નાસિકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અકસ્માત થયો હતો, પરંતુ લાશ કોઇ અન્ય જગ્યાએ મળી આવી હતી. હવે આ અકસ્માત હતો કે આત્મહત્યા? એનો કોયડો ઉકેલવામાં પોલીસ લાગેલી છે.
નાસિક જિલ્લાના સિન્નર-ઘોટી હાઈવે પર ઘોરવાડ પાસે શુક્રવારે રાત્રે કાર અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી. અકસ્માત સ્થળથી લગભગ ચાર કિલોમીટર દૂર રસવંતી શેડમાં કાર ચાલકનો મૃતદેહ નગ્ન અવસ્થામાં લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાથી ખળભળાટ મચી ગયો છે અને હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતક કાર ચાલકનું નામ આકાશ મોહન ખટાળે (ઉંમર 24) જાણવા મળ્યું છે.
ઢોરવાડ ગામ પાસે એક કાર પુલના પાળા સાથે અથડાઈ હતી અને રસ્તાની બાજુમાં આવેલા ખેતરના કૂવા પાસે પડી હતી. કેટલાક સ્થાનિક નાગરિકોએ પોલીસને ઘટનાની જાણ કર્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસને બોલાવ્યા બાદ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે કારની નજીક તપાસ કરી હતી. પરંતુ તે સ્થળે કોઈ વ્યક્તિ મળી આવી ન હતી.
દરમિયાન સ્થળ નજીક ડુંગરની તળેટીમાંથી કાર ચાલકનો શર્ટ મળી આવ્યો હતો. વધુ તપાસ કરતા કારચાલકનો મૃતદેહ ત્યાંથી ચાર કિમી દૂર હોટેલ જય ભવાની ખાતે રસવંતીના પત્રીના શેડના ખૂણા પર નગ્ન અવસ્થામાં લટકતો મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતક કાર ચાલક આકાશ ખટાળે પાંઢુરલીમાં તેના સંબંધીઓ પાસે આવ્યો હતો.
પોલીસે લટકતી લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ગ્રામ્ય હોસ્પિટલમાં મોકલી આપી હતી. જે બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યો છે. આ ઘટના પછી ખરેખર અકસ્માત છે કે આત્મહત્યા છે કે અન્ય કોઈ અકસ્માત છે? તેવા સવાલો ઉભા કરીને ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવની ચર્ચા પંથકમાં જાગી છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે