માનસ મંથન -મોરારિબાપુ
लागति अवध भयावनि भारी ।
मानहूँ कालराति अँधिआरी ॥
घर मसान परिजन जनु भूला ।
सुत हित मीत मनहूँ जमदूता ॥
બાપ! ભગવાન વિશ્ર્વનાથની અહેતુ કરુણાથી અને જેમની જટામાંથી પરમ પાવની પતિત-પાવન ગંગધારા નિરંતર વહે છે એવી મા ગંગાના તટ પર, જન્મ મૃત્યુ બાદ નવો જન્મ નથી લેવો પડતો એવી કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર આ કથા યોજાઈ છે ત્યારે વ્યાસપીઠ પરથી આપ સૌને પ્રણામ અને જય સીયારામ. નવ દિવસ માટે આ કથામાં આપણે ‘માનસ- મસાન’ વિષય પર વાતો કરશું, સંવાદ કરશું. તુલસીજીએ ‘મસાન’ શબ્દપ્રયોગ કર્યો છે માટે હું એ જ શબ્દો રાખું છું, બાકી તમે જાણો છો કે શિષ્ટ ભાષામાં ‘સ્મશાન’ શબ્દ છે. આ કથામાં બે પંક્તિઓ મેં ‘અયોધ્યાકાંડ’ માંથી લીધી છે, જેમાં ‘મસાન’ શબ્દનો પ્રયોગ થયો છે. અને તોડું આમ-તેમ કરો તો ‘મસાન’ અને ‘માનસ’માં અક્ષરોની દૃષ્ટિએ પણ થોડી સંગતિ છે. ક્યારેક ક્યારેક મને લાગે છે કે આ ‘માનસ’ સ્વયં સ્મશાન છે; એ કાં સદાય વિશ્રામ આપે છે, કાં તો સદાય જાગૃત કરી દે છે. તુલસીને એ બંને મળ્યા છે. આ કથાનું નામ ‘માનસ-મસાન’ રાખ્યું છે.
રામચરિતમાનસ’ના પ્રત્યેક કાંડમાં મૃત્યુનું વર્ણન છે. માણસનું મૃત્યુ ગમે ત્યાં થાય પરંતુ આખરે દેહનો અંતિમ મુકામ તો સ્મશાન જ હોય છે.‘બાલકાંડ’માં પણ આપણને મૃત્યુની ઘટનાનો ઉલ્લેખ મળશે. રાજા પ્રતાપભાનુનો પરિવાર મૃત્યુને શરણે ગયો. બધા કાંડમાં મૃત્યુની ચર્ચા કરી છે. કેવળ ‘ઉત્તરકાંડ’ અમરત્વનો કાંડ છે; એમાં કોઈના મૃત્યુની કથા નથી. તો જ્યાં મૃત્યુ થાય છે ત્યાં સ્મશાનનો ઉલ્લેખ થવો જોઈએ, પરંતુ તુલસીદાસજીએ ત્રણ વાર જ સ્મશાનની ચર્ચા કરી છે, એમ કેમ? તો તલગાજરડાને લાગે છે કે દરેક શાસ્ત્રમાં અથવા તો બુદ્ધિપુરુષોની અનુભૂતિમાં દરેક વસ્તુને ત્રણ રીતે જોવી પડે છે. આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક એમ ત્રણ રીતે જોવી જોઈએ. ગોસ્વામીજી ત્રણ વાર ‘મસાન’ શબ્દોનો પ્રયોગ કરીને જાણે કે સ્મશાનની ત્રણ પ્રકારની અદ્ભુત વ્યાખ્યા કરી છે. સ્મશાનનું આધિભૌતિક ગ્રુપ કેવું છે; આધિદૈવિક રૂપ કેવું છે અને આધ્યાત્મિક રૂપ કેવું છે ? આવનારા દિવસોમાં આપણે સંવાદના રૂપમાં એની ચર્ચા કરીશું.
મારા ભાઈ-બહેનો, મારી વાત આપ માનો કે ન માનો, એનું કોઈ દબાણ નથી; આપ સ્વતંત્ર છો, પરંતુ બરાબર સાંભળો. આ સ્મશાન એવી જગ્યા છે, જ્યાં જનારા હંમેશ માટે સૂઈ જાય છે અથવા તો ત્યાં યોગ્ય રીતે પહોંચે છે એ હંમેશ માટે જાગી પણ જાય છે. એટલે જો હંમેશ માટે જાગવું હોય તો જાઓ સ્મશાનમાં અને હંમેશ માટે સૂવું હોય તો જાવ સ્મશાનમાં. કેમ કે ત્યાં જે એકવાર જાય છે તે હંમેશ માટે સૂઈ જાય છે; પછી એને કોઈ ઉઠાડતું નથી. હંમેશને માટે સૂઈ જવું એટલે પરમ વિશ્રામ. સૂવું એટલે પ્રમાદી બનીને સૂઈ જવું એમ નહીં. અને ‘માનસ-મસાન’ને જે સમજી લે છે એમની જાગૃતિ વિષે તો કહેવું જ શું ? અને જેમને સ્મશાનનું અધ્યાત્મ સમજાઈ જાય છે એ હંમેશ માટે જાગી જાય છે. તો સ્મશાન બંને રીતે ફાયદાકારક છે. સ્મશાનની વાતોએ આપણને ખુબ ડરાવ્યા છે, ખૂબ જ ભયભીત કર્યા છે ! અને માણસ પોતાના આયુષ્યને કારણે અથવા તો અન્ય કોઈ કારણે મરે છે એનાથી વધારે તો ભયથી મરે છે. માણસને સ્મશાનનો ખૂબ જ ભય રહ્યા કરે છે.
આવો, આપણે ‘માનસ- મસાન’માં ત્રણ પ્રકારના સ્મશાનની સંવાદી ચર્ચા કરીને નિર્ભય બનીએ. સૌને સ્મશાનમાં સત્ય સમજાય છે, કેમકે મૃત્યુ સિવાય બીજું કોઈ સત્ય છે ? આપણો જન્મ સત્ય નથી. આ વખતે ક્યાં જમ્યા અને જો આ જનમ-જનમના ફેરામાં રહેવા માગીએ તો બીજીવાર ક્યાં જન્મીશું એની શું ખબર ? કોઈ ઠેકાણું નથી. જન્મ લીધા પછી આપણે કિશોરકાળમાં પહોંચી શું કે નહીં એ ખબર નથી; યુવાન થઈ શકીશું કે નહીં, ખબર નથી. કંઈ નિશ્ર્ચિત નથી. લગ્ન થશે કે નહીં, કંઈ નિશ્ર્ચિત નથી. લગ્ન થયા બાદ લાંબા સમય સુધી ચાલશે કે નહીં એનું કંઈ ઠેકાણું નથી ! બુઢાપો આવશે કે નહીં; બુઢાપામાં સાજા રહીશું કે કોઈ બીમારી આવશે એ કંઈ નક્કી નથી. એ પરંતુ એ એક પરમ સત્ય છે કેમ મૃત્યુ તો થશે જ; મરવું તો પડશે જ; મૃત્યુ તો આવશે જ.
તો સ્મશાન વિશે જ્યારે સંવાદ કરીએ છીએ ત્યારે એક વાત એ છે કે સ્મશાન સત્ય છે. બીજું, સ્મશાન પ્રેમ છે. પ્રેમ એ સૌનો સ્વીકાર કરવાનું નામ છે. જે સૌનો સ્વીકાર કરે એનો એક અર્થ છે પ્રેમ. કોઈનો તિરસ્કાર નહીં કરે પ્રેમ. સ્મશાન એક એવી જગ્યા છે, જે સૌનો સ્વીકાર કરે છે. રાજા, રંક, પંડિત કોઈ પણ હોય, સ્મશાન સૌનો સ્વીકાર કરશે. એટલા માટે મારી દ્રષ્ટિએ સ્મશાન સત્યભૂમિ છે, સ્મશાન પ્રેમભૂમિ છે. અને સ્મશાન માં જે એક વાર ગયા હોય અને એ પણ કાશીમાં ગયા હોય, તો બીજી વાર પછી જ નથી લેવો પડતો, કોની કરુણાથી ? મહાદેવની કરુણાથી. તો સ્મશાન કરુણા પણ છે. તો આ ગુરુકૃપાથી ચાલી રહેલી મારી આધ્યાત્મિક યાત્રાનો જે નિચોડ છે સત્ય, પ્રેમ, કરુણા. એમ મને એવું પણ લાગે છે કે સ્મશાન સત્ય છે. સૌનો સ્વીકાર કરવાને કારણે સ્મશાન પ્રેમ છે. અને કાશીમાં જે મરે છે એ મહાદેવની કરુણાથી મુક્ત થઈ જાય છે; એક કરુણા સિવાય થઇ જ ન શકે, એટલે સ્મશાન કરુણા છે.
તો બાપ! આ નાની એવી પૂર્વભૂમિકા છે. આ સદ્ભાગ્ય છે કે સ્મશાનને બહાને મારી વ્યાસપીઠને એક અવસર મળ્યો. એકવાર વિદેશમાં ક્યાંક મૃત્યુ વિશે બોલવાનો અવસર મળ્યો હતો. ભગવાનની કૃપાથી આજે અહીં સ્મશાન પણ બોલવાનો અવસર પ્રાપ્ત થયો. આપણે મરવું નથી; હજી જીવવું છે, પરંતુ એકવાર તેના વિશે વિચારીએ તો ખરા. તો મૃત્યુ સત્ય છે. એ સત્યનો સ્વીકાર કરવો. ભય નીકળી જવો જોઈએ. આપણા જીવનમાં પ્રલોભન અને મૃત્યુનો ભય એ બે મોટી મુશ્કેલી છે. ભગવત કથા સાંભળીને જો પ્રલોભનો નીકળી જાય અને મૃત્યુનો ભય નીકળી જાય તો મુક્તિ આપણી મુઠ્ઠીમાં આવી શકે; જીવનની પ્રસન્નતા આપણા કાબૂમાં આવી શકે. એટલે મને લાગે છે કે માનસ- મસાન’નો આ સંવાદ મને અને તમને ખૂબ વિશેષ પ્રસન્ન કરી શકે તેમ છે. આવા પવિત્ર ભાવ સાથે હું આજે પહેલા દિવસે આ કથાનો આરંભ કરી રહ્યો છું. જેમના જીવનમાં પ્રલોભનો નીકળી જાય અને મૃત્યુનો ભય નીકળી જાય એ જીવન અને મૃત્યુ બંને પર સવાર થઈ શકે છે; આનંદિત થઈ શકે છે.
સંકલન: જયદેવ માંકડ