Homeઉત્સવખાનગી-જાહેર ક્ષેત્રના જંગી મૂડીખર્ચના આધારે દેશના વિકાસનું એન્જિન ઝડપ પકડી શકે

ખાનગી-જાહેર ક્ષેત્રના જંગી મૂડીખર્ચના આધારે દેશના વિકાસનું એન્જિન ઝડપ પકડી શકે

ગ્લોબલ ઈકોનોમી એક તરફ અને ભારતીય અર્થતંત્ર બીજી તરફ છે, જેની ક્યાંક અસર છે અને ક્યાંક બેઅસર પણ છે. પડકારો છે અને પરીક્ષા પણ છે, તો સામે સુપરિણામની તકો પણ છે. ભારતમાં મૂડીખર્ચ વધારવાની દિશામાં ૨૦૨૩નું વરસ ટ્રિગર બની શકે

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

એકતરફ ગ્લોબલ ઈકોનોમી આર્થિક મુસીબતો, મંદ ગ્રોથ, મોંઘવારી અને અનિશ્ર્ચિંતતા, વગેરેનો સામનો કરી રહી છે, ત્યારે બીજીતરફ ભારતના કોર્પોરેટ ક્ષેત્રે પણ તાજેતરનાં વર્ષોમાં પ્રતિકુળ વાતાવરણનો સામનો કર્યો છે, તેમ છતાં ભારતે વૈશ્ર્વિક આર્થિક વિકાસ પર પડી રહેલા ફુગાવાના દબાણ અને કડક નાણાનીતિઓના ઓછાયા હેઠળ પણ સારો વિકાસ કર્યો છે. ઓક્ટોબર, ૨૦૨૨માં ક્રિસિલે રેટિંગ્સ રાઉન્ડ-અપ રિપોર્ટમાં જણાવ્યું હતું કે એકધારી સ્થાનિક માગ, માળખાકીય ક્ષેત્રે મૂડીરોકાણો અને કંપનીઓની મજબૂત નાણાકીય સ્થિતિને પગલે દેશના ક્રેડિટ રેટિંગમાં સુધારો થયો છે.
ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણની સાઈકલે હવે વેગ પકડ્યો છે. સરકારે માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેને સંબંધિત ક્ષેત્રમાં રોકાણ વધારી રહી છે ત્યારે સ્થાનિક માગમાં વધારો, પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) અને વૈશ્ર્વિક કંપનીઓની ચીન ઉપરાંતના સપ્લાય સોર્સની નીતિને પગલે માહોલ સુધરી રહ્યો છે.
વાસ્તવિક પરિસ્થિતિમાં પણ આની સાબિતીઓ મળી રહી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સર્વેના જણાવ્યા પ્રમાણે ગત નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની ઉત્પાદન ક્ષમતાનો વપરાશ વધીને આશરે ૭૫ ટકા પર પહોંચ્યો હતો. તાજેતરના ડિસેમ્બરના ઉત્પાદન, પરચેઝ ઈન્ડેકસ અને સર્વિસ સેકટરના વિકાસદરે પણ ધ્યાન ખેચ્યું છે. ઈન શોર્ટ, ભારત વિશ્ર્વનું ધ્યાન ખેંચી રહ્યું છે. પડકારો અને પરીક્ષાઓ વચ્ચે પણ ભારત સારા પરિણામ મેળવશે એવી આશા અને વિશ્ર્વાસ સતત વધી રહ્યા છે. ગ્લોબલ રોકાણ પણ ભારતમાં પોતાનો ફેલાવો વધારવામાં રસ ધરાવે છે. અનેક દેશોની નજર ભારતના ડેવલપમેન્ટ પર સતત રહે છે.
આઈએમએફનો અભ્યાસ શું કહે છે?
બીજીબાજુ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) ના મત મુજબ ૨૦૨૩નું વરસ ગ્લોબલ ઈકોનોમી માટે પડકારરૂપ વરસ રહેશે, કારણ કે યુએસ, ચીન અને યુરોપ જેવા મહાકાય અર્થતંત્ર મુસીબતોનો સામનો કરી રહ્યા છે. આ દેશોની ઈકોનોમી નબળાં સંજોગોમાંથી પસાર થઈ રહી છે. આ ત્રણ મહા રાષ્ટ્રોની મંદ ઈકોનોમીને પરિણામે વિશ્ર્વની ૧/૩ ઈકોનોમી રિસેશન તરફ જઈ શકે છે. આ નબળાઈનો આરંભ રશિયા-યુક્રેન યુદ્ધથી શરૂ થયો અને વધતો ગયો હતો ત્યારે જ આઈએમએફ તરફથી ગ્લોબલ ઈકોનોમીના વિકાસના અંદાજ નીચા મૂકવાનું આરંભી દીધું હતું. યુદ્ધ આ દેશોને ઈન્ફલેશન વૃદ્ધિ, વ્યાજદર વૃદ્ધિ અને સ્લો ગ્રોથ તરફ લઈ ગયું છે. છેલ્લા ૪૦ વરસોમાં પહેલીવાર ચીનનો ગ્રોથ રેટ વૈશ્ર્ચિક વિકાસદર કરતા નીચો રહ્યા છે. હજી કોવિડની તલવાર લટકે છે તે વધારામાં. આમ તો ચીને કોવિડના અંકુશો હળવા કરીને રાહતનો સંકેત આપ્યો છે અને પોતાના ગ્રોથની નવી આશા દર્શાવી છે, પણ એકવાર ટ્રાવેલિંગ મુવમેન્ટ વેગ પકડે એ પછી માહોલ શું રહે છે તેની રાહ જોવી પડે.
મૂડીખર્ચ યોજનાઓની તૈયારી
દરમ્યાન પ્રાપ્ત અહેવાલ મુજબ ભારતીય કંપનીઓએ આગામી નાણાકીય વર્ષ માટે મૂડીખર્ચમાં વધારો કરવાની યોજનાઓ ઘડી કાઢી છે. આશરે ૪૩ ક્ષેત્રોના કરાયેલા પૃથક્કરણમાં જણાયું છે કે મોટી સંખ્યાનાં ક્ષેત્રોમાં મૂડીખર્ચમાં વધારો થશે. આ ૪૩ ક્ષેત્રમાં ફાઈનાન્સ ક્ષેત્ર સિવાયનાં ક્ષેત્રો છે અને જે ક્રિસિલ રેટેડ ઋણ સાધનો ધરાવે છે. આમાંથી ૨૬ ક્ષેત્રો વપરાશ સાથે જોડાયેલાં છે, જેમનો મૂડીખર્ચ મહામારી પૂર્વેના સ્તરથી પણ અધિક થઈ જશે, જોકે આમાં નિકાસલક્ષી ક્ષેત્રો અપવાદ છે.
એકંદર સ્તરે વપરાશ સંબંધિત ક્ષેત્રોનો મૂડીખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૪માં મહામારી પૂર્વેના સ્તરથી ૩૦ ટકા અધિક રહેવાનો અંદાજ છે. ચોક્કસ આંકડા જોઈએ તો નાણાકીય વર્ષ ૨૦૧૯ (મહામારી પૂર્વે)ના રૂ.૧.૪૫ લાખ કરોડ સામે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૧.૮થી રૂ.૨ લાખ કરોડ રહેવાની અપેક્ષા છે. આમાં અડધો અડધ મૂડીખર્ચ વપરાશી ચીજોનાં ક્ષેત્રોમાં થશે. આમાં ઓટોમોબાઈલ્સ, ઓટોએન્સિલિયરીઝ, સ્ટીલ, બ્રિક એન્ડ મોર્ટાર રિટેલ, હૉસ્પિટાલિટી, હેલ્થકેર અને કેમિકલ્સ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. નિકાસલક્ષી ક્ષેત્રોમાં મૂડીખર્ચમાં ઘટાડો થવાની સંભાવના છે.
બાકીનાં ૧૭ ક્ષેત્રો માળખાકીય સવલત ક્ષેત્રો છે અને તેને સંબંધિત ક્ષેત્રોમાં મૂડીખર્ચ સરકારના પ્રોત્સાહનના કારણે વધતો જશે. નાણાકીય વર્ષો ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન મારફતે વર્ષે સરેરાશ રૂ.૧૫ લાખ કરોડનું મૂડીરોકાણ થશે. આમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને તેને સંબંધિત ક્ષેત્રોમાં ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણનો પણ સમાવેશ થશે.
બૅંકો બહેતર સ્થિતિ તરફ
બૅંકોની બેલેન્શીટ વધુ ઉજ્જવળ બની છે અને કેપિટલ રેશિયોઝ સુધર્યા છે એને લીધે સ્થાનિક નાણાકીય સિસ્ટમ મજબૂત બની છે એને પગલે પણ મૂડીખર્ચમાં વધારો થશે. મોટા નોન-પરફોર્મિંગ એસેટ્સનો ઈન્સોલ્વન્સી એન્ડ બૅંકરપસી કોડ મારફત ઝડપથી ઉકેલ લાવવામાં આવી રહ્યો હોવાથી બૅંકોની અસ્ક્યામતોની ગુણવત્તા સુધરી છે. તાજેતરનાં વર્ષોમાં બૅંકોની કુલ નોન-પરફોર્મિંગ અસ્ક્યામતો નાણાકીય વર્ષ ૨૦૧૮ના -૧૧ ટકાથી ઘટીને -૪ ટકા થઈ છે. સરેરાશ મૂડીપર્યાપ્તિ રેશિયો પણ ૨૦૧૮ના -૧૧ ટકાથી સુધરીને ૨૦૨૨માં ૧૫ ટકા થયો છે. જાહેર ક્ષેત્રની તેમ જ ખાનગી ક્ષેત્રની બૅંકોમાં સિલેકટિવ સુધારા વેગ પકડી રહ્યા છે.
કેટલાક અવરોધ પણ માથે ઊભા છે
દેશની કંપનીઓના દેવામાં ઘટાડો થઈ રહ્યો છે એ સારી બાબત છે કારણ કે તેનાથી મૂડીખર્ચ વધારવા માટેનો અવકાશ કંપનીઓને મળી રહ્યો છે. કંપનીઓના મજબૂત કેશ ફ્લો અને ઈક્વિટી મૂડીમાં થઈ રહેલી વૃદ્ધિને પગલે દેવાના પ્રમાણમાં અંકુશ રાખવાનું સરળ રહેશે. ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચમાં વેગ આવે તેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે વૈશ્ર્વિક ઉત્પાદનમાં અપેક્ષાથી અધિક મોટો ઘટાડો, તંગ નાણાકીય સ્થિતિ અને ચીનમાં કોવિડ-૧૯ના ચેપના પ્રમાણમાં આવેલા ઉછાળાને પગલે ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચમાં અપેક્ષિત વધારો કેટલાક મહિના પાછળ પણ ઠેલાઈ શકે છે. સ્થાનિક મોરચે ફુગાવો ચિંતાનો વિષય બનેલો છે અને વ્યાજદરમાં તાજેતરમાં કરવામાં આવેલા વધારાની અસર માગને અસર કરશે એવી અપેક્ષા છે.ક્રિસિલે એટલે જ દેશના જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૬.૫ ટકાથી
ઘટાડીને ૬ ટકા કર્યો છે. ટૂંકમાં ખાનગી ક્ષેત્રના મૂડીખર્ચમાં વધારો થવાનો સમય પાકી ગયો છે એમ કહી શકાય પણ એ હજી નક્કર વાસ્તવિકતામાં ફેરવાશે અમ કહી શકાય નહિ.
સરકાર તરફથી પણ મૂડીખર્ચની દિશામાં આગળ વધવાની હોવાનાં સંકેત કયારના અપાઈ રહ્યા છે, તેની તૈયારી પણ ચાલુ છે. આગામી બજેટ તેના નક્કર ઉદાહરણ અને આંકડા પ્રસ્તુત કરશે એવો અંદાજ છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ મૂડીબજારમાં ભંડોળ ઊભું કરવા આવી રહી છે અને આ વરસે સવા લાખ કરોડ જેટલું ભંડોળ ઊભું કરવાની નેમ ધરાવે છે. આ ઉપરાંત વિદેશી રોકાણ, વેન્ચર ફંડસ, વગેરે પણ ભારત માટે ઉત્સુક છે. ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે ઓલરેડી મહત્ત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં છે અને કેટલીક નવી આકાર પામી રહી છે. અભી તો પાર્ટી શરુ હુઈ હૈ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular