નવી દિલ્હીઃ અહીંની હાઈ કોર્ટે શિવસેના (ઉદ્ધવ બાળ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના દીકરા આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાસંદ સંજય રાઉતને નામે માનહાનિ કેસમાં સમન્સ પાઠવ્યા છે.
એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાળેએ માનહાનિ મુદ્દે કેસ કર્યો હતો, જે મુદ્દે તેમના નામે સમન્સ જારી કર્યું છે.
કોર્ટે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પણ સમન્સ મોકલ્યું છે અને તેના અંગે 17મી એપ્રિલના સુનાવણી કરવામાં આવશે, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનામાં તાજેતરમાં એક લેખ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ લેખમાં શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના નેતા રાહુલ રમેશ શેવાળેનો ઉલ્લેખ કર્યો હતો. આ લેખને લઈ રાહુલ શિવાળેએ ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની સામે માનહાનિનો કેસ કર્યો હતો. આ કેસમાં તેમની સામે સમન્સ બહાર પાડવામાં આવ્યું છે. તેની સામે શિવસેનાએ આરોપ મૂક્યો હતો કે આ લેખને કારણે તેમની છબિને નુકસાન થયું છે. શેવાળેના નામે લખાયેલા સામનાના લેખમાં હેડલાઈન હતી રાહુલ શેવાળેની કરાચીમાં હોટેલ, રિયલ એસ્ટેટનો કારોબાર. આ લેખ અંગે રાહુલ શેવાળેએ સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા અને તેનાથી તેના નામને નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી હાઈ કોર્ટના ન્યાયાધીશ પ્રતીક જાલને ઉદ્ધવ, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને સમન્સ જારી કર્યું હતું. હાઈ કોર્ટે ગૂગલ, ટવિટર, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને તેમનો લેખિત જવાબ 30 દિવસમાં આપવાનો આદેશ આપ્યો છે.