સુખના મકાનના ચાર જ થાંભલા છે – સરળતા, સ્પષ્ટતા, સંતોષ અને સમજણ

મેટિની

અરવિંદ વેકરિયા

થોડા વખત પહેલાં મેં અમારી મિત્ર-ચોકડીમાંના મિત્ર, સોહિલ વીરાણીનો ઉલ્લેખ કરેલો, જે ફિલ્મ જગતમાં જતાં નાટ્ય-તખ્તે એણે નાનો ‘બ્રેક’ લીધેલો. મેં એના પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે ડૉ. રેખાનું નામ જણાવેલ. એ ભૂલ હતી. એની પ્રથમ ફિલ્મ હતી, ‘સોનબાઈની ચૂંદડી’. ક્ષમસ્વ!
હવે આપણી વાત આગળ વધારીએ. રાજેન્દ્ર શુક્લએ ‘તિરાડ’ નાટક સાથે બીજા નાટકની તૈયારી કરવાનો તંત લઇ મને કન્વિન્સ કરવા ખૂબ મથામણ કરી. જોકે એમાં એના લેખનની રોયલ્ટી સિવાય કોઈ સ્વાર્થ નહોતો. હું નાટકો ડિરેક્ટ કરતો રહું એ મનસા માત્ર. આમ તો રાજેન્દ્ર મારે માટે ઉજાસ પાથરનાર એક ‘અંધારું’. હા… હા… સૌથી નજીક અંધારું જ હોય છેને! આંખ મીંચી દો એટલે તરત હાજર!
પૈસાની જરૂરિયાત બધાને હોય છે. મંદી ત્યારે પણ હતી, આજે પણ છે. આવક આજે વધી છે તો સામે ખર્ચા પણ વધ્યા છે. મારો એક મિત્ર મજાકમાં કહેતો કે ‘દોસ્ત મંદી સાલી એટલી બધી છે કે પોતાની પત્નીને જ પ્રેમ કરવો પડે છે’. છેને મંદીની અસર! એની વે, હું અને રાજેન્દ્ર ફરી એક સાંજે પોતપોતાની નોકરી પૂરી કરી મળ્યા. પહેલો અંક ફરી વાંચી ગયા. બીજા અંકના ક્લાઇમેક્સ સિવાય આખું નાટક તૈયાર હતું, હા પાત્રો ઘણાં હતાં.
લેખનના પ્રવાહમાં એણે લખી તો નાખ્યું પણ પછી અમે બંને પાત્રો માટે વિચારવા લાગ્યા. પતિની મુખ્ય ભૂમિકામાં તો દેવેન્દ્ર પંડિત નક્કી જ હતા. દિગ્દર્શનમાં મને સહાયક તરીકે રાધાશ્રી પણ નક્કી હતાં. હવે ‘બજેટ’ને ધ્યાનમાં રાખી બીજાં પાત્રો નક્કી કરવાનાં હતાં. રાજેશ મહેતા, જે હવે આપણી વચ્ચે નથી, જેમણે મારાં ઘણાં નાટકોમાં સંગીત તો આપ્યું, અભિનય પણ કર્યો. એક પાત્રમાં એમને લઈએ અને સાથે સંગીતનું કામ પણ એમને સોંપી મહેનતાણું નક્કી કરી લઈએ. આમ તો રાજેશ મહેતાને હકથી કહી શકાય એવા અમારા સંબંધો હતા. તેઓ સંતોષી પણ ખરા. એમણે એમની ઈચ્છાઓને ‘સંતોષ’ નામનું મસ્ત તાળું લગાવી દીધું હતું એટલે બધા સાથે બધી જ રીતે એમનો મેળ પડી જતો. ઉંમરમાં કદાચ સન્માનની જરૂર પડે, પણ આદર તો વ્યવહારથી જ મળતો હોય છે એનું ઉદાહરણ રાજેશ મહેતા હતા. મેલોડિયન બહુ સરસ વગાડતા. એનો મધુર સ્વર ટુન..ટુન…ટુન…. થઇ ગુંજતો. એમના અંગત મિત્રો એમને લાડમાં ‘ટુન ટુન’ કહીને બોલાવતા. ( ફિલ્મ અદાકારા ‘ટુન ટુન’ નહીં) વાત આવી પત્નીના પાત્રની. રોલ બહુ મોટો નહોતો પણ વાર્તા સાથે સળંગ સંકળાયેલ. એક-બે સીન બહુ સારા હતા. અત્યારે તો લગભગ ગ્રુપો જ બની ગયાં છે. સ્ત્રીપાત્રોની અત્યારે તકલીફ તો છે, ભલે થોડી પણ એ વખતે તકલીફ થોડી વધુ હતી. પાછું બજેટનું વિચારીને બધું નક્કી કરવાનું હતું. અચાનક મને યાદ આવી મારા નાટક ‘દે દામોદર દાળમાં પાણી’ (૧૯૭૦)ની હિરોઈન ઉમા જોશી. સંપર્ક કરતાં ખબર પડી કે એ હાલ કંઈ કરતી નથી. ભવન્સ-ચોપાટી પર એને મળવા કહ્યું. ત્યારે એ બાંદ્રા રહેતી. એ સમયે ભવન્સ-ચોપાટીમાં કોઈ પ્રોગ્રામ હતો એટલે ભવન્સથી થોડા આગળ ન્યુ યોર્ક નામની હોટેલ (જે હજી છે)માં મળ્યા. બજેટની ચોખ્ખી વાત કરી દીધી. એણે તરત હા પાડી. આમ પતિ-પત્નીનાં પાત્રો તો નક્કી થઇ ગયાં. પંડિતજી સાથે આ નાટક બાબત વાત થઇ ગઈ હતી, એમને કોઈ વાંધો નહોતો. હા, ગુજરાતી ફિલ્મનું કોઈ શૂટિંગ વચ્ચે ન ત્રાટકે એ જોવાનું હતું.
ઉમા જોશીનું નામ આવતાં ઘણા પાછા એ જ….બધું બોલવા માંડ્યા… ‘કેટલાં વર્ષોથી નાટકમાં કામ નથી કર્યું, ‘ડાયલોગ્સ’ યાદ રહેશે કે નહિ?’ વગેરે… વગેરે… ખરેખર ખામીઓ ગજબ હોય છે. બીજાની શોધવામાં અને પોતાની ખામી સંતાડવાની કોશિશોમાં બધા લાગેલા જ હોય છે. હું અને રાજેન્દ્ર ફર્મ હતા. એક રોલમાં મિત્ર સંજીવ શાહને કાસ્ટ કરી લીધો. નાટકમાં સાસુનું પણ એક પાત્ર હતું. રાજેન્દ્ર ‘તેજસ્વિની’ નામની કોઈ કલાકારને શોધી લાવ્યો. તેઓ હતાં ‘મરાઠી ભાષી’ પણ ગુજરાતી નાટકો થોડાં કરેલાં અને અમારા બજેટમાં પણ બેસી ગયાં. કામ ધાર્યા કરતાં સરળ બની રહ્યું હતું. સુખના મકાનના ચાર જ થાંભલા છે… સરળતા, સ્પષ્ટતા, સંતોષ અને સમજણ. સરળતાથી વાતની રજૂઆત, બજેટ અંગે સ્પષ્ટતા, કલાકારને સંતોષ થાય એનું ધ્યાન રાખી સમજણપૂર્વકની વાત કરી કલાકારની વરણી કરવી. કોઈ જગ્યાએ ગમતા કલાકારને બજેટને કારણે પડતા પણ મૂકવા પડ્યા.
હવે બે પાત્રો બાકી હતાં. એની નાટકમાં અગત્યતા ઘણી હતી. એક પાત્ર જે ઉંમરમાં મોટું, પણ એની વર્તણૂક નાના બાળક જેવી. જેમાં ખૂબ અનુભવી અને ટેલેન્ટેડ કલાકાર જ જોઈએ અને બીજું બાકી રહેતું પાત્ર એટલે ‘સાળી’નું. નાટકની વાર્તા અને કોમેડી એ બંનેની આસપાસ ફર્યા કરે.
એક તો સ્ત્રી-પાત્રોનો દુકાળ એમાં ‘સાળી’ પાછી રૂપકડી જ શોધવાની અને એ પણ બજેટમાં. પાત્ર રૂપાળું દેખાવું જોઈએ. પતિ જ્યારે પત્નીને છોડી સાળી તરફ લપસવા લાગે ત્યારે સાળી પત્ની કરતાં ચઢિયાતી જ હોવી જોઈએ.
બીજા રંગકર્મીઓ સાથે વાત કરી જોઈ, પણ સમજાતું નહોતું. એવાં એવાં નામો આપ્યાં કે તેઓ બજેટમાં ક્યાંય બેસતાં નહોતાં. ક્યારેક થતું કે આ બધા ‘હિતચિંતકો’ જાણી જોઇને તો ‘છૂ’ નહિ કરતા હોય?
નક્કી કર્યું કે આપણી રીતે શોધીએ. લોકોને પછી ભલે બોલવું હોય એ બોલે. સૌથી સહેલો રસ્તો છે બહેરા બની જાવ. કારણ મોટા ભાગે લોકો તમારું મનોબળ તોડવાવાળા જ મળતા હોય છે.
એક વાત સાચી છે કે બીજાની સફળતા જો સ્વીકારી ન શકાય તો એ ઈર્ષ્યા બની જાય, કદાચ એ વાત કહેવાતા હિતચિંતકોને લાગુ પડતી હોય. એના કરતાં બીજાની સફળતા સ્વીકારી લ્યો તો એ કદાચ પ્રેરણા બની શકે એવું માનવા એમનું માનસ કેમ તૈયાર નહિ થતું હોય? ખેર…
હું અને રાજેન્દ્ર છૂટા પડ્યા. હવે બાકી રહેલાં બે પાત્રો માટે વિચારવાનું હતું.
ઘરે આવી જે કલાકારો નક્કી કરેલા એમને ફોન કરી ફરી સ્પષ્ટતા કરી લીધી. પંડિતજીને પણ ફોન કર્યો. એમને કોઈ વાંધો નહોતો, પરંતુ એક-બે દિવસ કદાચ એક ફિલ્મના ક્લાઇમેક્સ માટે બરોડા- હાલોલ સ્ટુડિયોમાં જવું પડે, પણ તું જરા પણ ટેન્શન ન લેતો. પંડિતજી માત્ર વડીલ નહિ એક સારા દોસ્ત પણ બની ગયા હતા. કદાચ આ સંબંધ સંસ્થા ‘બહુરૂપી’ને કારણે પરિપક્વ થયો હશે, કોને ખબર! જેમની પાસે સારા દોસ્ત હોય છે એ ક્યારેય જમીનદોસ્ત નથી થતા.
હું બધા કલાકારને ફોન કરી સૂવાની તૈયારી કરતો હતો ત્યાં મારા ફોનની ઘંટડી વાગી. મેં ઉપાડી કહ્યું, ‘હેલ્લો, કોણ?’
સામેથી અવાજ આવ્યો, ‘દાદુ, હું ઘનશ્યામ નાયક.’ (ક્રમશ:)ઉ
* * *
રાત ટૂંકી હોય તો પણ વેશ ઝાઝા છે અહીં,
ગંગુ તેલી તું જ અને તું જ રાજા ભોજ અહીં!
* * *

ડબ્બલ રિચાર્જ
મનોચિકિત્સક: જુઓ બહેન, પતિ પર ગુસ્સો આવતો હોય તો, એ ગુસ્સો ઠાલવતો એક પત્ર લખી નાખવાનો અને પછી સળગાવી દેવાનો.
દર્દી બહેન: પછી એ પત્રનું શું કરવાનું?

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.