મુંબઈનો એ ચકચારી લઠ્ઠાકાંડ જેનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

તમે દેશી દારૂને જોયો છે? ના..ના.. હું તમારા પર કોઈ આરોપ કે આક્ષેપ નથી લગાડતો.. આ તો ગુજરાતમાં જે લઠ્ઠાકાંડ થયું તેને સરકાર કેમિકલકાંડ કહે છે અને એવું પણ નિવેદન આપે છે કે તમે અસલી દારૂ સાથે તેની સરખામણી કરો તો ખબર પડે.. આ નિવેદન ભારે ડિપ્લોમેટિક છે. અસલી દારૂ સાથે આપણે કઈ રીતે તેની સરખામણી કરીએ અને તેમાંય તમે જો ગુજરાતમાં રહેતા હો તો ક્યાં કરવા જાવ ત્યાં તો દારૂબંધી છે ને… ખરેખર છે કે નહીં! એ અંગે જવાબ આપવો મુશ્કેલ છે. કારણ કે ૨૫ જુલાઈ ૨૦૨૨ને સોમવારે રાત્રીના અમદાવાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજિદ ગામમાં એક પછી એક ૧૦૮ના ફેરા વધી ગયા.. દરેક ઘરમાં ચિંતાનું મોજાું ફરી વળ્યું.. બાળકો તેના પિતાને હૉસ્પિટલે જતા જોઈને સ્તબ્ધ થઈ ગયા. કોઈને સમજાતું ન હતું કે એક સાથે ૧૫-૨૦ લોકોને શું થઈ રહ્યું છે. થોડીવારમાં ખબર પડી કે રોજિદ ગામ ઉપરાંત, ચદરવા, અણિયાળી, આકરું, ઉચડી, ભીમનાથ, કુદડા, ખરડ, વહિયા, સુંદરણિયા, પોલારપુર, દેવગણા, વેજલકા અને રાણપરી સહિતના ગામોમાં પણ બધા પુરૂષો જ બીમાર છે. તુરંત ગામના આગેવાનો સરકારી હૉસ્પિટલમાં ગયા અને તબીબોને પૂછપરછ કરી તો ખબર પડી કે ઝેરી દારૂ પીવાથી દર્દીની હાલત ગંભીર છે. આ સાંભળીને આગેવાનોના પગ તળેથી જમીન ખસી ગઈ.. તુરંત દર્દીઓના પરિવારજનોને જાણ કરી આ તો ‘લઠ્ઠાકાંડ’ સર્જાયો છે.
‘લઠ્ઠાકાંડ’.. આ શબ્દ તમે છેલ્લા ઘણા દિવસથી અખબારોમાં વાંચતા હશો અને આ ઘટનાથી અત્યારસુધીમાં ૫૭ લોકોના મોત થયા છે તેનાથી તો તમે માહિતીગાર હશો. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં એવા પણ સમાચાર મળ્યા છે કે આ લઠ્ઠાકાંડમાં સામેલ બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના એસપી વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે ૮ ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે. અને આ લઠ્ઠાકાંડમાં સામેલ ૭ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ગુજરાતના ઇતિહાસમાં આવી કોઈ ઘટના બાદ આઈપીએસ કક્ષાના અધિકારીની બદલી થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
પરંતુ આ કોઈ પહેલી ઘટના નથી કે જ્યાં લોકોએ ઝેરી પ્રવાહી ભરેલો દારૂ ગટગટાવ્યો હોય અને તેને કાળ ભેટી ગયો હોય. આ પૂર્વે મુંબઈના ઓશિવારા ગામમાં ૧૯૮૭માં થયેલા લઠ્ઠાકાંડને કોણ ભૂલી શકે. બોટાદ જેવી જ એક ગોઝારી રાતના રોજ ૩૭ લોકોનાં મોત થયા હતા. એ સમયમાં સીએમ શંકરરાવ ચૌહાણે પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.એ સમયે અખબારોમાં દેશી દારૂના કારણે લોકોના મોત થયાની વાત છપાઈ હતી. જ્યાં દેશી દારૂમાં શું, કેવું અને કેટલું મિક્સ કરવામાં આવ્યું એ છપાયું હતું. આ વાતના પડઘા છેક વડોદરામાં પડ્યા હતા. ૧ માર્ચ ૧૯૮૯ના રોજ વડોદરામાં મહાશિવરાત્રીના પવિત્ર દિવસે લઠ્ઠાકાંડ સર્જાયો હતો. આ લઠ્ઠાકાંડમાં વડોદરાના બકરાવાડી અને નાળિયાવાસ વિસ્તારમાં ૧૩૫ વ્યક્તિઓના મોત થયા હતા. અને ૪૦૦ લોકોને ઝેરી દારૂની અસર પહોંચી હતી. ઝેરી દારૂની અસર પામેલા અનેક લોકોએ આંખોની રોશની ગુમાવી દીધી હતી. વડોદરાના આ લઠ્ઠાકાંડે તે સમયે હાહાકાર મચાવી મૂક્યો હતો. બકરાવાડી અને નાળિયાવાસમાંથી એક પછી એક ઊઠેલી અર્થીઓએ સન્નાટો પાથરી દીધો હતો. ચારેકોર રોકકડના દ્રશ્યો સર્જાયા હતા. અનેક પરિવારના માળાં વિખરાઇ ગયા હતા. બાળકો અનાથ બની ગયા હતા. ૧૯૮૯માં સર્જાયેલા આ લઠ્ઠાકાંડની કળ વર્ષો સુધી વળી ન હતી. પોલીસે ૭ આરોપીની ધરપકડ કરી હતી. એ સમયે તેનો ઇભલો નામનો સગીરવયનો એક સાગરીત ફરાર થયો હતો. જયારે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો એવું સામે આવ્યું હતું કે તેણે મુંબઈમાં બનેલી ઘટનાથી પ્રેરણા લઈને આ પ્રકારનો દારૂ બનાવ્યો હતો. એ આરોપીને તો આકરી સજા થઈ પણ લઠ્ઠાકાંડનું દૂષણ ન અટક્યું.
ફરાર થયેલો ઇભલો રાજકોટ આવી ગયો હતો અને રાજકોટમાં દેશી દારૂનું વેચાણ શરૂ કરી દીધું. ૧૯૯૦મા ઇભલાનો ભેટો એક નિવૃત્ત જમાદાર સાથે થયો અને બન્ને એ સહિયારા પ્રયત્નોથી મહિકાની સીમમાં કોલન વોટરની ડુપ્લિકેટ ફેક્ટરી શરૂ કરી દીધી. એ સમયે રાજકોટની ચારેકોર અસંખ્ય મેડિકલ સ્ટોરમાં ‘ઘોડા’ના નામે કુખ્યાત કોલન વોટર ૮ થી ૧૪ રૂપિયાની કિમતે વેંચાતું હતું. બ્રાન્ડેડ કોલન વોટરમાં ઓછો નફો મળતો હોવાથી નિવૃત્ત જમાદારે ડુપ્લિકેટ કોલન વોટરની ફેક્ટરી જ ઊભી કરી દીધી હતી. ડુપ્લિકેટ કોલન વોટરની બાટલીની પડતર કિંમત માત્ર ૧ રૂપિયો ૬૫ પૈસા થતી હતી. ઇભલો કોલન વોટરમાં રસાયણ મિક્સ કરતો અને આ કેફી પ્રવાહી વેચાતું. જેમાં રસાયણની માત્રા આડીઅવળી થવાને કારણે લઠ્ઠાકાંડ સર્જાયો હતો.એ વખતે સૌ પ્રથમ મૃત્યુ આજીડેમ નજીકના મફતિયાપરામાં નોંધાયા બાદ ભીસ્તીવાડ વિસ્તારમાંથી દેશી દારૂ પીવાને કારણે અસરગ્રસ્ત લોકોને શહેરની સરકારી હૉસ્પિટલમાં ખસેડવાનું શરૂ થયું, જેમાં ૨૯ મોત સત્તાવાર જાહેર કર્યા હતા જયારે બે ના મોત જેને કુદરતીમાં ઠેરવાયા હતાં. રાજકોટના તત્કાલીન અધિકારી સતિષ વર્માએ પોતાની ક્રાઇમ બ્રાંચની ટીમ સાથે ગણતરીના કલાકોમાં લઠ્ઠાકાંડનું પગેરું મેળવી લઇ મહિકાની સીમમાં નિવૃત્ત જમાદાર સંચાલિત કોલન વોટરની ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપી લઇ ધડાધડ ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ લઠ્ઠાકાંડમાં અનેક પોલીસ કર્મચારીઓની સંડોવણી પણ ખુલી હતી અને તેમની સામે કડક રાહે કાર્યવાહી થઇ હતી. કોલન વોટરની ફેક્ટરી સાથે સંકળાયેલા નામોમાં આજના એક મોટા ગજાના બિલ્ડરની પણ ભૂમિકા ઊભરી આવી હતી. જો કે પાછળથી લાંબી અદાલતી કાર્યવાહી બાદ કેટલાક નિર્દોષ છૂટી ગયા હતાં.
