ભીલોના શોષણમાં અંગ્રેજો અને રજવાડાં જરાય પાછળ ન રહ્યાં

37

ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ

(૨૪)
અનેક આદિવાસી અને ભીલ વિદ્રોહ પર ઊતર્યા, એમાં તત્કાલીન અન્યાય, શોષણ અને દમન ઉપરાંત ઘણી બાબતો સામેલ હતી. મૂળ તો મોટાભાગનાં રજવાડાની જમીનના મૂળ માલિક આદિવાસીઓ અને વનવાસીઓ હતા. પહેલા રજવાડાઓએ અને પછી અંગ્રેજોએ એમના ભોળપણનો ભરપૂર ગેરલાભ લીધો હતો. પેઢીઓથી વારસામાં મળતા અન્યાયના ધરબાયેલા આક્રોશને મોતીલાલ તેજાવત જેવા સાચુકલા નેતાએ દિશા ચીંધી. એકી આંદોલનની લોકપ્રિયતા અને એના પરિણામ પર આગળ વધતા અગાઉ રજવાડાઓ અને બ્રિટિશરોના કરતૂતો જાણી લેવા જોઇએ.
ભારતની લગભગ ત્રીજા ભાગની જમીન પર વસતા ભીલ આદિવાસીઓ નિરક્ષરતા અને બાહરી દુનિયાની જાણકારીના અભાવમાં વણી કુરીતિઓ અને વહેમ, અંધશ્રદ્ધામાં લાંબો સમય જકડાયેલા રહ્યા. કયાંક એક પેટનો ખાડો પૂરવા માટે લૂંટફાટ કરાઇ તો તેમના પર ચોર-લૂંટારાનો કાયમી થપ્પો લાગી ગયો. હકીકતમાં આ પ્રજા કેવી હતી એનું એક પરદેશીએ કરેલું વર્ણન ઘણું ઘણું કહી જાય છે.
ડબલ્યુ ગૉર્ડન કમિંગે પોતાના પુસ્તક ‘સેન્સ ઇન કેમ્પ એન્ડ જંગલ’માં લખ્યું છે કે લૂંટારા ભીલ વચ્ચે હું નવ વરસ ભટકતો રહ્યો પણ મારો એકેય રૂપિયો ક્યારેય ચોરાયો નહોતો.
ઇ.સ. ૧૮૬૮ના નવમી જુલાઇના ‘બૉમ્બે ગેઝેટ’માં ભીલોની પ્રામાણિકતા અને સરળતા અંકિત થયેલી છે. એક થાણેદારે થોડા ધનવાન ભીલ મુખીને સો રૂપિયાનો દંડ ફટકાર્યો. અભણ ભીલને લાગ્યું કે આ દંડ બહુ મોટી રકમનો લાગે છે. તેણે ભોળપણમાં થાણેદાર બાબુને સવાલ પૂછયો કે શું હું આટલી મોટી રકમ ચૂકવી શકીશ? જો આમ થોડી મહેતલ આપો તો મારી ઝૂંપડીમાં દાટીને રાખેલા એક વાસણમાં રાખેલા રૂપિયા લાવીને આપી શકું. એનાથી વધુ કંઇ નથી આપવા માટે. અને એ ભીલે વાસણ લાવીને થાણેદારને આપ્યું તો એમાંથી એક હજારથી વધુ રૂપિયા નીકળ્યા.
હકીકતમાં તો જે કુદરતી સંપત્તિ, વન્ય જીવન અને જડીબુટ્ટી પર જેમની માલિકી હતી એમના કોઇ માનવ અધિકાર નહોતા. એમના અવાજને દબાવી દેવાયો. એમને કાયમ પોતાના અંગૂઠા હેઠળ દબાવી રાખવાના પ્રયાસો એકાએક સત્તાધીશે કર્યાં.
ભીલોમાં સદૈવ એકલવ્ય ભાવ ટકી રહે એ માટે સતત પ્રયાસ થતા હતા. ઇતિહાસમાં ઉપલબ્ધ નોંધ મુજબ સાતમીથી બારમી સદી વચ્ચે ભીલોના ક્ષેત્રમાં રાજપૂતોનું આગમન થયું. ભૂતકાળની અમુક પરંપરા સ્પષ્ટપણે સૂચવે છે કે રાજપૂતો ખુદ ભીલોને પોતાના વિસ્તારની જમીનના માલિક અને ભૂતપૂર્વ નિવાસી તરીકે સ્વીકારતા હતા. કોઇ રાજપૂત ગાદી પર બેસે ત્યારે એના પર ભીલના રક્તનું તિલક લગાવવાની પ્રથા હતી.
આ પ્રથાની શરૂઆત પાછળની લોકવાયકા રસપ્રદ હોવા સાથે ફરી ભીલોના ભોળપણ, સરળતા અને પ્રેમાળ સ્વભાવ નીચે અન્ડરલાઇન કરી આપે છે. ઇતિહાસમાં સમયની ધૂળ નીચે ભુલાઇ જતી લોકવાયકા જાણીએ. ગોહ નામનો યુવાન વારંવાર જંગલમાં ભીલોને મળવા પહોંચી જાય. આ હળવામળવામાંથી સ્નેહનો સેતુ રચાયો. એ બધા ભીલોનો વ્હાલો થઇ ગયો. એક સમયે જંગલમાં ભીલોનો રાજા પસંદ કરવાનો સમય આવ્યો. બધા સર્વથા યોગ્ય વ્યક્તિ શોધતા હતા, ત્યાં ગોહ પર નજર પડી. ગોહ પર નજર પડી અને સૌ ખુશખુશાલ થઇ ગયા. એક ભીલ યુવાને પોતાની આંગળી ચીરીને ગોહના કપાળ પર રક્ત તિલક કર્યું અને ગોહ એમનો રાજા બની ગયો. આગળ જતાં રાજા ગોહે આ જ ભીલ યુવાનને મરાવી નાખ્યાની વાતોય કયાંક વાચવા મળે છે. અંગ્રેજ અમલદાર જેમ્સ ટોડનાં મત મુજબ આ ગોહ સિસોદીયા રાજપૂતના વડવા હતા.
આ લોકવાયકાના કોઇ પુરાવા કે પ્રમાણ ન હોય, પરંતુ રાજપૂતોએ જ ઇડરમાં ભીલોને પરાજિત કર્યા હતા. એની નોંધ ઇતિહાસમાં છે. આ વંશપરંપરાગત સત્તા ભીલોના કર્મ અને મૌન સંમતિથી મળી હોવાનું પણ દેખાડાય છે. મોટા ભાગના રજવાડામાં ભીલોને ગામના ચોકીદાર બનાવાતા હતા. એને જૂના જાણકાર અને અનુભવી હોવાને લીધે જ હશે?
ભારતમાં પગપેસારો કરવા માટે શાસક વર્ગ સુધી પહોંચવા માટે અંગ્રેજોએ પણ ભીલોની લાગણી સામે રમત કરી હતી. સદીઓની અમાનવીય ગુલામી છતાં ભીલોએ પોતાના મૂળભૂત ગુણો કયારેય ત્યજી ન દીધા. પોતાના ધર્મ, સંસાર અને જીવન-શૈલીને વળગી રહ્યા. ભીલોએ અપ્રમાણિકતા કે ગદારી ન કરી. કોઇ પડકાર સામે નમી ન ગયા. અગવડો છતાં સ્વાભિમાન પર અડીખમ રહ્યા. રસપ્રદ બાબત એ કે દેશના મેદાન પ્રદેશ પર રાજ કરનારાઓ જ્યારે પરદેશી અતિક્રમણખોરો સામે હારી ગયા કે શરણાગતિ સ્વીકારી લીધી, ત્યારે જંગલમાં અને પહાડો પર રહેતા ભીલો હિંમતભેર લડ્યા હતા. તેમણે પોતાના વિસ્તાર, જીવન અને સંસ્કારોમાં ક્યારેય કોઇના ચંચુપાતને સ્વીકાર્યા નહી. આ બધાને રક્ષણ માટે લાકડી, તીર-કામઠા અને તલવાર ઉપાડતા લેશમાત્ર અચકાયા નહીં. એટલું જ નહીં, હસતા-રમતા લોહી વહાવ્યા અને માથા નમાવવાને બદલે કપાવી દીધા.
આમ છતાં તેઓ સાવ જડ
કે જક્કી નહોતા. ઇ.સ. ૧૮૦૬ની આસપાસના એક સમાચાર મુજબ ગુજરાતમાં પગ મૂકવા માટે અગાઉ અંગ્રેજોએ ભીલોને મીઠી શબ્દજાળમાં ફસાવવાની ચેષ્ટા કરી હતી. ગુજરાતના માળવાના અને અન્ય પર્વતીય વિસ્તારોના ભીલો સાથે તેમણે સમજૂતિ સાધી હતી, પરંતુ ઇ. સ. ૧૮૧૮માં મોટાભાગના રજપૂત રજવાડાઓએ બ્રિટિશરોની દાસતા અપનાવી લીધી. હવે અંગ્રેજોને ભીલોની જરૂર નહોતી એટલે એમના પ્રત્યે કઠોરતા અપનાવવા માંડ્યા. કાયમ મુક્ત પંખીની જેમ વિચરતા-વિહરતા ભીલ સમાજ પર અંકુશ લાદવાનું બહુ મુશ્કેલ હતું. સ્વાનુભવ છતાં અંગે્રજો અને રજવાડાઓ ભીલોને એડી નીચે રાખવા મક્કમ હતા. આ હેતુસર અંગ્રેજોએ ઇ. સ. ૧૮૪૧માં મેવાડ ભીલ કોપર્સની સ્થાપના કરી. આ મેવાડ ભીલ કોર્પસે સમય જતા મોતીલાલ તેજાવતના એકી આંદોલન અને ભીલોના હત્યાકાંડમાં બહુ મોટી અને બહુ ખોટી ભૂમિકા ભજવી હતી. મેવાડ ભીલ કોર્પસની સ્થાપના પાછળ પણ અંગ્રેજોની મેલી મુરાદ અને ગંદી ચાલ હતી એ સમજવું પડશે.
(ક્રમશ:)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!