાંબી અને ૧૦૦ ફૂટ પહોળી છે. એના સેન્ટ્રલ હોલનું પ્રવેશદ્વાર પશ્ર્ચિમમાં છે અને પથ્થરના વિશાળ ૩૦ પગથિયાં ચઢીને પહોંચાય છે. ૧૮૫૭ની ક્રાંતિ પછી કંપની સરકારને બદલે ૧૮૫૮માં નવેમ્બરની પહેલી તારીખે વિકટોરિયા રાણીના શાસનની જાહેરાત મુંબઈના ગવર્નર લોર્ડ એલ્ફિસ્ટને ટાઉનહોલના ઊંચા છેલ્લા પગથિયાં પર ઊભા રહીને વાંચી સંભળાવી હતી.
મુંબઈમાં વસતિ વધતા ગવર્નર બાર્ટલી ફ્રીઅરે ૧૮૬૨માં કોટની દીવાલો તોડાવી નખાવી હતી.
અપના બજારની સામે પેરીન નરીમાન સ્ટ્રીટમાં ઘડિયાળના ટાવર સાથેનો ફુવારો આવ્યો છે તે બમનજી હોરમસજી વાડિયાનું સ્મારક છે અને ૧૮૮૦માં એ બાંધવામાં આવ્યો હતો.
હુતાત્મા ચોકને આજે પણ મોટા ભાગે ફલોરા ફાઉન્ટન તરીકે ઓળખવામાં આવે છે. આ ફુવારા ફલોરા ફાઉન્ટનની ડિઝાઈન બ્રિટનમાં આર. નોર્મન શોએ બનાવી હતી. અને જેમ્સ ફોર્સાઈથે પોર્ટલેન્ડ પથ્થરમાંથી બનાવ્યો હતો. આ ફુવારો ૧૮૬૯થી મુંબઈને રમ્યતા આપતો આવ્યો છે.
અત્યારે દાદાભાઈ નવરોજી રોડ ઉપર જ્યાં ખાદી એમ્પોરિયમ છે ત્યાં યુરોપિયન ચીજો વેચતો આજના ‘અકબર-અલીઝ’ જેવો જનરલ સ્ટોર્સ હતો. તે જમાનામાં ત્યાં મોજાં પહેરીને એંગ્લો-ઈન્ડિયન સેલ્સ ગર્લ કામ કરતી હતી. આજે ફૂટપાથ પર ફેરિયાઓ પાસેથી આપણે વિદેશી ચીજો ખરીદીએ છીએ.
રિગલ સિનેમા માત્ર મુંબઈનું જ નહીં આખા દેશનું પહેલુંવહેલું એર-કંડીશન્ડ સિનેમા છે. અન્ડર ગ્રાઉન્ડ કારપાર્કિંગની વ્યવસ્થા ધરાવતું પણ એ પહેલું સિનેમાગૃહ છે.
એક સમય એવો હતો કે મરીન ડ્રાઈવ પર થઈને બસ દોડાવવામાં આવતી નહોતી. આ માર્ગ પરથી બસ ‘સી’ રૂટ (આજની ૧૨૩ નંબરની બસ) બસ તારદેવ, ભારતીય વિદ્યાભવન, વિલ્સન કોલેજ-ચોપાટી, મરીન ડ્રાઈવ થઈને કોલાબા સુધી દોડતી થઈ હતી. મરીન ડ્રાઈવના એક ભવ્ય મકાનમાં તે સમયની લોકપ્રિય અભિનેત્રી સુરૈયા રહેતી હતી અને તે મકાન આગળ જ બસસ્ટોપ હતું. લોકો ત્યારે એને ‘સુરૈયા બસસ્ટોપ’ તરીકે ઓળખતા હતા.
ગ્રાન્ટરોડ સ્ટેશન સામે પૂર્વમાં ‘બી. મેરવાન રેસ્ટોરાં’ છે. એ એક એવું રેસ્ટોરાં છે કે ત્યાં બીડી-સિગારેટ પીવાની સખત મનાઈ છે. બીજું એક એવું જ રેસ્ટોરાં ચર્નીરોડ જંકશન આગળ છે – ઓલ્ડ પરશિયન બેકરી એન્ડ રેસ્ટોરાં.
પારસી ધર્મસ્થળો નજીક સુખડ વેચનારી નાનકડી દુકાનો હોય છે. આ દુકાનો પારસી ટોપીઓ રાખે છે જેથી ધાર્મિક સ્થળે પ્રાર્થના કરવા જનારાઓ પાસે ટોપી ન હોય તો તેટલા સમય પૂરતી ટોપી અહીંથી લઈ શકે છે. આ દુકાનોની રોનક બીજી દુકાનો કરતાં અલગ જ તરી આવે છે. (ક્રમશ:)