Homeઈન્ટરવલબ્રિટિશરોને તેજાવતનો તેજોવધ કરવો હતો, પણ વિલન નહોતું બનવું

બ્રિટિશરોને તેજાવતનો તેજોવધ કરવો હતો, પણ વિલન નહોતું બનવું

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૨૩)
અંગ્રેજ શાસકોની સાથોસાથ દેશી રજવાડાઓ માટે મોતીલાલ તેજાવતને મામલે ધર્મસંકટ ઊભું થયું હતું. એમની માનસિકતા, લાચારી અને વ્યૂહ પર ઘણી કહેવતો બંધ બેસે. ‘છાસ લેવા જાઓ તો દોણી ન સંતાડાય,’ ‘ડોશી મરે એનો વાંધો નહીં પણ જમડો ઘર ભાળી જાય એનું શું?’ વગેરે. એમની ઇચ્છા એવી કે ‘સાપે ય મરે અને લાઠી ય ન તૂટે.’ હકીકતમાં ‘એકી’ આંદોલનને મામલે એમની હાલત ગળામાં ફસાયેલાં હાડકાં જેવી થઇ હતી કે જે ન ગળી શકાય કે ન બહાર કાઢી શકાય.
સૌને સર્વસંમત ધ્યેય એક જ કે મોતીલાલ તેજાવતને પકડી લેવા અને ‘એકી’ આંદોલનની હવા કાઢી નાખવી, પરંતુ કોઇએ ભીલો અને અન્ય પ્રજાજનો વચ્ચે જરાય અળખામણા થવું નહોતું. જો તેજાવતની ધરપકડથી આંદોલનકારીઓ વિફરે તો? એવો ચાન્સ કોઇને નહોતો લેવો. અંગ્રેજોને ફફડાટ હતો કે ક્યાંક આંદોલન અન્ય પ્રાંતોમાં પ્રસર્યું તો? અને મુંબઇ સુધી પહોંચી ગયું તો! અંગ્રેજોને તો પાછી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બદનામીનો ડર.
આ ઊંઘ ઉડાડનારા મનોમંથન વચ્ચે જ્યોર્જ લોઇડ નામના અમલદારે મહત્ત્વના મુદ્દા રજૂ કર્યા: મોતીલાલને આંદોલન બદલ માફ ન કરી શકાય અને સજા થવી જ જોઇએ. આ માટે બધાને સ્વીકાર્ય લાગે (તેમની નજરે) એનો પ્લાન પેશ કર્યો: ‘મોતીલાલ તેજાવત આત્મસમર્પણ કરે કે ધરપકડ થાય તો બે શરતો સાથે છોડી મૂકવા કે ફરીથી કોઇ આંદોલનમાં નહીં જોડાય અને ભીલ પ્રદેશોમાં ક્યારેય પગ નહીં મૂકે. બીજી બાજુ ભીલોની સમસ્યા પર ગંભીરતાથી ધ્યાન આપીને એમને સંતોષ થાય એવા ઉકેલ લાવવા.
આ પ્લાનના મૂળમાં તો ‘ભાગલા પાડો અને રાજ કરો’નું બ્રિટિશ ડીએનએ જ છે. એક તરફ મોતીલાલનું મહત્ત્વ ઘટાડી દેવું. સાથોસાથ સાબિત કરવું કે અંગ્રેજો સાથે સમાધાન સાધીને તેમણે ભીલોના પીઠમાં છરો ભોંક્યો. થોડી સમસ્યાઓ ઉકેલીને અંગ્રેજો ભીલોના રાહબર બની જાય.
પરંતુ જ્યોર્જ લોઇડના પ્લાનનો બ્રિટિશ સરકારમાં ઉચ્ચ સ્તરેથી વિરોધ થયો. સરકારને તેજાવત સાથે કોઇ જાતના સમાધાનમાં લગીરેય રસ નહોતો. આનાથી બ્રિટિશ સરકાર નબળી હોવાની ઇમેજ ઊભી થાય જે આખા દેશમાં વધુ આંદોલનનો માટે રસ્તો મોકળો કરી આપે. ઉચ્ચસ્તરીય સત્તાવાર વલણ સ્પષ્ટ રહ્યુ કે મોતીલાલ શરણે આવે તો પણ કોઇ જાતની ચર્ચા-મંત્રણા કે સમાધન ન જ કરવા અને આકરામાં આકરી સજા કરવી.
મોતીલાલ તેજાવતનું વ્યક્તિત્વ, પ્રભાવ અને આત્મા એટલા પ્રચંડ હતા કે અંગ્રેજોમાંય સર્વસંમતિ સધાતી નહોતી. અલબત્ત, સ્થાનિક હકિમો પોતાના પ્રદેશ અને માથા પરથી આફતના પહાડ ફગાવવા મચી રહ્યા હતા તો ઉચ્ચ સ્તરીય અમલદારોને આંદોલનની આગ વધુ ન પ્રસરે અને તેજાવતનું કદ વધી ન જાય એની ભીતિ હતી.
