પ્રવાસીઓએ રેલવેની કાઢી જોરદાર ઝાટકણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સબર્બન રેલવેમાં પ્રવાસીઓની સુવિધા વધારવા માટે એસી લોકલની સર્વિસ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં દર પંદર દિવસે દરવાજા બંધ અને ચાલુ કરવાની સમસ્યા ઊભી થવાથી પ્રવાસીઓની જ નહીં, પરંતુ રેલવેની મુશ્કેલી વધી રહી છે. સોમવારે રાતના એસી લોકલ ટ્રેનના દરવાજા નહીં ખૂલતા મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને સ્ટેશન પર ઊતર્યા પછી જોરદાર રેલવેની ઝાટકણી કાઢી હતી.
ચર્ચગેટ વિરાર એસી લોકલ ટ્રેન નાલાસોપારા સ્ટેશને ટેકનિકલ ફોલ્ટને કારણે ટ્રેનના દરવાજા ખૂલ્યા નહોતા, તેથી પ્રવાસીઓએ વિરાર સ્ટેશને જોરદાર હોબાળો કર્યો હતો. સોમવારે રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો.
રાતના સાડા અગિયાર વાગ્યાના સુમારે મુંબઈથી વિરાર જતી એસી લોકલ ટ્રેન નાલાસોપારામાં રોકાઈ તો હતી, પરંતુ ટ્રેનના દરવાજા ખૂલ્યા નહોતા. ત્યાર બાદ એસી લોકલ વિરાર સ્ટેશને રોકાઈ હતી, જ્યાં ગુસ્સે થયેલા પ્રવાસીઓએ વિરાર સ્ટેશને હોબાળો કર્યો હતો.
અત્યાર સુધીમાં એસી ટ્રેનના દરવાજા નહીં ખૂલવા મુદ્દે કોઈ કારણ જાણવા મળ્યું નથી. મોટરમેન કે પછી ટેકનિકલ ખામીને કારણે મુશ્કેલી ઊભી થઈ હોય એ પણ સ્પષ્ટ થયું નથી. એસી લોકલ ટ્રેનના દરવાજા નાલાસોપારા સ્ટેશન પર નહીં ખૂલવા મુદ્દે પ્રવાસીઓેએ વિરાર સ્ટેશન પર ફરિયાદ કરી હતી. જોકે, વિરાર સ્ટેશન માસ્ટરે આ ઘટનાથી ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ગાર્ડે દરવાજા ખોલ્યા હતા અને તેમાં તપાસનો આદેશ આપ્યો છે.