એમવીએ સરકારનો નિર્ણય આખરે રદ

આમચી મુંબઈ

સરપંચની ચૂંટણીનો ખરડો વિધાનસભામાં મંજૂર: મુંબઈના ૨૨૭ વૉર્ડ રચનાનો ખરડો પણ મંજૂરી માટે રજૂ કરાયો

અજીબો શાન શહેનશાહ: વિધાનસભાનું ચોમાસુ સત્ર બુધવારથી શરૂ થયું હતું. મુ. પ્ર. એકનાથ શિંદે તેમના રસાલા સાથે પ્રવેશી રહ્યા હતા ત્યારે એમના ચહેરા પર શહેનશાહનો ઠસ્સો જોવા મળ્યો હતો. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)ૉ
મુંબઈ: રાજ્યમાં ઠાકરે સરકારે ફડણવીસ સરકારના જે નિર્ણયો પૂર્વગ્રહ રાખીને રદ કરી નાખ્યા હતા તે બધા જ નિર્ણયોને ફરી લાગુ કરવાનો સપાટો મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે બોલાવ્યો છે. સરપંચની સીધી ચૂંટણી અંગેના નિર્ણયને ફરી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બુધવારે ગિરીષ મહાજને મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત સુધારણા કાયદો વિધાનભવનમાં માંડ્યો હતો અને તેને વિધાનસભાની મંજૂરી મળી ગઈ હતી. દેશના સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ અરુણાચલ પ્રદેશ, ગોવા, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, સિક્કીમ, ત્રિપુરા અને પશ્ર્ચિમ બંગાળને બાદ કરતાં આખા દેશમાં સરપંચની સીધી ચૂંટણીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. ફડણવીસની સરકાર વખતે આ કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ ઠાકરેની સરકાર આવ્યા બાદ તેને રદ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિમાંથી સરપંચની ચૂંટણી કરવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો.
હવે ફરી શિંદે-ફડણવીસની સરકારે આ કાયદામાં સુધારો કરીને સરપંચની ચૂંટણી સીધી કરવાનો કાયદો બનાવ્યો છે અને તેને વિધાનસભા સત્રના પહેલા જ દિવસે મંજૂરી મળી ગઈ છે.
આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યા ૨૩૬માંથી ઘટાડીને ફરી એક વખત ૨૨૭ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અને તેને પણ વિધાનસભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યો હતો. વિધાનસભામાં શિંદે-ફડણવીસ સરકારના બહુમતને ધ્યાનમાં લેતાં આ ખરડાને પણ મંજૂરી મળી જશે એવું માનવામાં આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.