એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તરાખંડના જોશીમઠ શહેરનું અસ્તિત્વ જ મટી જાય એવો ખતરો ઊભો થયો છે એ મુદ્દો હમણાં ગાજી રહ્યો છે. જોશીમઠ પ્રાચીન નગર છે અને હિંદુઓ માટે અત્યંત પવિત્ર યાત્રાધામ મનાતા બદરીનાથનું પ્રવેશદ્વાર ગણાય છે. બદરીનાથ તથા હેમકુંડ સાહિબના રસ્તામાં આવતા જોશીમઠની પાસે જ આંતરરાષ્ટ્રીય સ્કીઈંગ પ્લેસ ઔલી પણ આવેલું છે. જોશીમઠમાં શંકરાચાર્યનો આશ્રમ જ્યોતિ મઠ આશ્રમ પણ છે ને બીજા પણ પવિત્ર મનાતાં સ્થળો છે. જોશીમઠમાં બધાં મળીને ૪૦૦૦ની આસપાસ ઘરો છે ને જમીન ફાટવાના કારણે ૬૦૦થી વધુ મકાનોમાં તિરાડો પડી ગઈ છે.
આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેમ હોવાથી સરકાર દોડતી થઈ ગઈ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તો જોશીમઠમાં જ ધામા નાંખ્યા છે તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પણ અધિકારીઓને દોડાવ્યા છે. રાજ્ય સરકારે જે ૬૦૦ ઘર ધરાશાયી થાય તેમ છે તેમને સલામત સ્થળ ખસેડવા માંડ્યાં છે. જોશીમઠમાં શહેરમાં જ અંજરોઅંદર લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. અત્યારે લોકોને જોશીમઠમાં જ આવેલી હોટેલોમાં રખાયાં છે પણ સાથે સાથે મોટા આશ્રયસ્થળો માટે જગ્યા શોધવાની ક્વાયત પણ ચાલી રહી છે.
રાજ્ય સરકારે દરેક અસરગ્રસ્ત પરિવારને ૬ મહિના સુધી માસિક ૪૦૦૦ રૂપિયા આપવાનું એલાન પણ કર્યું છે. સરકારનો દાવો છે કે, આખા જોશીમઠ શહેરમાં જમીન ધસી પડી નથી પણ કેટલાક ભાગમાં જ આ સ્થિતિ છે. આ વિસ્તારમાં પહેલાં પણ કેટલાંક ઠેકાણે તિરાડો પડી હતી પણ મોટાભાગના જોશીમઠમાં જમીનમાં તિરાડો પડી ગઈ છે એવી વાતો થાય છે તેમાં દમ નથી.
રાજ્ય સરકાર જોશીમઠના મુદ્દ ભેરવાયેલી છે તેથી આ પ્રકારનો બચાવ કરે તેમાં નવાઈ નથી. જોશીમઠમાં મોટાપાયે ચાલી રહેલા બાંધકામના કારણે મકાનોમાં તિરાડો પડી રહી હોવાની ચેતવણી પહેલાં પણ અપાઈ હતી પણ રાજ્ય સરકારે તેને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખી. નવેમ્બર ૨૦૨૧માં જમીન ધસી પડવાના કારણે ૧૪ ઘર તૂટી પડવાના સ્થિતિમાં આવી ગયાં હતાં.
સ્થાનિક લોકોએ ધરણા-દેખાવો કરી આ પરિવારોના પુનર્વસનની માગણી કરી હતી પણ રાજ્ય સરકારે તેની અવગણના કરીને કામ ચાલું રાખ્યું. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિ. (એનટીપીસી)એ આ વિસ્તારમાં તપોવન-વિષ્ણુગઢ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેના કારણે પણ જમીન પોલી થઈ ગઈ છે. આ અંગે વારંવાર ચેતવણી અપાઈ પણ રાજ્ય સરકારે તેને ગણકારી જ નહીં.
ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે, જોશીમઠ જ નહીં પણ નૈનિતાલ અને બીજાં શહેરોમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તરાખંડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે આડેધડ ઔદ્યોગિકીકરણ કરી રહી છે ને શહેરીકરણ કરી કરીને નવી નવી યોજનાઓ બનાવી રહી છે. હોટલો, ગેસ્ટહાઉસ, ફેક્ટરીઓ, કોલોનીઓ બનાવાઈ રહી છે. તેના કારણે પ્રાકૃતિક સ્રોતનો વિનાશ થયો છે ને જમીનનું સંતુલન ખોરવાઈ ગયું છે. પર્યાવરણ અને ભૂસ્તરમાં થયેલા ફેરફારોના કારણે ભૂગર્ભીય ગડબડ થઈ ગઈ છે.
ઉત્તરાખંડ હિમાલયમાં વસેલું શહેર છે અને પહાડી પ્રદેશ છે પણ આ પહાડો નક્કર નથી. આ પહાડો માટીના બનેલા છે તેથી બરફ પિગળે ત્યારે માટી ધોવાય છે. આ માટી ધોવાય નહીં એટલે તેને બાંધી રાખવી જરૂરી છે પણ ખોદકામ થાય એટલે માટી બંધાયેલી રહેતી નથી. તેના કારણે હાલત ખરાબ થઈ ગઈ છે. વર્ષોથી ચાલતા ક્ધસ્ટ્રક્શન અને કહેવાતાં વિકાસ કાર્યોના પગલે ભૂસ્ખલન થાય છે ને પોલાણ થાય છે. તેના પરિણામે જમીન ધસી પડવાની ઘટનાઓ વધતી જ જાય છે. જોષીમઠના જે વિસ્તારમાં મકાનોમાં તિરાડ પડી છે ત્યાં તો નીચેની આખી જમીન જ પોલી થઈ ગઈ છે તેથી એ ગમે ત્યારે ધસી જ પડશે.
ભાજપ સરકાર હવે શું કરશે એ ખબર નથી પણ આ વરસો જૂની સમસ્યા છે. આ સમસ્યા ભાજપના શાસનમાં વિકાસની લ્હાયમાં વકરી છે પણ ભાજપને એકલાને આ સ્થિતિ માટે જવાબદાર ના ગણાવી શકાય કેમ કે કૉંગ્રેસના શાસનમાં પણ ઉત્તરાખંડમાં બેફામ ખોદકામ થયું જ છે. બલ્કે ઉત્તરાખંડનું અસ્તિત્વ મટી જાય એ દિશામાં ધકેલવાની શરૂઆત કૉંગ્રેસના શાસનમાં જ થઈ હતી.
જોશીમઠમાં ૧૯૭૫ પહેલાં કોઈ નવા બાંધકામોને મંજૂરી નહોતી મળતી પણ ૧૯૭૫માં કૉંગ્રેસ સરકારને વિકાસની ચાનક ચડી તેમાંથી મોંકાણ મંડાઈ. તે સમયે જોશીમઠ ઉત્તર પ્રદેશનો ભાગ હતું. આ વિકાસ કાર્યો સામે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જોશીમઠમાં ૧૯૭૦ના દાયકાની શરૂઆતમાં ચમોલીમાં આવેલા અત્યંત ભીષણ બેલાકુચીના પૂર પછી સતત ભૂ-સ્ખલનની ઘટનાઓ નોંધાતી જ હતી તેથી લોકોને બાંધકામો મંજૂર નહોતાં.
લોકોના વિરોધના કારણે ઉત્તર પ્રદેશ સરકારે ગઢવાલના કમિશનર મુકેશ મિશ્રાના અધ્યક્ષસ્થાને પંચ બનાવ્યું. આ પંચને શહેરના સર્વેક્ષણ કરવાનું કામ સોંપાયું. ૧૯૭૫માં બનાવાયેલા મિશ્રા પંચમાં ભૂસ્તરશાસ્ત્રી, એન્જિનિયર, વહીવટીતંત્રના અનેક અધિકારીઓનો સમાવેશ કરાયો હતો. એક વર્ષ પછી એટલે કે ૧૯૭૬માં મિશ્રા પંચે તેનો રિપોર્ટ સરકારને સોંપ્યો તેમાં સ્પષ્ટ કહેવાયું હતું કે, જોશીમઠની તળેટીમાં કોઈ મોટા પ્રોજેક્ટ કરી શકાય તેમ નથી. વિસ્ફોટ, માઈનિંગ શહેર માટે જોખમી બની શકે છે.
રિપોર્ટમાં કહેવાયેલું કે, જોશીમઠનો આધાર અત્યંત નબળો છે. આ શહેર ગ્લેશિયર સાથે ધસીને આવેલી માટી પર વસેલું છે તેથી જોશીમઠની નીચે આવેલા ખડકો, પથ્થરો સાથે જરા પણ ચેડાં કરવામાં આવે તો જોખમી સાબિત થઈ શકે છે. બાંધકામ કરવા સામે તો સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી. શહેરના મૂળીયા સાથે ચેડાં કરવાં જોખમી સાબિત થશે અને શહેરમાં ભારે વિનાશ વેરાશે એવું સાફ શબ્દોમાં કહેવાયેલું.
મિશ્રા પંચની આ ભલામણો પર ધ્યાન આપવાના બદલે આડેધડ બાંધકામોને મંજૂરી આપી દેવાઈ ને વિકાસના નામે જ્યાં જગા મળે ત્યાં બાંધકામ શરૂ કરાયાં તેમાં વિકાસ તો બાજુ પર રહ્યો પણ સર્વનાશની નોબત આવી ગઈ છે. થોડાં વરસો પહેલાં કેદારનાથમાં આવેલા વિનાશક પૂરમાંથી પણ ધડો ના લીધો.
હજુ કશું બગડ્યું નથી ને સરકાર હજુય કહેવાતા વિકાસ પર બ્રેક મારી દે તો જોશીમઠ પણ બચી જશે ને ઉત્તરાખંડ પણ બચી જશે. બાકી આ રીતે જ કહેવાતો વિકાસ ચાલશે તો ઉત્તરાખંડ નામશેષ રહી જશે.