Homeટોપ ન્યૂઝપોલાદના કારખાના રાજ્ય બહાર સ્થળાંતરિત થઈ રહ્યાનો દાવો ખોટો

પોલાદના કારખાના રાજ્ય બહાર સ્થળાંતરિત થઈ રહ્યાનો દાવો ખોટો

રાજ્યમાં ઉદ્યોગો ઘટ્યા નથી, વધ્યા છે
૨૦ વર્ષ પહેલાં બંધ પડેલા કારખાનાને આધારે ઉદ્યોગોને ગેરમાર્ગે
દોરવામાં આવી રહ્યા છે: એમએસઈબીના સ્વતંત્ર ડિરેક્ટરનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં વીજ દર વધારે હોવાને કારણે રાજ્યના પોલાદના કારખાના અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરી રહ્યા છે એવા અહેવાલ સાથે વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશને જે સ્થળાંતરિત કારખાનાના નામ આપ્યા તે કારખાના ૮થી લઈને ૨૩ વર્ષ પહેલાં અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત કરી ગયા હતા. આવા ખોટા અહેવાલોને આધારે રાજ્યમાં રોકાણ કરવા માગનારા ઉદ્યોગોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે એવી સ્પષ્ટતા એમએસઈબીના સ્વતંત્ર સંચાલક વિશ્ર્વાસ પાઠકે કરી હતી.
બુધવારે તેમણે વિદર્ભ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનને એવી અપીલ કરી હતી કે તમારા એસોસિયેશનનો પ્રતિષ્ઠિત મંચ આવા લોકોને વાપરવા દેશો નહીં.
તેમણે કહ્યું હતું કે મંગળવારે નાગપુરની પત્રકાર પરિષદમાં જે કંપનીના નામ લેવામાં આવ્યા હતા તેના મહાવિતરણમાં રહેલા રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી. આમાંથી ગણપતિ એલોય એન્ડ સ્ટીલ પ્રા. લિ.નો વીજ પુરવઠો ફેબ્રુઆરી ૨૦૦૨માં ખંડિત કરવામાં આવ્યો હતો, આમ તે કંપની ૨૦ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાંથી ગઈ હતી. આવી રીતે બાબા મુંગીપા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનો પુરવઠો જાન્યુઆરી-૨૦૧૩થી બંધ છે. આવી જ રીતે જે કંપનીના નામનો ઉલ્લેખ થયો તે કંપનીઓનો વીજ પુરવઠો અનુક્રમે ૧૯૯૯, ૨૦૦૨, ૨૦૦૩, ૨૦૦૬ સાલમાં બંધ કરવામાં આવ્યો છે. એટલે એમ કહી શકાય કે આ કંપનીઓએ આ સાલમાં તેમના મહારાષ્ટ્રના કામ બંધ કરી નાખ્યા હતા. આ કંપનીઓ પાસેથી રૂ. ૨૬ લાખથી લઈને રૂ. ૨.૭૫ કરોડના લેણા વસૂલ કરવાના બાકી છે. આવા કારખાનાના નામનો હવાલો આપીને સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ રાજ્યની બહાર જઈ રહી હોવાનું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે, તે સાવ ખોટું છે. કે.સી. ફેરો એન્ડ રિરોલિંગ મિલ્સ પ્રા. લિ.નું કામ મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે એટલે કે ઑક્ટોબર-૨૦૨૧માં બંધ થયું તે સાચું છે.
રાજ્યમાં કંપનીના અત્યારના કામકાજ અંગે પણ ખોટી માહિતી આપવામાં આવી છે. રાજ્યમાં ઉદ્યોગો બંધ પડવાને બદલે વધુ ઝડપથી કાર્યરત થઈ રહ્યા છે એવું વીજળીના વપરાશ પરથી જણાઈ રહ્યું છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા આર્થિક વર્ષમાં ૨૦૨૧-૨૨ દરમિયાન રાજ્યમાં ૪,૫૩,૪૩૮ ઔદ્યોગિક વીજ ગ્રાહકો હતા અને તેમણે ૫૦,૫૬૩ મિલિયન યુનિટ વીજળી વાપરી હતી. માર્ચ પછીના છ મહિનામાં ઔદ્યોગિક ગ્રાહકોની સંખ્યામાં બે હજારનો વધારો થયો હતો અને અત્યારે તે ૪,૫૫,૨૭૧ થઈ છે અને તેમણે સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં ૨૭,૭૧૨ મિલિયન યુનિટ વીજળીનો વપરાશ કર્યો છે. અગાઉના વર્ષની સરખામણીમાં ૫૪ ટકા વપરાશ છ મહિનામાં થયો છે ઉદ્યોગો બંધ પડી રહ્યા હોય તો વીજ વપરાશ વધ્યો કેવી રીતે? એવો સવાલ પણ તેમણે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ છ મહિનામાં શિંદે-ફડણવીસની સરકાર તો ફક્ત ત્રણ જ મહિના હતા.
ઉદ્યોગોને મહાવિતરણ સરેરાશ રૂ. ૮.૪૮ના દરે વીજળી ઉપલબ્ધ કરાવે છે અને તેઓ સરકારી સવલતોનો લાભ લે તો તેમને વીજદર રૂ. ૫.૦૦ જેટલો પડે છે. તેમ જ વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્ર ઉપરાંત ડી અને ડી પ્લસ વિસ્તારોના ઉદ્યોગોને તો વધારે સવલત આપવામાં આવે છે. આને માટે રાજ્ય સરકાર રૂ. ૧૨૦૦ કરોડનો બોજ વહન કરે છે, એમ પણ તેમણે કહ્યું હતું.
નાગરિકો અને ઉદ્યોગોએ સાચી બાબતની નોંધ લેવી અને ગેરમાર્ગે ન દોરાવું એવી અપીલ પણ તેમણે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular