Homeવીકએન્ડખદીર બેટમાં આકર્ષણનું કેન્દ્ર છીપર પોઇન્ટ

ખદીર બેટમાં આકર્ષણનું કેન્દ્ર છીપર પોઇન્ટ

કેફિયત-એ-કચ્છ -રાજેશ માહેશ્ર્વરી

કચ્છની ઉત્તર પૂર્વ દિશાએ ખડીર બેટ આવેલ છે. ખડીરની ઉત્તર દિશાએ સફેદ રણ છે. ખડીર ભચાઉ તાલુકામાં આવેલું છે, પરંતુ આવન-જાવન માટે રાપર થઇને ખડીર જવાય. અલબત્ત ભચાઉ તાલુકાના એકલ માતાથી ખડીરના બાંભણકા વચ્ચેનો માર્ગ મંજૂર થઇ ગયો છે. પણ કોઇ કારણસર વિક્ષેપ આવ્યા જ કરે છે.
ધોળાવીરા પણ જે યુનેસ્કોની વૈશ્ર્વિક હડપ્પિયન સાઇટ છે, તે પણ ખડીરમાં જ આવેલું છે. જે મોહે જો દડો પછી સૌથી વધારે સંપન્ન હડપ્પિયન સાઇટ છે.
ખડીરની પશ્ર્ચિમ દિશાએ ખાવડા આવેલું છે.જેની વચ્ચે જે માર્ગ ધડુલી-સાંતલપુરનો રસ્તો છે તેનાથી ખડીર-ખાવડાની અવરજવર શક્ય બની છે.
ખડીરમાં પુષ્કળ જોવા લાયક સ્થળો છે. જેને જીઓલોજી (ભૂસ્તર શાસ્ત્ર)માં રસ હોય અને કુદરતી કોતરો, પહાડો અને વનરાઇમાં તેમ જ અગ્નિકૃત, જળકૃત ખડકોમાં દિલચશ્પી હોય તેઓ માટે ખડીર એક આહદ્દલાયક જગ્યા છે. જીવાશ્મિઓથી ભરપૂર છે.
આજે આપણે એક નવીન સ્થળ વિશે ચર્ચા કરીશું. જેને છીપર પોઇન્ટ સ્થાનિક ખડીરવાસીઓ તથા પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે. ચોભાલુ છીપર નામથી ઓળખાય છે. આ જગ્યાની શોધ મોહનભાઇ ભગતે કરી છે. આજથી ચાર-પાંચ વર્ષ પહેલાં આ જગ્યાને સ્થાનિક લોકો સિવાય કોઇ ઓળખતું ન હતું. જ્યારે ખડીર બેટની આ જગ્યા જોવા માટે લોકો દેશ-વિદેશથી આવતા થયા છે. ચોભાલું છીપર જગ્યાનો નજારો કાંઇક ઓર જ આનંદ પમાડે તેવો છે.
એક બાજુ ડુંગર છે તો સામેની બાજુ અફાટ રણ છે. તેમ જ આ ચોભાલું છીપર કુદરતી રીતે ખીણમાં લટકે છે આવી નાની-મોટી ઘણી બધી છીપરો છે. ખડીર ફોલ્ટ લાઇનની ખીણો આવેલી છે. જે ખડીરના ફોસિલ પાર્કથી ચાલુ થાય છે. અને બેલા આગળ આવીને તે સમાપ્ત થાય છે. એક ધાર આવેલી છે. જે કાળક્રમે રણ બાજુએથી ખવાતી જાય છે, જેમાં વરસાદ અને અનેક કુદરતી પરિબળો જેવા કે પવન, ધરતીકંપ વગેરેથી ઊથલ-પાથલ જોવા મળે છે. જેને લીધે આ છીપર ધીરે ધીરે બહાર આવે છે. અને આવી જ રીતે વર્ષોનો કાળક્રમ ચાલુ રહે છે! આ છીપર રણની બાજુ ૧૦ ફૂટ સુધી લટકતી છે. આવી જ એક જગ્યા અમેરિકામાં ગ્લેશિયર પોઇન્ટ કેલિફોર્નિયામાં આવેલી છે. ગ્લેશિયર પોઇન્ટ કેલિફોર્નિયામાં આવડી લંબાઇમાં નથી જોવા મળતી. આવી જગ્યા દેશમાં ક્યાંય હોવાની જાણકારી નથી. ખડીર બેટમાં આવેલી આ જગ્યા. એક બાજુ રણ છે, તો બીજી બાજુ પહાડ છે. બન્નેનો સમન્વય અદ્ભુત દૃશ્ય રચે છે. અને તેને પ્રવાસનું આકર્ષણ બનાવી શકાય તેવી તેમાં ભરપૂર ક્ષમતા છે.
