પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત તરતું મુકાયું

દેશ વિદેશ

યુદ્ધજહાજ વિક્રાંતના ફ્લાઇટ ડૅક પર નૌકાદળના અમલદારો. નૌકાદળનું નવું પ્રતીક (ન્યૂ નેવલ એન્સાઇન) બૅકગ્રાઉન્ડમાં જોઈ શકાય છે. ઇનસેટ તસવીર: સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર: પીટીઆઈ)

કોચી: સ્વદેશી બનાવટનું પ્રથમ વિમાનવાહક યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરતું મુકાયું હતું.
વિક્રાંતને નૌકાદળમાં સામેલ કરવા નિમિત્તે કોચિન શિપયાર્ડમાં યોજાયેલા સમારંભમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન અને નૌકાદળના વડા ચીફ એડમિરલ આર. હરિકુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.
છત્રપતિ શિવાજી મહારાજના જીવનની પ્રેરણાથી રચાયેલા ‘નેવલ એન્સાઇન’નું અનાવરણ કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે આજે વર્ષ ૨૦૨૨ની બીજી સપ્ટેમ્બરનો દિવસ ઐતિહાસિક છે. ભારતીય નૌકાદળને નવો ધ્વજ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધી નૌકાદળના ધ્વજમાં ગુલામીનું પ્રતીક હતું. એ ગુલામીના બોજથી આપણને મુક્તિ મળી છે. હવે છત્રપતિ શિવાજી મહારાજના જીવનથી પ્રેરિત નવો ધ્વજ મહાસાગરોમાં ફરતા દેશના યુદ્ધજહાજો પર લહેરાશે. વિક્રાંત, સંરક્ષણ ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના કાર્યક્રમમાં પ્રગતિના ઉદાહરણરૂપ યુદ્ધજહાજ છે. વિક્રાંત વિશિષ્ટ અને વિરાટ છે.
આ સાથે જંગી કદના વિમાનવાહક જહાજોના ઘરઆંગણે બાંધકામની ક્ષમતા ધરાવતા અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન અને ફ્રાન્સ જેવા જૂજ દેશોની યાદીમાં ભારતનું નામ સામેલ થયું છે. વર્ષ ૧૯૭૧ની લડાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારું વિમાનવાહક જહાજ આઈએનએસ. વિક્રાંત ‘સેવાનિવૃત્ત’ થયા બાદ તેનું નામ નવા યુદ્ધજહાજને આપવામાં આવ્યું છે. ૨૬૨ મીટર લાંબા અને ૬૨.૫ મીટર પહોળા, ૫૯ મીટર ઊંચા યુદ્ધ જહાજનું વજન ૪૨,૮૦૦ ટન છે. ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બંધાયેલું આ જહાજ કલાકના ૨૮ નૉટિકલ માઇલ્સની ગતિએ એક સાથે ૭૫૦૦ નૉટિકલ માઇલ્સ
દોડી શકે છે. ૨૩૦૦ કમ્પાર્ટમેન્ટસમાં નૌકાદળના ૧૭૦૦ સૈનિકો અને સુરક્ષા તથા યુદ્ધ સંબંધી કામગીરીની વ્યવસ્થા છે. મિગ-૨૯કે ફાઇટર જેટ્સ અને સ્વદેશમાં ઉત્પાદિત ઍડવાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર્સ મળીને ૩૦ ઍરક્રાફ્ટ્સ રાખવાની આ ઍરક્રાફ્ટ કૅરિયર યુદ્ધજહાજની ક્ષમતા છે. તે ઉપરાંત જહાજ પર બરાક-૮ એસએએમ, એકે-૬૩૦ ક્લોઝ ઇન વેપન સિસ્ટમ, સ્ટેબિલાઇઝ્ડ રિમોટ કંટ્રોલ્ડ ગન્સ, ટોરપીડો ડિકૉય સિસ્ટમ અને કવચ શૅફ ડિકૉય સિસ્ટમ સુરક્ષા અને હુમલાના પ્રતિકાર માટે ગોઠવાયેલા છે. જડબેસલાક સર્વેલન્સ સિસ્ટમમાં આરએએન-૪૦૧ થ્રી-ડી ઍર સર્વેલન્સ રડાર, રેઝિસ્ટર ઇ-ઍવિયેશન કૉમ્પ્લેક્સ તથા ડાઇવર ડિટેક્શન સિસ્ટમ સહિતની સાત અત્યાધુનિક ટૅક્નોલૉજીની સુવિધાઓ મોજુદ છે. વર્ષ ૨૦૦૫માં આ જહાજ માટે સ્ટીલ કટિંગની શરૂઆત કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૦૯માં તેનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૩માં તેનું માળખું તૈયાર થયું હતું અને વર્ષ ૨૦૨૦માં બેસિન ટ્રાયલ્સ શરૂ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨ની ૮ જુલાઈએ આ જહાજ કોચિન શિપયાર્ડે ભારતીય નૌકાદળને સોંપ્યું હતું. ચીનના ફુજિયાન જહાજથી વધુ શક્તિશાળી યુદ્ધજહાજ હોવાનું નૌકાદળના નિષ્ણાતો કહે છે. એક નગર કે ‘ફ્લોટિંગ ઍરફિલ્ડ’ની ઉપમા અપાયેલા આ જહાજ પર પાંચ હજાર ઘરને રોશન કરી શકે એટલી ઊર્જાની ઉપજ થાય છે.
૧૮ માળ જેટલી ઊંચાઈ ધરાવતા યુદ્ધજહાજ વિક્રાંતમાં ૭૦૦ નિસરણીઓ છે. જહાજના તમામ પેસેજ અને લૉબીઓમાંથી ચાલીને પસાર થતાં ૧૨ કિલોમીટર ચાલવું પડે એમ છે. તેમાં ૨૫૦૦ કિલોમીટરનું કેબલિંગ છે. એક દિવસમાં ૧૬,૦૦૦ રોટલી અને ૬૦૦૦ ઇડલી બનાવતા યંત્રો છે. વિક્રાંતમાં સી.ટી. સ્કૅન મશિન અને બે ઑપરેશન થિયેટર્સ ધરાવતી સંપૂર્ણ સક્રિય હૉસ્પિટલ છે. (એજન્સી)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.