દેશના અત્યાર સુધીના સૌથી મોટા ડેટા લીકનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ ડેટા લીક કોભાંડમાં સરકારી અને બિનસરકારી લગભગ 16.8 કરોડ ખાતાનો ડેટા ચોરવામાં આવ્યો છે. તેમાં 2.55 લાખ સૈન્ય અધિકારીઓનો ડેટા પણ સામેલ છે. આ ડેટા લીકને દેશનું સૌથી મોટું ડેટા લીક કોભાંડ કહેવામાં આવી રહ્યું છે.
તેલંગાણાની સાયબરાબાદ પોલીસે આ ગેંગની ધરપકડ કરી છે. આ લોકો 140 અલગ-અલગ કેટેગરીમાં ડેટા વેચતા હતા. આમાં સેનાના જવાનોના ડેટા ઉપરાંત લોકોના ફોન નંબર, NEETના વિદ્યાર્થીઓની અંગત માહિતી વગેરે સામેલ છે.
ડેટા લીક કેસમાં દિલ્હીમાંથી સાત ડેટા બ્રોકરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નોઈડાના કોલ સેન્ટરમાં ડેટા એકત્ર કરી રહ્યા હતા. આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે આ ચોરીનો ડેટા 100 અલગ અલગ સાયબર ઠગને વેચવામાં આવ્યો છે.
આ ડેટા લીકમાં 1.2 કરોડ વોટ્સએપ યુઝર્સ અને 17 લાખ ફેસબુક યુઝર્સનો ડેટા સામેલ છે. સેનાના જવાનોના ડેટામાં તેમનો વર્તમાન રેન્ક, ઈ-મેલ આઈડી, પોસ્ટિંગનું સ્થળ વગેરેનો સમાવેશ થાય છે. આ ડેટાનો ઉપયોગ સેનાની જાસૂસી માટે થઈ શકે છે. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપીઓએ 50,000 લોકોનો ડેટા માત્ર 2,000 રૂપિયામાં વેચ્યો હતો.
પોલીસે આ મામલે જણાવ્યું હતું કે પોલીસની સાયબર ક્રાઈમ વિંગમાં ગોપનીય અને સંવેદનશીલ ડેટાના વેચાણ અને ખરીદી અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે કે સાયબર ગુનેગારો કેવી રીતે કામ હતા? ડેટા કેવી રીતે એક્સેસ કરી રહ્યા હતા? પોલીસ છેલ્લા બે મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી.
અગાઉ નવેમ્બર 2022માં ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત સહિત 84 દેશોના વોટ્સએપ યુઝર્સનો ડેટા લીક થયો હતો અને આ ડેટા ઓનલાઈન વેચવામાં આવ્યો હતો. દુનિયાભરના લગભગ 48.7 કરોડ વોટ્સએપ યુઝર્સનો ડેટા હેક કરવામાં આવ્યો હતો. હેક કરાયેલા ડેટામાં 84 દેશોના વોટ્સએપ યુઝર્સના મોબાઈલ નંબર પણ સામેલ છે, જેમાંથી 61.62 લાખ ફોન નંબર ભારતીયોના પણ છે.