દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. અરજીઓને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે, આ યોજના લાવવાનો હેતુ આપણા સુરક્ષા દળોને વધુ સારી રીતે તૈયાર કરવાનો છે અને તે દેશના હિતમાં છે. બીજી તરફ, જેઓ જૂની નીતિના આધારે નિમણૂકની માગણી કરી રહ્યા હતા, કોર્ટે પણ તેમની માગણી વાજબી ન હોવાનું કહીને અરજી ફગાવી દીધી હતી.
દેશના અલગ-અલગ ભાગોમાં અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે તમામ કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી હતી. આજે દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. તે જ સમયે દલીલ આપતા કેન્દ્રએ કહ્યું હતું કે અગ્નિપથ યોજના સંરક્ષણ ભરતીમાં સૌથી મોટા નીતિગત ફેરફારોમાંથી એક છે. સેનામાં ભરતી પ્રક્રિયામાં આ મોટો ફેરફાર હશે.
ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ડિવિઝન બેંચે 15 ડિસેમ્બરે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ યોજના હેઠળ સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી ગયા વર્ષે 14 જૂનથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના નિયમ અનુસાર, 17 થી 21 વર્ષના લોકો આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. તેમને ચાર વર્ષ માટે સેનામાં સામેલ કરવામાં આવશે.