Homeવાદ પ્રતિવાદસદ્ભાગ્ય અને દુર્ભાગ્યનાં કારણો ખુદ માનવીની અંદર મૌજુદ

સદ્ભાગ્ય અને દુર્ભાગ્યનાં કારણો ખુદ માનવીની અંદર મૌજુદ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

“દરેક માનવીની કરણીને અમે તેના ગળામાં (હાર માફક) લટકાવી દીધી છે અને ફરી કયામત (ન્યાયનો દિવસ)ના રોજ દરેકની સમક્ષ તેનો આમાલનામુ (લખાયેલો એક કાગળ) કાઢીને રજૂ કરીશું, જેને તે ખુલ્લો જોઈ લેશે. પછી તેને કહેવામાં આવશે, “પોતાની કર્મપોથી વાંચી લે, આજે તું પોતે જ હિસાબ લેનાર કાફી છે- પૂરતો છે.
* જે કોઈ સીધા માર્ગે ચાલ્યો, તો તે પોતાના જ ભલા માટે સીધા માર્ગે આવ્યો,
* અને જે કોઈ ખોટા માર્ગે ચાલ્યો તો તે પણ પોતાના જ બૂરા માટે ભટક્યો.
* કોઈના ઉપર બીજાના કરેલા ગુનાહનો બોજ પડતો નથી અને તે ત્યાં સુધી કે અમે તેવાઓને માટે બોધ આપનાર કોઈ રસૂલ મોકલતા નથી, ત્યાં સુધી શિક્ષા કરતા નથી…!
પ્રસ્તુત કુરાનની સૂરા (પ્રકરણ) બની ઈસ્રાઈલની આયત (વાક્ય) ૧૩થી ૧૫ના ભાવાર્થ અનુસાર ઈન્સાનના ભલાઈ બૂરાઈનો પરવાનો તેના ગળામાં જ લટકી રહ્યો છે. માનવીને દેવાળિયા બનાવી દેનાર અને બરબાદ કરી દેનાર તેના જ દુર્ગુણો છે. સદ્ભાગ્ય અને દુર્ભાગ્યનાં કારણો ખુદ માનવીની અંદર મૌજુદ છે. પોતાના ગુણો, પોતાનું ચારિત્ર્ય, વિવેકબુદ્ધિ અને નિર્ણય કરવાની શક્તિ વડે જ તે પોતાને સદ્ભાગી બનાવે છે અને દુર્ભાગી પણ બનાવે છે. મૂર્ખ લોકોજ નસીબનો વાંક કાઢતા ફરે છે, જો કોઈ વ્યક્તિ સીધો માર્ગ અપનાવે તો અલ્લાહતઆલા પર અથવા અલ્લાહના રસૂલ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ પર જરાય અહેસાન કરતો નથી. બલ્કે તે પોતાનું જ ભલું કરે છે. બરકત હાંસલ કરે છે.
સુજ્ઞ વાચકમિત્રો! કોઈ વ્યક્તિ પથભ્રષ્ટ (ગુમરાહ) થઈ જાય અને તેનો જ આગ્રહ રાખે તો તે શખસ બીજા કોઈનું કશું બગાડી શકતો નથી. બલ્કે પોતાનું જ નુકસાન કરે છે. અલ્લાહતઆલા તથા તેણે મોકલેલા પયગંબરો (નબીઓ અને રસૂલો) તેમજ સત્યની તરફ નિમંત્રણ આપતા લોકો, માનવીને ખોટા રસ્તેથી બચાવવા માટે અને સાચો માર્ગ દેખાડવા માટે બોધ આપે છે. તેમાં તેમનો કશો જ સ્વાર્થ નથી. તેથી સમજદાર માણસે સત્યનો સ્વીકાર કરી લેવો જોઈએ. સત્ય સામે આવી જાય, સત્યની ખાત્રી થઈ જાય, પછી તમામ પૂર્વગ્રહો છોડી દઈને સત્યનો સ્વીકાર કરીને સત્યના માર્ગે ચાલી નીકળવું જોઈએ.
લેખના પ્રારંભમાં રજૂ કરેલી આયતમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે “જેને બોજો ઉપાડવાનો આવશે, તે પોતાનો જ બોજો હશે, બીજાનો બોજો તેણે ઉપાડવાનો નથી. આ વાક્ય (હુકમ) કુરાનમાં વારંવાર આવ્યું છે. દરેક માનવી પોતાના કર્મ માટે અલ્લાહતઆલા પાસે અંગત રીતે જવાબદાર છે.
આ દુનિયા ગમે તેટલી કૌમોએ, પેઢીઓએ અને વંશોએ એક કાર્ય અથવા એક કાર્ય પદ્ધતિ સાથે મળીને અપનાવી હોય, તો પણ રબની આખરી અદાલતમાં તો દરેકની અંગત જવાબદારી અલગ પાડી દેવામાં આવશે અને તે શખસને જે કોઈ સજા અથવા સારો બદલો મળશે, તે તેનાં તે કાર્યો માટે મળશે, જેને માટે તે અંગત રીતે જવાબદાર છે. ભલાબૂરાનો તે પોતે જ ફળ પ્રાપ્ત કરનારો છે.
મહાન અલ્લાહની અદાલતમાં એવું તો બની શકે જ નહીં કે એક આફત બીજાના માથે ઠોકી બેસાડાય. તેવી જ રીતે એક શખસના ગુનાઓનો ભાર બીજા શખસના આમાલનામા (કર્મપોથી)માં ચઢાવી દેવામાં આવે? આ કારણે માનવીએ પોતાની ફિકર પોતે કરવાની છે. બીજાની ચિંતા કરવાની નથી. ક્યામતના દિવસે પોતાની કર્મપોથી યોગ્ય હોય, સીધા માર્ગવાળી હોય, અલ્લાહને ગમે તેવી હોય પોતાને કામ લાગે અને ઉપયોગી થઈ પડે તેવી હોય, જન્નત (સ્વર્ગ)માં લઈ જનારી હોય તેવી કોશિશ દરેક માનવીએ આ દુનિયામાં કરવાની છે. વિસ્તારપૂર્વકની આટલી દલીલો સમજાવ્યા બાદ અલ્લાહતઆલા વધુ સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દુનિયામાં મોકલવામાં આવેલા માનવીએ શું કરવાનું છે અને શું કરવાનું નથી, તે માટે પૂરેપૂરી રૂપ રેખા અને આદેશો આપીને અમે (એટલે અલ્લાહે) દરેક કોમમાં, સત્ય અને અસત્યનો ભેદ સમજાવવા માટે એક એક સંદેશવાહક (રસૂલ) અવશ્ય મોકલ્યો છે. અલ્લાહના આ રસૂલોનું કામ લોકોને અહકામે ઈલા (અલ્લાહના આદેશો) સમજાવવાનું છે, અહકામે ઈલાહી મુજબ ચાલનારા માનવોને કેવો ભવ્ય બદલો મળશે અને અલ્લાહના આદેશો મુજબ નહીં ચાલનારા માનવોને કેવી ભયંકર સજાઓ મળશે, તે સ્પષ્ટ રીતે સમજાવી દેવાનું કામ આ રસૂલો જે દરેક કોમમાં મોકલવામાં આવ્યા, તેમણે કરવાનું છે અને તે જવાબદારી તે દરેક રસૂલે સંપૂર્ણ યોગ્ય રીતે બજાવી છે. પૂર્ણપણે અદા કરી છે.
આ દુનિયામાં અલ્લાહે અંતિમ રસૂલ તરીકે હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને મોકલ્યા. તેમના પછી હવે આ દુનિયા પર બીજા કોઈ પયગંબર (સંદેશવાહક) આવનાર નથી.
બોધ:
* ઈન્સાનની હિદાયત અર્થાત તેના માર્ગદર્શન, ધર્મની સાચી સમજ માટે ઈસ્લામમાં લગભગ એક લાખ ચોવીસ હજાર જેટલા સંદેશવાહકો આવ્યા.
* સૌથી છેલ્લા પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ આ ધરતી પર જીવ માત્ર માટે કૃપા બનીને પધાર્યા.
* સંખ્યાની દૃષ્ટિએ દીને ઈસ્લામ દુનિયામાં પ્રથમ ક્રમાંકની લગોલગ આવીને ઊભે રહી ગયો છે.
* આકાશવાણી દ્વારા આવેલ કુરાનની દરેક આયત ક્યામત સુધી હરએક દૌરમાં માર્ગદર્શન આપનારી છે.
* આલોક અને પરલોકમાં હિદાયત આપનારા, સાચી સમજ પ્રદાન કરનારા વાક્યો પર સાચા દિલથી અમલ કરનાર બંને જટાંમાં ઈનામનો હકદાર બની રહેવા પામે છે.
* * *
સચ્ચાઈ:
* આજે ઈન્સાન જે બેબશી, કશ્મકશ, લાચારી, મજબૂરી જેવી અનેક બાબતોથી પીડાઈ રહ્યો છે, હતાશા-નિરાશાનો શિકાર બની રહ્યો છે, ગરીબી, નિર્ધનતા, નાપાકીમાં ફસાયો છે, અધર્મી જીવન ગાળી રહ્યો છે તે તમામ બાબતોમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર માર્ગ ધર્મે દાખવેલા-આદેશો-ઉપદેશો-માર્ગદર્શનો પર અમલ કરવા અને જીવનના ક્રમમાં વણી લેવાનો સમયનો તકાજો છે.
-કબીર સી. લાલાણી
* * *
આજનો સંદેશ
બેશક: અલ્લાહ રતી બરાબર પણ જુલમ કરતો નથી. બલ્કે, જે કાંઈ નેકી હોય છે તે અનેક ગણી કરી આપે છે.
પવિત્ર કુરાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -