Homeઉત્સવરેલવેનો ભેદભાવ પૈસા ભરે ગરીબ અને મોજ કરે અમીર

રેલવેનો ભેદભાવ પૈસા ભરે ગરીબ અને મોજ કરે અમીર

ફોકસ -લોકમિત્ર ગૌતમ

ગરમીઓની રજાઓ શરૂ થઈ ગઈ છે અને ક્યાંય પણ જવા માટે બે મહિના સુધી ટિકિટ નથી મળી રહી. ફક્ત એસી, ફર્સ્ટ ક્લાસ, એક્ઝિક્યુટીવ કલાસ જેવામાં જ ટિકિટ મળી રહી હોય એવું જોવા મળે છે. હવે એસી થર્ડ ક્લાસમાં પણ ટિકિટ નથી મળતી.
સ્લીપર કલાસમાં તો સામાન્ય રીતે એક અઠવાડિયા કે પખવાડિયામાં ટિકિટ મળવી. જાણે વરદાન મળવા જેવું હોય છે. જ્યારે પણ આપણે ટ્રેનમાં રિઝર્વેશન માટે ઉપલબ્ધ સીટને જોવાની કોશિશ કરીએ છીએ તો હંમેશાં મનમાં સવાલ થાય છે કે ખરેખર આ કોણ લોકો છે જે કેટલાંય મહિના પહેલાં બધી સામાન્ય ટિકિટ બુક કરી લે છે? આ દરમિયાન ટ્રેનની એસી ફર્સ્ટ ક્લાસ કે એક્ઝિક્યુટીવ ક્લાસ અથવા એસી સેક્ધડ ક્લાસમાં સીટ હોય છે તો તરત એ વિચાર આવે છે કે આ બેઠકો કદાચ એટલા માટે ઉપલબ્ધ છે કારણ કે એનું ભાડું સામાન્ય સ્લીપર શ્રેણીથી ઘણું વધારે અને જનરલ કલાસથી તો બહુ જ વધારે છે એટલે આ શ્રેણીઓમાં સીટ ઉપલબ્ધ છે. આ દરમિયાન આપણા દિમાગમાં એ વિચાર પણ આવે છે કે રેલવેને ફાયદો આ મોંઘી સીટ વેચીને જ થતો હશે એટલા માટે મોટા ભાગે રાજધાનીઓ, દુરંતો જેવી પ્રીમિયમ ટ્રેનોમાં જ નહીં બલ્કે બધી સુપરફાસ્ટ ટ્રેનોમાં પણ પ્રથમ શ્રેણી કે દ્વિતીય શ્રેણીમાં મોટાભાગે ટિકિટો ઉપલબ્ધ હોય છે.
પરંતુ એ જાણીને તમને નવાઈ લાગશે કે વાસ્તવમાં રેલવેની અસલી કમાણી આ મોંઘા દરની ટિકિટોથી નથી થતી બલકે સામાન્ય સ્લીપર શ્રેણી અને એનાથી પણ અનેકગણી વધુ કમાણી જનરલ કલાસની ટિકિટો વેચીને થાય છે. જોકે વિડંબના એ છે કે જે યાત્રીઓ પર ટ્રેનમાં સૌથી ઓછું ધ્યાન આપવામાં આવે છે. સૌથી ઓછી સુવિધાઓ આપવામાં આવે છે તે યાત્રીઓ ટ્રેનને ફક્ત સૌથી વધુ ભાડું નથી આપતા બલકે તેમને લીધે જ રેલવે અમુક હદ સુધી પોતાનો રેલવે ચલાવવાનો ખર્ચ કાઢી શકે છે. પરંતુ આ વાત જો તમે ટ્રેનના એ.સી. ફર્સ્ટ કે સેક્ધડ કલાસમાં પ્રવાસ કરનારાઓને કહો તો તેઓ હતપ્રભ થઈ જશે અને તમારી સામે એવી રીતે જોશે જાણે તમે દુનિયાની સૌથી વધુ મૂર્ખ અને ઓછી જાણકારી ધરાવતી વ્યક્તિ છો.
જ્યારે હકીકત આ જ છે કે રેલવે ચલાવવાનો ખર્ચ જનરલ કલાસના યાત્રીઓથી જ મળે છે. જો તમને માન્યામાં ન આવતું હોય તો વિગતો સાથે ઉદાહરણ આપીએ. મુંબઈ સેન્ટ્રલથી ચાલીને પંજાબમાં વ્યાસ સુધી જનારી પશ્ર્ચિમ એક્સપ્રેસમાં સ્લીપર કલાસની વેઈટિંગની ટિકિટો ક્ધફર્મ નથી થતી જ્યારે આ જ ટ્રેનમાં મોટાભાગે એ.સી. ફર્સ્ટ ક્લાસ અને એ.સી. સેક્ધડ ક્લાસની ટિકિટો એક અઠવાડિયા પહેલાં પણ આરામથી મળી જાય છે. પશ્ર્ચિમ એક્સપ્રેસની પ્રથમ શ્રેણીની વર્તમાન ટિકિટ રૂપિયા ૩૪૯૫ છે. એ.સી. ફર્સ્ટ ક્લાસમાં એક ડબ્બામાં ૨૪ સીટ હોય છે એટલા માટે જો માની લેવામાં આવે કે બધી સીટ ભરાઈ ગઈ છે અને એ પણ મુંબઈ સેન્ટ્રલથી વ્યાસ સુધી તો પણ આ શ્રેણીના એક ડબ્બામાંથી રેલવેેને ૮૩,૮૮૦ રૂપિયા જ મળશે. એ જ રીતે એ.સી. સેક્ધડ ક્લાસની વાત કરીએ તો સામાન્ય રીતે આ શ્રેણીના ડબ્બામાં કાં તો ૪૬ સીટ હોય છે અથવા બાવન સીટ હોય છે જ્યારે પશ્ર્ચિમ એક્સપ્રેસની વાતાનુકૂલિત દ્વિતીય શ્રેણીનું ભાડુ પ્રતિ ટિકિટ રૂા. ૨૦૬૫ છે. આનો મતલબ એ થયો કે ટ્રેનમાં જો ઈન્ટીગ્રલ કોચની બોગી લાગી છે તો દ્વિતીય શ્રેણીના વાતાનુકૂલિત ડબ્બામાં ૪૬ સીટ હશે અને ટ્રેનમાં આધુનિક કોચ છે તો ટ્રેનની આ શ્રેણીના ડબ્બામાં બાવન યાત્રીઓની બેઠકની સુવિધા હશે. જો ૪૬ યાત્રીઓની બેઠકની સુવિધા છે તો વાતાનુકૂલિત દ્વિતીય શ્રેણીના આ કોચમાંથી રૂપિયા ૯૪,૯૯૦ ભાડાના રૂપમાં આવશે અને એલએચબી કોચ છે તો સીટની સંખ્યા બાવન હશે અને ભાડા પેટે રૂપિયા ૧,૦૭,૩૮૦ રૂપિયા પ્રાપ્ત થશે.
