ગૌરીને બે, ત્રણ ફોન કરવાનો શિરસ્તો એ પાળતો હતો પણ… એક દિવસ ગૌરીનાં માતા સરોજે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી
ફિલ્મનામા -નરેશ શાહ
કોરલ દાસગુપ્તા
પાવર ઓફ અ કોમન મેન… ના, ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના તક્યિા કલામ તરીકે આ શબ્દપ્રયોગ અહીં વાપર્યો નથી. ર૦૧૪માં લેખિકા કોરલ દાસગુપ્તાએ એક સ્ટડી કેસ તરીકે એસઆરકેને લઈને લખેલા પુસ્તકનું આ નામ છે. આમીર, સલમાન અને શાહરૂખમાં, શાહરૂખને વધુ ગંભીરતાથી લેવામાં આવે છે તેનું એક કારણ એ પણ છે કે શાહરુખ ખાન પર અનેક પુસ્તકો લખ્ાાયાં છે. તેના મિત્ર લેખક મુશ્તાક શેખે સ્ટીલ રીડિંગ ખાન લખ્યું છે તો અનુપમા ચોપડા અને વિશ્ર્વદીપ ઘોષ્ો પણ સરસ પુસ્તક લખ્યાં છે. નસરીન મુન્ની કબીરે બ્રિટનની ચેનલ ફોર માટે તેના પર ડોક્યુમેન્ટરી પણ બનાવી છે… આ સઘળું અને એ ઉપરાંતના અનેક ઓથેન્ટિક ઈન્ટરવ્યૂ તમારા આ લેખકબંદા પાસે છે અને તેના આધારે લખાઈ રહેલી આ સિરીઝ આપ વાંચી રહ્યા છો. અનુપમા ચોપડાએ તો પોતાના પુસ્તકમાં બેધડક લખી નાખ્યું છે કે શાહરૂખ ખાન અને કરણ જાહેર વચ્ચે સજાતીય સંબંધ હોવાની અફવા પણ સતત ચાલતી રહે છે. દરઅસલ, કરણ જાહેર શાહરૂખ ખાન કરતાં ગૌરી ખાનની વધારે નિકટ છે. બેશક, આ ઓળખાણ દિલવાલે દુલ્હનિયાના દિવસોમાં વધુ વિગતે થઈ હતી. દિલવાલે દુલ્હનિયા તો ૧૯૯પમાં બનીને રિલીઝ થઈ પણ બાદશાહ ખાન તો ૧૯૯૦માં જ ટીવી સિરિયલમાં કામ કરવા માટે આવી ગયો હતો. મુંબઈમાં તે અઝીઝ મિર્ઝાના ઘેર રહેતો. તેના દીકરા હારૂન સાથે એસઆરકેને ખૂબ ભળતું(હારૂન પણ એસઆરકેની જેમ હિન્દુ યુવતીના પ્રેમમાં હતો ) એ વખતે મણિ કૌલ ધ ઈડિયટ (હિન્દી નામ : અહેમક ) ફિલ્મ બનાવી રહ્યા હતા, જે દૂરદર્શન પરથી ૧૯૯૧માં ચાર ભાગમાં દેખાડવામાં આવી હતી. અઝીઝ મિર્ઝાએ શાહરુખ ખાનને એ ફિલ્મ કરવાનું કહ્યું અને બાપુ જઈને એકટિંગ કરી આવ્યા. અલબત્ત, આ ફિલ્મ પણ કદી થિયેટરમાં રિલીઝ ન થઈ પણ મણિ કૌલ શાહરૂખના વખાણ કરતાં થાક્તા નહોતા : એ બધું જ સમજે છે અને જે કહેવામાં આવે, તેનાથી વિશેષ્ા આપે છે. તેની (શાહરુખની) સાથે એક ફિલ્મ તો કરવી જ જોઈએ.