ગ્લેશિયર પોઇન્ટ કેલિફોર્નિયામાં હાફ ડોન વિલેજથી ૩૨૦૦ ફૂટ ઉપર સ્થિત ઉદ્યાનમાં જોવા મળે છે. ત્યાં ફકત મેના અંતથી ઑક્ટોબર અથવા નવેમ્બર સુધી જઇ શકાય છે. જ્યારે આપણે ખડીર બેટમાં આવેલી જગ્યા બારેમાસ ખુલ્લી રહે છે! ખડીરની ચોભાળું છીપરને વિકાસ કરવામાં આવે તો દેશ-વિદેશથી સહેલાણીઓ માટે આકર્ષણનું પ્રવાસનું કેન્દ્ર બની શકે છે.
આ છીપર પોઇન્ટ પર પહોંચવા માટે ત્યાં જવા માટે કાચો રસ્તો છે. અમરાપર ગામ પહેલા ખડીરમાં દાખલ થતાં જ વિદ્યુત બોર્ડની કચેરીની બાજુમાં થઇને કાચા રસ્તે ચાર કિ.મી. ના અંતરે રાખરે પહોંચી શકાય છે. અને તે ખડીર ફોલ્ટ લાઇન દ્વારા આ છીપર બનેલ છે. ત્યાં પ્રવાસન હજુ પણ વધુ વિકસે એમ છે.
જીપ કે મોટા ઊંચા-વાહનમાં અથવા બાઇકથી જવું હિતાવહ છે. નાની કારથી ઘણી તકલીફ પડી શકે છે. અહીં આવન-જાવન માટે વ્યવસ્થિત સડક બનાવવામાં આવે તો હજુ પણ વધુ સહેલાણીઓ ત્યાં લાભ લઇ શકે છે, અને આ સ્પોટ પર્યટન માટે વધુ રોમાંચિત કરી શકે છે. લોકો ખડીર બેટમાં ધોળાવીરા-હડપ્પા સંસ્કૃતિ જોવા માટે આવે છે. ત્યારે આવી જગ્યાઓનો પણ વિકાસ થવો જોઇએ એવું ખડીરવાસીઓ અને પ્રવાસનના જાણકારો માની રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા યોગ્ય સાઇન બોર્ડ રોડ પર લગાડવા જોઇએ. પર્યટન વિભાગ જ આળસ ખંખેરે તે આ સ્પોટનો વિકાસ અન્ય ધોળાવીરા અને સફેદ રણની સાથે સાથે થઇ શકે છે.
આપણે ત્યાં યુએસએ કરતાં પણ અદ્ભુત સ્પોટ છે, પરંતુ દૃષ્ટિના અભાવના કારણે તેનું માર્કેટિંગ થતું નથી. માટે આવા કચ્છ-ખડીરમાં અનેક સ્પોટ ઉજાગર થતા નથી. આદિપરની સામે અફાટ સફેદ રણ છે. જયારે એ રણમાં ચોમાસામાં દરિયાના દર્શન થાય છે. એટલે સહેલાણીઓને આ છીપર ચોમાસામાં સામે દરિયાના દર્શન કરાવે છે અને શિયાળામાં પાણી સૂકાઇ જતાં સફેદ રણના દર્શન કરાવે છે. ચોભાલું છીપર જોતા એવું લાગે છેકે જાણે પાકિસ્તાન સામે કુદરતે તાકેલી બંદૂક હોય.
(પૂરક માહિતી : શ્રી મહાદેવ બારડ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular