શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
ઉધારી એક કળા છે ને એને પાછી ન આપવી એ એનાથી પણ મોટી કળા છે. આ તો બી.એ. અને એમ.એ. કરવા જેવી વાત છે, એટલે કે જે બી.એ. કરે એ સાથે સાથે એમ.એ. પણ કરી જ નાંખે છે. ઉધારીમાં પણ એવું જ છે, જે ઉધાર લે છે એ ધીમે ધીમે પાછા નહીં ચૂકવવાનું પણ શીખી જ જાય છે! ઉધાર નહીં ચૂકવવું એ પણ એક જાતની સાધના છે. એમાં જે સિદ્ધિ હાંસિલ કરે છે, એનું જીવન સફળ થઈ જાય છે. માણસ સતત પ્રયાસ, ધીરજ, સમજદારી, મીઠી વાણી અને અભ્યાસથી ઉધાર ક્યારે લેવો અને ક્યારેય પાછો ન આપવો એમાં કુશળ બની જાય છે. માણસ જાતની સંસ્કૃતિનો વિકાસ પરસ્પર ઉધારીની વાર્તા છે જો કે જાનવર ક્યારેય એકબીજાને ઉધાર નથી આપતા!
ઉધારીના મૂળમાં એક ઊંડી ફિલસૂફી છુપાયેલી છે. એ શું છે? એ હું નહીં કહી શકું! પણ ફિલસૂફી તો છે. ઉધાર લેવાનો ગુણ આપણા અંગત અને જાહેર જીવનમાં ખાસ બની ગયો છે, તો પછી એના મૂળમાં ચોક્કસ કોઈ તો ફિલસૂફી હશે જ! ઉધારી કરવી એ જ માણસના આશાવાદનો પુરાવો છે. જે જીવનથી નિરાશ છે તે આત્મહત્યા કરશે, પણ જે જીવનમાં આશા રાખે છે એ ઉધાર લેશે! આપણું આખું જીવન ઉધારી પર જ ટકેલું છે. બે માણસોની વચ્ચે જે નાની-મોટી ખાઈ છે તે ઉધારીના નાના-મોટા પુલથી જોડાયેલી છે. જ્યારે આ પુલ તૂટી જશે, ત્યારે માણસ એકલો થઈ જશે. ઉધાર લેવાની તાકાત એ જ આપણા જીવનની ખરી તાકાત છે. જે લોકો ઉધાર લેવાથી થાકી ગયા છે, તેઓ મેદાન છોડી જતા રહ્યા છે. એ લોકો સમજી ગયા કે એમનું જીવન નિરર્થક છે. પણ કેટલાક લોકો એવા ભ્રમમાં જીવી રહ્યા છે કે તેઓ ઉધાર વસૂલ કરી લેશે. જ્યારે કેટલાક લોકોએ નક્કી કરી લીધું છે કે મરે ત્યાં સુધી ઉધાર ચુકવશે નહીં. એવા લોકોનું જ જીવન સફળ છે.
દરેક જૂની પેઢી, નવી પેઢીના નામે કંઈક ને કંઈક ઉધાર મૂકી જ ગયા છે અને દરેક નવી પેઢી જૂની પેઢીની ઉધારી ચુકવવાની ચોખ્ખી ના પાડી દે છે. પણ હવે લાઈફનાં મૂલ્યો જ બદલાઈ ગયા છે, તેથી ઉધારી દેનારાઓ, તમે ભાડમાં જાવ! ઉધાર પાછું કોણ આપે? શાયર મિર્ઝાગાલિબ જે ઉધારનો દારૂ પી ગયા હતા, શું એમની ઉધારી એમના પછીના શાયરોએ ચૂકવ્યો હશે? બિલકુલ નહીં! એક વાર ઉધારી લઈએ એને પાછી આપવી નહીં, એ આપણી પરંપરા કે સંસ્કૃતિ સામે એક જાતનો વિદ્રોહ છે.
ઉધાર આપવું એ આપણી પરંપરા છે. જો કે આ વિદ્રોહની એક પરંપરા આપણે ત્યાં ચાલતી આવી છે. જેમાં હાથ ફેલાવવો, મુઠ્ઠી બાંધવી અને અંગૂઠો દેખાડવો. આ ક્રમ કાયમ ચાલતો રહે છે. આપણે માથાથી પગ સુધી દેવામાં ડૂબેલા રહીએ છીએ. જો દેવાના પાણીમાંથી બહાર કાઢશો તો આપણે તરફડવા લાગશું! એટલે જ આપણે પાછા પાણીમાં કૂદશું. મતલબ કે પાછા ઉધાર લઈશું.
ઉધાર લેવાવાળા જ આ દુનિયામાં કંઈક પામી શક્યા છે, ઈતિહાસમાં એમનું જ નામ પ્રખ્યાત છે. ઉધાર ચુકવવાવાળા તો બિચારા મજાકને પાત્ર હોય છે, તેઓ જીવનમાં કશું નથી કરી શકતા કારણ કે એવા લોકો પાણીના પ્રવાહની વિરુદ્ધ તરવાની કોશિશ કરે છે. ઉધારી એક એવો પ્રવાહ છે જે કાયમ વહેતો રહે છે. જેમાં આપણા સામાજિક, આર્થિક અને રાજકીય જીવનના ખેતરો લહેરાતા રહે છે. આ જ આપણી જીવનધારા છે. આપણા દેશમાં ઉધાર માટે સૌથી સારા સંજોગો છે કારણ કે આપણે ત્યાં લોકો પુનર્જન્મમાં વિશ્ર્વાસ રાખે છે! માણસને ખબર છે કે જો આ જન્મમાં ઉધાર નહીં ચૂકવીશું તો એને આવતા જન્મમાં ચૂકવી દઈશું! બીજે ક્યાંક આવી ‘ક્રેડિટ ફેસિલિટી’ મળે? આત્મા સ્થાયી પૂંજી છે, જે અમર છે. એના આધારે આપણામાંથી કોઈ પણ સોદો કરી શકે છે. શરીર એક પાકીટ છે જે સિક્કાઓનું લેવડ-દેવડ કરતું રહે છે. મહત્ત્વ પાકીટનું નથી, પણ લેવડ-દેવડની પ્રથાનું છે. જો આ પ્રથા ચાલું રહેશે, તો નવા પાકીટ આવતા રહેશે.
કેટલાક લોકો કરજને બોજ માને છે તેઓ પોતાને જ છેતરે છે. કેટલાક લોકો બતાવવા માંગે છે કે તેઓ શરીફ છે કારણ કે એ લોકો કરજને ભાર માને છે. પોતાની શાલિનતાનું પ્રદર્શન કરી એ લોકો વધારે ઉધાર લેવા માંગે છે. એક માણસ ‘લાઈટ વેઈટ ચેમ્પિયન’માંથી ‘હેવી વેઈટ ચેમ્પિયન’ બને છે. જેણે આજે સો રૂપિયાની લોન લીધી છે એ કાલે હજાર રૂપિયાની લેશે. લોન માણસને ઉત્તેજીત કરે છે. લોન જરાય વજનદાર નથી હોતી,
એ તો ગેસનો મોટો ફુગ્ગો છે, જે આપણને જમીનથી આકાશની મુસાફરી કરાવે છે. ગેસનો ફુગ્ગો ગમે એટલો મોટો હોય, પણ એમાં ભાર નથી હોતો.
ઉધાર લેનાર સાધક હોય છે અને એક સાધક જ ઉધાર લઈ શકે છે! આપણા દેશના નાણાં મંત્રાલયે કોલંબસની મૂર્તિ લગાડવી જોઈએ. એણે અમેરિકાની શોધ કરી ન હોત તો આપણને લોન ક્યાંથી મળતે? આમ પણ દેવામાં ડૂબેલો માણસ નવી નવી ગલીઓ ને નવા નવા રસ્તાઓ શોધે છે. એ નવા રસ્તા પરથી એ નવી લોન મેળવે છે. આ જ તો આપણો વિકાસ છે!
આપણે પણ નવા રસ્તા શોધીશું કારણ કે જૂના રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ છે. એને નીતિ પરિવર્તન કહો કે સમયની જરૂરિયાત. આપણે વિશ્ર્વને વિસ્તૃત દૃષ્ટીએ જોઈએ છીએ અને આપણે સંભાવનાઓથી ભરેલા દેશો અને ટાપુઓ તરફ જોઈએ છીએ. ઉધારની સીમા આકાશ છે, ચંદ્ર છે, તારા છે જે આપણને મળશે ને મળતા જ રહેશે. જુઓ પેલા ચંદ્રની તરફ એક રોકેટ ચાલ્યું. કોઈ એમાં આપણા ફાઈનાન્સ મિનિસ્ટરને બેસાડી દો, જે થોડી ઘણી લોન લઈને આવે. “ઓહ, આ સૃષ્ટિ કેટલી સુખમય છે, આ આકાશ કેટલું અનંત ફેલાયેલું છે, પણ અત્યારે તો અમને એકદમ થોડી લોનની જરૂર છે! ઓકે?