આમ છતાં એક બાબતમાં સર્વસંમતિ અવશ્ય હતી કે હવે મોતીલાલ તેજાવત નામના સરદર્દથી છુટકારો મેળવવો સમય આવી પહોંચ્યો છે. મેવાડ ભીલ કોપર્સને ઓર્ડર અપાયો કે મોતીલાલ તેજાવતની ધરપકડ કરો. આ કામગીરીમાં પૂરેપૂરા સાથ-સહકાર માટે દેશી રજવાડાઓને ય આદેશ અપાયા. ઘણા રાજ્યોની સેનાના વડાએ જરૂર પડે મોતીલાલને પકડવામાં મેવાડ ભીલ કોપર્સને કેવી રીતે, ક્યાં અને કેટલી મદદ કરવી એના વ્યૂહ વિચારી લીધા હતા. બ્રિટિશ સરકાર હવે મોતીલાલને જેલભેગા કરવા માટે અત્યંત ગંભીર હતી. તેણે ‘સેન્ટ્રલ ઇન્ડિયા’થી લઇને ‘બૉમ્બે રાજપૂતાના’ સહિતના બધા જ સિવિલ અને પૉલિટિક્લ સત્તાધીશોને સહકાર આપવાની વિનંતી કરી હતી. સત્તાવારપણે ભલે આ વિનંતી કહેવાય પણ હકીકતમાં તો એ આદેશ જ હતો.
દેશના ગવર્નર જનરલના એજન્ટે ઇ. સ. ૧૯૨૨ની ૨૭મી જાન્યુઆરીએ ખેડવાડા જઇને ઉદયપુરના શાસક તથા પૉલિટિક્લ સુપરિટેન્ડન્ટ સાથે સ્થિતિની સવિસ્તાર ચર્ચા કરી હતી. એનો સૂર સ્પષ્ટ હતો કે જો મોતીલાલ મેવાડમાં મળે તો તરત ધરપકડ કરવી. આ કામગીરી માટે મેવાડ ભીલ કોપર્સને મંજૂરી આપવી. સાથોસાથ મહીકાંઠાના એજન્ટને ય પૂરેપૂરો સહકાર આપવા જણાવી દેવાયું.
“સાબરકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન એક સંશોધનાત્મક અભ્યાસમાં સંશોધક પ્રફુલ્લાનંદ પુરુષોત્તમભાઇ નવાકરે ભારત સરકારના પૉલિટિક્લને સેક્રેટરીને બૉમ્બેના સેક્રેટરી દ્વારા લખાયેલા પત્રનો અંશ ટાંક્યો છે. એ પત્રના અમુક મુદ્દા બ્રિટિશ માનસિકતા પર વધુ પ્રકાશ ફેંકે છે. અમુક મહત્ત્વની લાઇનો જોઇએ. (૧) આ આફત મૂળભૂતપણે મેવાડ અને આસપાસના પ્રાંતોની
છે. (૨) એનો ફેલાવો સાતપુડાના અને રેવાકાંઠાના ભીલોમાં થઇ શકે છે. (૩) સંઘર્ષને ટાળવા માટે પશ્ર્ચિમી રાજપૂતાનાના રજવાડામાં હવે લશ્કરી તાકાત સાથે બળવાન બનવાનો સમય પાકી ગયો છે. (૪) લશ્કરી પગલાંની સંપૂર્ણ સત્તા નસીરાબાદના શાસક હસ્તક રહેવી જોઇએ. (૫) નસીરાબાદ, રાજપૂતાના, મહીકાંઠા, પાલનપુર અને રેવાકાંઠાના પૉલિટિક્લ એજન્ટને સીધેસીધા સંદેશા વ્યવહારથી દરેક પગલાં થકી માહિતગાર રાખવા અને એ સંદેશ વ્યવહારની પ્રત બૉમ્બે પૉલિટિક્લ ક્રિયા વિભાગને અચૂક મોકલવી.
હકીકતમાં અંગ્રેજોને મોતીલાલ તેજાવતનો શિકાર કરવામાં, એમના પ્રભાવને યેનકેન પ્રકારેણ ખતમ કરવામાં રસ નહોતો, પરંતુ આ પ્રક્રિયામાં, તેમને ભીલો અને આખી દુનિયા સમક્ષ ભયંકર ખલનાયક બનવું નહોતું. આ શિકાર માટે તેમણે બંદૂક દેશી રજવાડાઓના ખભા પર મૂકવી હતી.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular