હોળીનો તહેવાર રંગોનો તહેવાર છે. કોરોના બાદ આવેલી હોળીએ લોકોમાં ઉત્સાહ તો ઉમેર્યો છે, પણ મોંઘવારીએ રંગોને ઝાંખા પાડ્યા છે. હોળી ની ઉજવણી ક્યારે કરવી એ પ્રશ્ન સાથે આજથી તળાજા ની બજારમાં થોડીક કહી શકાય તેવી હોળી ધુળેટી પર્વ ની ઉજવણી માટે ખરીદી કરતા લોકો નજરે પડ્યાં હતાં. વેપારીઓના મતે ઘરાકી અપેક્ષા પ્રમાણે નથી. તેની સાથે ખેડૂતો અને ખેત મજુરો મા ડુંગળી ના ભાવ ન મળવાનું કારણ પણ છે. સાથે હોળીના તહેવાર સાથે જોડાયેલી દરેક વસ્તુ મા વીસ થી ચાલીસ ટકા સુધીનો હોલસેલ માર્કેટમાં જ વધારો છે.
આ વખતે માર્કેટમાં અનેક પ્રકારની પિચકારીઓ આવી છે. જેમાં ખાસ સંગીત વાદ્ય ગિટાર,ઢોલક,નગારું આકર્ષક લાગે છે.એ ઉપરાંત સ્કૂલ બેગ પણ આવી છે. તેને પણ બાળક જેમ ખભે ઉપાડે તેમ રાખી ને પાણી છોડવામાં આવે છે. ફુગ્ગા ના પડિકાઓ અને અનેક પ્રકારના કલર પણ બજારમાં આવ્યા છે.
ખજૂર ના ભાવ ગતવર્ષે હોલસેલ મણ દીઠ ૯૦૦ આસપાસ હતા જે આ વખતે બારસો થી તેરસો રૂપિયા છે.તો દાળિયામા તો કિલોએ રૂપિયા વીસ સુધીનો વધારો આવ્યો છે. ગત વર્ષે ૫૮ રૂપિયે ખરીદી હતી જે આ વખતે ૭૮ થઈ ગઈ છે. આમ ત્રીસ ટકાથી વધુનો વધારો છે. આથી એકસો રૂપિયાના કિલો વેચવા પડે છે. એ જ રીતે ધાણી ગત વર્ષે ૭૮ થી ૮૦ રૂપિયે હતી જે આ વર્ષે ૯૦ થી ૧૦૦ રૂપિયે હોલસેલ પડે છે. ખાંડના બનતા હારડામા પણ પચીસ ટકા સુધીનો વધારો છે. ખાંડના ભાવ નથી વધ્યા પરંતુ મજૂરી કામના રૂપિયા વધ્યા છે. કારીગરો મળતા નથી જેને કારણે હારડાના ભાવમાં વધારો છે, તેમ વેપારીઓનું કહેવાનું છે. બજારની રૂખ જોતા આજે નેવું ટકા જેટલી ઘરાકી ગામડેથી અહીં હટાણું કરવા આવતા ભાઈઓ બહેનો ની હતી. જોકે ગામડે ગામડે આજે બધી જ વસ્તુઓ મળતી થઈ હોય તળાજા ની બજાર પર તેની અસર વર્તાઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જો કે, કોરોના રૂપી રાક્ષસનું દહન થયા બાદ મોંઘવારીનો રાક્ષસ હજુ લોકોને માથે ઉભો છે તેની અસર ગરીબ અને મધ્યમવર્ગની હોળીની ઉજવણી પર ચોક્કસપણે વર્તાશે.
આજે સવારથી જ કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ,મુંદરા, માંડવી, લીયા, રાપર, ઘડુલી, રવાપર, આદિપુર અંજાર સહિતના સ્થળોએ બજારમાં ઠેર ઠેર વિવિધ પ્રકારના રંગો,પૂજાપાના સામાન,અને પિચકારીઓ તેમજ પતાસાના પ્રણાલીગત હારડાનાં ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે. ગોઝારા ભૂકંપ બાદ અસ્તિત્વમાં આવેલી ભૂકંપગ્રસ્ત પરિવારોની ત્રણ રિલોકેશન વસાહતોમાં પણ હોળી પૂર્વેનો આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉપરાંત જુદા જુદા દેવ મંદિરોમાં હોળી પ્રાગટ્ય પૂર્વેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
હોળી પર્વ દરમ્યાન સ્વાભાવિક રીતે રંગો અને પિચકારીઓનું મહત્વ રહે છે. આજે કચ્છ-ભુજની બજારોમાં તેનો છેલી ઘડીની ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર રંગો અને પિચકારીઓ વહેંચતા સીઝનલ ધંધાર્થીઓના રોડસાઈડ હાટડા જોવા મળી રહ્યા છે.
પિચકારીની માર્કેટમાં આ વર્ષે પણ ખુબ વિવિધતા જોવા મળી રહી છે. છોટા ભીમ, કીટી, મિકીમાઉસ, મોટુ-પતલુ, ડોરેમોન, આયર્નમેન, સ્પાઇડરમેન વગેરે પાત્રોની પિચકારીની બજારમાં માંગ ખુબ વધી છે.
બાળકોની પસંદગીના કાર્ટુન પાત્રો પરથી પિચકારીઓ બની રહી છે જેની માંગ સૌથી વધુ છે. આ વર્ષે પિચકારીઓના ભાવમાં ૧૫૦થી ૩૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જમ્બો પિચકારીઓની કિંમત રૂા.૨૦૦થી લઈને ૬૫૦ સુધીની છે જેમાં પાણીની એક નાની ટેંકમાં ૩ લિટરથી પ લિટર સુધીનું પાણી ભરી શકાય છે. આ સિવાય એરગન પમ્પવાળી પિચકારીઓ પણ મળે છે. જેની કિંમત રૂા. ૧૦૦થી ૫૦૦ સુધી છે. આ વખતે પિચકારી સાથે બજારમાં હોળી સ્પેશિયલ ફટાકડા પણ મળી રહ્યા છે જેમાં હાથમાં રાખીને સળગાવાથી તેમાંથી રંગબેરંગી ગુલાલ નીકળે છે. આવા ફટાકડા લગ્ન પ્રસંગે વપરાય છે, પરંતુ ફટાકડામાંથી ગુલાલ નીકળતું હોવાને કારણે હોળીમાં પણ આ ફટાકડાની માંગ થઈ રહી છે. આવા પાંચ ફટાકડા રૂા.૫૦૦ના ભાવે મળે છે. મ્યુઝિકલ પિચકારીની પણ માંગ વધી છે. રંગમાં પણ આ વર્ષે વેલવેટ, મેજન્ટા, સિલ્કી વગેરે જેવા નવા રંગો ઉમેરાયા છે ખાસ કરીને ચામડી માટે નુકસાનકારક ન હોય તેવા ઇકો ફ્રેન્ડલી રંગોનો ઉપાડ આ વખતે ખાસ્સો એવો જોવા મળી રહ્યો છે.