Homeદેશ વિદેશગુજરાતમાં પ્રથમ તબક્કાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

ગુજરાતમાં પ્રથમ તબક્કાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૯ જિલ્લાઓમાં ૧લી ડિસેમ્બરે કુલ ૮૯ બેઠકો પર મતદાન થશે. આ તમામ બેઠકો પર ૨૯મી નવેમ્બરને મંગળવારે સાંજના પાંચ વાગ્યાથી જાહેર સ્થળોએ રેલી- સભા અને બેઠકો સહિતનો ચૂંટણીપ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. આ તમામ બેઠકોના ઉમેદવારો હવે મતદાનના દિવસ સુધી ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોનાં મળીને કુલ ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે અને ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૨૬ મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની રહે છે. પ્રથમ તબક્કા માટે આ નિયમ ૨૯મી નવેમ્બર મંગળવારે પાંચ વાગ્યા પછી લાગુ થઈ ગયો છે. જ્યારે બીજા તબક્કામાં તા. ૫મી નવેમ્બર ૨૦૨૨ ના રોજ સાંજના ૫.૦૦ કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. ૩જી ડિસેમ્બર ૨૦૨૨ ના સાંજના ૫.૦૦ વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે કુલ ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં પ્રથમ તબક્કા હેઠળ કચ્છ (૦૬), સુરેન્દ્રનગર (૦૫), મોરબી (૦૩), રાજકોટ (૦૮), જામનગર (૦૫), દેવભૂમિ દ્વારકા (૦૨), પોરબંદર (૦૨), જૂનાગઢ (૦૫), ગીર સોમનાથ (૦૪), અમરેલી (૦૫), ભાવનગર (૦૭), બોટાદ (૦૨), નર્મદા (૦૨), ભરૂચ (૦૫), સુરત (૧૬), તાપી (૦૨), ડાંગ (૦૧), નવસારી (૦૪) અને મતદાન વલસાડની (૦૫) બેઠકો સહિત કુલ ૮૯ બેઠકૉેં પર ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ૨,૩૯,૭૬,૬૭૦ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં ૧,૨૪,૩૩,૩૬૨ પુરુષો, ૧,૧૫,૪૨,૮૧૧ મહિલાઓ અને ૪૯૭ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.
————-
અમદાવાદમાં મોદીનો બીજી ડિસેમ્બરે રોડ શૉ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે છેલ્લા એક મહિનાથી દરેક પક્ષના કેન્દ્રીય નેતાઓનો પ્રવાસ વધ્યો છે ત્યારે વડા પ્રધાન મોદી ફરીવાર ગુજરાત ગજવશે. વિધાનસભાની ચૂંટણીને પગલે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં પ્રચારમાં દોડી રહેલા વડા પ્રધાન મોદીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની બેઠકો પર પ્રચાર શાંત થઈ ગયુ છે ત્યાં બીજા તબક્કાની બેઠકો પર મોદીનો રોડ શો યોજાશે. પહેલી અને બીજી ડિસેમ્બરે વડા પ્રધાન છોટાઉદેપુર, કાલોલ, હિંમતનગરમાં જંગી જનમેદનીને સંબોધન કરશે. એ ઉપરાંત બીજી ડિસેમ્બરે અમદાવાદમાં રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular