Homeમેટિનીફિલ્મી દુનિયા અને વિવાદને જૂનો સંબંધ છે

ફિલ્મી દુનિયા અને વિવાદને જૂનો સંબંધ છે

ફોકસ -રાજેશ યાજ્ઞિક

બોલીવૂડમાં અત્યારે ‘પઠાણ’ ફિલ્મનો ‘બેશર્મ રંગ’ ગાજી રહ્યો છે. કેટલાકને આ ગીત ઘણું ગહન રીતે રોમાન્ટિક લાગ્યું અને દીપિકા હોટ લાગી. તો ઘણાને આ ગીત બીભત્સ લાગ્યું અને પ્રશ્ર્ન પણ કર્યો કે સેન્સર આવા દ્રશ્યો ઉપર કાતર કેમ નથી ફેરવતું? પણ વિવાદની શરૂઆત તો આ ગીતમાં દીપિકાએ પહેરેલી બિકીનીના રંગથી થઇ. ભાજપાના મધ્યપ્રદેશના નેતા અને મંત્રી નરોત્તમ મિશ્રાએ આ ગીતને “અત્યંત વાંધાજનક અને “દૂષિત માનસિકતા વાળું ગણાવીને ઉમેર્યું કે દીપિકાએ કેસરી રંગની બિકીની પહેરી અને ગીતના બોલ છે “બેશર્મ રંગ. આ ગીત હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવે એવું છે.
આ વિવાદમાં ‘ભીષ્મ પિતામહ’ ફેમ મુકેશ ખન્ના પણ કૂદી પડ્યા અને તેમણે જણાવ્યું કે આ ગીત ખુબ અશ્ર્લીલ છે. “બાળકો પણ ફિલ્મો અને ટીવી જોતાં હોય છે. એવામાં આવાં ગીતો સેન્સર બોર્ડે પાસ ન કરવા જોઈએ. સેન્સરબોર્ડ કંઈ સુપ્રીમ કોર્ટ નથી કે જેનો વિરોધ ન કરી શકાય, તેમણે ઉમેર્યું. પછી તો ફિલ્મી અને નોન-ફિલ્મી હસ્તીઓથી લઈને સામાન્ય જાણતા સોશિયલ મીડિયા ઉપર સમર્થન અને વિરોધમાં મચી જ પડ્યા છે.
બોલીવૂડ અને વિવાદ સિક્કાની બે બાજુ જેવા છે. બોલીવૂડમાં વિવાદો થવા એ પણ નવી વાત નથી. વર્ષોથી વિવાદો સર્જાતા રહે છે. કયારેક નામને લઈને, ક્યારેક ગીતના બોલ ઉપર, ક્યારેક ફિલ્મના વિષય ઉપર, ક્યારેક ભાષા ઉપર, તો હવે રંગ ઉપર પણ વિવાદ થઇ રહ્યા છે. ચાલો જાણીએ કેટલીક એવી ફિલ્મો જેની સાથે વિવાદો જોડાયેલા હોય.
રામ તેરી ગંગા મૈલી
૧૯૮૫માં આવેલી આ ફિલ્મની હિરોઈન મંદાકિનીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે ફિલ્મમાં જે બોલ્ડ સીન આપ્યા તેનાથી તે વખતે વંટોળ ઉઠેલો. મંદાકિનીના અંગપ્રદર્શનની ખૂબ ચર્ચા પણ થયેલી અને ટીકા પણ. તેનાથી ફિલ્મને ખાસ્સી પબ્લિસિટી પણ મળી હતી એમ કહેવું ખોટું નહીં ગણાય.
સત્યમ્ શિવમ્ સુન્દરમ્
આર. કે. બેનરની જ આ ફિલ્મ ૧૯૭૮માં આવી હતી. આ ફિલ્મ એ સમય કરતાં ઘણી આગળ હતી તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નહીં હોય. ઝીનત અમાને આ ફિલ્મમાં ઘણા બોલ્ડ દૃશ્યો આપ્યા હતાં. ફિલ્મોમાં તે વખતે દર્શાવાતું તે મર્યાદા કરતાં ઘણા ઓછાં કપડાં ઝીનતે આ ફિલ્મમાં પહેર્યા હતાં અને અંગ પ્રદર્શન પણ ઘણું હતું. પરંતુ એ વખતે સોશિયલ મીડિયા ન હોવાથી મુદ્દાઓ આટલા ઉછળતાં પણ નહોતાં!
તેરે મરે બિચમેં
આ શબ્દોવાળું ગીત તો લગભગ બધા સિનેમા પ્રેમીઓએ સાંભળ્યું હશે. પણ ૧૯૮૪માં આ જ નામની હિન્દી ફિલ્મ આવેલી.
ફિલ્મ બનાવનાર હતાં મરાઠી ફિલ્મોના જાણીતા કલાકાર દાદા કોંડકે! તેમની દ્વિઅર્થી નામવાળી અને સંવાદો કે ગીતો વાળી ફિલ્મો દર્શકોના એક વર્ગને ખુબ પસંદ પડતી હતી પણ તેનો વિરોધ પણ ઘણો થતો હતો.
‘તેરે મેરે બીચ મેં’નું એક ગીત ‘તેરી લે લું મૈં’ તેના દ્વિઅર્થી શબ્દોને કારણે ખૂબ ચર્ચાયેલું.
ત્રિષાગ્નિ
‘ધ તાશકંદ ફાઇલ્સ’ અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ થી ફરી ચર્ચામાં આવેલી અભિનેત્રી પલ્લવી જોશીએ ૧૯૮૮માં આવેલી ફિલ્મ ત્રિષાગ્નિમાં સંપૂર્ણ નગ્ન સ્નાનનો સીન કરીને વંટોળ જગાવેલો. જોકે એ સીન તેણે પોતે જ કરેલો કે બોડી ડબલનો ઉપયોગ થયેલો એ ચોક્કસ જાણકારી નથી. પણ ફિલ્મોમાં શું બતાવવું અને કેટલું બતાવવું તેની ચર્ચા એ ખાસું જોર પકડ્યું હતું.
કર્મા
જી ના, અમે અનિલ કપૂરની કર્માની વાત નથી કરતા. ૧૯૩૩માં રિલીઝ થયેલી દેવિકા રાણી અને હિમાંશુ રાયની આ ફિલ્મમાં ખાસ્સું ચાર મિનિટ લાબું ચુંબન દૃશ્ય હતું! આજે પણ જ્યાં કિસિંગ સીન્સને સ્વીકારવામાં ખચકાટ અનુભવાય છે ત્યાં આજથી ૯૦ વર્ષ પહેલા ફિલ્મમાં આ જોઈને દર્શકોને કેવો આઘાત લાગ્યો હશે!! પણ સાપનું ઝેર ઉતારવા માટેના પ્રયાસ તરીકે તેને દર્શાવાયું હતું. આજે પણ આ દૃશ્ય હિન્દી ફિલ્મોના સૌથી લાંબા ચુંબન દ્રશ્યોમાંનું એક ગણાય છે.
ફાયર
શબાના આઝમી અને નંદિતા દાસ અભિનિતી ફાયર ફિલ્મને તેના સજાતીય વિષયવસ્તુને લઈને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. શિવસેના અને બંજરંગ દળ જેવા પક્ષો અને સંગઠનોએ સંસ્કૃતિ વિરુદ્ધની આ ફિલ્મના પ્રદર્શન સામે મોરચો માંડ્યો હતો.
બેન્ડિટ ક્વીન
શેખરકપૂરની આ ફિલ્મ ડાકુરાણી ફૂલનદેવીના જીવન ઉપર આધારિત હતી. આ ફિલ્મના એક દૃશ્યમાં તેને નગ્નાવસ્થામાં ગામમાં પરેડ કરતી દર્શાવાઈ છે અને ફિલ્મોમાં સખત ગાળાગાળી હોવાના કારણે આ ફિલ્મને વિરોધ સહન કરવો પડ્યો હતો. ઉપરાંત સમાજનો એક વર્ગ ફૂલનદેવીના વિરોધને કારણે પણ તેને રીલિઝ થવા દેવા માગતો નહોતો. ‘હલકી ભાષા’ના કારણે જોકે ઘણી ફિલ્મોની ટીકા થઇ છે, જેમાં ‘સત્યા’, ‘દિલ્હી બેલી’, ‘ઈશ્કિયાં’, અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’નો સમાવેશ થાય છે.
પીકે
આમિર ખાનની આ ફિલ્મ જેટલી ચાલી તેટલી જ ટીકાઓનો ભોગ બની. ફિલ્મોમાં હંમેશાં હિન્દુ વિરોધી વિષયો જ કેમ હોય છે? તેની ખૂબ ચર્ચા થવા લાગી. કદાચ આ ફિલ્મ પછી આ ચર્ચાએ જોર પકડ્યું એમ કહીએ તો ખોટું નહીં ક્હેવાય. આમિર ઉપર હિન્દુ વિરોધી હોવાનું લેબલ પણ લગાડવામાં આવ્યું. આ જ બાબતને લઈને ફિલ્મ ’ઓહ માય ગોડ’નો પણ વિરોધ થયો હતો.
મદ્રાસ કાફે
જ્હોન અબ્રાહમની વખણાયેલી ફિલ્મોમાંની એક એવી આ ફિલ્મ રાજીવ ગાંધી હત્યા અને શ્રીલંકામાં ભારતની લશ્કરી દખલની ઘટનાઓ આસપાસ ગૂંથાયેલી છે. ઘણા તમિલ સંગઠનોએ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો.
ગોલીયોં કી રાસલીલા – રામ લીલા અને પદ્માવત
આ ફિલ્મનો તેના મૂળ નામને કારણે ખુબ વિરોધ થયો હતો. રામલીલા એક પવિત્ર ઉજવણી છે અને તેનો આ રીતે ફિલ્મમાં ઉપયોગ કરવાથી ઘણાની લાગણી દુભાઈ હતી. આખરે સર્જક સંજય લીલા ભણસાળીએ નામ બદલવું પડ્યું હતું. સંજય ભણસાળીને પણ વિવાદો સાથે સારું બને છે. તેમની ફિલ્મ ‘પદ્માવત’ નો પણ તેના મૂળ નામને કારણે રાજસ્થાનમાં જબરજસ્ત વિરોધ થયો. રાજપૂત રાજરાણીને નાચતી બતાવવા બદલ રાજસ્થાનના રાજ ઘરાણાએ પણ નારાજગી દર્શાવી. ફિલ્મને રાજસ્થાનમાં રિલીઝ થવા દેવામાં ન આવી. આવી અનેક ફિલ્મો સાથે એક કે બીજા વિવાદો જોડાયેલા રહ્યા છે. ભવિષ્યમાં પણ વિવાદો થશે જ. પહેલાના સમયમાં સોશિયલ મીડિયા હાથવગું નહોતું, પણ આજે કાગ નો વાઘ થતા વાર નથી લાગતી. સારું કે નરસું શું છે? શું બતાવવું જોઈએ? કે શું જોવું જોઈએ? એનો નિર્ણય કોણ કરશે? સમાજ, કાયદો, ધર્મ, કે પોતાની સમજણ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular