ભારતની ૭૫૦ દીકરીઓનું સપનું પહોંચ્યું અવકાશમાં!

વીક એન્ડ

પ્રાસંગિક -અનંત મામતોરા

ભારતની આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થવા પર મોદી સરકાર દ્વારા દેશભરમાં ઊજવવામાં આવી રહેલા અમૃત મહોત્સવના ભાગરૂપે ઇસરો દ્વારા ૭ ઓગસ્ટના દિવસે ભારતના નવા રોકેટ જજકટ વડે આઝાદીસેટ નામનો ઉપગ્રહ લોન્ચ કરાયો. દુર્ભાગ્યે આ મિશન નાનકડી ખામીને કારણે નિષ્ફ્ળ ગયું. રોકેટ લોન્ચના શરૂઆતના તબક્કા ધાર્યા પ્રમાણે પસાર થયા, પણ અંતિમ તબક્કે સેટેલાઇટ જે ગોળાકાર ભ્રમણકક્ષામાં ગોઠવવા જોઈએ તેને બદલે લંબગોળ ભ્રમણકક્ષામાં ગોઠવાયા, તેને કારણે સેટેલાઈટ્સ વાપરવા માટે લાયક નથી રહ્યા. એટલે આમ જોવા જઈએ તો ખામી સેટેલાઇટની નહિ, પણ તેને લોન્ચ કરવામાં રહી છે. આમ પણ સફળતા દરેક વખતે અંતિમ પરિણામને આધારે માપી શકાતી નથી. એ પ્રયત્નો દ્વારા જે અનુભવ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેની સફળતા તો બિરદાવવી જ રહી. ચાલો, જાણીએ અવકાશમાં તરતા થયેલા આ સેટલાઈટ અને તેને બનાવનાર વિદ્યાર્થિનીઓ વિશેની રસપ્રદ વાતો.
આ મિશન સફળ એટલા માટે પણ છે કે પહેલી વાર આઝાદીસેટ જેવો સેટેલાઇટ બનાવવામાં દેશભરની સરકારી શાળાઓની ૭૫૦ વિદ્યાર્થિનીઓએ સહકાર આપ્યો છે. આ સેટેલાઈટ સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામની કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેને ઇસરોના સ્મોલ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જજકટ)થી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ જજકટની પણ પ્રથમ ઉડાન હતી. આ ઉપગ્રહને સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન પ્રોજેક્ટનો ભાગ બનેલી ૪૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ પણ ત્યાં હાજર રહી હતી.
૮ કિલોના ઉપગ્રહમાં ૭૫ ફેમો પ્રયોગો છે અને તે સેલ્ફી કેમેરાથી પણ સજ્જ છે જે તેની પોતાની સોલાર પેનલની તસવીરો લેશે. તેમાં લાંબા અંતરનાં સંચાર સાધનો પણ છે.
સેટેલાઈટ ઈન્ડિયાનાં સીઈઓ કેસને કહ્યું, ‘આઝાદીસેટ ૭૫૦ છોકરીઓની ભાવના છે. આગળ વધવાનું તેમનું સપનું છે. દેશના વિવિધ ભાગોમાંથી સરકારી શાળાઓમાં ભણતી વિદ્યાર્થિનીઓ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી હતી. તેનો હેતુ છોકરીઓમાં વિજ્ઞાનને લગતી જાગૃતિ ફેલાવવાનો છે. આ પ્રોજેક્ટ સાથે સીધી રીતે તો ૭૫૦ છોકરીઓ ગાઢ રીતે જોડાયેલી છે, પરંતુ આ પ્રોજેક્ટ દ્વારા અમે લાખો બાળકો સુધી વિજ્ઞાનને લઈ ગયાં છીએ. નાના જિલ્લાઓ અને નગરોની શાળાઓને જોડવામાં આવી છે.’ સેટેલાઇટના પેલોડને વિકસાવવાનો પ્રોજેક્ટ લગભગ છ મહિના સુધી ચાલ્યો હતો અને પ્રોજેક્ટ સાથે સંકળાયેલી વિદ્યાર્થિનીઓને ઑનલાઇન વર્ગો આપવામાં આવ્યા હતા.
કેસન કહે છે, ‘આઝાદીસેટ તો અવકાશમાં ગયું, પરંતુ આ પ્રોજેક્ટની સૌથી મોટી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે અમે વિજ્ઞાનને તે શાળાઓ અને બાળકો સુધી લઈ ગયાં જે કોઈ ને કોઈ રીતે હજી ખૂબ પછાત છે. આ પ્રોજેક્ટનો વાસ્તવિક હેતુ છોકરીઓમાં વૈજ્ઞાનિક માનસિકતા વિકસાવવાનો હતો.’
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી ૭૫૦માંથી કુલ ૪૬૨ છોકરીઓને સેટેલાઇટ લોન્ચ જોવા માટે શ્રીહરિકોટા લઈ જવામાં આવી હતી. કેસન કહે છે, ‘છોકરીઓ માટે ઇસરો સુધી પહોંચવું અને અમારો ઉપગ્રહ લોન્ચ થતો જોવો એ એક મોટી સિદ્ધિ છે. અમે તમામ વિદ્યાર્થિનીઓને લાવવા માગતાં હતાં, પરંતુ લોજિસ્ટિકલ કારણોસર તે શક્ય બન્યું નહોતું.’
આ પ્રોજેક્ટમાં છોકરીઓને સામેલ કરવા પાછળનું કારણ જણાવતાં કેસન કહે છે, ‘હું ગઈઈ સાથે સંકળાયેલી હતી, એક શ્રેષ્ઠ કેડેટ હતી અને સેનામાં સીધી ભરતી થઈ હતી, પરંતુ મેં માત્ર ૧૮ વર્ષની ઉંમરે લગ્ન કરી લીધાં. એક છોકરી સામે આવતા બધા પ્રકારના પડકારોમાંથી હું પસાર થઈ ચૂકી છું. મારું સપ્નું છોકરીઓમાં જાગૃતિ લાવવાનું અને તેમને મોટાં સપનાં જોવાનું શીખવવાનું હતું. તમારા સપ્નાને અવકાશ સુધી પહોંચાડવાથી મોટું શું હોઈ શકે? એટલા માટે અમે આ પ્રોજેક્ટમાં માત્ર છોકરીઓને જ પસંદ કરી, કારણ કે અમે તેમને મોટાં સપનાં બતાવવા માગતાં હતાં.’
કેસન કહે છે, ‘જ્યારે અમે ગર્લ સ્ટુડન્ટ્સ માટે ઓનલાઈન ક્લાસ લેતાં હતાં, ત્યારે અમે તેમને માત્ર વિજ્ઞાન જ શીખવતાં નહોતાં, પણ તેમને વિશ્ર્વાસ પણ આપતા હતા કે તેઓ કંઈ પણ કરી શકે છે અને ગમે ત્યાં પહોંચી શકે છે. જે છોકરીઓ અમારી સાથે જોડાયેલી છે તે હવે એક વૈજ્ઞાનિક બનવાનું સપનું જોઈ રહી છે.’
‘અમે બાળકીના મનમાં વિજ્ઞાન અને આત્મવિશ્ર્વાસનાં બીજ રોપ્યાં છે અને અમે માનીએ છીએ કે એક એવો સેતુ બનશે જે તેમને વિકાસ અને પ્રગતિ સાથે જોડશે. છોકરીઓના વિકાસ વિના દેશના સંપૂર્ણ વિકાસની કલ્પના ન કરી શકાય.’ ભારત આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ સામાજિક અને આર્થિક રીતે દેશની અડધી વસ્તી મોટા પડકારોનો સામનો કરી રહી છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ, ભારતમાં સાક્ષરતા દર ૭૪ ટકા છે, પરંતુ સ્ત્રીસાક્ષરતા દર માત્ર ૬૪ ટકા છે. ભારત સરકારના એક અહેવાલ મુજબ, વર્ષ ૨૦૧૩માં ઉચ્ચ શિક્ષણના મામલામાં પ્રતિ સો પુરુષોએ માત્ર ૮૧ મહિલાઓએ
ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો હતો.
કેસન કહે છે કે ‘આ પ્રોજેક્ટનો હેતુ વિદ્યાર્થિનીઓની વિચારસરણીનો વિસ્તાર વધારવાનો અને તેમને વિજ્ઞાનના ક્ષેત્રમાં તકો બતાવવાનો છે. ઘણી વિદ્યાર્થિનીઓએ વિચાર્યું પણ નહોતું કે તેઓ વૈજ્ઞાનિક બની શકે છે. તેઓ એન્જિનિયર કે ડોક્ટર બનવાનું વિચારતી હતી, પરંતુ વૈજ્ઞાનિક બનવું તેમની કલ્પના બહાર હતું. હવે અમે તેમના મનમાં વિજ્ઞાનનાં બીજ રોપ્યાં છે અને તેમણે વૈજ્ઞાનિક બનવાનું સપ્નું જોવાનું શરૂ કર્યું.’
આ પ્રોજેક્ટ સાથે દેશના વિવિધ ભાગોમાંથી ૭૫ સરકારી શાળાઓની વિદ્યાર્થિનીઓને જોડવામાં આવી છે. અમૃતસરના મોલ રોડ પર સ્થિત સરકારી ક્ધયા શાળાની વિદ્યાર્થિનીઓની એક ટીમ પણ લોન્ચનો ભાગ બનવા માટે શ્રીહરિકોટા ગઈ હતી. આમાંની ઘણી વિદ્યાર્થિનીઓ તો પોતાના શહેરની બહાર પહેલી વાર કદમ મૂકી રહી છે! પોતાની ખુશી વ્યક્ત કરતાં આવી જ એક વિદ્યાર્થિનીએ કહ્યું, ‘હું પહેલી વાર પ્લેનમાં બેસી રહી છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફ્લાઈટમાં બેસીશ, પરંતુ સપનાં સાચાં થાય છે. આ પ્રોજેક્ટે મને સપ્નાં જોતાં શીખવ્યું છે. હું ભવિષ્યમાં વૈજ્ઞાનિક બની શકીશ.’
કેસન પણ આ પ્રોજેક્ટ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે. તેઓ કહે છે, ‘વડા પ્રધાનનો સૌથી મોટો સહયોગ એ છે કે તેમણે તેના લોન્ચિંગ માટે હા પાડી છે. હવે અમારું સપનું છે કે જે છોકરીઓ આ પ્રોજેક્ટનો ભાગ હતી તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો મોકો મળવો જોઈએ. વડા પ્રધાને ‘બેટી બચાઓ બેટી પઢાઓ’નું સૂત્ર આપ્યું છે. અમે દીકરીઓને અવકાશમાં લઈ જઈ રહ્યાં છીએ. અમને વિશ્ર્વાસ છે કે આ દીકરીઓ વિજ્ઞાનના માધ્યમથી દેશની પ્રગતિનો હિસ્સો બનશે.’
ભારતમાં છોકરીઓને ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડે છે અને જીવન અને સમાજનાં ઘણાં ક્ષેત્રોમાં છોકરીઓ હજી પણ સમાનતા માટે લડી રહી છે. કેસન કહે છે, ‘હું સંમત છું કે છોકરીઓને હજુ પણ સંપૂર્ણ સ્વતંત્રતા નથી, પરંતુ છોકરીઓએ પણ ઘણી સફળતા મેળવી છે અને ઘણા ફેરફારો થયા છે. આજે આપણે છોકરીઓ દ્વારા બનાવેલ સેટેલાઇટ લોન્ચ કરી શક્યા છીએ, તે પોતે જ એક મોટી સિદ્ધિ છે. આપણે લોકોના મગજમાંથી એ તસવીર હટાવવી પડશે જેમાં ભારતની દીકરીને ગંદાં કપડાં પહેરીને અને માથે પાણીનું માટલું લઈને ફરતી બતાવવામાં આવે છે. અમે દુનિયાને ભારતની દીકરીની આ તસવીર બતાવવા માગીએ છીએ.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.