નવી દિલ્હી: કરદાતાઓને વધુ સમય ફાળવવા સરકારે પાન નંબરને-આધાર સાથે લિંક કરવાની મુદત ત્રણ મહિના લંબાવીને ૩૦ જૂન ૨૦૨૩ સુધીની કરી હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
અગાઉ આ સમયમર્યાદા ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીની હતી.
કોઈ પણ પ્રકારના આડકતરા પરિણામ ભોગવ્યા વિના વ્યક્તિ મુકરર કરવામાં આવેલી નવી સમયમર્યાદામાં સંબંધિત વિભાગમાં જઈને પાન-આધાર લિંક કરાવી શકશે.
ઈન્કમ ટૅક્સ ઍક્ટ ૧૯૬૧ની જોગવાઈ મુજબ પહેલી જુલાઈ ૨૦૧૭ સુધીમાં જે વ્યક્તિને પાન નંબર ફાળવવામાં આવ્યો હોય અને આધાર નંબર મેળવવાને પાત્ર હોય તેવી વ્યક્તિ માટે સંબંધિત ખાતામાં જઈને નક્કી કરવામાં આવેલી ફી ભરીને ૩૧ માર્ચ ૨૦૨૩ અગાઉ પાન નંબરને આધાર સાથે લિંક કરવું જરૂરી હતું. આમ કરવામાં નિષ્ફળ જનાર વ્યક્તિ ઈન્કમ ટૅક્સ ઍક્ટ ૧૯૬૧ અંતર્ગત પહેલી એપ્રિલ ૨૦૨૩થી ચોક્કસ પરિણામને પાત્ર ઠરે એમ હતું.
જોકે, હવે પાન નંબરને આધાર સાથે લિંક કરવાની મુદત અગાઉની ૩૧ માર્ચ ૨૦૨૩થી લંબાવીને ૩૦ જૂન ૨૦૨૩ કરી દેવામાં આવી હોવાને કારણે ૩૦ જૂન સુધીમાં પાન-આધાર લિંક કરવામાં નિષ્ફળ જનાર વ્યક્તિનો પાન કાર્ડ પહેલી જુલાઈ ૨૦૨૩થી ઈન-ઑપરેટિવ થઈ જશે.
અત્યાર સુધીમાં દેશમાં ૫૧ કરોડ કરતા પણ વધુ પાન નંબરને આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યો હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. (એજન્સી)