… અને શાહરુખ કી નિકલ પડી. સેક્ધડ ચોઈસ તરીકે તેણે હેમા માલિનીની દિલ આશના હૈ સાઈન કરી. (સૌથી પહેલી રિલીઝ દીવાના થઈ હતી). ૧૯૯રના વરસમાં જ ચમત્કાર અને રાજુ બન ગયા જેન્ટલમેન પણ રિલીઝ થઈ પણ દીકરામાં દિલીપકુમારને નિહાળતાં લતિફા બેગમ શાહરુખની એકપણ ફિલ્મ જોઈ ન શક્યાં. ડાયાબિટીઝને કારણે સેપ્ટીસીમિયા (લોહીનું ઝેરમાં પરિવર્તિત થઈ જવું )નો ભોગ બનેલાં ફાતિમા લતિફ ૧પ એપ્રિલ, ૧૯૯૧ એ જન્નતનશીન થઈ ગયા. આઘાત જાલિમ હતો. થોડા દિવસ ગુમસુમ રહ્યા પછી એસઆરકેએ બહેન શહનાઝને બેંગ્લોર કોઈ પરિચિત પાસે મોકલી દીધી અને મુંબઈ આવીને ધડાધડ ફિલ્મો સાઈન કરવા માંડી હતી. કારણ? ગૌરી પાસે એ માત્ર એક વરસનો સમય લઈને આવ્યો હતો. દરરોજ ગૌરીને બેત્રણ ફોન કરવાનો શિરસ્તો એ પાળતો હતો પણ… એક દિવસ ગૌરીનાં માતા સરોજે વધુ પડતી ઊંઘની ગોળીઓ ખાઈ લીધી. રમેશ અને સરોજ છિબ્બા પોતાની દીકરી એક મુસ્લિમ યુવકના પ્રેમમાં છે એ વાત સહજતાથી લઈ શક્તાં નહોતાં. આ ઘટના પછી શાહરૂખ-ગૌરીને લાગ્યું કે પ્રેમ પ્રકરણનો નિવેડો લાવવો જોઈએ. તેમણે કોર્ટ મેરેજ કરી લીધા અને જાહેરાત કરી દીધી. ના-છૂટકે છિબ્બા ફેમિલી લગ્ન કરાવી આપવા તૈયાર થઈ. એ પહેલાં મુસ્લિમ તરીકાથી નિકાહ થયા, જેમાં ગૌરીનું નામ આયેશા રાખવામાં આવ્યું. એ પછી જિતેન્દ્રકુમાર તુલી (શાહરુખ) સાથે ગૌરીનાં લગ્ન થયા રપ ઓકટોબર, ૧૯૯રએ.
આર્ય સમાજી લગ્નના આગલા દિવસે પણ શાહરૂખ ખાનની જીભ કાતિલ કોમેન્ટ કરવાનું ચૂકી નહોતી. ગૌરીના ઘેર બધા ભેગા થયા હતા અને ખુશહાલ વાતાવરણ હતું ત્યાં દૂરથી પઢાતી નમાઝની આઝાનનો અવાજ સંભળાયો એટલે શાહરૂખે ગૌરીને કહ્યું : ચાલ, આપણે નમાજ પઢી આવીએ.
ગૌરી સહિત આખું છિબ્બા ફેમિલી થોડી ક્ષ્ાણો માટે સ્તબ્ધ થઈ ગયું હતું. વૈચારિક વેગળાપણું, જાત પરનો આત્મવિશ્ર્વાસ, કરારી જબાન તેમ જ કાતિલ રમૂજ અને વિશ્ર્લેષ્ાણે પણ કાયમ શાહરૂખ ખાનને ચર્ચામાં રાખ્યો છે. પોતાની ફિલ્મનો હીરો શૂટીંગ રોકીને શાદી કરે એ ચમત્કારના પ્રોડયુસર એફ. સી. મહેરાને પસંદ નહોતું. તેમણે કિંગખાનને સમજાવ્યો કે આવી ઉતાવળ ન કર. કેરિયર ચૌપટ થઈ જશે અને મારી ફિલ્મને નુકશાન થશે… હું તમારી ફિલ્મ છોડવા માટે તૈયાર છું એવો જવાબ આપી દેનારા કિંગખાનને એ દિવસોમાં ફિરોઝ ખાન તરફથી ફિલ્મ ઓફર થઈ હતી. ખાને સ્ક્રિપ્ટની પૂછપરછ કરી એટલે કહેવાયું : તમે ઈચ્છો છો કે ફિરોઝ ખાન તમને ફિલ્મની વાર્તા સંભળાવે ?
નહીં તો શું, મારે એ (વાર્તા) રસ્તે ચાલતા રાહદારી પાસેથી સાંભળવાની છે? શાહરૂખના આવા જવાબ પછી ફિરોઝ ખાન તરફથી તેને કોઈ ફરી ક્યારેય મળવા આવ્યું જ નહીં.
સ્ટારડસ્ટની એડિટર નિશિ પ્રેમે ૧૯૯રમાં તેના પર ક્વરસ્ટોરી કરેલી ત્યારે શાહરૂખ ખાને કહેલું કે, હું સૌથી બેસ્ટ છું. મને ઉંદરડાઓની દૌડમાં સામેલ થવામાં રસ નથી, કારણ કે હું ઉંદર નથી… મુઝે તો અપને આપ સે લડના હૈ ૧૯૯રમાં જ સિને બ્લિટઝે માયા મેમસાબના ગરમાગરમ દૃશ્યોની વાત વણી લઈને શાહરૂખ અને દીપા સાહીની કામુક્તાની કહાણી છાપેલી. જેમાં લખવામાં આવેલું કે પતિ કેતન મહેતાએ હોટ શ્યો શૂટ કરતાં પહેલાં શાહરૂખ-દીપા સાહીને એક હોટલમાં સાથે રાખેલાં કે જેથી બન્ને એકબીજાને સમજી લે… આ સ્ટોરી પ્રસિદ્ધ થયાના બીજા જ દિવસે કિંગખાનને સિને બ્લિટઝનો પત્રકાર કીથ ડી કોસ્ટા પાર્ટીમાં મળી ગયો. ગાળાગાળી કરી મૂકી શાહરૂખે. એ જ રાતે ફોન કરીને કીથને ધમકી આપી અને બીજા દિવસે શાહરૂખ તેના ઘેર પહોંચી ગયો અને… કીથ ડી કોસ્ટાની પોલીસ ફરિયાદ પછી ફિલ્મસિટીમાં શૂટીંગ કરતાં શાહરૂખ ખાનની બાદમાં પોલીસે ધરપકડ કરી. રાતે દોસ્ત ચંકી પાંડેએ તેની જમાનત આપીને છોડાવ્યો હતો.
બે વરસ પછી શાહરૂખને ખબર પડી કે એ સ્ટોરી કીથ ડી કોસ્ટાએ નહોતી લખી. તેણે સામેથી માફી માંગી.
ઘર આવીને કીથના માતાપિતાની પણ ક્ષ્ામા માગવાનું પ્રોમિસ આપ્યું અને કીથને સિને બ્લિટઝ માટે ફોટો ફિચર અને ઈન્ટરવ્યૂ પણ આપ્યા, વળતર તરીકે.
– તો આ છે શાહરૂખ ખાન. અસામાન્યતા, એબનોર્માલિટી કે અતિશયોક્તિથી ભરપૂર વિશિષ્ટતાઓ જ તેની ઓળખાણ છે. એ પોતાના લગ્નમાં હાથી પર બેસીને ગયો હતો. જે ફિલ્મે તેને ઓળખ આપી એ દીવાનાની પોતાની એકટિંગને તેણે ના પસંદ કરી હતી. કેરિયરના આરંભે જ તેણે ત્રણ ત્રણ (ડર, બાઝીગર અને અંજામ) ફિલ્મોમાં નેગેટિવ કિરદાર ર્ક્યા હતા. પરણીને ગૌરી સાથે મુંબઈ આવ્યો ત્યારે તેની પાસે મુંબઈમાં ઘર નહોતું. વિવેક વાસવાનીએ તેના માટે ત્રણ દિવસ ફાઈવસ્ટાર હોટેલ બુક કરી હતી. એ પછી અઝીઝ મિર્ઝાના ફલેટમાં પાંચ મહિના દંપતી રહ્યું. ગૌરી-શાહરૂખ ઘરમાં ત્યારે માત્ર ઈંડા જ રાખતાં. બે ગાદલાં જ તેમનું ફર્નિચર હતું. બરાબર ત્રણ જ વરસ પછી (૮ ઓકટોબર, ૧૯૯પ) ગૌરીને જન્મદિવસની ભેટ તરીકે છવ્વીસ હજાર સ્કેવર ફીટમાં પથરાયેલો મન્નત બંગલો એસઆરકે આપે છે. શાહરૂખ-ગૌરીનું દામ્પત્ય અને લવસ્ટોરી આજે પણ લપસણાં બોલીવૂડમાં મિસાલરૂપ ગણાય છે. શાહરૂખ ખાન પરદા પર અને પરદા પાછળ રોમાન્સનો રાજા ગણાય છે પણ ડર, બાજીગર વખતે તેને લવસ્ટોરીવાળી ફિલ્મો કરવામાં જરાય રસ નહોતો. દિલવાલે દુલ્હનિયા માટે આદિત્ય ચોપરાએ કેટલા ચણામમરા ફાંક્વા પડેલા તેની વાત હવે થશે.
છેલ્લો એપિસોડ શુક્રવારે