(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મુંબઈ આવી રહેલી જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના એક કોચની એક્સેલ ગરમ થઈ જવાને કારણે ટ્રેન ખોટકાઈ હતી. એક્સેલ લાલ થઈને ગરમ થઈ જવાને કારણે મનમાડ સ્ટેશન પર ટ્રેનને બે કલાક માટે રોકી દેવાની નોબત આવી હતી, પરિણામે જાલનાથી મુંબઈ આવનારી પ્રવાસીઓને હેરાન થવું પડ્યું હતું.
જનશતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની એક્સેલ ગુરુવારે સવારના 11.05 વાગ્યાના સુમારે ગરમ થઈ ગઈ હતી, તેથી ટ્રેનને રોકી દેવાની નોબત આવી હતી. કોચની એક્સેલનું તાપમાન વધી ગયું હતું અને લાલ થઈ ગઈ હતી. આ સંજોગોમાં ટ્રેનને ચલાવવાનું જોખમી હોવાથી ટ્રેનને મનમાડ સ્ટેશન પર રોકીને કોચને ટ્રેનથી અલગ કરવામાં આવ્યો હતો અને બદલવામાં આવી હતી. આ મુદ્દે મધ્ય રેલવેના અધિકારીએ કહ્યું હતું કે ગુરુવારે બપોરના અઢી વાગ્યાના સુમારે સમગ્ર ટેક્નિકલ સમસ્યા દૂર કરવામાં આવ્યા પછી ટ્રેનને મુંબઈ રવાના કરવામાં આવી હતી. મુંબઈ અને જાલના વચ્ચે મધ્ય રેલવે રોજ જનશતાબ્દી ટ્રેન દોડાવે છે. નિયમિત રીતે જનશતાબ્દી એક્સપ્રેસ મનમાડ સ્ટેશનથી સવારના સાડાઆઠ વાગ્યે મુંબઈ રવાના કરવામાં આવી હતી, જે સીએસએમટી સાંજના સાડાચાર વાગ્યાના સુમારે પહોંચતી હોય છે, પરંતુ આજની સમસ્યાને કારણે ટ્રેન ત્રણેક કલાક મોડી પડતા પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં મુશ્કેલી પડી હતી.