પહેલી વખત લંકા હનુમાને બાળી હતી અને આજે કોણ બાળી રહ્યું છે?

રોજ બરોજ

રોજ બરોજ -યોગેશ સાગર

લંકાનું નામ સાંભળીએ એટલે લંકાધિપતિ રાવણ યાદ આવે, મહાબુદ્ધિશાળી લંકેશે પોતાના શાસનકાળમાં ક્યારેય પોતાની સુવર્ણ નગરીને ઉની આંચ પણ આવવા દીધી ન હતી. જો કે હનુમાને તેને સળગાવીને રાખ કરી નાખી હતી રાવણના વધ બાદ ભગવાન રામે વિભીષણને લંકાની રાજગાદી સોંપી હતી. એ સમયે વિભીષણે રામ ભગવાન પાસેથી તેમનું ટાઇટલ “શ્રી માંગ્યું હતું. ભગવાને હંસતા મોઢે સોનાથી મઢેલી લંકાને પોતાનું ટાઇટલ આપીને એ દેશનું નામ શ્રીલંકા કરી દીધું. એ સમયે યુદ્ધ બાદ લંકાની હાલત ખુબ જ ખરાબ હતી. ત્યારે ‘શ્રી’નું નામ મળ્યું હતું આજે લંકા ‘શ્રી’ વિહીન અર્થાત પૈસા વગર નાદાર થઈ ગઈ છે. લંકામાં રાજકીય અને આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. દેશ સંપૂર્ણત્: દેવાદાર થઈ ગયો છે. મોંઘવારીએ ભરડો લીધો છે. સાદા પાણીની ૨૦૦ એમએલની બોટલ પણ ૩૦૦ રૂપિયામાં મળે છે. લોટ લેવા જાય તો ૮૦૦ રૂપિયા કિલો, લોકો પાસે નોકરી નથી. ભગવાન રામના રાવણ સાથેના યુદ્ધ બાદ જેવી સ્થિતિ હતી અત્યારે પણ એવી જ સ્થિતિ છે અને તેના માટે પરિવારવાદ અને વંશવાદની રાજનીતિ જવાબદાર છે. જ્યાં લંકાધિપતિ રાવણ જેવી મહેચ્છા ધરાવતા રાજપક્ષે પરિવારના સભ્યોએ આખા દેશને આર્થિકરીતે પાયમાલ કરી નાખ્યો છે. મહારાષ્ટ્ર અને બ્રિટન બાદ અહીં સત્તાધીશોનું સિંહાસન ડગમગ્યું છે. બ્રિટનની જેમ અહીં પણ સત્તાસ્થાને બેસેલા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના રાજીનામાંની માંગ પ્રજા કરી રહી છે.
અત્યારે શ્રીલંકામાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશના નેતાઓ મુશ્કેલ સમયમાં પ્રજાને છોડીને એક પછી એક દોડી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષે તેમના પરિવાર સાથે રાતોરાત માલદીવ ભાગી ગયા છે. આ પહેલા ગોટાભાયાએ પીએમ ઑફિસને કહ્યું હતું કે, તેઓ દેશમાં છે અને ૧૩ જુલાઈએ રાજીનામું આપશે. પરંતુ રાતોરાત તેમના પલાયન વાદથી, વસ્તુઓ ધીમે ધીમે સાફ થઈ રહી છે. આવી સ્થિતિમાં, નવા રાષ્ટ્રપતિની પસંદગીની સમગ્ર પ્રક્રિયા, નવી સરકાર હાલ પૂરતી અટકી ગઈ છે.
વાસ્તવમાં, ગોટાભાયા પહેલાથી જ તેમના જીવને જોખમનો ભય વ્યક્ત કરી ચૂક્યા છે. તે શ્રીલંકામાંથી સુરક્ષિતરીતે બહાર નીકળવા માંગતા હતા. પરંતુ જો તેમણે રાષ્ટ્રપતિ પદ છોડ્યું હોત તો કદાચ એવું ન થયું હોત. વાયુસેનાના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલયના આદેશ પર રાષ્ટ્રપતિને વિમાન આપવામાં આવ્યું હતું. બંધારણમાં સમાવિષ્ટ કાયદાકીય જોગવાઈઓ અનુસાર જ રાષ્ટ્રપતિને વિમાન આપવામાં આવ્યું હતું. મતલબ કે, જો ગોટાભાયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હોત તો તેમને છેલ્લી ઘડીએ આવી સુવિધા ન મળી હોત.
એવા પણ મીડિયા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે, માલદીવની સંસદના પૂર્વ સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે ગોટાભાયાને શ્રીલંકામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. નશીદે જ શ્રીલંકન ઍરફોર્સને ઍરક્રાફ્ટ આપવા માટે ફોન કર્યો હતો. માલદીવના ઍરટ્રાફિક કંટ્રોલર ગોટાભાયાના ઍરક્રાફ્ટને ઉતરવા દેવા માંગતા ન હતા, પરંતુ નશીદે પણ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. તેણે જાતે કંટ્રોલરને ફોન કર્યો હતો. ત્યારબાદ ઉતરાણની પરવાનગી મળી હતી. પણ અત્યારે લંકાધીપતિએ પરિવાર સાથે માલદીવમાં ધામા નાખ્યા છે.
છેલ્લા૩ મહિનાથી અહીં લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. જેની શરૂઆત ૧૫ માર્ચ ૨૦૨૨ના રોજ થઈ હતી. એ દિવસે દેશમાં અચાનક સરકારે ખાદ્યવસ્તુઓ પર ઈમર્જન્સી લાદી દીધી. એટલે નાગરિકોને કંઈ પણ ખરીદવાની સત્તા ન હતી. આજની ફાસ્ટફૂડવાળી જનરેશન કઇ રીતે ચૂપ બેસે. આ વાતનો મીડિયામાં ઘણો વિરોધ થયો. પરિસ્થિતિ એવી રીતે વણસી ગઈ કે કોઈ અનાજ પણ ખરીદી શકતું ન હતું. એટલે જ અત્યારે તમે સોશિયલ મીડિયામાં શ્રીલંકાના જે વિડિયોઝ નિહાળો છો. તેમાં લોકો ભોજન બનાવતા જોવા મળશે. ઘણા તો ત્યાં બેસીને ખાલી પાણી જ પીધા કરે છે. જે દેશ સુવર્ણની નગરી તરીકે ઓળખાતો હતો ત્યાં આવો ભૂખમરો આવ્યો કેમ!
શ્રીલંકાની આવી અવદશા માટે મહિન્દા અને ગોટાભાયા રાજપક્ષે જવાબદાર છે. શ્રીલંકામાં પણ ભારત અને પાકિસ્તાનની જેમ વંશવાદી રાજકારણનો ભારે પ્રભાવ છે. શ્રીલંકામાં રાષ્ટ્રીયસ્તરે બંડારનાયકે અને સિરિનાયકે પરિવારનું દાયકાઓ લગી વર્ચસ્વ રહ્યું. લંકાના ૧૩ વડા પ્રધાનમાંથી ૫ વડા પ્રધાન આ બંને પરિવારમાંથી આવ્યા છે.
રાજપક્ષે પરિવાર એ વખતે પ્રાંતિય રાજકારણમાં પ્રભાવ ધરાવતો હતો પણ રાષ્ટ્રીયસ્તરે તેનો ગજ નહોતો વાગતો. દક્ષિણ લંકાના હમ્બાન્તોતા વિસ્તારમાં લંકાની આઝાદી પહેલાંથી રાજપક્ષે પરિવારનું વર્ચસ્વ રહ્યું છે. મહિન્દા રાજપક્ષેએ મહેનત કરીને પોતાની પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડી પછી છેલ્લા બે દાયકાથી રાજપક્ષે પરિવાર રાષ્ટ્રીયસ્તરે સૌથી શક્તિશાળી રાજકીય પરિવાર બન્યો. મહિન્દા ૨૦૦૪થી ૨૦૦૫ દરમિયાન વડા પ્રધાન હતા ને ૨૦૦૫થી ૨૦૧૫ દરમિયાન પ્રમુખ હતા. ૨૦૧૮માં ફરી વડાપ્રધાન બન્યા ને ૨૦૧૯થી હમણાં રાજીનામું આપ્યું ત્યાં સુધી વડા પ્રધાનપદે રહ્યા. રાજપક્ષે પરિવારે ૨૦૧૯ની ચૂંટણીમાં જીત પછી શ્રીલંકા પર રીતસર કબજો કરી લીધો હતો. મહિન્દા વડા પ્રધાન બન્યા ને તેમના નાના ભાઈ ગોટાભાયાને પ્રમુખપદે બેસાડી દીધા. મહિન્દાનો પુત્ર નમ્મલ મંત્રી હતો જ્યારે બીજો દીકરો પ્રાઈમ મિનિસ્ટરનો ચીફ ઓફ સ્ટાફ હતો. મહિન્દાના બીજા બે ભાઈ ચમાલ અને બાસિલ ભૂતકાળમાં લંકા સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. બાસિલનો પુત્ર શશિન્દ્ર પણ કાકા મહિન્દાની સરકારમાં મંત્રી હતો. આમ, લંકાની સરકાર રાજપક્ષે ખાનદાનની પેઢી બની ગઈ હતી.
સત્તા સ્થાને બેઠેલા રાજપક્ષે પરિવારના સભ્યોએ એક પછી એક સરકારી મિલકતોમાંથી નાણાં ધીરવાનું શરૂ કરી દીધું. આ સિવાય પ્રજા જે ટૅક્સના પૈસા ભરે તેને દેશના વિકાસ માટે ખર્ચવાને બદલે પોતાની તિજોરી ભરવાનું શરૂ કરી દીધું. છેલ્લા ૩ મહિનાથી થતા આંદોલનને પગલે ગોટાભાયા હાલ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયા છે.અત્યારે જયારે લોકોએ તેના આવાસ પર કબ્જો કર્યો ત્યારે રાષ્ટ્રપતિ આવાસમાંથી ૩ હજાર કરોડ જેટલી અધધ… રકમ મળી આવી. આ તો એવી રકમ છે જેને ભાગેડુ ગોટાભાયા લઈ નથી ગયા. આજથી ૬ માસ પૂર્વે શ્રીલંકા ચીનના દેવા તળે દબાયેલું હતું શ્રીલંકા પર ચીનનું લગભગ ૩૭ હજાર કરોડ રૂપિયાનું દેવું ચઢી ગયું હતું. એ સમયે શ્રીલંકા પાસે સરકારી તિજોરીમાં માત્ર ૧૧ હજાર કરોડ રૂપિયા વધ્યા હતા. એ સમયે લંકાધિપતિ ગોટાભાયાએ ટૂંક સમયમાં રકમ ચુકવવાની ખાતરી આપી હતી. હવે તે નાસી ગયા પછી તેના આવાસમાં ૩ હજાર કરોડ રોકડા મળ્યા.. તો સિવાયની બીજી કેટલી સંપત્તિનો તેઓ સંગ્રહ કરીને બેઠા હશે. એ વિચારવા બેસીએ તો આંકડો હજી વધી શકે છે.
સરકાર લોકોને ખાવા-પીવાની ચીજો પણ પૂરી પાડી શકતા નથી એ જોતાં લોકોનો આક્રોશ સમજી શકાય એવો છે. રાજપક્ષે પરિવારની કોઈપણ વ્યક્તિ સત્તામાં હશે ત્યાં સુધી લોકોનો આક્રોશ શાંત થવાનો નથી એ જોતાં ગોટભાયા સ્વેચ્છાએ ખસી જાય એ જ લંકામાં શાંતિ સ્થાપવાનો શ્રેષ્ઠ ઉપાય છે. લંકામાં પ્રમુખને ઈમ્પીચમેન્ટ મોશન દ્વારા દૂર કરી શકાય છે પણ તેની પ્રક્રિયા બહું લાંબી છે તેથી વિપક્ષો ઈમ્પીચમેન્ટ મોશન લાવતા નથી.
અહીં સ્થિતિ એટલી કથળી છે કે લોકો ભૂખમરો અને કુપોષણથી પીડિત છે. ગરીબ વસતી સામૂહિકરીતે લાકડાના ચૂલા પર ચોખા પકવી રહ્યા છે. લોકોને માત્ર એક ટંકનું ભોજન માંડ મળી રહ્યું છે. દાળની કિંમત પણ ત્રણ ગણી વધી હોવાથી તે લોકોની થાળીમાંથી ગાયબ થઇ ચૂકી છે. વિધિની વક્રતા એ છે કે સમુદ્રથી ઘેરાયેલા આ ટાપુ પર માછલીઓ પકડવા માટે લોકો અસમર્થ છે કારણ કે, ડીઝલની અછતથી હોડી સમુદ્રમાં માછીમારી માટે જઇ નથી શકતી. અનેક લોકો માટે હવે આ સંકટ વધુ ઘેરું બન્યું છે.
લંકામાં અત્યારે જે સ્થિતિ છે તેમાં હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ની મદદ વિના આરો નથી. આઈએમએફએ મદદની તૈયારી બતાવી છે પણ એ પહેલાં હિંસાબંધ થાય ને રાજકીય સ્થિરતા સ્થપાય એ જરૂરી છે. લોકોનો આક્રોશ જોતાં પોતાની રીતે લોકો ઘરોમાં જવાનાં નથી તેથી હવે લશ્કર મેદાનમાં આવે ને સ્થિતિને કાબૂમાં લેવા બળપ્રયોગ કરીને કડક હાથે લોકોને ઘરોમાં રહેવા મજબૂર કરે એ જ વિકલ્પ બચ્યો છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ લંકામાં તમામ પ્રકારની મદદની તૈયારી બતાવી છે. આઈએમએફએ સત્તાવાર રીતે કહ્યું છે કે, શ્રીલંકાની રાજકીય ઉથલપાથલનો ઉકેલ આવે ને હિંસક વિરોધ શમી જાય તો લંકાને અપાનારા આર્થિક પેકેજ માટેની વાટાઘાટોને ફરીથી શરૂ કરવાની મંજૂરી અપાશે. આઈએમએફ વિશ્ર્વમાં આર્થિક મુશ્કેલીમાં મૂકાયેલા તમામ દેશોને તકલીફમાંથી બહાર કાઢવા પેકેજ આપે છે. એ માટે સબસિડી બંધ કરવી, ખર્ચ ઘટાડવા, આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવવી સહિતની શરતોનું પાલન કરવું પડે છે. હવે ગોટાભાયાના રાજીનામાં બાદ જે નવા પ્રમુખ આવશે તે જો આ ઉપાય અપનાવે તો શ્રીલંકાની પ્રજાનું ભૂલ થઈ શકશે ! નહિતર લંકા આમ જ ‘શ્રી’ વિહીન રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.