રોજ બરોજ -અભિમન્યુ મોદી
સમગ્ર વિશ્ર્વ આજે અરાજકતાપૂર્ણ અવિશ્ર્વાસના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. તુર્કીમાં ભૂકંપ આવ્યા બાદ મહસત્તાઓ પણ સુરક્ષા બાબતે ચિંતિત થઈ ગઈ છે. જો કે, ચીન બધાથી અલિપ્ત છે. પોતાના ઘરે રેલો ન આવે ત્યાં સુધી ચીની પ્રમુખના પેટનું પાણી પણ હલતું નથી. જિનપિંગ પોતાની હીન માસિકતા સંતોષવા માટે જેટલા પ્રયોગો કરે છે તેના કરતા ચીનના વિકાસમાં પોતાનો કુશાગ્ર બુદ્ધિનો ઉપયોગ કરે તો પ્રજાનું જીવન અને જીવનધોરણ બન્ને સુધરી જાય પરંતુ જિનપિંગ ક્યાં સુધરવા માંગે છે? ચીનની વ્યૂહરચના ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરવાની રહી છે અને જો અન્ય દેશ આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરવા સાથે નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે, પરંતુ હવે ચીનની રણનીતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે. એક સમયે ઘાતક મિસાઈલ સાથે વિશ્ર્વનો વિનાશ કરવાની નેમ ધરાવતું ચીન આજે ગળપણભરી વાણી બોલીને યુદ્ધનો બહિષ્કાર કરે છે અને પોતાની લેબમાં બાયોવેપન બનાવીને અડધી દુનિયાને વાયરસના ચપેટમાં લઈને પોતે માનવતાની શીખ આપે છે. એટલે જ કોરોનાનો ઉદ્ભવ અને પ્રસાર ચીનના વુહાનની લેબોરેટરીમાંથી જ થયો છે તે હકીકત ચીને છુપાવી છે અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને વિશ્ર્વને વાઇરસથી માહિતગાર કરવામાં અક્ષમ્ય વિલંબ કરતાં વિશ્ર્વ મહામારીમાં ફસાઈ ગયું હોવાનો સૌપ્રથમ આક્ષેપ ટ્રમ્પે લગાવ્યો હતો. એ વખતે ચીનને બાદ કરતા સઘળી દુનિયા કોરોના માટે ચીનને દોષિ ઠેરવી રહી હતી પરંતુ પુરાવા ક્યાં? આજે બાઇડેન સરકાર પુરાવા સાથે કહી રહી છે ચીન હવામાં વાઇરસ ફેલાવીને જૈવિક યુદ્ધ તરફ વિશ્ર્વને ધકેલી રહ્યું છે. બાઇડેન જે પુરાવાની વાત કરે છે તેને બલૂન સ્વરૂપે સૌએ નિહાળ્યો છે.
બાઈડેનના મંત્રીઓ તો છડેચોક ચીન પર આરોપ મૂકે છે તેમણે આવા બલૂન મારફતે જ વાઇરસ ફેલાવ્યો છે. ટ્રમ્પ પણ બલૂનકાંડમાં રાજકીય રોટલા શેકવા નીકળી પડ્યા હતા અને સોશિયલ મીડિયામાં પોતાના ચીન વિરોધી વીડિયોને વાયરલ કરીને એ સાબિત કરવા મથવા લાગ્યા કે તેમણે તો અમેરિક્ધસને અગમચેતી આપી દીધી હતી કોઈ માન્યું નહીં એટલે કોરોના વકર્યો. એક તબક્કે ટ્રમ્પ દલીલને માની પણ લઈએ તો આ બલૂનનો બ્લાસ્ટ થતા ચારેકોર તબાહી મચી જવી જોઈએ ને! જિનપિંગ શિયાળને શરમાવે તેવી કુટિલ બુદ્ધિ ધરાવે છે. આવી બાલિશ યોજનાથી તેઓ અમેરિકાને નુકસાન ન પહોંચાડે. અને આ રીતે જૈવિક હથિયારને જાહેર ન કરી દે. જિનપિંગના શાતીર દિમાગનું એનાલિસીસ કરતા પહેલા બલૂનકાંડને સમજવો જરૂરી છે.
ચીન અને અમેરિકા વચ્ચે ૨૦૨૫માં યુદ્ધ થશે તેવી અફવા વહેતી થઈ તેના ૧૧માં દિવસે અમેરિકાના આકાશમાં ૪૦ હજાર ફૂટ ઊંચે ચીનનું બલૂન વિહરતું નજરે ચડ્યું. બાઈડેન સરકારે ચર્ચામાં સમય બગાડવાને સ્થાને બલૂનને ધ્વસ્ત કરવાનો પ્લાન ઘડીને સાઉથ કેરોલિન રાજ્યમાં એરફોર્સને મોકલીને બલૂનને ધડાકાભેર ઉડાવી દીધું. ચીને આ બલૂન સિવિલિયન હેતુ માટે હોવાનું અને અકસ્માતે અમેરિકન હવાઈ સરહદમાં પ્રવેશ્યું હોવાનો ખોખલો બચાવ કર્યો છે. જોકે એ બચાવ ટકી શકે તેમ નથી. આ બલૂન એક તો લાંબા સમય સુધી અમેરિકાના આકાશમાં ઊડતું રહ્યું હતું. આ ઉપરાંત મોન્ટનાથી મધ્ય અમેરિકા ઉપર થઇને છેક કેનેડા સુધીની તેણે સફર કરી હતી. મોન્ટનામાં અમેરિકાનો એરફોર્સ બેઝ છે. ત્યાં ૧૦૦ ભૂગર્ભ મિસાઇલ સીલોમાં અણુશસ્ત્રો સાથે છ હજાર માઇલ દૂર સુધી ત્રાટકી શકે તેવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ તહેનાત કરાઇ છે.તાત્પર્ય એ કે મિલિટરી દૃષ્ટિકોણથી આ એક ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે.
આ કારણથી જ બાઈડેન બલૂનને જાસૂસી માટે ઉપયોગ લેવાતા હથિયાર તરીકે પણ સરખાવે છે. બીજા વિશ્ર્વયુદ્ધમાં બલૂનનો ઉપયોગ જાસૂસી કરવા માટે જ થતો હતો. ચીનનું બલૂન ૧૨૦ ફુટ પહોળું અને ૧૩૦ ફુટ લાંબું છે. આ પ્રકારનં બલૂન જમીનથી ૨૪ હજારથી ૩૭ હજાર ફુટની ઊંચાઈ પર સરળતાથી ઊડી શકે છે. જો કે ચીનનું બલૂન અમેરિકાની ઉપર ૪૦ હજાર ફુટની ઊંચાઈ પર ઊડી રહ્યું હતું. આવાં બલૂનો પર દેખરેખ રાખવી ખૂબ મુશ્કેલ કામ છે. સામાન્ય વિમાનો પણ માત્ર ૪૦ હજાર ફૂટ સુધી જ ઊડે છે, માત્ર ફાઈટર જેટ જ ૬૫ હજાર ફૂટ ઊંચાઈ સુધી ઊડી શકે છે.આ બલૂનમાં ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર કે ડિજિટલ કેમેરા લાગેલા હોય છે, જે તેના રેઝોલ્યુશનના આધાર પર ખૂબ જ સ્પષ્ટ તસવીરો લઈ શકાય છે. આ રેડિયો સિગ્નલ અને સેટેલાઈટ ટ્રાન્સમિશન ક્ષમતાથી સજજ છે. એટલે કોઈ વાઇરસ બલૂન મારફતે મોકલીને જિનપિંગ દુનિયા સમક્ષ દુર્જન બનવાની મૂર્ખતા તો ન કરે, પરંતુ આ બલૂન ચોક્કસ પણે જાસૂસી કરી શકે છે. કારણ કે તે અમેરિકાના એવા જ વિસ્તારોમાં જોવા મળ્યું જ્યાં સેના અને શસ્ત્રો ખડકાયેલા છે.
હવે જિનપિંગની વ્યૂહરચનાને સમજીએ વેપારથી માંડીને શિક્ષણ સુધીનાં ક્ષેત્રોમાં ચીનનું જાસૂસી નેટવર્ક વિસ્તરેલું છે. ચીને ૨૦૧૭માં વોશિંગ્ટનમાં ૧૦૦ મિલિયન ડોલરના ખર્ચે ચાઇનીઝ ગાર્ડન બનાવવાના પ્રોજેક્ટની દરખાસ્ત કરી હતી. તેમાં મંદિરો, પેવેલિયન તેમજ શ્ર્વેત રંગનો ૭૦ ફૂટ ઊંચો પેગોડા બનાવવાનું આયોજન હતું. એ પ્રોજેક્ટ સાકાર થાય તો દર વર્ષે હજારો પર્યટકો તેની મુલાકાતે આવે અને સ્થાનિક તંત્રને તગડી આવક થાય તેમ હતી. પરંતુ ચીનની કેટલીક શરતો શંકાસ્પદ હતી. આ પેગોડા માટેનું મટીરિયલ જેની કસ્ટમ દ્વારા તપાસ ન કરી શકાય તેવા ડિપ્લોમેટિક પાઉચ દ્વારા મોકલવાનો જ ચીને આગ્રહ રાખ્યો હતો. દાળમાં કંઇક કાળું જણાતા એ પ્રોજેક્ટ અંગે અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અમેરિકાના કેપિટોલ હિલથી ફક્ત બે માઈલ દૂર આવેલા એ સ્થળે પેગોડાનું નિર્માણ વોશિંગ્ટનના સૌથી ઊંચા સ્થળે કરવાની યોજના હતી. એ સ્થળેથી અમેરિકન સંસદ સહિતની અનેક અગત્યની સરકારી ઇમારતોની જાસૂસી સરળ બની જતી હતી. લાંબી તપાસના અંતે તે સ્થળે બાંધકામ શરૂ થાય તે પહેલાં જ તેની મંજૂરી પર ચોકડી મારી દેવાઇ હતી. પ્રાથમિક તબક્કે સાંસ્કૃતિક અને મનોરંજનના હેતુ માટેના નિર્દોષ જણાતા એ પ્રોજેક્ટ પાછળ પણ ચીનનો ઇરાદા જાસૂસી કરવાનો હતો. ચીન દ્વારા અમેરિકામાં વિવિધ ક્ષેત્રે કરોડો ડોલરની કિંમતનું રોકાણ કરાયું છે અને હવે તે બધા પર અમેરિકા ચાંપતી નજર રાખી રહ્યું છે.
અગાઉ કેટલીક અગત્યની સરકારી કચેરીઓ તેમજ લશ્કરી થાણાં નજીક આવેલી ચીનની કોન્સ્યુલેટ કચેરીમાં લિસનિંગ ડિવાઇસ ગોઠવાઇ રહ્યાં હોવાની માહિતી મળતા સરકારે એ કોન્સ્યુલેટ કચેરીને તાળાં મરાવી દીધાં હતાં. અમેરિકામાં જાસૂસી માટે ચીન વેપારીઓ, વિજ્ઞાનીઓ અને વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી રહ્યું છે. ગયા મહિને જ શિકાગોમાં ૩૧ વર્ષની વયના જી ચોકન નામના ઇલિનોઇસ ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવીને ગ્રેજ્યુએટ થયેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરને જાસૂસી બદલ આઠ વર્ષની જેલની સજા ફટકારાઇ હતી. આ યુવાન ચીનની મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી માટે જાસૂસી કરતો હોવાનું ખૂલ્યું હતું. અમેરિકાના ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સને ત્યાં તેમજ અન્ય કંપનીઓમાં વિજ્ઞાની કે એન્જિનિયર તરીકે કામ કરતા મૂળ ચીનના નાગરિકોની યાદી તૈયાર કરી અને તેમાંથી નવા જાસૂસ મળી આવ્યા હતા.
ચીનની રણનીતિ આ પ્રકારે અમેરિકાની વિવિધ કંપનીઓ દ્વારા વિકસિત એડવાન્સ એરોસ્પેસ અને સેટેલાઇટ ટેક્નોલોજીની માહિતી મેળવવાનો કારસો હતો. જી ચોકન જેને રિપોર્ટ કરતો હતો તે એમએસએસની જિઆન્ગસુ પ્રાંતના ડિવિઝનલ ડેપ્યુટી ડિરેક્ટર સુ યાન જૂનની પણ બેલ્જિયમમાં જાસૂસી કરવા બદલ ધરપકડ થઈ હતી. ૨૦૧૮માં તે અમેરિકાને સોંપ્યા પછી તેને પણ અમેરિકાની અદાલતે ૨૦ વર્ષની કેદની સજા કરી હતી. આટલું અધૂરું હોય તેમ ગત અઠવાડિયે લેટિન અમેરિકા અને કેરેબિયન્સના આકાશમાં પણ એક બલૂન નજરે પડ્યું હતું. કોલંબિયન એરફોર્સ અને કોસ્ટારિકા સિવિલ એવિયેશન ઓથોરિટીએ એ બલૂનની હાજરી અંગે જાહેરાત કર્યા બાદ ચીને તે બલૂન પોતાનું હોવાનું અને ખરાબ હવામાનને કારણે લેટિન અમેરિકાના આકાશમાં પહોંચી ગયું હોવાનો સત્તાવાર ખુલાસો કર્યો હતો. જિનપિંગનો પ્લાન અહીં જ છતો થઈ જાય છે. ત્યારે શક્ય છે કે આ બલૂન કોઈ જાસૂસી સંદેશ પહોંચાડવા માટે અથવા અમેરિકાની સુરક્ષા વ્યસ્થામાં કોઈ ટેકનીકલ ખામી સર્જવા આવ્યું હતું. પરંતુ આ કામ તો ડ્રોન પણ કરી શકે છે તો આટલું માયકાય બલૂન કેમ? એ સવાલનો ઉત્તર શોધવા અમેરિકન જાસૂસ બેબાકળા થયા છે.
વિશ્ર્વની ઘટનાઓ પર ચર્ચા કરતું ભારતના મીડિયાએ અમેરિકા-ચીનની ચર્ચા દેખાડી પરંતુ આ ચીની બલૂન ભારતની મુલાકાતે આવ્યું હતું તે દર્શાવવાનું ચુકી ગયા! અમેરિકાના નેવલ એક્સપર્ટ એચ.આઈ. સુટ્ટોને તો દાવો કર્યો છે કે. ચીન ભારતમાં આ રીતે બલૂન મોકલીને જાસૂસી કરાવી ચૂક્યું છે. ગયા વરસે જાન્યુઆરીમાં ચીનનું જાસૂસી બલૂન આંદામાન અને નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર પર દેખાયું હતું. આ બલૂન ભારતના આર્મી બેઝની જાસૂસી કરવા આવ્યું હતું. આંદામાનશિખાડોટકોમના ૬ જાન્યુઆરી, ૨૦૨૨ના રિપોર્ટમાં બલૂન અંગે સવાલ ઉઠાવ્યો હતો. ભારતની કોઈ એજન્સીએ બલૂન મોકલ્યું છે કે વિદેશી બલૂન છે એવો સવાલ પણ ઉઠાવાયો હતો. આ મુદ્દે આંદામાનના સત્તાધીશો તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નહોતી. ભારત સરકાર તરફથી પણ સત્તાવાર નિવેદન અપાયું નહોતું. અલબત્ત ભારતે ડરવાની જરૂર નથી કારણ કે ભારત પાસે પણ પોતાનું અલાયદું બલૂન છે.
ભારતીય વાયુ સેનાએ વર્ષ ૨૦૨૨માં ઇએલ/એમ-૨૦૩૮ નામના બે લોન્ગ રેંજ એરોસ્ટેટ બલૂન ઈઝરાયેલ પાસેથી ખરીદ્યાં હતાં. તેને ગુજરાતના કચ્છમાં હવામાન પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવ્યાં હતાં. એક બલૂનની કિંમત લગભગ ૩૮૮ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
હાલ બલૂનનો તૂટેલો કાટમાળ અમેરિકાની લેબમાં છે. તેના પર વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. સંશોધનના અંતે તારણ આવ્યા બાદ પણ ચીન અને અમેરિકા વચ્ચે વાકયુદ્ધ થઈ શકે છે. આ યુદ્ધ શાબ્દિક ટપાટપી સુધી સીમિત રહેશે તો મીડિયાને મસાલો મળી જશે અને જો બન્ને વચ્ચે ભૂ-માર્ગે યુદ્ધ થશે તો ત્રીજા વિશ્ર્વ યુદ્ધનો પલીતો ચંપાઈ જશે ત્યારે કોણ કોની રક્ષા કરશે એ સવાલ છે!