પરંતુ શું તમે જાણો છો કે પશ્ર્ચિમ એક્સપ્રેસની એક સામાન્ય શ્રેણી અથવા જનરલ કલાસના ડબ્બામાંથી ભાડા પેટે કુલ કેટલા રૂપિયા મળશે? જી હા, સરેરાશ ૧,૦૯,૫૦૦ રૂપિયા કારણ કે સામાન્ય અથવા દ્વિતીય શ્રેણીના ડબ્બામાં ૧૦૩ સીટ હોય છે અને દરેક જનરલ ડબ્બામાં તેની ક્ષમતાથી ચાર કે પાંચ ગણા યાત્રી હોય છે. પરંતુ જો અમે ફક્ત ત્રણ ગણું જ માની લઈએ તો પણ કોઈપણ ટ્રેનની દ્વિતીય શ્રેણીના કોચમાં સરેરાશ ૩૦૦ લોકો યાત્રા કરી રહ્યા હોય છે. એટલું જ નહીં કોઈ ટ્રેનમાં વેઈટિંગ ટિકિટ આપવાની જે અધિકતમ લિમિટ હોય એ એસી ફર્સ્ટ કલાસમાં ફક્ત ૩૦ હોય છે જ્યારે ટ્રેનમાં સેક્ધડ એ.સી.માં પ્રવાસ કરનારા વધુમાં વધુ ૧૦૦ લોકોને વેઈટિંગ ટિકિટ આપવામાં આવે છે. થર્ડ કલાસ એ.સી.માં આ સંખ્યા ૩૦૦ હોય છે અને ટ્રેનના સ્લીપર કલાસમાં યાત્રા કરનારા પ્રવાસીઓને ૪૦૦ સુધી વેઈટિંગ ટિકિટો આપવામાં આવે છે. જ્યારે સામાન્ય શ્રેણીમાં યાત્રા કરનારા યાત્રીઓ માટે વેઈટિંગ ટિકિટનો કોઈ હિસાબ જ નથી. સામાન્ય શ્રેણીમાં યાત્રા કરનારાઓને તો વેઈટિંગ ટિકિટ એ સમયે પણ આપવામાં આવે છે જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર જવા માટે તૈયાર હોય અને હા, સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ ખરીદનારાઓમાંના અડધાથી વધુ લોકો આ જ દ્વિતીય શ્રેણીના ડબ્બામાં ઘૂસીને પ્રવાસ કરતા હોય છે કારણ કે મોટા ભાગે સ્લીપર કલાસમાં એક સીમાથી વધુ વેઈટિંગ વાળાઓની ચડવા દેવામાં નથી આવતા.
એટલા માટે જો એવું કહેવામાં આવે છે કે ભારતીય રેલવેની ટ્રેનોમાં સામાન્ય વર્ગમાં પ્રવાસ કરવો નરક ભોગવવા કરતાં ઓછું નથી તો એ કોઈ અતિશયોક્તિ કે અલંકારિક વાત નથી હોતી બલ્કે ખરેખર એવું જ હોય છે. સામાન્ય શ્રેણી અથવા જનરલ કલાસના ડબ્બાઓમાં લોકો ઘેટાં-બકરાંની જેમ ખીચોખીચ હોય છે. આ પ્રવાસીઓ માટે શૌચાલયમાં જવું એવરેસ્ટની ચઢાઈ કરવા કરતાં મુશ્કેલ કામ હોય છે. બીજી તરફ રેલવેને ભાડાના રૂપમાં સૌથી ઓછા પૈસા દઈને પણ એ.સી. ફર્સ્ટ ક્લાસ અને એ.સી. સેક્ધડ કલાસના યાત્રીઓને બધી સુવિધાઓ મળે છે. એસી ફર્સ્ટ અને સેક્ધડ કલાસના પ્રવાસીઓ સાથે રેલવેનો સ્ટાફ હંમેશાં વિનમ્ર હોય છે. ખાવાપીવાનો સામાન પણ ઉચ્ચ ગુણવત્તા સભર હોય છે અને ભરપૂર માત્રામાં મળે છે. ડબ્બાઓ પણ સાફસૂથરા હોય છે. એ.સી. ફર્સ્ટ કલાસમાં સૂઈ રહેલા યાત્રીને જગાડીને ટિકિટ ચેકર ટિકિટ સંબંધી પૂછપરછ પણ નથી કરતા જ્યારે રેલવેના સામાન્ય ડબ્બામાં પ્રવાસ કરનારા યાત્રીઓને તો રેલવેનો સ્ટાફ માનવ તરીકે પણ ગણતરીમાં લેતો નથી. તેની સાથે જેટલી વધુમાં વધુ તોછડાઈથી બોલી શકાય એ રીતે વાત કરવામાં આવે છે. આ ડબ્બાઓમાં ખાવા-પીવાનો સામાન પણ સાવ નિમ્ન કક્ષાનો હોય છે. આ રીતે જોઈએ તે રેલવે ગરીબોના ખિસ્સા કાપીને અમીરોને મોજ કરાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular