હિન્દી ફિલ્મના પહેલા કુમાર, મિજજ્ન કુમાર

મેટિની

હેન્રી શાસ્ત્રી

૩૫ વર્ષની કારકિર્દીમાં નોંધપાત્ર કામ કરનાર અભિનેતાની કારકિર્દીનું સરવૈયું એટલે તેમના ગીતની પંક્તિ ‘ન કિસી કી આંખ કા નૂર હૂં, ન કિસી કે દિલ કા કરાર હૂં’ જેવું
——————
૧૯૯૦ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાન ત્રિપુટીએ વર્ચસ્વ જમાવ્યું હતું . વચ્ચે કપૂર કુટુંબ છવાઈ ગયું હતું, પણ એ પહેલા કુમારનો દબદબો હતો. અશોક કુમાર, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, રાજ કુમાર, મનોજ કુમાર વગેરે. ફિલ્મ ઈતિહાસના અભ્યાસુઓ પાસેથી મજેદાર વાત જાણવા મળી છે કે હિન્દી ફિલ્મના પહેલા કુમાર હતા મિજજ્ન કુમાર જેમની ‘પૂરણ ભગત’ નામની ફિલ્મ ૧૯૩૩માં રિલીઝ થઈ હતી. આ અભિનેતાનું મૂળ નામ તો સૈયદ હસન અલી ઝૈદી હતું, પણ આટલું મોટું નામ સારું નહીં લાગે એવી દલીલ કરવામાં આવી અને અલી મીર અને મિજજ્ન નામથી કે. એલ. સાયગલના લીડ રોલવાળી ‘સુબહ કા સિતારા’ અને ‘ઝિંદા લાશ’ એ બે ફિલ્મમાં સહાયક અભિનેતાનો રોલ કર્યો. દેખાવે હેન્ડસમ લાગતો મિજજ્ન કલકત્તાની ન્યુ થિયેટર્સ કંપનીના દિગ્દર્શક દેવકી કુમાર બોઝની નજરમાં વસી ગયો અને તેમણે પોતાની ‘પૂરણ ભગત’ ફિલ્મમાં હીરો બનાવી દીધો. ફિલ્મ રિલીઝ થવાની હતી ત્યારે કલકત્તામાં કોમી હુલ્લડ ફાટી નીકળ્યા હતા. તોફાન શાંત થયા પછી ફિલ્મ રિલીઝ વખતે પૌરાણિક ફિલ્મના નાયકનું નામ અલી મીર ઉર્ફે મિજજ્ન હોવાથી નિર્માણ કંપની ન્યુ થિયેટર્સ ટેન્શનમાં હતી. શ્રીયુત બોઝે એનો તોડ કાઢ્યો અને મિજજ્નને જણાવ્યું કે ‘ચિંતા કરવાની જરૂર નથી. આજથી મારા નામમાં રહેલા કુમારની માલિકી તારી.’ એ દિવસથી સૈયદ અલી ઉર્ફે મિજજ્ન કાયમ માટે મિજજ્ન કુમાર બની ગયો અને દેવકી કુમાર બોઝ પછી કાયમ માટે દેવકી બોઝ જ રહ્યા, તેમના નામમાંથી કુમારની બાદબાકી થઈ ગઈ. વિલિયમ શેક્સપિયર ભલે કહી ગયા હોય કે નામમાં શું રાખ્યું છે? પણ એ જો વીસમી સદીમાં જન્મ્યા હોત અને ભારત આવી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થોડો સમય વિતાવ્યો હોત તો કદાચ એમનો અભિપ્રાય બદલાઈ જાત. ખેર. આપણે વાત કરતા હતા મિજજ્ન કુમારની.
અશોક કુમાર ઈન્ડસ્ટ્રીના પહેલા કુમાર એવી સામાન્ય સમજણ છે. જોકે, અશોક કુમારની પહેલી ફિલ્મ હતી ‘જીવન નૈયા’ જે ૧૯૩૬માં આવી હતી. મિજજ્ન કુમાર તો એના ત્રણ વર્ષ પહેલા ૧૯૩૩માં કુમાર તરીકે રૂપેરી પડદા પર ચમકી ગયા અને પહેલા કુમાર તરીકે પંકાઈ ગયા. આ વાત બહુ ઓછા લોકો જાણે છે. મિજજ્ન કુમારના નામ સામે કેટલાક યાદગાર પરફોર્મન્સ બોલે છે, પણ એક યા બીજા કારણસર મળવી જોઈએ એટલી ખ્યાતિ તેમને નથી મળી એ હકીકત છે. એક ઉદાહરણ પરથી વાત સમજાઈ જશે. તમે કે. આસિફની અદ્ભુત ફિલ્મ ‘મુઘલ – એ – આઝમ’ જોઈ હશે. મધુબાલા (અનારકલી), દિલીપકુમાર (સલીમ) અને પૃથ્વીરાજ કપૂર (શહેનશાહ અકબર) તમારા હૈયે વસી ગયા હશે. ગીત – સંગીતમાં રુચિ હશે તો ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે’, ‘મોહબ્બત કી જૂઠી કહાની પે રોયે’ ગીત સ્મૃતિમાં જડાઈ ગયા હશે. જરા યાદદાસ્ત પર જોર આપશો તો આ ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ થયેલું સદાબહાર સોંગ ‘ઝિંદાબાદ ઝિંદાબાદ, અય મહોબ્બત ઝિંદાબાદ’ની યાદ તાજી થશે. આ ગીત મિજજ્ન કુમાર પર ફિલ્માવાયું છે જેમણે ફિલ્મમાં નાનકડો પણ સ્મરણમાં રહી જાય એવો શિલ્પીનો રોલ કર્યો છે. યાદ આવ્યું ને. આ ઉપરાંત આ અભિનેતા પર પિક્ચરાઇઝ થયા હોય એવા બીજા બે લોકપ્રિય ગીત પણ છે. એ ગીત છે નાનાભાઈ ભટ્ટ દિગ્દર્શિત ‘લાલ કિલ્લા’ ફિલ્મના રફી સાહેબે જ ગાયેલા ’ન કિસી કી આંખ કા નૂર હૂં, ન કિસી કે દિલ કા કરાર હૂં’ અને ‘લગતા નહીં હૈ દિલ મેરા ઉજડે દયાર મેં’. આ ગીત તમારા સ્મરણમાં હશે પણ અભિનેતાનો ચહેરો યાદ હોવાની સંભાવના બહુ જ ઓછી છે. લોકોને ભારત ભૂષણ યાદ રહી જાય અને ….. જેવા જેના નસીબ, બીજું શું.
લખનઊમાં જન્મેલો સૈયદ હસન અલી ઘરમાં કોઈને કહ્યા વગર નાટક મંડળીમાં જોડાઈ અભિનયના અજવાળા પાથરવા લાગ્યો. અભિનયનો શોખ અને આવડત યુવાનને કલકત્તા લઈ ગયો જ્યાં તેણે કેટલીક મૂંગી ફિલ્મોમાં કામ કર્યું. પછી ફિલ્મો માટેની લગન તેમને મુંબઈ ખેંચી ગઈ. નામી દિગ્દર્શક અને પ્રખ્યાત બેનરની ફિલ્મોમાં કામ કરી પ્રશંસા મેળવી, પણ એના મીઠાં ફળ કંઈ ઝાઝા ખાવા ન મળ્યા. ‘પૂરણ ભગત’ પછી મિજજ્ન કુમારે કમાલ અમરોહીની ‘મહલ’ અને ‘દાયરા’, મેહબૂબ ખાનની ‘વતન’ તેમ જ ‘ઈન્સાનિયત’, ‘નજમા’, ‘તાજ મહલ’, ‘અલ હિલાલ’ વગેરે ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું. ‘કોહિનૂર’માં
મીના કુમારીના અને ‘તરાના’માં મધુબાલાના પિતાશ્રીનો રોલ કર્યો હતો. આ સિવાય રાજ કપૂરની ‘શ્રી ૪૨૦’, કિશોર કુમારની ‘ઝુમરુ’ તેમ જ ‘મા બાપ’ અને ‘સોહની મહીવાલ’ ફિલ્મોમાં પણ મહત્ત્વના પાત્રોમાં તેઓ નજરે પડ્યા. અભિનય ઉપરાંત ‘બહાના’ (મીના કુમારી, મેહમૂદ, સજ્જન) અને ‘ધૂન’ (રાજ કપૂર, નરગિસ) ફિલ્મમાં દિગ્દર્શનમાં પણ તેમણે હાથ અજમાવ્યો હતો. પાંત્રીસ વર્ષની કારકિર્દીમાં તેમને આર્થિક લાભ કેટલો થયો એની જાણકારી નથી, પણ મિજજ્ન કુમારને યશ – લોકપ્રિયતા સાથે વાંકું જરૂર પડ્યું છે. એમના પર જ ફિલ્માવાયેલા ગીતની પંક્તિ એમની કારકિર્દીનું વર્ણન કરવા કાફી છે: ‘ન કિસી કી આંખ કા નૂર હૂં, ન કિસી કે દિલ કા કરાર હૂં’. અસ્તુ.
———————
૪૨ શબ્દનું લાઆઆઆમ્બું ટાઈટલ ધરાવતી ફિલ્મ
રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમીને ચમકાવતી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે ત્યારે લાંબા નામવાળી ફિલ્મોની યાદ તાજી થઈ રહી છે.
અંગ્રેજી અક્ષરના માપદંડથી ગણીએ તો આ ફિલ્મનું નામ ૨૪ અક્ષર લાંબું છે. ૨૦૧૮માં કાર્તિક આર્યનની ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં ૧૮ અક્ષર હતા. અજય દેવગનની ‘વન્સ અપોન એ ટાઈમ ઈન મુંબઈ દોબારા’માં અધધ ૨૯ અક્ષર હતા. રાજ કપૂરની ‘જિસ દેસ મેં ગંગા બહતી હૈ’માં ૨૪ અક્ષર હતા અને ગોવિંદાએ ૨૫ અક્ષરની ‘જિસ દેસ મેં ગંગા રહતા હૈ’ કરી હતી. ફરહા ખાને અભિનય કર્યો હતો એ ફ્લોપ ફિલ્મ ‘શિરીન ફરહાદ કી તો નીકલ પડી’માં ૨૬ અક્ષર હતા જયારે નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, શબાના આઝમીની ‘આલબર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યોં આતા હૈ?’માં ૨૮ અક્ષર હતા. બીજા પણ કેટલાક ઉદાહરણ આની આસપાસના છે. સમય અનુસાર લાંબી ફિલ્મોમાં ‘એલઓસી કારગિલ’ (૪ કલાક ૧૫ મિનિટ – ૨૫૫ મિનિટ) અને ‘મેરા નામ જોકર’ (૪ કલાક ૪ મિનિટ – ૨૪૪ મિનિટ) મોખરે છે.
હોલીવૂડમાં પડદા પર ચાર કલાકથી વધુ સમય ચાલી હોય એવી બે ફિલ્મ બની છે. એક છે ‘ક્લિયોપેટ્રા’ (૧૯૬૩). એલિઝાબેથ ટેલર, રિચર્ડ બર્ટન અને રેક્સ હેરિસન મુખ્ય કલાકાર હતા. ૪ કલાક અને ૮ મિનિટ (૨૪૮ મિનિટ) લાંબી આ ફિલ્મ કથાના વ્યાપને કારણે જરૂરી ગણાઈ હતી. ૫૯ વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોએ વધાવી લીધી હતી અને ૧૯૬૩ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઈ હતી. ચાર ઓસ્કર ઍવૉર્ડ પણ ફિલ્મને મળ્યા હતા. બીજી છે ‘હેમલેટ’ જે ૪ કલાક ને ૨ મિનિટ (૨૪૨ મિનિટ) લાંબી હતી. લાંબા નામની વાત કરીએ તો ૧૯૯૧નીNight of the Day of the Dawn of the Son of the Bride of the Return of the Revenge of the Terror of the Attack of the Evil, Mutant, Hellbound, Flesh-Eating Subhumanoid Zombified Living Dead, Part 2: In Shocking 2-D ચાલીસ શબ્દ (અક્ષર જાતે ગણી લેજો) સાથે નંબર વનના સ્થાન પર છે. અલબત્ત આ Night of the Living Dead ફિલ્મની પેરડી હોવાથી એને પ્રોપર ફિલ્મ નથી ગણવામાં આવતી. શોર્ટ એન્ડ સ્વીટમાં એકવીસમી સદીના સમયમાં લાંબા નામવાળી બે ફિલ્મ ખાસ ધ્યાન ખેંચે છે. એક છે Borat: Cultural Learnings of America for Make Benefit Glorious Nation of Kazakhstan (૨૦૦૬) અને બીજી છે ૨૦૦૩માં આવેલીEasy Riders, Raging Bulls: How the Sex, Drugs and Rock ‘N’ Roll Generation Saved Hollywood.  થોડા ભૂતકાળમાં સરીએ તો ૧૯૬૪માં Dr. Strangelove or: How I Learned to Stop Worrying and Love the Bomb નામની ફિલ્મ આવી હતી. સવાલ એ થાય છે કે ફિલ્મ જોઈને આવેલા પ્રેક્ષકને પૂછવામાં આવ્યું હશે કે કઈ ફિલ્મ જોઈ આવ્યા તો શું જવાબ આપ્યો હશે? પહેલા બે શબ્દો, છેલ્લા બે શબ્દો કે પછી પોસ્ટર કે એડવર્ટાઈઝમેન્ટ જ બતાવી દીધા હશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.