પર્યુષણનો મર્મ, આપણા ધર્મો, કળિયુગનાં કર્મો

ઉત્સવ

કેન્વાસ -અભિમન્યુ મોદી

સંયમ…, આ શબ્દનું અનુકરણ કરવું આજના માનવી માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આધુનિકતાની દોડમાં રંગાયેલો આજનો માનવી અનિયમિત જીવનશૈલી જીવે છે. સોશિયલ મીડિયાની માયાજાળમાં સપડાયેલી વ્યક્તિ સતત મનને શાંત કરવા મથે છે અને જ્યાં સુધી શાંતિ ન મળે ત્યાં સુધી સંતાપ અનુભવે છે. આજે સતત પ્રવૃત્તિ એ જ માનવીનું જીવન બન્યું છે. એને શાંતિ નથી, એને વિરામ નથી. ક્યાંય ચેન નથી, તે જે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે એ પણ પળ-વિપળ ધમધમતો બંધ થતો હશે, પણ માનવીના મનને કોઈ વિરામ નથી. એ ચાલતું દેખાતું નથી, છતાં સતત ચાલ્યે જ જાય છે. એ ઊભેલું નજરે પડે છે છતાં દોડતું હોય છે. માનવી સફળ તો થવા માગે છે, પણ મનને સંયમિત કરવા નથી માગતો. ત્યારે આવા ધગધગતી ઊર્જાના તેજપૂંજ સમા મનને સંયમિત કરીને જીવનના વિકારોને દૂર કરવાનું પર્વ એટલે પર્યુષણ. મનની અંદર ચાલતા રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણ પર્વ. પર્યુષણ પર્વના દિવસો એ આત્માના શુદ્ધ ભાવો તરફ પ્રયાણ કરવાના અને અશુભ ભાવોમાંથી પીછેહઠ કરવાના દિવસો છે, કારણ કે જૈન ધર્મ એ આત્માનો ધર્મ છે, અહિંસા તેની પરિપાટી છે ને અનેકાન્ત એની પરિભાષા છે. આત્માને જાણવો અને ઓળખવો અને તેને માટે પ્રયત્ન કરવો એ પર્યુષણના સિદ્ધાન્તનું મૂળ છે, સર્વ પ્રયત્નોનું ફળ છે. દેહ અને આત્મા એટલા એકાકાર થઈ રહેલા છે કે ઘણી વાર દેહને જ મહત્ત્વ આપી દેવામાં આવે છે. દેહના સુખ માટે રાત-દિવસ પ્રયાસ કરવામાં આવે છે. ઇન્દ્રિય-મનને બહેકાવે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. એટલે જ જીવનમાંથી એકાગ્રતા જતી રહે છે.
એકાગ્રતા કેળવવા માટે મનને શુદ્ધ કરવું, તેને વશ કરવું આવશ્યક છે. આ પ્રક્રિયા લાંબી છે અને તેના માટે અત્યંત ધૈર્યની આવશ્યક્તા છે, પરંતુ આજના માનવીમાં ધૈર્યનો તો અભાવ છે. સોશિયલ મીડિયાની ૩૦ સેક્ધડમાં રચ્યો-પચ્યો રહેતો જીવ ‘સ્વ’થી અર્થાત્ આત્માથી વિમુખ થતો જાય છે. છેલ્લે ક્યારે તમે તમારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો…? જવાબ આપવા માટે પણ અંતરને ઓળખવું પડશેને…? ‘સ્વ’ની શોધ જ માનવીને સૃષ્ટિ સાથે જોડે છે અને સૃષ્ટિ આત્માને પરમાત્મા સાથે જોડે છે. આ આત્માને ઓળખવા મનુષ્યે અભય, અહિંસા અને પ્રેમને જીવનમાં કેળવવાં પડશે. આજે દરેક સ્થળે ત્રાહિમામ્ પોકારાઈ રહી છે તેમાંથી છુટકારાનો ઉત્તમ ઉપાય એટલે આત્માની ખોજ… આજે કામ, ક્રોધ, લોભ, મોહ પર સંયમ પ્રાપ્ત કરવો કઠિન છે, પણ અશક્ય નથી. ક્રોધ પર સંયમની એક કથા ખૂબ જ જાણીતી છે. ચંડકૌશિક નામનો એક તપસ્વી ક્રોધ ભરાવાથી થાંભલા સાથે અથડાઈને મૃત્યુ પામ્યો. છતાં બીજા ભવમાં પોતાના તપોબળથી આશ્રમનો અધિપતિ બન્યો. એક વાર બાળકો એના આશ્રમમાંથી ફળ-ફૂલ તોડતાં હતાં. એ જોઈને ચંડકૌશિક ક્રોધે ભરાયો. બાજુમાં પડેલી કુહાડી લઈને બાળકોને મારવા દોડ્યો. રાત પડવાની તૈયારી હતી. અંધારું હતું. ક્રોધાવેશમાં ધ્યાન ન રહેવાથી ખુલ્લા કૂવામાં પડીને મૃત્યુ પામ્યો. ત્યાર પછીના ભવમાં એનો જન્મ સર્પયોનિમાં થયો.
પાછલા ભવના સંચિત ક્રોધથી એનું ઝેર એટલું તીવ્ર હતું કે જે રસ્તે એ હોય એ રસ્તે લોકોએ અવરજવર બંધ કરી દીધી. એક વાર મહાવીર સ્વામી એ રસ્તેથી પસાર થતા હતા. સાપે એમને દંશ માર્યો, પણ ભગવાન મહાવીરના પગમાંથી લોહીની જગ્યાએ દૂધ નીકળ્યું. ચંડકૌશિક દંશ મારીને થાકી ગયો. એના ક્રોધ સામે મહાવીર સ્થિર ઊભા રહ્યા. એમની ક્ષમા કામ કરી ગઈ. મહાવીરે ચંડને સમજાવ્યો – ‘ચંડ! હવે તો જાગ. હવે તો ચેતી જા! તું એક સમયે કેવો મહાજ્ઞાની તપસ્વી હતો અને અત્યારે તારી કેવી દશા થઈ છે. નાની નાની બાબતે ક્રોધ કરવા કરતાં ક્ષમા આપતાં શીખી જા. ક્ષમા હિ મૂલં સર્વતપસામ્’ – બધાં જ તપોનું મૂળ ક્ષમા છે.’ ભગવાન મહાવીર સ્વામી સાથેની આ મુલાકાતે ચંડના જીવનને પરિવર્તિત કરી દીધું. આ ઘટના બાદ ચંડકૌશિકનો ક્રોધ શાંત થવા લાગ્યો. સાપની કાયામાં સમાયેલા આત્માએ સંયમની સંજ્ઞા તરફ પ્રયાણ કર્યું. તેણે સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરવાનું બંધ કરી દીધું. જમીન પર લાક્ષણિક મુદ્રામાં રહેલું તેનું શરીર હવે મુક્તિની ઝંખના કરતું હતું. લાલ કીડીઓ આવીને એને ચટકા ભરવા લાગી. ઘણી વેદના થતી, પણ કીડીઓ કચડાઈ ન જાય માટે હાલ્યા વગર પડી રહેતો. એ સમયે પણ તેણે પોતાના ક્રોધને નિયંત્રિત કરવાનું શરૂ કરી દીધું. તામસી આવેગો પર સંયમ મેળવવાનું શરૂ કરી દીધું. ધીરે ધીરે ભવોભવનો ક્રોધ ક્ષમામાં પરિવર્તિત થઈ ગયો. છેવટે પંદર દિવસની ભયંકર યાતના ભોગવીને એ મૃત્યુ પામ્યો અને મર્યા પછી સહસ્રાર નામના દેવલોકમાં ગયો. આ જ તો છે સંયમ જે ઈન્દ્રિયો પર વિજયી થવાની સમજ આપે છે. જે પ્રેયના અને શ્રેયના, નશ્ર્વર અને વિનશ્ર્વરમાં રહેલા વિવેકનું વિવરણ કરે છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો પ્રયત્ન કરવો એ જ જૈન ધર્મ છે, પરંતુ આ વિચાર જૈન ધર્મ પૂરતો જ સીમિત નથી. ધર્મનો અંગીકાર કર્યા વગર પણ માનવી જો પર્યુષણના મર્મને સમજીને કર્મમાં તેનું આચરણ કરે તો કળિયુગના વિકારોથી પર થઈ શકાય છે. તેના માટે અંતરમાં નિર્મળતાનો ભાવ હોવો જરૂરી છે. નિર્મળતા વિના આત્મા સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી. આ પર્વાધિરાજ પર્યુષણનો મર્મ છે. જીવનના ઉપદ્રવો શાંત કરવા માટે તપ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કર્મ નિર્જરાનું ઉત્કૃષ્ટ માધ્યમ પર્યુષણ પર્વ છે. પર્યુષણ એ આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું પર્વ છે. ત્યાગ, તપસ્યા, જપ, સ્વાધ્યાય, ધ્યાનથી આત્માને ભાવિત કરવો જોઈએ.
