સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનનો 85 મીટર ઊંચો કુલિંગ ટાવરને આજે એક્સપ્લોઝરની મદદથી પાંચ સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યો હતો. કહેવાની જરૂર નથી આમ કરવા પાછળ વિશેષ ટીમ અને તૈયારી કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનથી ડિમોલિશન એક્સપર્ટ આનંદ શર્મા સુરત આવ્યા હતા. અને આ આખું એક્સપ્લોઝિવ બ્લાસ્ટ તેમના નેતૃત્વમાં થયું હતું. વિશેષ ટેક્નોલોજીની મદદથી તોડી પાડવા માટે ટાવરના 1300 જગ્યા પર એક્સપ્લોઝિવ પ્લાન કરાયો હતો. સિક્વન્સમાં હોલ પાડી એક્સપ્લોઝિવ ફીટ કરાયો હતો પછી તેમને અલગ અલગ ટાઈમિંગે બ્લાસ્ટ કરાયો હતો. આ ટાઈમિંગનું ખાસ ધ્યાન રાખીને બ્લાસ્ટ થતા આખો ટાવર ધીમે ધીમે સિક્વન્સમાં સીધો નીચે પડી ગયો હતો.
આ ટાવર તાસ ના પત્તાની જેમ તોડવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. જુદી જુદી ખાસ ટીમો તૈયાર કરીને છેલ્લા ઘણા સમયથી તૈયારી કરવામાં આવતી હતી. ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરને એક જ ધડાકે તોડી પાડવા માટે અમદાવાદની કૈલાશ મેટલ કોર્પોરેશનને કામ સોંપવામાં આવ્યું હતું. જેમાં તેમણે દેશના ડિમોલિશન એક્સપર્ટની મદદ લઈ આ ટાવરને આજે પાંચ સેકન્ડમાં જ જમીનદોસ્ત કરી નાખ્યું હતું.
દેશમાં એક્સપ્લોઝિવના મદદથી મોટા સ્ટ્રક્ચરો ડિમોલેશન કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બનતી થઈ ગઈ છે. અને સસ્તી પણ થઈ છે. ઉત્રાણ પાવર સ્ટેશનનો કુલિંગ ટાવર તોડી પાડવા માટે નોન ઈલેક્ટ્રીક એક્સપ્લોઝિવ મટિરીયલનો ઉપયોગ કર્યો હતો. જેને લઇ આ ટાવર પાછળ 30થી 40નો ખર્ચ થયો છે.
વાચકોને જણાવી દઈએ કે સરકારી પાવર સ્ટેશનોની અંદર જે ટાવરો હોય છે એના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. એના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ એને ડિમોલિશન કરવાનો હોય છે. સુરત ઉત્રાણ કૂલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. એને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કૂલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. એને આજે સવારે 11 વાગ્યા આસપાસ તોડી પાડવામાં આવ્યો હતો. લોકોના ટોળેટોળા આ જોવા માટે અગાસીઓ પર ભેગા થઈ ગયા હતા. શહેરને કોઈ અડચણ ન આવે તેની ખાસ તકેદારી લેવામાં આવી હતી. જોકે શહેરની આ એક ઓળખ હતી અને હવે તે નથી રહી તેમ પણ અમુક શહેરીજનોએ જણાવ્યું હતું.