ઘીના ડબ્બા ઢોળાતા મૂક્યા ને કાછલી કોડિયાં કોટે વળગાડયાં

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

મનુષ્ય શરીરના બંધારણમાં અનેક તત્ત્વ, પદાર્થ મહત્ત્વનો ભાગ ભજવે છે. દૂધમાંથી દહીં, દહીંનું માખણ અને માખણને તાવી બનાવેલું ઘી અથવા તૂપ પણ શરીરના મજબૂત બંધારણ માટે આવશ્યક અને શક્તિવર્ધક ગણાય છે. ઘીના ભાગવાળો ખોરાક શરીર માટે ઉત્તમ ગણાય છે. ભાષામાં પણ ઘીનું ઉમેરણ વૈવિધ્ય અને મજબૂતી બક્ષે છે. કોઈ પ્રસંગ વખતે કે આયોજનમાં કલહ કે વિવાદ થાય અને અંતે સમાધાન થઈ જાય ત્યારે સૌ સારાં વાનાં થયાં એ દર્શાવવા ઘીના ઠામમાં ઘી પડી રહ્યું એ કહેવત રજૂ કરવામાં આવે છે. વ્યવહારિક સમજણ આપતી એક માર્મિક કહેવત છે ઘીના ડબ્બા ઢોળાતા મૂક્યા ને કાછલી – કોડિયાં કોટે વળગાડયાં. કોડી માટે કંજુસાઈ રાખવી પણ રૂપિયા દેવામાં દાતારી દેખાડવામાં આવે ત્યારે આ કહેવત વપરાય છે.
કાછલી – કોડિયાની કિંમત મામૂલી હોય છે, જ્યારે સરખામણીએ ઘી ઘણું મોંઘું હોય છે. આવો જ ભાવ દર્શાવતી અન્ય એક કહેવત યાદ આવી ગઈ હશે કે ખાળે ડૂચા અને દરવાજા મોકળા. બીજી એક માર્મિક કહેવત છે ઘી ખાના શક્કર સે, દુનિયા ખાના મકર સે. મકર એટલે છળકપટ, ફરેબ. કહેવતનો ભાવાર્થ એમ છે કે પોતાના હિતની રક્ષા કાજે જેમ ઘી કાયમ સાકર સાથે ખવાય એમ જગતમાં જીવતી વખતે શઠ (લુચ્ચા, ધૂર્ત) લોકો સામે શઠ બનીને જીવવું. ટૂંકમાં કહીએ તો જેવા સાથે તેવા થઈ રહેવું. ઘી અને મા સત્ત્વમાં સૌથી ઊંચા ક્રમાંકે આવે. એ બંનેનો મેળ ધરાવતી પ્રસિદ્ધ કહેવત છે ઘી વિના લૂખો કંસાર, મા વિના સૂનો સંસાર. કંસારમાં જો ઘી રેડવામાં ન આવ્યું હોય તો કંસાર કોરો લાગે, એ ખાવામાં આનંદ ન આવે. એ જ રીતે સંસારમાં માની હાજરી ન હોય તો કશુંક ખૂટે છે એવો એહસાસ સતત થયા કરે. ઘીની અન્ય એક ઓછી જાણીતી પણ જાણવા – સમજવા જેવી કહેવત છે ઘી ભલે ઢળી ગયું, પણ માપ તો ઊભું છે ને!
ચોક્કસ માપથી આપેલું ઘી કોઈ કારણસર ઢોળાઈ ગયું હોય તો પણ એનું માપ નજર સામે હોવાથી કેટલું આપ્યું હતું એ તો ખબર પડી જ જાય ને. મતલબ કે પુરાવો નષ્ટ થઈ ગયો હોય પણ સાક્ષીની હ્યાતીને લીધે બાજી સુધરી જાય.
ઘીના જાણવા – સમજવા જેવા રૂઢિપ્રયોગો: જાણીતો પ્રયોગ છે ઘી ચોપડવું એટલે વાહ વાહ કરવી, ખુશામત કરવી. ઘી બોલવું એટલે દેરાસરમાં આંગીને દિવસે ભગવાનની આરતી ઉતારવા માટે હરરાજીમાં ઘીની માગણી કરવી. ઘીની ધાર જોવી એટલે છેવટ સુધી રાહ જોવી. ઘીમાંથી ઈયળ કાઢવી એટલે ખોટા દોષ કાઢવા, દૂધમાંથી પોરા કાઢવા. નરમ ઘી જેવી માગણી કરવી એટલે દેખાવમાં નમાલી છતાં ભારે માંગણી કરવી. બળતામાં ઘી હોમવું મતલબ પડ્યા પર પાટુ મારવું. માગ્યા ઘીએ ચૂરમું થવું એટલે પારકે પૈસે ઉજાણી કરવી.
———-
बडे बुजुर्गो की कहावतें

ઘરના વડીલ – વૃદ્ધ ઉંમરમાં મોટા હોવા સાથે અનુભવનું અનોખું ભાથું એમની પાસે હોય છે. એમની વાતમાં સમજણ – ડહાપણ ડોકિયાં કરતું હોય છે. આજે આપણે હિન્દી ભાષાની કેટલીક बडे बुजुर्गो की कहावतें કહેવતોનો આનંદ લઈએ. જીવનનું અનોખું સત્ય જણાવતી કહેવત છેसफेद और काला कोट से दूरी, सुखी जीवन के लिए बहुत जरूरी અહીં સફેદ કોટ એટલે ડોક્ટર અને કાળો કોટ એટલે વકીલ એવો સૂચિતાર્થ છે. જ્યારે કોઈ વકીલ કે ડૉક્ટર સાથે પનારો પડે અને એના ચક્કરમાં અટવાઈ જવાય ત્યારે ગામના વડીલ આ કહેવત સમજાવતા હોય છે. રોગ શરીરમાં ઘર કરી જાય તો ડૉકટરના દવાદારૂમાં ખૂબ પૈસા ખર્ચાઈ જાય. એ જ રીતે ઝઘડા – વિવાદમાં અટવાઈ ઉકેલ લાવવા વકીલનો સંપર્ક કર્યા પછી કોર્ટના એવા આંટાફેરા કરવા પડે કે માણસ શરીરે અને પૈસેટકે માણસ ઘસાઈ જાય. એ પરિસ્થિતિ પર આ કહેવત પ્રકાશ ફેંકી એનાથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવા સમજાવે છે. गुरु गुड ही रह गयेन, चैला चीनी होई गयेन
કહેવત મજેદાર હોવાની સાથે માર્મિક પણ છે. ગુડ એટલે ગોળ અને ચીની એટલે સાકર. માત્ર ગળપણની વાત કરીએ તો સાકર ગોળ કરતાં ચડિયાતી ગણાય. ગુરુ જ્યારે શિષ્યને ભણાવી ગણાવી તૈયાર કરે અને એ શિષ્ય પોતે મેળવેલા શિક્ષણના જોરે ગુરુની સરખામણીમાં મોટી સફળતા મેળવે, નામના પ્રાપ્ત કરે ત્યારે આ કહેવતનો ઉપયોગ કરાય છે. ગુજરાતીમાં પણ ગુરુ કરતા શિષ્ય સવાયો સાબિત થયો એવી કહેવત છે જ ને.
———-
STRANGE PHRASES

દરેક ભાષાની ખાસિયત, એની લાક્ષણિકતા જેમ જેમ જાણતા જઈએ તેમ વધુ ને વધુ હેરત પામી જવાય. અંગ્રેજી ભાષાની કહેવતો – રૂઢિપ્રયોગના મૂળ તપાસતી વખતે અચરજમાં ઉમેરો થાય છે. આજે આપણે અંગ્રેજીનાં એવા કેટલાક રૂઢિપ્રયોગોની વાત કરીએ જેના મૂળ તપાસી જાણ્યા પછી તમને આશ્ર્ચર્ય તો જરૂર થશે. પહેલો પ્રયોગ છે Bite the Bullet. કોઈ મુશ્કેલ કે અણગમતી વાત સ્વીકારી લેવી એવો એનો અર્થ છે. અગાઉના સમયમાં યુદ્ધ દરમિયાન દરદીઓની સારવાર કરતી વખતે જો ડૉક્ટર પાસે એનેસ્થેસિયા ન હોય તો પીડાથી ધ્યાન વાળવા દરદીને બંદૂકની ગોળી – બુલેટ – દાંત વચ્ચે દબાવી કરડી ખાવા કહેવામાં આવતું હતું. આ પ્રકારનો પહેલો પ્રયોગ ૧૮૯૧માં થયો હોવાની નોંધ છે. હવે વાત કરીએ Barking Up the Wrong Tree પ્રયોગની. ભસવાને અને વૃક્ષને શું સંબંધ હોઈ શકે એવો સવાલ થવો સ્વાભાવિક છે. કોઈ પરિસ્થિતિ કે પ્રસંગ વિશે ખોટી માન્યતા ધરાવવી કે ખોટી માહિતી મળવી એવો એનો અર્થ છે. આ પ્રયોગનું જોડાણ શિકારી શ્વાન સાથે છે. શિકાર હજી વૃક્ષ પર છે એવું ધારી એને પકડવા વૃક્ષ પર ચડતી વખતે ભસી રહેલા શ્વાનને જાણ નથી હોતી કે શિકાર તો ત્યાંથી પલાયન થઈ ગયો છે. એ ખોટી રીતે દોરવાય છે. હવે જે પ્રયોગની વાત આવે છે એના મૂળમાં મહિલાની સાજ સજાવટનો સંબંધ જોવા મળે છે. Let One’s Hair Down. . વાળ ખુલ્લા કે છુટ્ટા રાખવા એવો એનો શબ્દાર્થ છે. જોકે, હળવા થવું, વિશ્રાંતિ મેળવવી એવો એનો ભાવાર્થ છે. મધ્યકાલીન યુગમાં ઉમરાવ વર્ગની મહિલાઓ માથાના વાળ ખૂબ સુંદર રીતે ગૂંથી – બાંધી એની સજાવટ કર્યા પછી જ જાહેરમાં આવી શકતી હતી. ઘરે આવ્યા પછી જ નિરાંત જીવે વાળ છુટ્ટા રાખવાની છૂટ હતી. એના પરથી આ પ્રયોગ અસ્તિત્વમાં આવ્યો છે. Go The Whole Nine Yards પ્રયોગ અંતર સંબંધિત હોવાનો ખ્યાલ આવે છે. અલબત્ત એમાં શબ્દાર્થ સાથે ભાવાર્થ પણ છુપાયેલો છે. કોઈ કામ કરતી વખતે શ્રેષ્ઠ પ્રયત્ન કરવા એ એનો ભાવાર્થ છે. આ રૂઢિપ્રયોગનો જન્મ બીજા વિશ્ર્વયુદ્ધ વખતે થયો હતો. ફાઈટર પાઈલટ પાસે રહેલી મશીન ગનમાં દારૂગોળો ૨૭ ફૂટ એટલે કે નવ વાર લંબાઈની માત્રાનો રહેતો. લડતા લડતા જો એ દારૂગોળો ખૂટી જાય તો એનો અર્થ એમ થાય કે દુશ્મનને ખતમ કરવા તેણે શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા હતા.
———–
म्हणींच्या जतन

ગુજરાતી-મરાઠી બે સગ્ગી બહેન જેવી ભાષા હોવા છતાં બંને વચ્ચે અમુક ફરક ચોંકાવી દેનારા છે. બંને ભાષા સમૃદ્ધ વારસો ધરાવે છે, પણ એ વારસાની જાળવણી માટે મરાઠીમાં જે પ્રયાસ જે જતન થાય છે એવા પ્રયત્નો આપણી ભાષામાં નથી થતા એ સખેદ નોંધવું પડે. આજે આપણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ટ્વિટરના માધ્યમથી ભાષા ગૌરવ દિન નિમિત્તે કહેવતો – રૂઢિપ્રયોગના પ્રસાર માટે થયેલા પ્રયાસની ઝાંખી મેળવીએ. પહેલી કહેવત છે अडाणाच्या आला गाडा, वाटेवरच्या वेशी पाडा.. અડાણી એટલે અનાડી કે ઘનચક્કર. રસ્તા પર અનાડી માણસનું ગાડું ભર રસ્તે અટવાઈ જાય તો અન્યને તકલીફ પહોંચાડે. પોતાના સામાન્ય કામ માટે બીજા લોકોને કેવું અને કેટલું મોટું નુકસાન થાય છે એ જેમને સમજાતું નથી એવા ઘનચક્કર લોકો માટે આ કહેવત વપરાય છે. બીજી કહેવત છેकोल्हा काकडीला राजी. કોલ્હા એટલે શિયાળ. મોટો લાભ મેળવવાની શક્તિ કે કૌવત પોતાની પાસે ન હોય ત્યારે જે મળે છે એનાથી સંતોષ પામી રાજી થવું એ દર્શાવવા આ કહેવત વપરાય છે. શિયાળ અને દ્રાક્ષની કથા તમે જરૂર વાંચી હશે. દ્રાક્ષ મેળવવી પોતાની પહોંચ બહાર છે એ જાણ્યા પછી એ ખાટી છે એવું બહાનું કાઢી શિયાળ ત્યાંથી બીજે જવા નીકળી જાય છે. આગળ રસ્તામાં કાકડીનો વેલો નજરે પડે છે અને કાકડી ખાઈને સંતોષ મેળવે છે. કેવી અર્થપૂર્ણ વાત.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.