જૈન ધર્મમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહેવામાં આવે છે. આ પર્વમાં કર્મના મર્મને ભેદવાની તાકાત રહેલી છે. પર્યુષણ પર્વ એ ખરેખર આચાર પર્વ છે. જે જીવો રોજ ધર્મ કરવાની ભાવનાવાળા હોવા છતાં કોઈ કારણસર ધર્મ ન આચરી શકતા હોય એવા જીવો આ પર્વમાં સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ કરે છે. સાંવત્સરિક પ્રતિક્રમણ એટલે વર્ષ દરમ્યાન ભૂલથી થઈ ગયેલા અથવા વિચારોમાં સેવેલાં કષાયોનાં (વાસનાઓનાં) પાપો બદલ ક્ષમાયાચના કરવી. પર્યુષણ સંયમની લાગણી પેદા કરે છે. આપણી ઈન્દ્રિયોની વાસનાઓમાં ભટકતા મનને ચારેય બાજુથી પાછું વાળીને એક જગ્યાએ સ્થિર કરવું. દરેક જીવાત્મા ક્રુતુમય છે. એટલે કે સંકલ્પસ્વરૂપ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ વ્યક્તિના જીવનમાં સદાકાળ જન્મોજન્મ સુધી રહેનારી ઊર્ધ્વ ભાવનાઓની ખુશ્બૂભરી વસંત સર્જે છે. ભગવાન મહાવીરે પાયાનો વિચાર કર્યો કે માનવી આટલો બધો લાચાર, હતાશ અને નિરાશ કેમ છે? તેમણે જોયું કે માનવી બહારનાં પરિબળોને કારણે નહીં, પરંતુ પોતાને કારણે જ હારેલો છે. તેની તૃષ્ણા, લાલસા અને મિથ્યાત્વને પરિણામે પરાજિત છે. આ પરાજયને વિજયમાં પલટાવવા માટે જીવનશુદ્ધિ કરવાનો સંદેશ આપ્યો અને એથી પર્યુષણ પર્વ એ કોઈ લાભ કે ભોગનું પર્વ નથી, પરંતુ ત્યાગ અને સત્ત્વનું લોકોત્તર પર્વ છે. લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે, જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે. તપ, જપ, મૈત્રી અને ક્ષમા દ્વારા તે પોતાની ભીતરની ચેતનામય જ્યોતિ સુધી પહોંચે છે. અંનતકાળથી આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાનમાં વસતો રહ્યો છે. માનવીને તેનું જીવન કેવું છે અને તેનો આત્મા ક્યાં છે એની પણ જાણ નથી. આવા સમયે પર્યુષણ પર્વ એ માનવીને આત્મરત, આત્મસંલગ્ન અને આત્મપ્રિય બનાવતું પર્વ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ વ્યક્તિને બહારની દુનિયાના આનંદને બદલે ભીતરની પ્રસન્નતા જાણવાનો અને જગાડવાનો આદેશ આપે છે. પર્યુષણ પર્વ એટલે આત્માની દિવાળી. જેમ દિવાળીએ વ્યક્તિ પોતાના વેપારના નફા-તોટાનો વિચાર કરે છે એ રીતે પર્યુષણ પર્વ દરમ્યાન તે પોતાના આત્માને ત્રણ પ્રશ્ર્ન પૂછે છે. તેનો પહેલો પ્રશ્ર્ન એ છે કે હું કોણ છું? એનો અર્થ એ નથી કે તે તેનો બાયોડેટા પૂછે છે, પરંતુ એનો મર્મ એ છે કે તેણે પોતાનું સ્વરૂપ કેટલું જાણ્યું છે. એનો બીજો પ્રશ્ર્ન છે કે મેં શું મેળવ્યું છે? અર્થાત્ જીવનમાં મર્ત્ય અને અમર્ત્ય અથવા તો ક્ષણભંગુર અને શાશ્ર્વત એવી બે બાબત છે એમાંથી મેં એવી કઈ અમર્ત્ય બાબત મેળવી છે કે જો હું આ ધરતી પર જીવતો ન હોઉં તો પણ એ જીવતી હોય! અને ત્રીજો પ્રશ્ર્ન એ છે કે મેં મારા જીવનમાં શું મેળવ્યું છે? ધન, સંપત્તિ, પરિવારજનો તો સ્થાયી હોતાં નથી, પરંતુ મેં કશુંક એવું સાધનાથી મેળવ્યું છે કે સદાકાળ મારા આત્મામાં સંચિત રહે.
આ રીતે વ્યક્તિની ભીતરમાં બિરાજમાન આત્મદેવતાની આરાધનાનો આ અવસર છે. જૈન ધર્મ એ કોઈ કુળ કે જાતિનો ધર્મ નથી, પરંતુ અંતરની તાકાત કેળવવાનો સાધનાપથ દર્શાવનારો અને આત્માને ઓળખવાને સતત યત્ન કરતો ધર્મ છે. આજે બહારની દુનિયામાં દોડવાનું નથી, પરંતુ કષાયમુક્તિ મેળવવાની છે. કષ એટલે સંસાર અને આય એટલે વૃદ્ધિ. કષાયના કિલ્લાની કેદ વ્યક્તિની જન્મ-મરણની પરંપરા વધારે છે, ત્યારે પર્યુષણ પર્વ તેને કહે છે, ‘તારા જૈનત્વને જગાડીને જન્મ-મરણની પરંપરા વધારનાર કષાયના કિલ્લાની કેદમાંથી મુક્ત બન.’ આ પર્વને અને આત્માના આનંદને પિછાણે છે… એટલે જ તો કહેવાય છેને… ‘જે પર્યુષણના મર્મને સમજી ગયો એ સંસારની માયામાંથી મુક્ત થઈને ‘સ્વ’-વિકાસની દિશા તરફ અગ્રેસર થઈને અંતે મોક્ષની પ્રાપ્તિ કરશે.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.