રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયરે ચાલાકીથી રૂ. 71 લાખની ઉચાપત કરી, ગ્રાહક અને મેનજરની નકલી સહી કરી નાણા ઉપાડતો હતો

આપણું ગુજરાત

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કેશિયરે ખાતાધારકને જાણ ન થાય એ રીતે લાખોની ઉચાપત કરી હોવાનું બહાર આવતા હોબાળો મચી જવા પામ્યો છે. બેંક અધિકારીઓએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી કેશિયર વિકાસ લાખાણી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ આરોપી વિકાસ લાખાણી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ધોરાજી ખાતેની વડોદર શાખામાં કેશિયર તરીકે કામ કરતો હતો. તેણે ડિસેમ્બર 2021 અને જૂન 2022 વચ્ચે બેંકના ગ્રાહકોના ખાતામાંથી ચાલાકીપૂર્વક રૂ. 71 લાખ ઉપાડી લીધા હતા. જયારે એક ખાતાધારક બ્રાંચમાં પાસબુક અપડેટ કરાવવા આવ્યો ત્યારે તેને જાણ થઇ કે તેના ખતામાંથી ૩ લાખ રૂપિયાની ઉચાપત થઇ છે. આ અંગે તેણે બેંકની શાખાના મેનેજરને ફોન કરી જાણ કરી કે તેમની જાણ વગર ખાતામાંથી રૂ. 3 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ સમગ્ર મામલો સામે આવતા કુલ રૂ. 71 લાખની ગેરરીતિ થઇ હોવાનું સામે આવ્યું.
ત્યાર બાદ બેંકના અધિકારીઓએ વિકાસ લાખાણી સામે પાટણવાવ પોલીસ સ્ટેશમાં છેતરપિંડી અને બનાવટનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિકાસ લાખાણીએ ચેક પર ગ્રાહકની જ નકલી સહી નહીં પરંતુ ચેક ક્લિયર કરવા માટે બેંક મેનેજરની પણ નકલી સહી કરી હતી.
પોલીસે નોંધેલી FIRમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહકની ફરિયાદ બાદ બેંકના વરિષ્ઠ અધિકારીઓએ ખાતાના વ્યવહારોની ચકાસણી કરી અને જાણવા મળ્યું કે વિકાસ લાખાણીએ પહેલા CIF (કસ્ટમર ઇન્ફોર્મેશન ફાઈલ)માંથી તો ગ્રાહકનો મોબાઈલ નંબર ડિલીટ કરી નાખ્યો હતો, જેથી રૂપિયા ઉપાડવા બદલ ગ્રાહકને SMS એલર્ટ ન મળે. લાખાણીએ ચેક પર ગ્રાહકની નકલી સહી અને બ્રાંચ મેનેજરની નકલી સહી કરીને ચેક ક્લિયર કર્યો હતો. આ ઉપરાંત તે ગ્રાહક પાસેથી ડિપોઝીટના નાણા લઇ પાસબુકમાં એન્ટ્રી કરી આપતો હતો ત્યાર બાદ બેંકના રેકોર્ડમાંથી એન્ટ્રી ડિલીટ કરી નાખતો હતો અને પૈસા પોતાની પાસે રાખી લેતો હતો.
આ ઉચાપતનો મામલો સામે આવતા હોબાળો મચ્યો છે. બેંકના તંત્ર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે કે આટલી મોટી રકમની ઉચાપત છતાં બેક મેનેજર કે અન્ય બેંક કર્મચારીને ખબર પણ ના પડી?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.