Homeમેટિનીવખાણના પુલ પરથી સાવચેતીથી પસાર થવું જોઈએ

વખાણના પુલ પરથી સાવચેતીથી પસાર થવું જોઈએ

સાત્વિકમ્ શિવમ્ – અરવિંદ વેકરિયા

દેવયાનીબેનનાં મમ્મીનું વાક્ય, ..એ તો આજે સવારે ફ્લાઈટમાં બરોડા ગઈ, એક ગુજરાતી ફિલ્મના શુટિંગમાં…
સાંભળીને મારા હાથમાંથી રિસીવર છટકી ગયું. મનોમન ગુસ્સો પણ આવ્યો. આટલું ગાઈ-વગાડીને રિહર્સલની વાત કરેલી છતાં? ગયા ત્યારે એથીક્સ પ્રમાણે એક ફોન પણ એમનાથી ન થયો?
હું: મને તો કહેલું કે આપણું નાટક જ્યાં સુધી પરફેક્ટ નહિ થાય ત્યાં સુધી હું કોઈ કામ નહિ લઉં.
તો પછી આવું કેમ કર્યું?
મમ્મી: એ બધી વાતો મને ખબર નથી.
હું: ક્યારે આવશે?
મમ્મી: કદાચ કાલે સાંજ સુધીમાં ફ્લાઈટમાં આવી જશે.
હું: એમનો ફોન આવે તો કહેજો કે દાદુ સખત ગુસ્સે ભરાયા છે. એમને મને ફોન કરવા કહેજો.
મેં જોરથી રિસીવર ક્રેડલ પર પછાડ્યું. એમના ઉપર વિશ્ર્વાસ રાખ્યો એ મારો વહેમ નીકળ્યો. આવી પડેલી વાસ્તવિકતા વધુ પીડાદાયક હતી. નિર્માતાના પૈસા અને ઘનશ્યામભાઈએ મારા પર મુકેલા વિશ્ર્વાસ ઉપર આ બેને જાણે પાણી ફેરવી દીધું હોય એવું લાગ્યું.દેવયાનીબેનનો આ અનુભવ મને કાયમ યાદ રહેશે.ઘનશ્યામભાઈએ એમના ઘણાં વખાણ કરેલા. ભૂલી ગયા, કે વખાણના પુલ પરથી સાવચેતીથી પસાર થવું જોઈએ, નીચેથી મતલબની નદીઓ વહેતી જ હોય છે. આ જમાનામાં પોતાનો ફિલ્મનો મતલબ સાધવા પોતે આપેલો વાયદો જ વિસરી ગયાં.
નાટકમાં ફેરફાર તો કરવાના જ હતા. કોઈ પણ રંગકર્મી વિચારે કે ૬-૭ દિવસમાં નાટક કેમ તૈયાર થાય? સ્વાભાવિક છે, તોરમાં ને તોરમાં થિયેટરની મળેલી તારીખ સાચવવા નાટક કરી નાખો પણ પછી તો રિપેર માટે મહેનત કરવી જ પડે. આવી મહેનત કરવી પડશે એ વાત નાટકની શરૂઆત અને નાટકના રિહર્સલ દરમ્યાન કરેલી જ હતી છતાં પોતાના મતલબ માટે એ વાત ભૂલી ગયા, એ તો ઠીક પણ જાવ છું.અને ક્યારે આવીશ એ જણાવવાની કર્ટસી પણ ફોન કરી ન બતાવી. ખેર! હવે આવતી કાલે- મંગળવારે સવારે ફોન કરી એમની મમ્મી સાથે જરા સખતાઈ સાથે વાત કરવી પડશે .જો કે હું જાણતો હતો કે એમાં એની મમ્મીનો બિચારીનો કોઈ વાંક નહોતો. હું જે ધૂંધવાઈ રહ્યો હતો એ ગરમાટો મેં ઘનશ્યામભાઈ ઉપર તો કાઢી જ નાખ્યો.
નાટકની સ્ક્રીપ્ટ પર મેં સીન પ્રમાણે બદલાવ કરી નાખ્યાં. થોડી કાપ-કૂપ અને થોડા વન-લાઈનર ઉમેરી વસ્તુ થોડી ટાઈટ કરવાની કોશિશ તો કરી પણ મુખ્ય પાત્ર, જે સાત દિવસમાં પણ ડાયલોગ્સ મોઢે નહોતું કરી શક્યું એ કરેલા આ બદલાવ યાદ કરી શકશે કે સાથી કલાકારોને લબડધક્કે ચડાવશે એ મારી મુખ્ય દ્વિધા હતી. ગુસ્સો સારો નહિ.તમને જોઈતું રીઝલ્ટ તમે નહિ મેળવી શકો એ વાત મને ભારતીએ પ્રેમથી સમજાવી મને ઠંડો પાડ્યો. એની વાત પણ સાચી હતી કે તમે અહીં માથા પછાડ્યા કરશો તો શું ફરક પડવાનો? તમારા માથા પટકવાનો અવાજ સાંભળીને એ આવી જવાના છે? દુનિયામાં એવું કોઈ નથી જે તમારી પાસેથી તમારું દુ:ખ લઇ શકે તો કોઈને માટે પોતાનું સ્મિત શું કામ ગુમાવવું? આજે સોમવાર છે, બની શકે કાલે આવી પણ જાય. રિહર્સલ તો બુધવારથી રાખ્યા છેને? આવતી કાલની ચિંતા આજે કરી શું કામ દુ:ખી થવું? અને દેવયાનીબેન માટે શું કામ ખોટું વિચારવું? ભારતીએ મને બરાબર સમજાવ્યો પણ મને નાટકની ચિંતા ઓછી કરવામાં એ સફળ ન થઇ.
મંગળવારે સવારે ૧૧ વાગે મેં દેવયાનીબેનના મમ્મીને ફોન કર્યો…
હું: અરવિંદ વેકરીયા બોલું છું, દેવયાનીબેનનો કોઈ ફોન આવેલો?
મમ્મી: હા, આવેલો. તમારી વાત મેં એને કરી દીધી…
હું: મને ફોન કરવાનું કહ્યું હતું?
મમ્મી: હા કહેલું….
હું: પણ એમનો ફોન મને આવ્યો નથી.
મમ્મી: એ મને ખબર નથી. મેં તમારો મેસેજ આપી દીધો છે, બસ!
હું: આજે રાત્રે આવી જશે ને?
મમ્મી: કહ્યું તો છે, આવી જાય એટલે ફોન કરાવીશ.
મેં ફોન ‘કટ’ કર્યો. આંગડિયાની જેમ આપ-લે સંદેશાની કરતા હોય એવા બિચારા એના મમ્મીને શું વધારે કહેવું? જે હોય, મારે તો રાહ જોયા સિવાય છૂટકો જ નહોતો. આમ પણ આપણું જીવન એ શતરંજના ખેલ જેવું જ છે. આપણે ઈશ્ર્વર સાથે રમીએ છીએ. આપણી ચાલ પછી આગલી ચાલ ઈશ્ર્વરની જ હોય છે. આપણી ચાલ ભલે આપણે આપણી પસંદ પ્રમાણે કરીએ પણ ઈશ્ર્વરની બીજી ચાલને પરિણામ કહે છે, જે હું ભોગવી રહ્યો હતો. થયું, નફરત કરીને શું કામ કોઈનું માન વધારું !
મને થયું આજે સાંજે એની મમ્મીને ફોન કરીશ. બુધવાર બપોર સુધીમાં આવી જાય તો ઠીક. એવું હશે તો રિહર્સલ ગુરુવારથી કરીશ. જો બુધવાર બપોર સુધી કોઈ વાવડ ન મળ્યા તો ઊભા-ઊભા નવી-મમ્મી ઊભી કરી રિપ્લેશમેન્ટ કરી નાખીશ.આ વાત મેં ઘનશ્યામભાઈને કરી તો ‘યુ આર ધી કેપ્ટન ઓફ ધી શીપ’ કહીને અળગા થઇ ગયા.
રંગકર્મી કોઈ પણ હોય પણ આવી ‘અન-પ્રોફેસનલ’ વર્તણૂક પર કોઈને પણ ગુસ્સો આવે. આ બધી બીના મેં રાજેન્દ્ર શુકલને ફોન કરી જણાવી. મને કહે, દાદુ, પડતા મૂકી દે એમને. બીજું કોઈ શોધી રિહર્સલ શરૂ કરી દે, નાટક ન બગડવા દેવાય એને મારું મનમાં લાગી આવતું હતું એટલે તરત પ્રતિભાવ આપ્યો. જેવું પણ દેવયાનીબેન કરતા હતા, સાત દિવસ શક્ય એટલી અને એવી મહેનત તો એમણે કરેલી. જે મર્યાદા હતી એવી મહેનત કરેલી. મારે અન્યાય નહોતો કરવો પણ સાથે મારે નાટકને માટે પણ વિચારવું રહ્યું, ખેર !
મંગળવારે સાંજે મેં ફરી એમના મમ્મીને ફોન કર્યો. માટે ઘંટડી જ વાગતી હતી. બે-ત્રણ વાર ટ્રાય કરી, પણ ‘નો રીપ્લાય’. ફોન ઊંચકાયો જ નહિ.
હું ઘરે આવ્યો. રાતના ૧૦.૪૫ થયા હતા. જીવ રહ્યો નહિ એટલે મેં એના મમ્મીને ફરી ફોન જોડ્યો. એની મમ્મીએ ફોન ઉપાડ્યો. મેં માત્ર ‘એલાઉ’ કહ્યું ત્યાં જ એ તાડૂક્યા.. આ કઈ ફોન કરવાનો ટાઈમ છે? મેં કહ્યું કે જુઓ મમ્મી મારું નાટક અટકી પડ્યું છે એ ચિંતામાં મેં ફોન કર્યો છે. માફી માગું છું. મને દેવયાનીબેનનો કોઈ ફોન નથી. ખાલી એટલું જણાવો કે એ ક્યારે આવવાના છે? એટલે હવે મારે શું કરવું એ ખબર પડે.
થોડીવાર હું ગાંડાની જેમ મારી હૈયાવરાળ કાઢતો રહ્યો પછી ખબર પડી કે સામેથી તો ફોન ક્યારનો મુકાય ગયો હતો…..હવે…?
કોઈ છેતરી જાય એ તો મને સમજાય છે,
હું છેતરું રોજ મને એનો ખુલાસો ક્યા થાય છે?

ડબ્બલ રીચાર્જ
કુંવારાનો રીંગ-ટોન: મેરે સપનોંકી રાની કબ આયેગી તું..
પરણેલાઓનો રીંગ-ટોન: પિંજરે કે પંછી રે..તેરા દરદ ન જાને કોઈ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular