ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક

ભારતમાં તાજેતરમાં એક જાણીતી ન્યૂઝ ચેનલનો અમુક હિસ્સો એક મોટા કોર્પોરેટ ગ્રૂપે ખરીદી લીધો, એ પછી સોશિયલ મીડિયા પર જોરશોરમાં ચર્ચાઓ ચાલી નીકળી છે. એક વર્ગને આ સમાચારથી મોજ પડી ગઈ, જયારે બીજો એક વર્ગ એ વાતે દુખી છે કે હવે આ ચેનલ પરથી પબ્લિશ થનારા સમાચારો પર કોર્પોરેટ અંકુશ આવી જશે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાંનું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ફ્રીડમ ઓફ પ્રેસ આપણે ત્યાં ફાટે મોઢે વખણાય છે, એવા અમેરિકામાં પણ કોર્પોરેટ જગત જ રાજકારણ અને પત્રકારત્વ પર હાવી થયેલું છે. આમાં સાચું શું અને ખોટું શું, એ અંગેની ચર્ચાઓ શરૂ કરીશું, તો બાત બહોત દૂર તક જાયેગી! એ બધું બાજુએ રાખીને પોતાની જાતને જ થોડા પ્રશ્ર્નો કરીએ.
સાંપ્રત સમયમાં આપણે બધા જાણ્યે-અજાણ્યે ‘રેટ રેસ’નો હિસ્સો બની ગયા છીએ, જ્યાં સૌથી વધુ મહત્ત્વ કોઈ પણ ભોગે ‘કમ્ફર્ટેબલ લાઈફ સ્ટાઈલ’ હાંસલ કરી લેવાનું છે. હવે ધારો કે તમે એક પત્રકાર હોવ, તો રેટ રેસથી બહાર નીકળીને સિસ્ટમની સામે કઈ હદ સુધી ઝીંક ઝીલવાનું ઝનૂન તમારામાં હોઈ શકે? તમે ક્યાં સુધી ખરા અર્થમાં નિષ્પક્ષ રહેવાનું પસંદ કરો? એક તરફ ‘કમ્ફર્ટેબલ’ ગણાય એવું જીવન હોય, અને બીજી તરફ ગુમનામ – દર્દનાક મોત હોય, તો તમે કઈ દિશામાં ડગ માંડવાનું પસંદ કરશો? પ્રશ્ર્નોના ઉત્તર આપવાનું કામ દેખાય એટલું સરળ નથી.
જેમ્સ ઓગસ્ટસ હિકી એનું નામ. એ પત્રકાર તો હતો જ નહિ. તેમ છતાં ભારતમાં પ્રિન્ટ મીડિયાનો પાયો નાખવાનું કામ એણે કર્યું. અને પોતે પણ છેલ્લે એ જ પાયામાં દફન થઇ ગયો!
૧૭૪૦માં આયર્લેન્ડમાં જેમ્સનો જન્મ. એ સમયે કારકીર્દીની પરિભાષા આજના કરતા ઘણી અલગ હતી, અથવા હતી જ નહિ. આજે દસમા ધોરણમાં ભણતા ટાબરિયાઓ ’કરિયર ગોલ્સ’ સેટ કરતા થઇ ગયા છે, પણ એ સમયે લોકો જે મળે એ તક ઝડપી લેતા. (એટલા માટે જ કદાચ આપણા જેટલું સ્ટ્રેસ એ સમયે લોકોને નહોતું!) કમાવા જેવડી ઉંમર થઇ એટલે જેમ્સ ઓગસ્ટસ હિકીએ વિલિયમ ફેડન નામના એક પ્રિન્ટરનાં સહાયક તરીકે નોકરી કરવા માંડી. અહીં એ પ્રિન્ટીંગ પ્રેસના કક્કો બારાખડી શીખ્યો. સશસ્ત્ર દળોમાં કામ કરનાર લોકો માટે કહેવત છે, કેOnce a Soldier, Always a Soldier! અર્થાત, એક વખત તમે સૈનિક તરીકે ફરજ બજાવો, એ પછી વીરતા-શૌર્ય તમારા લોહીમાં વસી જાય છે. આ વાત પત્રકારત્વ માટે પણ એટલી જ સાચી છે. જેમ્સ હિકીના કિસ્સામાં પણ એવું જ થયું. કરવા ખાતર એણે પ્રેસમાં સહાયક તરીકે કામ કર્યું, પણ અહીં એને સાવ જાણબહાર પત્રકારત્વનું ’ઇન્ફેકશન’ લાગી ગયું!
પહેલા વકીલ અને પછી સર્જ્યન!
સાંભળવામાં વિચિત્ર લાગશે, પણ જેમ્સ હિકીએ વકીલ અને ડોક્ટર, એમ બંનેના સહાયક તરીકે કામ કર્યું છે. ડોક્ટર પણ પાછા જેવા તેવા નહિ, બલકે સજર્યન! પ્રિન્ટિંગ પ્રેસની લાઈન છોડીને એ વિલિયમ ડેવી નામના મહા ખેપાની વકીલના સહાયક તરીકે જોડાયો. પણ પછી કદાચ બહુ જામ્યું નહિ હોય, એટલે વકીલાતને ગુડ બાય કરીને એ લંડનમાં સર્જ્યન તરીકે પ્રેક્ટિસ કરવા માંડ્યો! હવે આ કઈ રીતે થયું, એનો કોઈ તાર્કિક ઉત્તર મળતો નથી. પરંતુ અત્યારે એવું માની લઈએ કે એ સમયે આવું બધું ચાલી જતું હશે!
એ જમાનામાં ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પગપેસારો કરી લીધેલો. બ્રિટનના કિનારાઓ પરથી ઉપડતા કંપનીના જહાજો ‘ઇસ્ટ ઇન્ડિયા મેન’ના હુલામણા નામે જાણીતા હતા. ૧૭૨૨માં જેમ્સ હિકી આવા જ એક ઇસ્ટ ઇન્ડિયા મેનમાં બેસીને ભારતના કલકત્તા બંદરે ઉતરી પડ્યો! અહીં એ કોઈ સર્જ્યનનાં સહાયક તરીકેની નોકરી કરવા આવેલો, પણ નસીબમાં કંઈક જુદું જ લખાયેલું.
એક દિવસ ધંધો ડૂબ્યો અને…
જેમ્સ હિકીના મનમાં હતું કે ભારતમાં સર્જ્યનનાં મદદનીશ તરીકે કામ કરવાની સાથે જો થોડો વેપાર પણ કરી લેવામાં આવે, તો ઝડપથી બે પાંદડે થઇ જવાય! આથી એણે દાકતરીની સાથે સાથે વેપારી સોદાઓ કરવા માંડ્યા. ભારત અને ઇંગ્લેન્ડ તેમજ બીજા યુરોપીય દેશો વચ્ચે માલસામાનનો વેપાર કરીને અનેક ધોળિયાઓએ એ જમાનામાં મબલખ માલ રળી લીધેલો. જેમ્સના મનમાં પણ આવા જ બિઝનેસ ડ્રીમ્સ રમતા હતા, પણ…
૧૭૬૬માં એવું થયું કે માલસામાન ભરીને મુસાફરી કરી રહેલું હિકીનું જહાજ કોઈક કારણોસર ભારે નુકસાન પામ્યું. જહાજમાં લદાયેલો માલસામાન પણ બગડી ગયો. આથી જે વેપારીઓનો માલ જહાજમાં લદાયેલો, એ તમામ હિકી પાસે નુકસાન અંગેનું વળતર માંગવા લાગ્યા. હિકી આ બધું વળતર ચૂકવી શકે એવી મજબૂત આર્થિક પરિસ્થિતિ ધરાવતો નહોતો. આથી વેપારીઓએ પોલીસ કેસ કર્યો અને જેમ્સ હિકીએ જેલમાં જવું પડ્યું!
નસીબે ભલે દગો દીધો અને ધંધામાં નુકસાન ગયું, પણ હિકી હિમ્મત હારે એમ નહોતો. મૂળે એ લડાયક મિજાજનો માણસ ખરો. જેલમાં રહ્યે કોઈક રીતે એણે છાપકામ માટેનું પ્રિન્ટીંગ મશીન અને ટાઈપ્સ મેળવી લીધા. અને આ જુગાડને આધારે જેલમાં બેઠે બેઠે જ છાપકામનો બિઝનેસ શરુ કરી દીધો. થોડા ઘણા રૂપિયા મળ્યા, એટલે સૌથી પહેલું કામ પોતાનો કેસ લડવા માટે એક કાબેલ વકીલ રોકવાનું કર્યું. આ વકીલે હિકીને જેલમાંથી બહાર નીકળવામાં મદદ કરી.
“Open to all parties, but Influenced by None”
જેલમાંથી બહાર આવેલા જેમ્સ હિકી પાસે હવે એક ચાલુ ધંધો તો હતો જ, એનું વિસ્તરણ કઈ રીતે કરવું, એ વિચારવાનું હતું. જો કે જેમ્સે આમાં કંઈ લાંબુ વિચારવાનું ન હતું. જુનો વેપાર ફરીથી થાય એમ નહોતો, અને છાપકામ કરતા આવડી ગયેલું. એટલે હિકીએ પોતાનું જ એક નવું છાપું પ્રકટ કરવાનું વિચાર્યું.
જે ક્ષણે જેમ્સ ઓગસ્ટસ હિકીનાં મનમાં આ વિચાર આવ્યો હશે, એ ક્ષણ ખરા અર્થમાં ઐતિહાસિક ગણાય. કેમ કે ત્યાં સુધી ભારતમાં છાપાઓનું પ્રકાશન શરૂ જ નહોતું થયું. ૨૯ જાન્યુઆરી, ૧૭૮૦નાં દિવસથી હિકીએ પોતાનું છાપું પબ્લિશ કરવાની શરૂઆત કરી. છાપાનું નામ રાખ્યું “હિક્કી’ઝ બેંગાલ ગેઝેટ! હિક્કીનું આ છાપું ભારતનું સૌથી પ્રથમ છાપું બન્યું, જે દર અઠવાડિયે પ્રકાશિત થતું હતું. (દૈનિક ધોરણે સતત પ્રકાશિત થતા સૌથી જૂના છાપાનું શ્રેય આપણા પ્રિય મુંબઈ સમાચારને જાય છે.) જેમ્સ ઓગસ્ટસ હિકી કંઈ પત્રકારત્વ ભણ્યો નહોતો, પરંતુ પત્રકારત્વ કેવું હોવું જોઈએ, એ વિશેના એના વિચારો બહુ સ્પષ્ટ હતા. પોતાના છાપાના મથાળે એ લખાવતો, “”A weekly Political and Commercial Paper, Open to all parties, but Influenced by None” આ સૂત્ર આજની તારીખે ય દરેક ન્યૂઝ મીડિયા સાથે વૈધાનિક ચેતવણીની માફક જોડવા જેવું લાગે છે કે નહિ?!
તમે જ્યારે એક કરતાં વધુ ક્ષેત્રમાં કામ કર્યું હોય, ત્યારે સૌથી મોટો ફાયદો એ થાય કે તમને એક કરતાં વધુ કાર્યક્ષેત્રોની કામ કરવાની પદ્ધતિ વિષે ખબર હોય. અને આ પ્રકારની માહિતી એક પત્રકાર માટે બહુ ઉપયોગી સાબિત થતી હોય છે. પહેલા છાપકામ પછી વકીલાત, દાકતરી અને વેપાર કર્યા બાદ જેલયાત્રા સુધ્ધાં કરી ચૂકેલા હિકીને પણ આ ફાયદો મળ્યો. ભારત પર રાજ કરતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કાર્યપદ્ધતિને એણે ખૂબ નજીકથી નિહાળી. પરિણામે કંપની દ્વારા ભારતીય લોકોના શોષણ અને ગોબાચારી અંગે હિકીને જાણ હતી. એનું પરિણામ એ આવ્યું કે હિકીએ પોતાના અઠવાડિક છાપામાં કંપની સરકાર સામે બેબાકપણે લખવાની શરૂઆત કરી.
આ એ સમય હતો જ્યારે ભારતમાં કેટલાક મોટા રાજકીય બદલાવો આવી રહ્યા હતા. આ બધા વચ્ચે જેમ્સ હિકીએ ભલભલા શાસકોની સાડાબારી રાખ્યા વિના લખવાનું ચાલુ રાખ્યું. પરિણામે જેમ્સ ઓગસ્ટસ હિકીનું જીવન નર્ક બની ગયું, પણ એનું નામ ભારતીય પત્રકારત્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાઈ ગયું. એ વિશેની વધુ વાતો આવતા સપ્તાહે.

Google search engine