મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવાર યુગનો અંત

આમચી મુંબઈ

દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નવા બાજીગર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ૧૦મી જૂનથી ૩૦મી જૂન ૨૦૨૨ની વચ્ચે જે રાજકીય ઘટનાક્રમ થયો અને હવે પછીના બે-ત્રણ દિવસમાં જે ઘટનાક્રમ થશે તેને જોઈને એવું કહી શકાય કે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા બાજીગર બન્યા છે. આની સાથે જ મરાઠા નેતા શરદ પવારના યુગનો અંત લગભગ સમાપ્ત થઈ ગયો હોવાનું જણાઈ રહ્યું છે.
જો શરદ પવાર આ વસ્તુ હવે સ્વીકારે તો તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. બાળ ઠાકરેના રાજકારણ માટે અયોગ્ય ઉત્તરાધિકારીને મુખ્ય પ્રધાન બનાવીને તેમની આડમાં રાજ્યમાં સત્તાનું સંચાલન કરવાની તેમની કોશિશ આખરે નિષ્ફળ નીવડી છે.
શરદ પવારની ઈમેજ આજે પણ ૧૯૭૮ના રાજકારણના અઠંગ ખેલાડી તરીકેની છે, જેમણે વસંતદાદા પાટીલ જેવા પીઢ રાજકારણીને ગબડાવીને રાજ્યમાં સત્તાનું સિંહાસન કબજે કર્યું હતું. પવારે ૩૮ વિધાનસભ્યો પાસે બળવો કરાવીને સત્તા કબજે કરી લીધી હતી. આને કારણે તેમને કપટી, સ્વાર્થી રાજકારણી માનવામાં આવે છે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસની છબી પ્રવર્તમાન રાજકીય ઘટનાક્રમ દરમિયાન એક જેન્ટલમેન નેતા તરીકે નિર્માણ થઈ છે. એકનાથ શિંદે પાસે બળવો કરાવવામાં આવ્યો, પરંતુ તેને શિવસેનાનો આંતરિક બાબત ગણાવીને તેઓ અલગ થઈ ગયા હતા. શિવસેનાના વિધાનસભ્યો પાસે બળવો કરાવીને ફડણવીસે પવાર અને ઉદ્ધવ ઠાકરે બંનેને તેમની જ ભાષામાં જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમની ચતુરાઈથી સાપ પણ મરી ગયો અને લાઠી પણ અકબંધ રહી. એક રીતે ૨૦૧૯માં તેમણે જે ખત્તા ખાધી હતી તેમાંથી મેળવેલો બોધપાઠ ગણાવી શકાય.
ફડણવીસની સૌથી મોટી કસોટી ૨૨મી જૂનથી શરૂ થઈ હતી. શરદ પવારની સલાહ પર ચાલી રહેલા ઉદ્ધવ ઠાકરેની પહેલા ઈમોશનલ ભાષણ બાદ એવું લાગતું હતું કે શિવસૈનિકો તૂટી જશે, પરંતુ ફડણવીસે સુરતથી ગુવાહાટીનો પ્લાન બનાવીને બધા બળવાખોરોને સુરક્ષિત રાખ્યા હતા, એટલું જ નહીં રોજે રોજ સામ-દામ-દંડ-ભેદની નીતિથી વિધાનસભ્યોને પાછા તોડી નાખવાના બધા કારસા નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા હતા. મહત્ત્વની વસ્તુ એ છે કે ગુવાહાટી ગયેલા મૂળ વિધાનસભ્યોની સંખ્યામાં ઘટાડો થવાને બદલે રોજ નવા નવા વિધાનસભ્યો અને પ્રધાનો પણ ગુવાહાટી જવા તૈયાર થઈ રહ્યા હતા. ૨૦૧૯માં તેઓ ચૂંટણી પ્રચાર વખતે ઓવર કોન્ફિડન્ટ થઈ ગયા હતા અને તેમણે એક નિવેદન કર્યું હતું કે ‘મી પુન્હા યેણાર’ અને ઉદ્ધવ ઠાકરે-શરદ પવારની ચાલમાં ફસાઈને તેમની ફજેતી થઈ હતી. શરદ પવારે સ્વ. બાળ ઠાકરેના સત્તાના સ્થાનથી દૂર રહેવાની પરંપરા તોડાવીને ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવી નાખ્યા હતા અને ત્યારબાદ મી પુન્હા યેણારની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી.
નવેમ્બર-૨૦૧૯ બાદ દેવેન્દ્ર ફડણવીસને વિશ્ર્વાસ થઈ ગયો હતો કે ઠાકરે પરિવાર અને પવાર પરિવાર પર ભરોસો કરવો તેમના રાજકીય જીવનની સૌથી મોટી ભૂલ હતી. પહેલાં શિવસેના સાથે સત્તા બનશે એનો ભરોસો કરવો અને પછી અજિત પવાર સાથે સરકાર બનાવવી. બંનેમાં તેમની ફજેતી થઈ હતી. વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા બાદ તેઓ વધુ પરિપક્વ બન્યા હતા. વિપક્ષી નેતા તરીકે આરામ કરવાને બદલે તેઓ મુખ્ય પ્રધાન અને સત્તાધારી પ્રધાનો કરતાં વધુ રાજ્યમાં ફરી રહ્યા હતા. મુખ્ય પ્રધાન ઘરની બહાર નીકળતા નહોતા અને ફડણવીસ આખા રાજ્યમાં ફરીને લોકોના દુ:ખ-દર્દ વહેંચતા હતા. દરેક કુદરતી આફતો વખતે ફડણવીસ જનતાની વચ્ચે હતા.
ગુરુવારે એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવીને તેમણે જે મોટું પાસું ફેંક્યું તેનાથી રાષ્ટ્રીય રાજનીતિમાં ફડણવીસનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે અને રાજકીય પંડિતો પણ માનવા લાગ્યા છે કે ફડણવીસમાં નવી પેઢીના ટોચના નેતા બનવાની ક્ષમતા છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ રાજનીતિમાંથી સન્યાસ લેવાની વાત કરશે ત્યારે તેમના અનુગામીઓની યાદીમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ હશે એમ માનવામાં આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.