કવર સ્ટોરી -બિના સરૈયા-કાપડિયા
યુવાનોમાં ડેટિંગ ઍપ્સ બહુ જ કોમન છે. અત્યાર સુધી આ ડેટિંગ ઍપ્સના માધ્યમથી મિત્રો, લીવ-ઈન-રિલેશન પાર્ટનર કે જીવનસાથી માટે યુવાન-યુવતીઓ એકબીજાને મળતા હતા, પરંતુ હવે ડેટિંગ ઍપ્સમાં એક નવો શબ્દ ઉમેરાયો છે. એથિકલ નોન-મોનોગામી. જેનું ગુજરાતી ભાષાંતર થાય છે સભાનપણે એક કરતાં વધુ વ્યક્તિઓ સાથે પ્રણય સંબંધ રાખવા. મોનોગામી શબ્દનો અર્થ છે એક પત્ની કે પતિવ્રતા.
હિંજ, ટિંડર, બમ્બલ જેવા અગણિત ડેટિંગ ઍપ્સ પર આ નવી કોલમ ઉમેરાય છે જેમાં તમે પરિણીત કે કોઈની સાથે લીવ-ઈન-રિલેશનમાં રહેતા હો અને છતાં બીજો પાર્ટનર કે પાર્ટનરો ઈચ્છતા હો તો એ માટે તમારે ટીક કરવાનું રહે છે.
અને હા, આ કોઈ છાનગપતિયાં નથી હોતા. પોતે આવા પાર્ટનર શોધી રહ્યા છે એ અંગે આ યુવાનો પોતાની પત્ની, પ્રેમિકા કે પતિ અથવા પ્રેમી સાથે વાત કરી ચૂક્યા હોય છે.
આમાં વ્યક્તિ એકથી વધુ પાર્ટનર પણ શોધતી હોય છે અને કેટલાંક તો વળી એક કાયમી પાર્ટનર અને એક કે વધુ ક્યારેક-ક્યારેક સંબંધ રાખવા માટેના પાર્ટનર્સ શોધતા હોય છે.
ફોડ પાડીને કહીએ તો એથિકલ નોન-મોનોગામી એટલે કે નૈતિક રીતે એકથી વધુ પાર્ટનર્સ રાખવા જેમાં અન્ય પાર્ટનર્સ એ જાણતા હોય કે તમને એકથી વધુ પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ છે.
ડેટિંગ ઍપ્સમાં આવા નૈતિક (?) લગ્નેત્તર અથવા સંબંધેતર સંબંધ માટેની માગ કોવિડ મહામારી પછી વધી છે. આના માટે યુવાનો દ્વારા એક કારણ એવું પણ આપવામાં આવે છે કે જિંદગી ટૂંકી છે અને કોઈપણ ઘડીએ કંઈ પણ થઈ શકે એમ છે એટલે મોજ કરી લો અને ફક્ત એક જ વ્યક્તિ સાથે શા માટે ચોંટી
રહેવું?
વળી બીજી એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે જેમ વ્યક્તિને અનેક મિત્રો હોઈ શકે છે. એક મિત્ર સાથે તમે હૉટેલમાં જાતભાતની વાનગીઓ ખાવા જવાનું પસંદ કરો છો, બીજા સાથે તમે પુસ્તકો વિશે ચર્ચા કરી શકો છો, ત્રીજો ફક્ત મોજ-મસ્તી માટે જ હોય છે એવું જ લાઈફ પાર્ટનર સાથે પણ શા માટે ન બની શકે?
જીવનસાથીને દાખલા તરીકે ફિલ્મો જોવાનો શોખ ન હોય તો એવો પાર્ટનર શોધી લેવો જેને ફિલ્મોમાં બહું રસ હોય! મતલબ જુદા-જુદા પાર્ટનર પાસેથી જુદો-જુદો સંતોષ મેળવવો. આ બધુ મેળવતા-મેળવતા જો વધુ નજીક આવી જાઓ અને બંનેની સંમતિ હોય તો શારીરિક સંબંધો બાંધવા સુધી જવામાં પણ આ યુવાનોને કોઈ છોછ હોતો નથી.
આવા ડેટિંગ ઍપ્સ પર કાર્યરત અમુક લોકોના અનુભવો જાણવા જેવા છે, શું એ લોકોને વિશ્ર્વના દરેક સુખ મળી ચૂક્યા છે? હિંજ એપ પર કાર્યરત સુશી (નામ બદલી નાખ્યું છે) એ હજુ સુધી પોતાના ફ્રેંડ્સને પોતે હિંજ ડેટિંગ એપ પર કાર્યરત છે, એ વિશે જણાવ્યું નથી. યુ નો, લોકો તરત જ તમને જજ કરવા માંડે છે. ઓહ! ડેટિંગ ઍપ્સ પર છે? કેરેક્ટરની ખરાબ હશે આ છોકરી… એકચ્યુઅલી, આ ડેટિંગ ઍપ અન્ય સોશિયલ પ્લેટફોર્મ જેવા કે ઇંસ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર જેવા જ છે. અહીં દરેકના પ્રોફાઇલ નીચે જ લખેલું હોય છે કે તે કયા પ્રકારના સંબંધો બાંધવા માગે છે… આઇ મીન, સેક્સ્યુઅલ, નોન સેક્સ્યુઅલ…તમે તમારી પસંદગી જણાવી શકો છો. સુશી ૩૩ વર્ષની છે, તેણે હજુ સુધી લગ્ન નથી કર્યા. તે કહે છે, મને જે ગમે તે મને રિજેક્ટ કરી દે, જેને હું ગમું તેને હું રિજેક્ટ કરી દઉં… આના લીધે હું ડિપ્રેશનમાં જતી રહી હતી. મારી જાતને હું નફરત કરવા લાગી હતી, પણ આ ડેટિંગ ઍપ પર આવ્યા બાદ મને થયું કે હું એટલી પણ ખરાબ નથી. મારા મિત્રો પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છે, એટલે અમે એક્બીજાની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. જોકે, સુશી એ વાત પણ કબૂલે છે કે સોશિયલ મીડિયા પર અમુક અણગમતા પોપ અપ તો થયા જ કરે છે, એ એની મોટી
મુશ્કેલી છે.
ડેટિંગ કોચ તરીકે કામ કરતી ઐલી મેથ્યુ કહે છે, ‘લોકો ઇન્ટરનેટ અથવા ડેટિંગ ઍપ પ્રોફાઇલ દ્વારા પાર્ટનર પસંદ કરતા હોય છે. અગાઉ લોકો મોનોગામી (એક જ પાર્ટનર)ની પસંદગી કરતા હતા. હવે કોવિડ પછી સિનારિયો બદલાઇ ગયો છે. મોતના મુખમાંથી બહાર નિકળેલા કે મોતને ખૂબ જ નજીક્થી જેમણે જોયું છે, તેવા લોકો પોતાની કોઇ ઇચ્છા અધૂરી રાખવા માગતા નથી. હવે લોકો એથિકલ નોન- મોનોગામી તરફ વધુ જુકાવ રાખે છે.’
જોકે, ‘દૂરથી ડુંગર રળિયામણા’ જેવો અનુભવ અહીં પણ થાય જ છે. અદિતિ લગભગ બે ત્રણ ડેટિંગ ઍપ પર હતી. તે કહે છે, કાગડા બધે જ કાળા છે. મારો પતિ ખૂબ જ પજેસિવ છે. મને મારી અંગત પળો નહોતી મળતી, એટલે મેં ડેટિંગ ઍપ પર
મિત્રો બનાવવાનુ શરૂ કર્યુ, તેને પણ આ વિશે જાણ છે જ, પણ એક લેવલ પછી ડેટિંગ મિત્રો પણ
તમારી અંગત જિંદગીમાં દખલ દેવાનું શરૂ કરી
દે છે અને હક જતાવવાનુ શરૂ કરી દે છે! ‘કમ
ઓન યાર! હવે તો હુ ડેટિંગ ઍપ્સથી પણ થાકી
ગઈ છું.’
જોકે, એથિકલ નોન-મોનોગામી ટર્મમાં જોડાયેલા લોકોને પોતે બેસ્ટ છે, એ સતત પુરવાર કરવાની હાયવોય રહે છે. સેલિના કહે છે, ‘અમારું ગ્રુપ ઘણું મોટું છે. બધાની સેક્સ્યુઅલ જરૂરિયાતો અલગ અલગ હોય છે ત્યારે સતત સારું પર્ફોર્મ કરવાની હરીફાઇ વધી જાય છે, અસુરક્ષિતતા એથિકલ નોન- મોનોગામીમાં સૌથી વધુ જોવા મળે છે, જે તમને સૌથી વધુ ગમે છે, તેને ગુમાવી દેવાનો ડર- કારણ કે, તેની પાસે ઓપ્શન ઘણા બધા છે! જેટલું મોટુ ગ્રુપ,
એટલી બધાની લાગણીઓને માન આપવાનું પ્રેશર પણ!’
એક એવું તારણ પણ નીકળે છે કે આવા ડેટિંગ ઍપ્સમાં એ લોકો જ જોડાય જેની સેક્સ્યુઅલ લાઇફ સારી ન હોય, અથવા જે જોઇતું હોય એ ન મળતું હોય… જોકે, આજની પેઢી થોડી વધુ મોર્ડન બની છે. તેઓ આવી સંકુચિત વિચારસરણી ધરાવતા નથી. કદાચ એ જ કારણ છે કે લગ્નનું આકર્ષણ આજની પેઢીમા ઓછુ થતું જાય છે.
આધુનિક યુવાનો જે રીતે વર્તી રહ્યા છે એ જોતા નૈતિકતાના માપદંડ બદલાઈ રહ્યા હોય એમ લાગે છે. ભારતીય સંસ્કાર અને સમાજ વ્યવસ્થાનું પોત પાતળું પડી રહ્યું છે. આજના યુવાનો માટે સંબંધો પણ ભૌતિક વસ્તુઓ જેવા થઈ ગયા છે. સંબંધો માટે પણ તેઓ આવો જ અભિગમ ધરાવે છે. યુઝ ઍન્ડ થ્રો. ગમે ત્યાં સુધી વાપરો નહીં તો ફેંકી દો.
માનવીનું મન ક્યારેય કોઈ બાબતથી સંતોષ પામતું નથી અને આવો સંતોષ મેળવવા જતા યુવાનો અનેક સંબંધોમાં ગૂંચવાઈ જાય છે, જેને કારણે ડિપ્રેશન, આત્મહત્યા અને હત્યાના કિસ્સાઓ પણ વધવા
લાગ્યા છે.