વરસાદ અને ‘વર’(ના) સાદની કિંમત

વીક એન્ડ

મસ્ત રામની મસ્તી-મિલન ત્રિવેદી

ગઈ કાલે અષાઢી બીજ હતી. કહેવાય છે કે અષાઢી બીજે તો વરસાદ પડે પડે અને પડે જ. મુદત સાચવી જ લે. આ અષાઢી બીજ મુંબઈમાં ફળી. શિંદેસાહેબ ભરપૂર ભીંજાયા અને અમુક ભર ચોમાસે કોરા ધાકોડ રહ્યા.
વરસાદ કે ‘વર’સાદ ન પડે તો તેની કિંમત કેટલી હોય તે ત્યારે જ ખબર પડે જ્યારે તમે રાહ જુઓ અને આવે કે સંભળાય નહીં.
મુંબઈનો વરસાદ તો મોજીલો, જો નવા નવા મુંબઈ ગયા હોઈએ તો બીક પણ લાગે એવો વરસાદ ઝીંકાય.
‘વર’સાદ એટલે કે ધણી કી આવાઝ. શરૂ શરૂના લગ્નજીવનમાં પત્ની ‘વર’સાદની રાહ જોતી હોય કે મારો પોપટિયો પતિ બસ બોલ્યા જ કરે, વરસ્યા જ કરે, હું બેસુમાર ભીંજાયા કરું, હાય… હાય… વોટ એ રોમેન્ટિક થોટ… પણ લગ્નનાં અમુક વર્ષો પછી ‘વર’સાદના છાં(ઘાં)ટાઓ શરીરને વાગવા લાગે. એટલે રેઇનકોટ કે છત્રી હંમેશાં સાથે રાખવામાં આવે.
જેવો ‘વર’સાદ ચાલુ થાય એટલે તરત જ ધારણ કરી લેવા, પછી ભલેને વર(નો)સાદ ગમે તેટલો પડે આપણને અસર ન કરે.
વરસાદ માટે તમારે અલગ અલગ બિઝનેસમાં જોડાયેલી વ્યક્તિને એક જ સવાલ પૂછવાનો એટલે તમને એમના વ્યવસાયની ભાષા જ સાંભળવા મળે. હમણાં જ મુંબઈમાં વરસાદ બરાબર જામ્યો એટલે મને થયું કે લાવ થોડા મિત્રોને પૂછું. અમારા પથુભાઈ દરજીને વરસાદ કેવો એવું પૂછતાં જ જવાબ આપ્યો, ‘અરે વાત પૂછો મા, ટેભા તોડી નાખે એવો મંડાણો છે.’ આ પછીનો ફોન શાંતિલાલ શેરદલાલને લગાડ્યો તો એણે કહ્યું, ‘ઉપલી સર્કિટ લાગી હોં.’ પછીનો ફોન જૈન બિલ્ડર નિકુંજને કર્યો તો એમણે કહ્યું, ‘વસઈની તેજી જેવો વરસાદ છે, આજે તો આખા મહિનાનું બુકિંગ કર્યું હોય એમ લાગે છે.’ એક કવિ મિત્ર દિલીપ રાવલને પૂછ્યું તો કહે, ‘આજનો વરસાદ તો રદીફ કાફિયાનો મેળ તોડી નાખે એવો છે. આમાં છંદ બંધારણ તો ગોત્યું હાથમાં આવે એમ નથી.’ ટીનુભાઈ ટપોરીએ કહ્યું, ‘અરે ભાઈ, વાંસા ફાડી નાખે એવો વરસાદ છે. સીધો થર્ડ ડિગ્રીએ જ ચાલુ પડ્યો છે.’ બાલચંદભાઈ સોનીએ જવાબ આપ્યો કે ‘અરે, રોડ ઉજારી નાખ્યા.’ અને અમારા તંત્રીશ્રી નીલેશભાઈને ફોન કર્યો તો એમણે કહ્યું, ‘મુંબઈ સમાચાર ચાલુ છે અને વરસાદ મુંબઈમાં છે, રાજકોટમાં નહીં. લેખ સમયસર મળી જવો જોઈએ.’ એમ તો મેં મારા એક-બે પોલીસ અધિકારી મિત્રોને પણ વરસાદ વિશે પૂછ્યું, પરંતુ તેઓએ જે કહ્યું તે અહીં લખી શકાય તેવું નથી. એટલું કહી શકું કે ધોધમાર પડ્યો છે. એક રાજકીય નેતાને ફોન કર્યો તો તેણે કહ્યું કે ‘આ વરસાદ પણ અમારા નેતાઓ જેવો થઈ ગયો છે. ક્યારે શું થાય, શું કરે તે નક્કી જ નહીં.’
‘વર’સાદ માટે તમે કોઈ પણ સ્ત્રીને પૂછો એટલે શબ્દો જુદા જુદા, પરંતુ અર્થ એક જ નીકળે. ‘એ તો બોલ્યા કરે, બહુ ધ્યાન નહીં દેવાનું, આ કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવાનું’, ‘હું તો મોબાઈલમાં મંડાઈ રહું, આફૂડા થાકીને બંધ થઈ જાય’, ‘હું આંખ બંધ કરી સૂવાનો ડોળ કરું પછી કેટલુંક બોલે?’… બ્લા… બ્લા… બ્લા… ટૂંકમાં વાદળોની જેમ તમે ગમે તેટલો ગડગડાટ કરો, તમારી કોઈ નોંધ લેવાશે નહીં. વરસવું હોય તો વરસો બાકી…
વરસાદ અને ‘વર’સાદ બંનેને ખબર પડવી જોઈએ કે લોકોને આપણી કદર અને કિંમત કેટલી છે. જરૂરત મુજબ જ ટહુકા કરવા. અતિની ગતિ નહીં.
——————
વિચારવાયુ
મે’માન કહેતાં ગેસ્ટ કોઈક જ વાર આવે અને બેથી ત્રણ દિવસ જ રોકાય તે અને એને ‘મેહ’(વરસાદ) જેટલું ‘માન’ મળે. બાકી છાસવારે અઠવાડિયું-દસ દિવસ ખાબકે એને માવઠા જેમ ધિક્કારે.
મોંઘવારી મેં સબકો પરવડતા નહીં હૈ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.