પુરાતત્વ વિભાગે કર્યો મોટો ખુલાસો
‘ગેટવે ઑફ ઈન્ડિયા’ એ ભારતના મુંબઈ શહેરની દક્ષિણે આવેલું એક સ્મારક છે. આ સ્મારક ડિસેમ્બર 1911માં બ્રિટિશ રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીની અપોલો બંદર, મુંબઈ (તે સમયે બોમ્બે)ની પ્રથમ મુલાકાતની યાદમાં બનાવવામાં આવ્યું હતું. હેરિટેજ સ્મારક ગેટવે ઓફ ઈન્ડિયાને મુંબઈ શહેરના કેન્દ્રબિંદુ તરીકે જોવામાં આવે છે. 113 વર્ષથી આ વાસ્તુ ઇમારત સમુદ્રના મોજા અને તોફાનોનો સામનો કરીને આજે પણ મજબૂત રીતે ઉભી છે. જોકે, આ ગેટ વે ઓફ ઈન્ડિયામાં તિરાડ હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર, જાણવા મળ્યું છે કે 113 વર્ષ જૂના ગેટવે ઓફ ઈન્ડિયામાં તિરાડ પડી ગઈ છે. સ્ટ્રક્ચરલ ઓડિટમાં તિરાડો હોવાનું જાણવા મળ્યું છે, જેને કારણે શું સરકાર ‘ગેટવે’ના નવીનીકરણની દરખાસ્ત સ્વીકારશે? તેવો સવાલ ઉઠ્યો છે. ગેટવે ઓફ ઈન્ડિયા માત્ર મુંબઈનું સ્મારક નથી. એ દેશની ઓળખ છે. અંગ્રેજોએ આ માળખું 1911માં બનાવ્યું હતું. અને વર્ષ 1924માં તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. પરંતુ, 100 વર્ષથી વધુ જૂના માળખામાં તિરાડ પડી ગઈ છે… જ્યારે પણ કોઈ ચક્રવાત મુંબઈમાંથી પસાર થાય છે ત્યારે ગેટવે ઊંચા મોજાથી અથડાય છે… પરંતુ ગયા વર્ષના ચક્રવાતમાં સ્ટ્રક્ચરને નુકસાન થયું હોવાનું જણાયું હતું. આ સંદર્ભે ગયા અઠવાડિયે આ બાબત સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારના ધ્યાન પર લાવવામાં આવી છે. ગેટવે ઓફ ઈન્ડિયાનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં બિલ્ડિંગના આગળના ભાગમાં તિરાડો જોવા મળી હતી. બિલ્ડિંગ પર ઘણી જગ્યાએ છોડ પણ ઉગેલા જોવા મળ્યા હતા. સાથે જ ડોમમાં વોટરપ્રૂફિંગ અને સિમેન્ટ કોંક્રીટને પણ નુકસાન થયું છે. જે બાદ રાજ્યના પુરાતત્વ અને સ્થાપત્ય નિર્દેશાલયે રિનોવેશન માટે સરકારને 6.9 કરોડની દરખાસ્ત રજૂ કરી છે. જેના માટે હજુ મંજૂરીની રાહ જોવાઇ રહી છે. ગેટવે ઓફ ઈન્ડિયાને આર્કિટેક્ચરલ માસ્ટરપીસ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રવેશદ્વાર ઈંગ્લેન્ડના રાજા જ્યોર્જ પંચમની મુલાકાતની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આઝાદી પછી, જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના છેલ્લા સૈનિકોએ ભારત છોડ્યું, ત્યારે તેઓ છેલ્લીવાર આ માળખામાંથી પસાર થયા હતા. જે બાદ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનું વર્ચસ્વ ખતમ થઈ ગયું હતું.