બદલાપુરથી એસી લોકલ ચાલુ કરવાનો નિર્ણય બુધવારે લેવાશે

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાદી લોકલને રદ કરીને તેને સ્થાને એસી લોકલ દોડાવવા સામે છેલ્લા અનેક દિવસોથી પ્રવાસીઓ દ્વારા જુદાં જુદાં સ્ટેશનો પર વિરોધ પ્રદર્શન થયાં છે. ત્યારે મધ્ય રેલવેએ હવે સ્ટેશન માસ્ટરોને પ્રવાસીઓ તથા પ્રવાસી સંગઠનો સાથે સંવાદ સાધવાની અને તેમના મત જાણવાની સૂચના આપી છે. આ દમિયાન બદલાપુરથી એસી લોકલ ફરી ચાલુ કરવાને લઈને સોમવારે થનારી બેઠક હવે બુધવાર પર મુલતવી રાખવામાં આવી છે.

મધ્ય રેલવેમાં એસી લોકલની દસ ફેરીઓ ૧૯ ઑગસ્ટથી વધારવામાં આવી છે. તેથી એસી લોકલની ફેરીની સંખ્યા હવે ૫૬ પરથી ૬૬ થઈ ગઈ છે. જેમાં થાણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) વચ્ચે અપ અને ડાઉન લાઈન પર ચાર ફેરી છે. બદલાપુરથી સીએસએમટી ચાર ફેરી, કલ્યાણથી સીએસએમટી વચ્ચે બે ફેરી દોડાવવામાં આવે છે. સામાન્ય લોકલની ફેરીઓ રદ કરીને તેની જગ્યાએ એસી લોકલ ચાલુ કરવામાં આવતા પ્રવાસીઓને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. બદલાપુરમાં તેની સામે પ્રવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો. કલવામાં પણ પ્રવાસીઓએ આંદોલન કર્યું હતું. પ્રવાસીઓના વિરોધ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે આપેલી આંદોલનની ચીમકી જોતા મધ્ય રેલવેએ એસીની દસ લોકલ ફેરી તાત્પૂરતા સમય માટે રદ કરી હતી.

પ્રવાસીઓના વિરોધ અને એસી લોકલ સામેના વિરોધને સમજી લેવા માટે મધ્ય રેલવેએ સ્થાનિક પ્રવાસી અને પ્રવાસી સંગઠન સાથે સ્ટેશન માસ્ટરોના માધ્યમથી સંવાદ સાધવાનો નિર્ણય લીધો છે. મહત્ત્વના સ્ટેશન પરના સ્ટેશન માસ્તરને સૂચના પણ આપવામાં આવી છે. એસી લોકલની આવશ્યક્તા કેમ છે? અને ચોક્કસ કયા કારણથી વિરોધ થઈ રહ્યો છે તે બાબતે પ્રવાસીઓનો મત જાણવામાં આવવાનો છે. આ દરમિયાન થોડા દિવસ પહેલાં એસી લોકલને લઈને બદલાપુર સ્ટેશન પર પ્રવાસીઓએ આંદોલન છેડ્યું હતું, તેને ધ્યાનમાં રાખીને સોમવાર ૧૨ સપ્ટેમ્બરના સવારના બદલાપુરમાં પ્રવાસી અને પ્રવાસી સંગઠન સાથે સ્ટેશન માસ્ટરની મીટિંગ થવાની હતી, તે રદ થઈને હવે આજે થશે. ટિટવાલા, કલ્યાણ, ડોંબિવલી અને થાણે સ્ટેશન પર પણ આવી બેઠકો થવાની છે.

ઉપનગરીય રેલવે પ્રવાસી એકતા સંસ્થાએ આ બાબતે કહ્યું હતું કે એસી લોકલ ચલાવવા સામે પ્રવાસી સંગઠનનો કોઈ વિરોધ નથી, પરંતુ સામાન્ય લોકલની ફેરી રદ કરીને એસી લોકલ ચલાવો નહીં એવી માગણી છે. તેથી પ્રવાસીઓેને અગવડ થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.