હજારો ખેડૂતોને દેશી બિયારણ મફત વહેંચ્યું ખેડૂતના દીકરાએ

પુરુષ

ફોકસ – વૈભવ જોષી

પર્યાવરણ વિષે વાતો તો બધા જ કરતા હોય છે, પણ બહુ ઓછા લોકો પોતાનાં અંગત સમય અને શક્તિ, તથા ક્યારેક રૂપિયા પણ, ખર્ચીને પર્યાવરણ માટે હકીકતમાં કામ કરતા હોય છે. જેઓ આમ કરે છે, તેઓના પર્યાવરણ પ્રેમને લીધે દેશની ધરતીની હરિયાળી ચાદર બચાવમાં વિશેષ મદદ મળે છે. ખાસ કરીને ધરતી સાથે જોડાયેલા ખેડૂતના પરિવારનું સંતાન જ્યારે આ ઝુંબેશમાં જોડાય ત્યારે તેમાં એક અનુભવનું ભાથું પણ જોડાયેલું હોય છે.
મધ્ય પ્રદેશના ગુનાના રુઠીઆઈ ગામમાં રહેતા ૪૪ વર્ષના કેદાર સૈની એક ગરીબ ખેડૂત પરિવારમાંથી આવે છે, પણ તેમનો પર્યાવરણ પ્રેમ તેમને એક ખાસ વ્યક્તિ બનાવે છે. તેઓ ફૂલ-ઝાડ અને દેશી બિયારણના જાણકાર છે. પોતાની જાણકારીનો ઉપયોગ કરીને તેઓ શહેરમાં પણ હરિયાળી ફેલાવી રહ્યા છે. તેમણે સેંકડો બીજ એકઠાં કર્યાં છે અને માત્ર મોકલવાના ખર્ચ સાથે દેશભરના ખેડૂતોને તેઓ પહોંચાડી રહ્યા છે. અત્યાર સુધી દેશનાં ૧૭ રાજ્યોના હજારો લોકો સુધી આ બિયારણ પહોંચાડી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૯થી તેઓ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ જેવી યોજનાઓમાં વૃક્ષારોપણનું કાર્ય કરે છે.
વૃક્ષારોપણ પ્રત્યેના પ્રેમને કારણે તેઓ દુર્લભ શાકભાજીઓ, ફળો અને જડીબુટ્ટીઓ એકઠી કરવાનું કાર્ય પણ કરે છે. ૨૦૧૩થી તેઓ બીજ ન માત્ર જમા કરે છે, પણ જરૂરિયાતવાળા ખેડૂતોને મફતમાં વહેંચે છે પણ ખરા. જોકે કોરોના રોગચાળા બાદ તેઓ બીજ માટે માત્ર મોકલવાનો ખર્ચ વસૂલે છે. કેદારના કહેવા મુજબ તેઓ આ કામ રૂપિયા માટે નથી કરતા, પણ એટલા માટે કરે છે કે આ દેશી બિયારણ વર્ષોનાં વર્ષો સુરક્ષિત રહે અને આપણી આવનારી પેઢી પણ દેશી ભોજનનો સ્વાદ માણી શકે.
બાળપણથી હતો દેશી બીજ ભેગાં કરવાનો શોખ
કેદારે હિન્દી ભાષા સાથે એમ.એ. કર્યું છે, પણ હંમેશાં પોતાના પિતા સાથે ખેતરમાં કામ કરતા હતા. તેઓ કહે છે, ‘મારી માતાના નામે માત્ર ચાર વીઘા જમીન હતી.
એટલે અમે બીજાનું ખેતર ભાડે લઈને ખેતી કરતા હતા, પણ મને પરંપરાગત ખેતી કરતાં બાગકામમાં વધારે રુચિ છે.’ કેદાર હંમેશાં અલગ અલગ પ્રકારની શાકભાજીઓ ઉગાડતા હતા અને જ્યાંથી મળે ત્યાંથી દેશી બીજ જમા કરતા હતા. તેઓ જ્યારે સાતમા-આઠમા ધોરણમાં હતા ત્યારે વર્ષાઋતુમાં, મિત્રો સાથે મળીને એક એક રૂપિયામાં આ એકઠાં કરેલાં દેશી બીજનાં પેકેટ બનાવીને વેચતા હતા. તેને કારણે થોડી પોકેટમની જમા થઇ જતી હતી. ધીરે ધીરે આ શોખ વધતો ચાલ્યો. મિત્રો સાથે મળીને તેઓ વૃક્ષારોપણ પણ કરતા હતા.
તેમના આ શોખ અને પ્રેમને કારણે તેમને ગુનાના વિજયપુર શહેરમાં એક કંપનીમાં વૃક્ષોની સંભાળનું કામ મળ્યું. ૨૦૦૭ સુધી તેઓ ખેતી કરતા હતા, પણ પોતાના અનુભવને કારણે નોકરીની ઓફર આવી તેનાથી માતા-પિતા ખૂબ ખુશ થયાં, કારણ તેમને લાગ્યું કે હવે ઘરમાં નિયમિત આવક આવશે. તે દરમ્યાન તેમને માત્ર ચાર હજાર રૂપિયા મળતા હતા.
જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ તેમને કંપનીની અલગ અલગ જગ્યાઓ ઉપર કામ મળતું ગયું. ક્યારેક સિવિલ મેઇન્ટેનન્સનું, તો ક્યારેક પેટ્રો સ્ટોર મેનેજરનું, પણ કંપનીના બાગકામ વિભાગ સાથે તેઓ હંમેશાં જોડાયેલા રહ્યા. તે ઉપરાંત વ્યક્તિગત રીતે કેદારે વૃક્ષારોપણ અને બીજ જમા કરવાનું તો ચાલુ રાખ્યું જ હતું.
કેદાર કહે છે, ‘તમને હંમેશાં મારા ખિસ્સામાં બીજ મળશે. મારી પાસે દેશી રીંગણાં, કાકડી, ઘઉં સહિત લગભગ ૧૪૦ પ્રકારનાં બિયારણ છે, પણ આ બધાં બીજોની સંભાળ મારે માટે બહુ મુશ્કેલ કામ છે, કેમ કે હું વૃક્ષારોપણ કામ માટે અલગ અલગ શહેરોમાં ફરતો રહું છું. એટલે હું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બીજ પહોંચાડી રહ્યો છું.
કોરોના બાદ સરકારે બધી જ આવાસીય યોજનાઓ, સરકારી ઇમારતો અને રોડ જેવી યોજનાઓમાં વૃક્ષારોપણ અનિવાર્ય બનાવ્યું છે, જે અંતર્ગત કેદારને પણ કામ મળી રહ્યું છે. અત્યારે કેદાર, ઇન્દોરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનેલાં મકાનોમાં વૃક્ષારોપણનું કાર્ય કરી રહ્યા છે. તે ઉપરાંત પોતાની ખાનગી સંસ્થા પણ ચલાવે છે. તેના દ્વારા વર્ષાઋતુમાં તેઓ લોકોને વધુ ને વધુ વૃક્ષારોપણ માટે પ્રેરણા આપે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.