પણ દેશી દારૂ તો વેચાતો જ રહ્યો. અમદાવાદમાં ૨૦૦૯ના વર્ષમાં ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં ૧૨૩ લોકોનાં મોત નિપજ્યા હતા અને ૨૦૦ લોકોએ આંખો ગુમાવી હતી. આ ઘટનાના ઘેરા અને ગંભીર પ્રત્યાઘાતો પડ્યા હતા. અને કોર્ટમાં ગયેલા કેસમાં ખાસ સેશન્સ અદાલતે ૧૦ વર્ષ બાદ આપેલા ચુકાદામાં ૩ આરોપીને ૧૦ વર્ષની જેલની સજા અને રૂપિયા ૫૦ હજારનો દંડ અને ત્રણ મહિલા આરોપીને ૩.૫ વર્ષની જેલની સજા અને ૨૫૦૦ રૂપિયાના દંડની સજા ફટકારી હતી. એ ઓછું હોય તેમ વર્ષ ૨૦૧૨માં સુરતના લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલીમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે ૨૪ લોકોનાં મોત થતાં પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવીને બૂટલેગરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી. સંખેડા નજીકના પાણેજમાં લઠ્ઠાકાંડમાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા હતા.
હાલ ચર્ચાસ્પદ બનેલા લઠ્ઠાકાંડમાં દરેક લોકો પોતાના મંતવ્યો પાઠવે છે ત્યારે મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રીએ પાટણમાં અર્બુદા સેનાની બેઠક દરમિયાન લઠ્ઠાકાંડ અને દારૂબંધીને લઈ બફાટ કર્યો હતો. સહકારી સંસ્થાઓ ગુણવત્તાયુક્ત દૂધ વેચી રહી છે ત્યારે તેને ગુણવત્તાયુક્ત દારૂનું વેચાણ કરવા માટે એજન્સીઓ આપી દેવાની વિપુલ ચૌધરીએ વણમાગી સલાહ આપી હતી. હવે આમાં શું બોલવું!
તાજેતરમાં જ લોકસભાના પ્રશ્ર્નોતરી દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલા ખુલાસા અનુસાર ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૬માં ૨૫, વર્ષ ૨૦૧૭માં ૧૧, વર્ષ ૨૦૧૮માં ૧, વર્ષ ૨૦૧૯માં ૩ અને વર્ષ ૨૦૨૦માં ૧૦ વ્યક્તિના બનાવટી દારૂના સેવનથી મૃત્યુ થયા છે. પાંચ વર્ષના આ સમયગાળામાં દેશના જે રાજ્યમાં સૌથી વધુના બનાવટી દારૂના સેવનથી મૃત્યુ થયા હોય તેમાં મધ્ય પ્રદેશ ૧૨૧૪ સાથે મોખરે, કર્ણાટક ૯૦૯ સાથે બીજા, પંજાબ ૭૨૫ સાથે ત્રીજા, છત્તીસગઢ ૫૨૫ સાથે ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાંથી પાંચ વર્ષમાં કુલ ૬૧૭૨ વ્યક્તિએ બનાવટી દારૂથી જીવ ગુમાવ્યો છે.
આમ છતાં પણ આવા લોકોના ભોગ લેનારા ઝેરી દારૂનો વેપલો હજી બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. ખોબા જેવડા રોજિદ ગામમાં અત્યારે દુ:ખનું મોજું ફરી વળ્યું છે. લોકો પોક મૂકીને રડી રહ્યા છે. વિધવા બનેલી ીઓ પોતાના નસીબને દોષ આપી રહી છે. અને પોલીસ હવે સફાળી જાગી હોય તેમ દેશી દારૂની ડ્રાઈવ ચાલતી રહી છે. પણ શું સાચે આ લઠ્ઠાકાંડ અટકશે? શું સાચે પોલીસ કાર્યવાહી કરશે? આ સવાલનો જવાબ તો આવનારો સમય જ બતાવશે પણ જ્યાં સુધી માણસની મદિરાપાન કરવાની વૃત્તિ બંધ નહીં થાય ત્યાં સુધી આવું થવાનું જ છે. નફો રળવા માટે બુટલેગરો ઝેરી પ્રવાહી મિક્સ કરીને દારૂ બનાવે છે એ તો હવે ખુલ્યું પણ દારૂનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે જોખમી છે એ મદિરાપાન કરનાર નથી જાણતા? તો આમાં વાંક કોનો પોલીસનો, પ્રજાનો કે બૂટલેગરનો કે પછી દારૂનો??

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.